ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતની હવા ગંદી હોવાનો દાવો કેટલો સાચો?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી પહેલાં યોજાયેલી છેલ્લી પ્રેસિડેન્સિયલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "ભારત ગંદુ છે ભારતની હવા ગંદી છે."

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "છેલ્લી ક્લાઇમેટ ચેન્જની લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકર્ડ ખરાબ રહ્યો છે."

ટ્રમ્પે કહ્યું, "અમે અનેક નિયમ બનાવ્યા છે. ચોખ્ખી હવા વિશે બાઇડન કરતાં વધારે જાણું છું. અમેરિકામાં કાર્બન ઉત્સર્જન સૌથી ઓછું છે. ચીન ગંદુ છે, રશિયા ગંદુ છે અને ભારત ગંદુ છે. ત્યાંની હવા ગંદી છે. તેઓ આની (ક્લાઇમેટ ચેન્જ સામેની) લડાઈમાં રેકર્ડ ખરાબ કરી રહ્યા છે."

બાઇડને કહ્યું, "ક્લાઇમેટ ચેન્જ મોટો મુદ્દો છે પરંતુ ટ્રમ્પ તેને મજાકમાં લે છે. એ માનવતા માટે ભય છે. આપણે તેના પર યોજના બનાવવાની જરૂરિયાત છે. આના માટે જૉબ્સ પણ આપવામાં આવશે. આપણે ઑઇલ એનર્જીની જગ્યાએ પુન:પ્રાપ્ય ઊર્જા પર ફોક્સ કરવાની જરૂર છે."

પાકિસ્તાન સહિત ચાર દેશોની હવાભારત કરતાં વધારે ખરાબ

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં અનેક ચર્ચા થઈ રહી છે. ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો #HowdyModi કાર્યક્રમ ટાંકીને લોકો ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરે છે. અનેક લોકો ટ્રમ્પની વાત સાચી છે એમ પણ કહી રહ્યા છે.

આઈક્યૂ ઍર.કોમના એક અહેવાલ અનુસાર દુનિયામાં જે દેશોની હવા સૌથી ખરાબ છે તેમાં ભારતનું સ્થાન પાંચમાં ક્રમે આવે છે.

આ સંસ્થાના અહેવાલ અનુસાર દુનિયામાં સૌથી ખરાબ હવામાં પહેલાં ક્રમે બાંગ્લાદેશ છે. ત્યારબાદ પાકિસ્તાન, મંગોલિયા, અફઘાનિસ્તાન છે અને ભારતનો ક્રમ પાંચમો છે.

વેબસાઇટ પર દર્શાવેલાં આંકડા દર્શાવે છે કે 2018માં ભારતની હવામાં જે પીએમ 2.5નું એવરેજ પ્રમાણ 72.54 હતું તે 2019માં ઘટીને 58.08ને પહોંચ્યું છે.

દુનિયાના 50 શહેરોની હવા સૌથી વધારે પ્રદૂષિત છે તેમાં ભારતના 26 શહેરોનો સમાવેશ થાય છે.

અહીં મહત્ત્વની વાત એ છે કે આ શહેરોમાં મોટા ભાગના શહેરો ઉત્તર ભારતના અને તે પણ દિલ્હીની આસપાસના છે.

તો શું અમેરિકામાં ચોખ્ખી હવા અને પાણી છે?

ટ્રમ્પે ડિબેટમાં નિવેદન આપ્યું હતું કે આપણી(અમેરિકામાં) હવા ખૂબ જ સાફ છે, પાણી પણ સાફ છે.

બીબીસીની રિયાલિટી ચેક ટીમના અહેવાલ અનુસાર અમેરિકાની હવા સાફ છે પરંતુ પાણી સાફ નથી.

પર્યાવરણ પ્રૉટેક્શન એજન્સીએ કહ્યું હતું કે અમેરિકામાં હાલમાં સૌથી ચોખ્ખી હવા છે.

છેલ્લાં કેટલાંક દાયકાઓમાં અમેરિકાની હવામાં રહેલાં છ મહત્ત્વના પ્રદૂષકોની સંખ્યામાં મોટો સુધારો આવ્યો છે.

યેલ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર પીવાના પાણી અને સૅનિટેશનની બાબતમાં અમેરિકા દુનિયામાં 26મા ક્રમે છે.

આ રૅન્કિંગમાં પહેલાં ક્રમે ફિનલૅન્ડ, આઇસલૅન્ડ, ધ નેધરલૅન્ડ, નોર્વે, સ્વિત્ઝર્લૅન્ડ અને બ્રિટન છે.

ભારતની હવા સુધારવા સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમ

ભારત સરકારે વર્ષ 2019ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં હવા પ્રદૂષણની થીમ રાખી હતી.

પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલાં વાર્ષિક અહેવાલમાં દિલ્હીની હવામાં પી.એમ. 2.5ના પ્રદૂષકોમાં 2016ની સરખાણીએ 2019માં 19.3 ટકાથી ઘટીને 5.2 ટકાએ આવ્યા છે.

ભારત સરકારે દિલ્હીમાં છેલ્લાં 5 વર્ષમાં નવા 500 ગેસ સ્ટેશનને પરવાનગી આપી છે.

દિલ્હીમાં મેટ્રોના નેટવર્કને 377 કિલોમીટર સુધી ફેલાવવામાં આવ્યું છે. ભારત સરકારે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક વિહિકલને પરવાનગી આપી છે.

આ ઉપરાંત વીજળી ઉત્પાદન માટે થર્મલ પાવરના સ્થાને પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો