'સેવ સોઇલ' માટે નીકળેલા સદગુરુ જગ્ગી વાસુદેવે મંદિર-મસ્જિદ વિવાદ અંગે શું કહ્યું?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવે કહ્યું છે કે ભૂતકાળમાં તોડી પાડવામાં આવેલાં તમામ મંદિરોનું પુનઃનિર્માણ કરવું વ્યવહારુ નથી.

તેમના અનુયાયીઓ વચ્ચે સદગુરુ તરીકે ઓળખાતા જગ્ગી વાસુદેવે બીબીસી સાથેની વિશેષ વાતચીતમાં કહ્યું, "ભારત એક એવો દેશ છે જ્યાં એક સમયે દરેક રસ્તા પર એકથી વધુ મંદિરો હતાં. શું તેમને હુમલા દરમિયાન તોડી પાડવામાં આવ્યાં હતાં? હા, તેમને તોડી પાડવામાં આવ્યાં હતાં. શું તમે બધાં મંદિરો ફરીથી બાંધશો? તે અશક્ય છે, કારણ કે તમારે આ માટે આખા દેશને ફરીથી ખોદવો પડશે. એ વ્યવહારુ નથી."

તેમણે કહ્યું કે કેટલીક પ્રતિષ્ઠિત જગ્યાઓ છે જેના વિશે તેમને લાગે છે કે લોકોએ બેસીને વાતચીતના માધ્યમથી મામલો ઉકેલવો જોઈએ.

જગ્ગી વાસુદેવે કહ્યું, "હું એવા કેટલાક પરિવારોને ઓળખું છું જેમણે તે સમયે મુશ્કેલીઓ જોઈ હતી અને તેમને હજુ પણ યાદ છે કે તેમના પૂર્વજોએ શું વેઠ્યું હતું. તેઓ એકબીજા સાથે વાત કરે છે કે તેઓએ શું જોયું. જ્યારે તેઓ દિલ્હીના ઔરંગઝેબ રોડને જુએ છે, ત્યારે તેમને દુઃખ થાય છે. એ તો એના જેવું છે કે તમે ઈઝરાયલમાં જઈને એડોલ્ફ હિટલર રોડ બનાવો. તેનાથી તેમને ભારે દુ:ખ થશે. તો શું આપણે ઇતિહાસ ફરીથી લખીશું? શું આપણે હિટલરને ભૂલી જવો જોઈએ?"

તેઓ ઉમેરે છે, "તમે હિટલરને ભૂલી શકતા નથી કારણ કે તે આપણા મગજમાં છે. તેવી જ રીતે, ઔરંગઝેબનું નામ આપણા ઇતિહાસનાં પુસ્તકોમાં છે. ઔરંગઝેબે શું કર્યું તેના વિશે. તમારે દિલ્હીમાં ઔરંગઝેબને શ્રદ્ધાંજલિ આપવાની જરૂર નથી, તેનાથી લોકોને દુઃખ થશે. તેથી આ બાબતોને તમે સુધારો. કારણ કે તમે બાકીની વસ્તુઓ વિશે કંઈ કરી શકતા નથી કારણ કે હજારો મંદિરો ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. શું તમે તેને ફરીથી બનાવી શકો છો? શું તમે તેને ફરીથી બનાવવા યોગ્ય છો? શું તે જરૂરી છે? ના, જીવન એવી રીતે નથી ચાલતું. તમારી સાથે ભૂતકાળમાં કેટલીક ખરાબ વસ્તુઓ થઈ છે. તમારે તેને પાછળ છોડી દેવી પડશે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના આવા શબ્દો પર તેમને કેવા પ્રકારની પ્રતિક્રિયા મળી, ત્યારે જગ્ગી વાસુદેવે કહ્યું, "તેઓ હંમેશાંની જેમ મને ગાળો આપે છે..."

સદગુરુને બંને તરફથી આવી પ્રતિક્રિયાઓ મળી રહી છે?

આ પ્રશ્નના જવાબમાં જગ્ગી વાસુદેવ કહે છે, "ઘણા હિંદુઓ મને ગાળો આપી રહ્યા છે, કારણ કે કોઈ કારણસર તેમને લાગે છે કે હું પૂર્ણ હિંદુ નથી. તેઓએ એ સમજવું પડશે કે હું ભારતના ભવિષ્યની વાત કરી રહ્યો છું."

"જો તમે વ્યવહારિક બાજુને નહીં જુઓ, જો તમે નહીં જુઓ કે આપણા દેશ માટે વ્યવહારુ ઉપાય શું છે, તો તમે હંમેશાં લડ્યા કરશો. કોઈ પણ સમાજમાં સતત યુદ્ધમાં ડહાપણની કોઈ વાત હોતી નથી કારણ કે તેમાં સડકો પર સૌથી અસંસ્કારી લોકોનું રાજ હોય છે."

'સેવ સોઇલ' અભિયાન

જમીનની બગડતી ગુણવત્તા તરફ વિશ્વનું ધ્યાન દોરવા માટે, તેમણે માર્ચમાં લંડનથી મોટરબાઇક પર 100 દિવસની યાત્રા શરૂ કરી. ઝુંબેશનું નામ છે 'સેવ સોઈલ' એટલે કે માટી બચાવો.

તેઓ હવે યુરોપ, પશ્ચિમ એશિયાના અનેક દેશોમાંથી પસાર થઈને ભારત પરત ફર્યા છે.

તેઓ કહે છે કે માટીમાં જીવન છે, અને માનવ જીવન માટે અત્યંત જરૂરી છે કે માટીની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ, તેમાં ખનિજોનું પ્રમાણ ઘટવું ન જોઈએ, કારણ કે જો એમ થશે તો ઉત્પાદન પર અસર પડશે અને વધતી જતી વસતિની ખોરાક ઉપલબ્ધતા પર અસર પડશે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માનવીય પ્રવૃત્તિઓને કારણે જમીનના ફળદ્રુપ સ્તરની ગુણવત્તા ઘટી રહી છે અને તેનાથી વૈશ્વિક ખાદ્ય ઉત્પાદન પર ખતરો ઊભો થયો છે.

'સેવ સોઈલ' ઝુંબેશ મુજબ, મોટા પાયે ફળદ્રુપ જમીનને નુકસાન થઈ રહ્યું છે.

અભિયાન મુજબ, ખેતી માટે ઉપયોગમાં લેવાતી જમીનમાં 3-6 ટકા ઓર્ગેનિક તત્ત્વ હોવાં જરૂરી છે, પરંતુ વિશ્વના મોટા ભાગના વિસ્તારમાં એવું નથી રહ્યું.

'મસ્જિદ એક સમયે મંદિર હતું' વિવાદ

આરએસએસના વડા મોહન ભાગવતના દરેક મસ્જિદમાં શિવલિંગ શા માટે જોવાં જોઈએ એવા નિવેદન પર, જગ્ગી વાસુદેવે કહ્યું, "તમે બધે શિવલિંગ ન શોધો કારણ કે ભારતમાં શિવલિંગ દરેક જગ્યાએ જોવા મળશે, દરેક શેરીમાં, દરેક ઘરમાં જોવા મળશે. આ જમીન પર, સમાજમાં જે ઊથલપાથલ થઈ છે, તેમાં તમને ઘણી વસ્તુઓ મળશે, પરંતુ તમે બધું ફરીથી બનાવી શકતા નથી. કારણ કે એ તો 1000 વર્ષ જૂના ભારતનું પુનઃનિર્માણ કરવા જેવું હશે અને આવું કરવું વ્યવહારુ નહીં ગણાય."

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરના યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં ભારતની આકરી ટીકાને, જગ્ગી વાસુદેવે 'ઉતાવળે કરેલી કાર્યવાહી' ગણાવી છે.

તેઓ કહે છે, "મને લાગે છે કે યુએસ સરકારે ઉતાવળમાં આવી પ્રતિક્રિયા આપી છે. ભારત જેવા દેશમાં, જ્યાં ઘણી બધી જટિલતાઓ છે, ત્યાં તમારે ભારત સાથે આ રીતે વાત ન કરવી જોઈએ. કારણ કે ભારતમાં વસ્તુઓ એટલી સરળ નથી. અમે સેંકડો વર્ષ સાથે રહ્યા છીએ. અહીં જટિલતાઓ, સમસ્યાઓ, મુદ્દાઓ છે પરંતુ આ એક એવો દેશ છે જ્યાં વાત એટલી સરળ નથી."

આ રિપોર્ટના જવાબમાં ભારતે કહ્યું છે કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વોટ બૅંકની રાજનીતિ કરવામાં આવી રહી છે.

ભાજપનાં પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ એક ટીવી શોમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે જગ્ગી વાસુદેવે કહ્યું હતું કે, "ભારતમાં આ બધી બાબતોને કારણ વગર વધુ પડતું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ગુસ્સે ભરાયેલા લોકો ઘણી વાતો કહી દે છે. તેને રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો કેમ બનાવવામાં આવે છે. શું કોઈ જરા પણ ડહાપણભરી વાત કહી રહ્યું છે?"

આરબ દેશોના તેમના પ્રવાસ અંગે તેમણે કહ્યું હતું કે, "હું જે પણ આરબ દેશોમાં ગયો ત્યાં અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા કાર્યક્રમોમાં ત્રણ ગણું બુકિંગ થયું હતું. જગ્યા ઓછી પડતી હતી. દુબઈમાં દસ હજાર લોકો આવ્યા હતા. અમે જ્યાં પણ ગયા હતા, આવું જ રહ્યું."

ટીકા

જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર, યુરોપ, મધ્ય-એશિયાની મુલાકાત દરમિયાન તેમને જનસામાન્ય, અધિકારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો અને આ 100 દિવસની યાત્રા પછી પણ તેઓ સતત નીતિઓમાં બદલાવ કરતા રહેશે.

પરંતુ કેટલાંક વર્તુળોમાં સવાલો ઊભા થયા છે કે યુરોપ સેન્ટ્રલ-એશિયાથી મોટરસાઇકલ પર કેટલાક હજાર કિલોમિટરની સફર કેવી રીતે જમીનની ગુણવત્તાને બચાવી શકે અને એ તો સેલ્ફ-પ્રમોશન કૅમ્પેન જેવું છે.

આ અંગે જગ્ગી વાસુદેવ કહે છે, "તે (વિવેચક) સંપૂર્ણ વ્યક્તિ છે કારણ કે તેણે તેના જીવનમાં એક પણ ભૂલ કરી નથી. કારણ કે તેણે તેના જીવનમાં કંઈ કર્યું જ નથી. તેમનો આ ફાયદો છે. મારી પાસે આ ફાયદો નથી. હું દુનિયામાં કામ કરી રહ્યો છું. લોકો મારી સાથે છે. હું તેમના જેવું પરફેક્ટ કામ નથી કરી શકતો, જે કદાચ તેઓ સપનામાં કરે છે."

"તેમની ઉંમર ગમે તે હોય, તેમને કહો કે મને દસ દિવસમાં 10,000 કિલોમિટરની મુસાફરી કરી બતાવે."

મુસાફરી દરમિયાન તેમની મોટરસાઇકલે હજારો લિટર પેટ્રોલ પણ પીધું હશે અને કાર્બન ડાયોક્સાઇડ છોડ્યો હશે એવી ટીકા પર, તેઓ કહે છે, "તો મારે 50 સીસીની મોપેડ ચલાવવી જોઈએ? શું એમનો કહેવાનો આવો ભાવાર્થ છે? તેમની પસંદગીની કાર કઈ છે, ઓછામાં ઓછું એ તો મને કહે? હું તેનો ઉપયોગ કરીશ."

'સેવ સોઇલ' અભિયાનના મહત્ત્વ વિશે, જગ્ગી વાસુદેવ કહે છે, "વાત એ છે કે વિશ્વને આ વિશે (માટીની ગુણવત્તા વિશે) જાણ હોવી જોઈએ અને તેના વિશે જવાબ આપવો જોઈએ. શું આવું થયું છે? આવું જ થયું છે. 2.5 અબજ લોકોએ પ્રતિભાવો (સેવ સોઇલ કૅમ્પેન પર) આપ્યા છે. તેમણે આ પહેલાં ક્યારેય માટી વિશે વાત કરી હતી? તેઓ હવે માટી વિશે વાત કરી રહ્યા છે."