You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટનમાં મહમદ પયગંબરનાં પુત્રી પર બનેલી ફિલ્મનો વિરોધ, સિનેમા કંપનીએ સ્ક્રિનિંગ રદ કર્યું
સિનેમા ચેઇન સિનેવર્લ્ડે યુકેમાં તેનાં તમામ થિયેટરોમાં મહમદ પયગંબરનાં પુત્રી પર બનેલી ફિલ્મનું સ્ક્રિનિંગ રદ્દ કર્યું છે. થિયેટરોની બહાર થયેલા વિરોધપ્રદર્શન બાદ કંપનીએ આ નિર્ણય લીધો હતો.
સિનેવર્લ્ડે કહ્યું કે તેણે તેના કર્મચારીઓ અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફિલ્મનું સ્ક્રિનિંગ અટકાવ્યું છે.
બ્રિટનમાં પયગંબર મહમદનાં પુત્રી પર બનેલી ફિલ્મ 'લેડી ઑફ હેવન્સ'નો વિરોધ થઈ રહ્યો છે. લગભગ એક લાખ વીસ હજાર લોકોએ આ ફિલ્મને સિનેમાઘરોમાંથી હટાવવાની માગ કરતી અરજી પર હસ્તાક્ષર કર્યા છે.
બૉલ્ટન કાઉન્સિલ ઑફ મૉસ્ક દ્વારા આ ફિલ્મને 'ઇશનિંદા' અને સાંપ્રદાયિક ગણાવવામાં આવી હતી. જોકે હાઉસ ઑફ લોર્ડ્સના સભ્ય ક્લેર ફોક્સે આ નિર્ણયને "કળા માટે વિનાશક અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે જોખમી" ગણાવ્યો હતો.
તો આરોગ્ય અધિકારી સાજિદ જાવેદે કહ્યું કે તેઓ આ 'કૅન્સલ કલ્ચર'ના વ્યાપથી ચિંતિત છે.
બૉલ્ટન ન્યૂઝ અનુસાર, બૉલ્ટન કાઉન્સિલ ઑફ મૉસ્કના અધ્યક્ષ આસિફ પટેલે સિનેવર્લ્ડને મોકલેલા ઈમેલમાં જણાવ્યું હતું કે, 'આ ફિલ્મ સાંપ્રદાયિક વિચારધારાના પાયા પર બનાવવામાં આવી છે. આમાં જૂની ઐતિહાસિક વાતોને ખોટી રીતે બતાવવામાં આવી છે. ફિલ્મ ઇસ્લામિક ઇતિહાસ સાથે જોડાયેલા ઘણા પ્રતિષ્ઠિત લોકોનું અપમાન કરે છે."
બૉલ્ટન ન્યૂઝે જણાવ્યું હતું કે લગભગ સો લોકોએ આ અઠવાડિયે થિયેટરની બહાર ફિલ્મનો વિરોધ કર્યો હતો.
મુસ્લિમ ન્યૂઝ સાઇટ 5 પિલર્સે પણ તેના ટ્વીટમાં એક તસવીર શૅર કરી છે. જે મુજબ સિનેવર્લ્ડની બર્મિંઘમ શાખાની બહાર 200 લોકો આ ફિલ્મના સ્ક્રિનિંગનો વિરોધ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર મલિક શિલિબાએ કહ્યું, "લોકો પોતાનાં મંતવ્યો રજૂ કરે. તેઓ તેમનું સ્વાગત કરે છે. પરંતુ થિયેટરોએ આગળ આવીને જનતાની ઇચ્છા અનુસાર વસ્તુઓ બતાવવાના તેમના અધિકારની રક્ષા કરવી જોઈએ."
તેમણે ગાર્ડિયન અખબારને કહ્યું, "મને લાગે છે કે થિયેટર દબાણના ભાર હેઠળ દબાઈ ગયાં છે. તેઓ કદાચ શાંતિ જાળવવા માટે આ નિર્ણય લઈ રહ્યા છે."
બુધવારે ટૉક ટીવી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "હું દેશમાં વધી રહેલા કૅન્સલ કલ્ચરથી ખૂબ જ ચિંતિત છું. એવા લોકો છે જેઓ માને છે કે તેમને ખરાબ ન લાગવું જોઈએ. કોઈને એવો અધિકાર ન હોવો જોઈએ. જો કોઈ કંઈક કહે, તો શક્ય છે કે તમને તે ન ગમે, પરંતુ તેમને બોલવાનો અધિકાર તો છે જ."
તેમણે કહ્યું કે બ્રિટનમાં ઈશનિંદાનો કોઈ કાયદો નથી. તેમણે ચેતવણી આપી હતી કે જો બ્રિટન આ રસ્તે જશે તો તેમાં મોટાં જોખમો આવશે.
"આ દેશમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને આ મૂળભૂત અધિકારો છે."
ફૉક્સે ફિલ્મની સ્ક્રિનિંગ રદ કરવાની માગની ટીકા કરતા કહ્યું કે આ પ્રકારનું 'કૅન્સલ કલ્ચર' કળા અને વાણી સ્વાતંત્ર્ય માટે ઘાતક છે. જેઓ દલીલ કરે છે કે ઓળખની રાજનીતિ લોકશાહી માટે ખતરો નથી તેમના માટે આ એક બોધપાઠ છે.
'વિભાજનકારી'
'લેડી ઑફ હેવન્સ' યુકેના સિનેમાઘરોમાં 3 જૂને રિલીઝ થઈ હતી. તેમાં ફાતિમાનું કથાનક હોવાનો દાવો કરવામાં આવે છે. ફાતિમા પયગંબર મહમદનાં પુત્રી હતાં. કેટલાંક જૂથો દ્વારા આ ફિલ્મની ટીકા કરવામાં આવી છે, કારણ કે તેમાં મહમદસાહેબને દર્શાવવામાં આવ્યા છે. ઇસ્લામમાં તેને પાપ ગણવામાં આવે છે.
જોકે, ફિલ્મની વેબસાઈટ જણાવે છે કે, "ફિલ્મમાં કોઈ પણ વ્યક્તિને પવિત્ર તરીકે દર્શાવવામાં આવી નથી. અભિનેતા-અભિનેત્રીઓ, ઇન-કૅમેરા ઇફેક્ટ્સ, લાઇટિંગ અને વિઝ્યુઅલ્સના અનોખા સંયોજન થકી રજૂઆત કરવામાં આવી છે."
બ્રિટનના સૌથી મોટું મુસ્લિમ સંગઠન મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટને આ ફિલ્મને 'વિભાજનકારી' જાહેર કરી છે.
રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં તેણે કહ્યું, "વ્યાપક એકતા અને સામાન્ય સુધારણાની હિમાયત કરતા વિદ્વાનો અને નેતાઓને સમર્થન આપો."
"ફિલ્મના સમર્થકો અને સાંપ્રદાયિક રાજનીતિ સાથે સંકળાયેલા લોકો આમાં સામેલ છે. તેમનો હેતુ નફરત ફેલાવવાનો છે."
વિવિધ સમુદાયોની રુચિને અનુરૂપ ફિલ્મો
હાલમાં લંડન અને સાઉથ ઈસ્ટ ઇંગ્લૅન્ડમાં વ્યૂ સિનેમાનાં ઘણાં થિયેટરોમાં બુધવારે આ ફિલ્મનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું.
વ્યૂ સિનેમાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "વ્યૂ એ જવાબદારીને ખૂબ જ ગંભીરતાથી લે છે જે વિવિધ પ્રકારની સામગ્રીને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા સાથે આવે છે. તે યુકેમાં વિવિધ સમુદાયોનાં હિતોને અનુરૂપ સિનેમા બતાવવામાં માને છે."
"જો આ ફિલ્મને બીબીએફસી (બ્રિટિશ બોર્ડ ઑફ ફિલ્મ ક્લાસિફિકૅશન) દ્વારા રેટિંગ આપવામાં આવ્યું હોય તો જ દૃશ્યો બતાવવામાં આવશે. જોકે બીબીએફસી એ લેડી ઓફ હેવનને માન્યતા આપી દીધી છે અને તે અમારાં ઘણાં થિયેટરોમાં ચાલી પણ રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો