You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂઝીલૅન્ડ : આબોહવા પરિવર્તનને રોકવા માટે ગાય અને ઘેટાં પર કર કેમ નાખી રહ્યું છે?
- લેેખક, પીટર હોસ્કિન્સ દ્વારા
- પદ, બીબીસી ન્યૂઝ
- 50 લાખની વસતી ધરાવતા ન્યૂઝીલૅન્ડમાં 1 કરોડ ઢોર અને 2.6 કરોડ ઘેટાં છે.
- દેશમાં ગ્રીનહાઉસ ગૅસના કુલ ઉત્સર્જન માટે કૃષિક્ષેત્ર અડધોઅડધ જવાબદાર છે.
- પર્યાવરણમંત્રાલયનું કહેવું છે કે આનાથી એકત્ર કરાયેલાં નાણાં ખેડૂતોના વિકાસ માટે જ રોકશે, પણ ખેડૂતો શું કહે છે?
ન્યૂઝીલૅન્ડે ગ્રીનહાઉસ ગૅસના દેશના સૌથી મોટા સ્ત્રોતોમાંના એકને પહોંચી વળવા માટે ઘેટાં અને ઢોરના ઓડકાર પર ટૅક્સ લગાવવાની યોજના ઘડી છે.
આ સાથે જ ન્યૂઝીલૅન્ડ ખેડૂતો પાસેથી તેમનાં પશુઓના મિથેનઉત્સર્જન માટે કર વસુલનાર પ્રથમ દેશ બનશે.
ન્યૂઝીલૅન્ડની 50 લાખની વસતી છે પરંતુ આ દેશમાં 1 કરોડ ઢોર અને 2.6 કરોડ ઘેટાં છે.
દેશના કુલ ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનમાંથી લગભગ અડધો હિસ્સો કૃષિમાંથી આવે છે, અને તે મુખ્યત્વે મિથેન વાયુ છે.
જોકે, કૃષિ સંલગ્ન ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનનો અગાઉ ન્યૂઝીલૅન્ડની ઉત્સર્જન વ્યાપાર યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો અને સરકારના આ પગલાની ગ્લોબલ વોર્મિંગ રોકવા માટે કટિબદ્ધ લોકો દ્વારા ટીકા કરવામાં આવી હતી.
ન્યૂઝીલૅન્ડના ક્લાયમેટ ચેન્જ મંત્રી જૅમ્સ શૉએ જણાવ્યું હતું કે, "આપણે વાતાવરણમાં મિથેનનું જે માત્રામાં ઉત્સર્જન કરીએ છીએ તેમાં ઘટાડો કરવાની જરૂર છે, એમાં કોઈ સંશય નથી અને કૃષિ માટે અસરકારક ઉત્સર્જન કિંમતપ્રણાલી તેમાં મુખ્યરૂપે મદદરૂપ થશે."
આ પ્રસ્તાવ અંતર્ગત, ખેડૂતોએ 2025થી તેમના મિથેન ગૅસઉત્સર્જન માટે ચૂકવણી કરવી પડશે.
આ યોજનામાં ખેડૂતો માટે પ્રોત્સાહક યોજનાઓને પણ સમાવવામાં આવી છે. ખેડૂતો વૃક્ષોનું વાવેતર વધારીને ઉત્સર્જનને સરભર કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશુપાલક ઍન્ડ્રુ હોગાર્ડ 'ફેડરેટેડ ફાર્મર્સ ઑફ ન્યૂઝીલૅન્ડ' સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ આ દરખાસ્તને આવકારે છે.
તેઓ કહે છે, "અમે આ મુદ્દે વર્ષોથી સરકાર અને અન્ય સંસ્થાઓ સાથે સંકલન સાધીને કામ કરી રહ્યા છીએ કે જેથી ન્યૂઝીલૅન્ડમાં ખેતી બંધ ન થાય. તેથી અમે ઘણી બધી વસ્તુઓ પર હસ્તાક્ષર કર્યા છે જેનાથી અમે ખુશ છીએ."
તેમણે ઉમેર્યું, "પરંતુ અન્ય કરારોની જેમ આમાં તમારે કેટલાક કડવા ઘૂંટ ગળે ઉતારવા પડશે."
ઍન્ડ્રુ હોગાર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ યોજનાના લાગુ કરવાની સાથે હજુ સુધી તેઓ સંમત થયા નથી.
તેઓ કહે છે, "હજુ ઘણી સ્પષ્ટતા બાકી છે. જેમ કે આ યોજનાને કોણ અમલમાં મૂકશે. સરકારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે."
રોડ-મેપ બનાવવાનો બાકી
દેશના પર્યાવરણમંત્રાલયે જણાવ્યું હતું કે આ યોજનામાંથી એકત્ર કરાયેલાં નાણાંનું ખેડૂતો માટે સંશોધન, વિકાસ અને સલાહકારી સેવાઓમાં રોકાણ કરવામાં આવશે.
ગયા મહિને, ન્યૂઝીલૅન્ડના નાણામંત્રીએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટેની પહેલના ભાગ રૂપે 1.9 અબજ ડૉલરની ફાળવણી કરી હતી. આ નાણાં પ્રદૂષકો પર કર લાદતી ઉત્સર્જન ટ્રેડિંગ સિસ્ટમ દ્વારા ઊભાં કરવામાં આવશે.
આ દરમિયાન ગુરુવારે, 14 ટ્રિલિયન ડૉલરની સંપત્તિનું સંચાલન કરતા રોકાણકારોએ સંયુક્ત રાષ્ટ્રને કૃષિક્ષેત્રને ટકાઉ બનાવવા વૈશ્વિક યોજના ઘડવા માટે વિનંતી કરી હતી.
સમાચાર સંસ્થા રોયટર્સ અનુસાર યુએનના 'ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન'ના ડાયરેક્ટર-જનરલને લખેલા પત્રમાં એફએઆઈઆરઆરએ જણાવ્યું હતું કે એજન્સી એક સૌથી મોટા આબોહવા નુકસાનકર્તા ઉત્સર્જનના સ્ત્રોતને રોકવા માટે રોડ-મેપ બનાવવા સક્ષમ છે.
કાર્બન ડાયોક્સાઇડ (CO2) પછી મિથેન બીજા ક્રમનો ગ્રીનહાઉસ ગૅસ છે.
મિથેન માનવપ્રવૃત્તિઓના કારણે પેદા થાય છે અને તાપમાનમાં વધારા પાછળ ત્રીજા ક્રમનો જવાબદાર વાયુ છે.
કાર્બન ડાયોક્સાઇડના અણુઓ કરતાં મિથેનના અણુ વાતાવરણ પર વધુ શક્તિશાળી નકારાત્મક અસર ઊભી કરે છે.
ગયા વર્ષે ગ્લાસગોમાં COP26 પર્યાવરણીય પરિષદમાં યુએસ અને યુરોપિયન યુનિયન 2030 સુધીમાં વાયુના ઉત્સર્જનમાં 30% ઘટાડો કરવા સંમત થયા હતા. ન્યૂઝીલૅન્ડ સહિત 100થી વધુ દેશોએ આ પહેલ પર હસ્તાક્ષર કર્યા છે.
મિથેન કેવી રીતે ઉત્સર્જિત થાય છે?
લગભગ 40% મિથેન વૅટલૅન્ડ્સ જેવા કુદરતી સ્ત્રોતોમાંથી આવે છે, પરંતુ આજે મિથેનનો મોટો હિસ્સો માનવપ્રવૃત્તિઓ થકી આવે છે.
એમાં મોટો હિસ્સો પશુપાલન અને ચોખાના ઉત્પાદનથી લઈને કચરાના ઢગલા સહિતના કૃષિક્ષેત્રમાંથી આવે છે.
2008થી મિથેન ઉત્સર્જનમાં ભારે વધારો થયો છે. 2019માં વાતાવરણમાં મિથેનનું પ્રમાણ વિક્રમી સ્તરે પહોંચ્યું હતું, જે ઔદ્યોગિક યુગ પહેલાંના સ્તર કરતાં લગભગ અઢી ગણું વધારે છે.
વૈજ્ઞાનિકોને ચિંતા એ છે કે પૃથ્વીને ગરમ કરવાની વાત હોય ત્યારે મિથેન મોટા વિલન તરીકે ઊભરી આવ્યો છે.
100-વર્ષના સમયગાળામાં મિથેન વાયુએ CO2ની સરખામણીએ પૃથ્વીને 28-34 ગણી ગરમ કરી છે.
વળી, મિથેન વાયુ છેલ્લાં 20-વર્ષના સમયગાળામાં કાર્બન ડાયોક્સાઈડ કરતાં દળના એકમ દીઠ લગભગ 84 ગણો શક્તિશાળી છે.
જોકે, વાતાવરણમાં મિથેન કરતાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે અને તેના અણુઓ સેંકડો વર્ષો સુધી ટકી રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો