ગુજરાતમાં ભારે વરસાદ : આ વિસ્તારોમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ?

છેલ્લા કેટલાક દિવસોના ભારે વરસાદને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અમદાવાદ મીરર અખબારના અહેવાલ પ્રમાણે પોરબંદર, ભરુચ જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે અને આ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી, કપાસ અને કઠોળના પાકને અસર પહોંચી છે.પોરબંદરના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પાછલા સપ્તાહના અંતમાં પડેલા 6થી 9 ઈંચ વરસાદને કારણે તેમનો કપાસ, મગફળી, રાયડો વગેરેનો 70 ટકા પાક નષ્ટ થઈ ગયો છે અને હવે તેઓ લીલા દુકાળની સ્થિતિથી ખૂબ નજીક છે.

ભરુચના ખેડૂતના જણાવ્યા અનુસાર નર્મદાના દરવાજા ખોલાયા બાદ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી શેરડી અને કેળાંના પાકને સૌથી વધુ નુકસાન થયું છે.ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતો કઠોળ અને કપાસના પાકનું વાવેતર કરે છે. અહેવાલ જણાવે છે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે 60 ટકા પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર હવે તેમની આશા શિયાળાના પાકના વાવેતર પર જ રહેલી છે. જો કે એમાં પણ જેમની પાસે પાણીના સંગ્રહની વ્યવસ્થા નથી એવા ખેડૂતોને એમાં ફાયદો નહીં થાય.

ફેસબૂકના અંખી દાસ મામલે વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં દાવો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની ખબર પ્રમાણે વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં દાવો કરાયો છે કે 2014ની સામાન્ય ચૂંટણીઓ ભાજપે ભારે બહુમતીથી જિત્યાના એક દિવસ પહેલાં ફેસબૂકના ભારતના પબ્લિક પૉલિસી હેડ અંખી દાસે કંપનીના કર્મચારીઓને એક આંતરિક સંદેશો મોકલાવ્યો હતો.

જેમાં લખ્યું હતું, "આપણે તેમના સોશિયલ મીડિયા કૅમ્પેનને ચિંગારી આપી અને બાકી ઇતિહાસ છે."ટાઇમ્સ ઑફ ઇન્ડિયા તેની આ ખબરમાં લખે છે કે જો કે ફેસબૂકે જોકે કહ્યું કે તેમની પોસ્ટને "સંદર્ભ વિના" જોવામાં આવી.

અંખી દાસ કંપની દ્વારા હાલના સત્તાધારી પક્ષ ભાજપની તરફેણ કરાઈ હોવાના આરોપ સાથેની રાજકીય આક્ષેપબાજીના કેન્દ્ર સ્થાને છે.અહેવાલ પ્રમાણે વોલસ્ટ્રીટજર્નલે 2012થી 2014 દરમિયાન કંપનીના ઇન્ટરનલ ગ્રૂપમાં પોસ્ટ થયેલા મૅસેજીસને તપાસ્યા.

આમાંના એક મૅસેજમાં તેઓએ પીએમના 'સ્ટ્રૉંગમૅન' તરીકે વખાણ કર્યાં જેમણે ભૂતપૂર્વ સત્તાધારી પાર્ટીના અંકુશને તોડ્યો.

ફેસબૂક કહ્યું કે દાસની પોસ્ટ કોઈ અયોગ્ય તરફેણ કરાઈ હોવાનું દર્શાવતી નથી અને તેને સંદર્ભ બહાર જોવામાં આવી છે.

ગુજરાતમાં 32 કેન્દ્રો JEEની પરીક્ષા માટે સજ્જ

1થી 6 સપ્ટેમ્બર દરમ્યાન લેવાનારી JEEની પરીક્ષા માટે ગુજરાતમાં 13 જિલ્લાઓમાં 32 કેન્દ્રો પર વ્યવસ્થા કરી દેવાઈ છે.ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાતમાંથી 38,167 વિદ્યાર્થીઓ જૉઇન્ટ ઍન્ટ્રેન્સ ઍક્ઝામિનેશન(JEE)ની પરીક્ષા માટે ઉપસ્થિત રહેનાર છે અને એક દિવસમાં બે અલગ અલગ સમયે પરીક્ષા લેવાનારી છે.

કોરોના મહામારીની સ્થિતિને જોતાં એકજ સમયે વિદ્યાર્થીઓની મોટી સંખ્યાને ટાળવા માટે વિદ્યાર્થીઓને તેમની હાજરીની નોંધ માટે અને પરીક્ષા આપ્યા પછી બહાર જવા માટે અલગ અલગ ટાઇમ સ્લૉટ અપાયા છે.કોવિડ-19 માટેના નિયત કરાયેલા ધારાધોરણો અનુસાર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર સેનિટાઇઝર્સ આપવામાં આવશે અને પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે.

જેમનામાં શરીરનું વધુ તાપમાન જણાય તેમને દરેક કેન્દ્ર પર બનાવાયેલા આઇસોલેશન રુમમાં બેસાડવામાં આવશે. દરેક પરીક્ષાર્થીએ પરીક્ષા કેન્દ્ર પર તેમને આપવામાં આવેલા ફેસ માસ્ક પહેરવા ફરજિયાત હશે.ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમવારે પરીક્ષા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 15 જિલ્લાના કલેકટરો અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ સાથે ઑનલાઇન મીટિંગ કરી હતી.

ISIના એજન્ટ તરીકે કામ કરતો હોવાનું ખૂલતા કચ્છના એક શખ્સની ધરપકડ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ રવિવારે પશ્ચિમ કચ્છના એક શખ્સની તે પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ(ISI)ના એજન્ટ તરીકે કામ કરતો હોવાનું જણાયા બાદ ધરપકડ કરી હતી.હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે પશ્ચિમ કચ્છ વિસ્તારના રજકભાઈ કુંભારની મૂળ ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા એક રક્ષા/ આઇએસઆઈ સંબંધી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસ 19 જાન્યુઆરીએ લખનઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર સંબંધી છે. જેમાં ચંડોલી જિલ્લાના મોહમ્મદ રશિદની ધરપકડ કરવામાં આવી હતી.

એનઆઇએની તપાસમાં બહાર આવ્યુ હતું કે રશિદ પાકિસ્તાનના આઇએસઆઈ અથવા ડિફેન્સ હૅન્ડલર્સ સાથે સંપર્કમાં હતો અને બે વાર પાકિસ્તાન પણ જઈ આવ્યો હતો.

શુક્રવારે એનઆઇએએ કુંભારના ઘરની આ કેસ સંબંધે તલાશી લીધી હતી. તપાસમાં માલૂમ પડ્યું કે કુંભારે કોઈ રિઝવાન નામના વ્યક્તિને 5,000 રુપિયા પેટીએમથી ટ્રાન્સફર કર્યા હતા.

જે આગળ રશિદને આપવામાં આવ્યા હતા. કુંભારે રશિદને આ રકમ આઇએસઆઇના ઇશારે તેણે આપેલી માહિતીના બદલામાં આપી હતી એમ અહેવાલ જણાવે છે.

મુંબઈ ઍરપોર્ટનો કારોબાર હવે અદાણી ગ્રૂપના હસ્તક

અદાણી ગ્રૂપે દેશના બીજા નંબરના સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ ગણાતા મુંબઈ ઍરપૉર્ટના કારોબારની કામગીરી પોતાને હસ્તક મેળવી લીધી છે.લાઇવમિન્ટના અહેવાલ પ્રમાણે ગૌતમ અદાણી સંચાલિત અદાણી ગ્રૂપે સોમવારે જણાવ્યું કે તેણે જીવીકે ઍરપૉર્ટ્સ ડેવલપર્સ લિં.ના દેવાંને ખરીદવા માટેના કરાર કર્યા છે.

જેની સામે મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ્સ લિ.(MIAL)માં 50.5 ટકા હિસ્સો મેળવ્યો છે.

અદાણી ગ્રૂપ દક્ષિણ આફ્રિકાની બે કંપનીઓનો MIALમાં રહેલો 23.5 ટકા કુલ હિસ્સો પણ ખરીદી લેશે. જે માટે તેણે કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાની મંજૂરી મેળવી લીધી છે.

આ સાથે અદાણી ગ્રૂપનો MIALમાં કુલ 74 ટકા હિસ્સો થઈ જશે. જ્યારે બાકીનો 26 ટકા હિસ્સો સરકાર હસ્તકની ઍરપૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા પાસે રહેશે.અહેવાલ પ્રમાણે આ સોદો અદાણી ગ્રૂપનું દેશના અગ્રણી ઍરપૉર્ટ સંચાલક બનવાની દિશામાં સૌથી મોટું પગલું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો