You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કોરોના વાઇરસ વકર્યો, એક જ દિવસમાં 3575 કેસ અને 22 લોકોનાં મૃત્યુ
ગુજરાતમાં કોરોના વાઇરસ વકરી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 3575 નવા કેસ સામે આવ્યા છે અને 22 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે.
ગુજરાત સરકારની અખબારી યાદી મુજબ છેલ્લા 24 કલાકમાં 2217 દરદીઓ સાજા થયાં છે.
આજ રોજ સામે આવેલા કેસોમાં સૌથી વધારે કોરોના કેસ અમદાવાદમાં છે. અમદાવાદ શહેરમાં 804, સુરત શહેરમાં 621, રાજકોટ શહેરમાં 395 અને વડોદરા શહેરમાં 351 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં ઍક્ટિવ કેસની સંખ્યા 18684 છે. જે પૈકી 175 દરદીઓ વૅન્ટિલેટર પર છે અને 18509 દરદીઓની સ્થિતિ સ્થિર ગણાવાઈ રહી છે.
સરકારની અખબારી યાદી મુજબ છેલ્લા 24 કલાકમાં 1 લાખ 75 હજાર 660 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
વિજય રૂપાણીએ કહ્યું, મારા દીકરાના લગ્ન મે મહિનામાં નથી
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા થકી જાણકારી આપી છે કે મે મહિનામાં એમના દીકરાના લગ્ન નથી.
વિજય રૂપાણીએ ટ્વિટ કર્યું કે, મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયાવિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં વધારાને પગલે પાબંદીઓ વધારવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગળવારે મુખ્ય મંત્રીએ નવી પાબંદીઓને અને સરકારે લીધેલા પગલાંઓ વિશે વાત કરી હતી.
આ દરમિયાન સોશિયલ મીડિયામાં મે મહિનામાં કથિત રીતે વિજય રૂપાણીના દીકરાના લગ્ન છે એવી વાતો ચાલી રહી હતી.
વિજય રૂપાણીએ પોતે હવે સ્પષ્ટતા કરી છે કે મે મહિનામાં એમના દીકરાના લગ્ન હોવાની વાત ફેક ન્યૂઝ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સામાન્ય રીતે હોળી પછી લગ્નની સિઝન ગણાય છે.
ગુજરાત સરકારે મંગળવારે કરેલી જાહેરાત મુજબ લગ્ન અને સત્કાર સમારંભમાં પણ હવે ફક્ત 100 લોકો સુધીની જ પરવાનગી રહેશે. આ સિવાય રાજકીય અને સામાજિક મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માઓવાદીઓનું કહેણ, 'જવાનની મુક્તિ માટે સરકાર સાથે વાતચીત માટે તૈયાર'
ભારતીય સામ્યવાદી પક્ષ (માઓવાદી)એ બીજાપુરમાં થયેલા હુમલા અને એક જવાનની મુક્તિ માટે સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર માઓવાદીઓએ એક પ્રેસ નોટ જાહેર કરીને કહ્યું છે, "બીજાપુર હુમલામાં સુરક્ષાદળોના 24 જવાનોનો જીવ ગયો. 31 જવાના ઘાયલ થયા. એક જવાન અમારા કબજામાં છે. આ અથડામણમાં પીપુલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મીના ચાર જવાનોએ પણ જીવ ગુમાવ્યો."
"આ ઘટના પર અમે સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. તે મધ્યસ્થીની જાહેરાત કરી શકે છે. વાતચીત બાદ અમે એ જવાનને મુક્ત કરી દઈશું."
આ પ્રેસ નોટમાં માઓવાદીઓએ લખ્યું છે કે 'સામાન્ય પોલીસ અમારી દુશ્મન નથી અને ઘટનામાં માર્યા ગયેલા પોલીસકર્મીઓના પરિવારજનો પ્રત્યે અમે ખેદ પ્રગટ કરીએ છે.'
માઓવાદીઓએ એવું પણ લખ્યું છે કે પોલીસદળના 2000થી વધુ જવાન સુકમા અને બીજાપુર જિલ્લાનાં ગામો પર હુમલો કરવા આવ્યા હતા. જેની યોજના અમિત શાહના નેતૃત્વમાં ઘડાઈ હતી.
માઓવાદીઓ અનુસાર નવેમ્બર 2020માં શરૂ કરાયેલા આ સૈન્યઅભિયાનમાં 150થી વધુ ગામલોકોની હત્યા કરાઈ, જેમાંથી કેટલાક તેમની પાર્ટીના કાર્યકરો અને નેતાઓ હતા.
આ નોટના અંતે માઓવાદીઓએ ઉમેર્યું છે કે મોદી-શાહ ભલે ગમે એટલા મોટા હત્યાકાંડોની યોજના ઘડી લે, "અમે એ તમામ યોજનાઓનો જનયુદ્ધના માધ્યમથી જડબાતોડ જવાબ આપીશું."
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 15થી હજારથી વધુ કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1 લાખ 15 હજાર 736 નવા કેસ સામે આવ્યા છે.
આ નવા કેસની સાથે જ ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 8 લાખ 43 હજાર 473 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે 630 લોકોનાં મૃત્યુ થયાં છે, જેની સંખ્યા ઉમેરતા ભારતમાં કોવિડથી મરનારનો આંકડો 1 લાખ 66 હજાર 177 થઈ ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં 1 કરોડ 28 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 8 કરોડ 70 લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ છે.
લૉકડાઉનના ભયથી મજૂરોનું ફરી પલાયન
દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને મહારાષ્ટ્ર રાજ્યમાં અગાઉની જેમ જ સ્થિતિ વધુ ગંભીર છે. રાજ્ય સરકારે અનેક પ્રતિબંધો લાદ્યા છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે વિકેન્ડ લૉકડાઉનનો નિર્ણય લીધો છે અને તેના કારણે ઘણા લોકો પોતાના ગામ જવાની તૈયારી પણ કરી રહ્યા છે.
ભિવંડીમાં પાવરલૂમમાં કામ કરતા મજૂરો ગત વર્ષના લૉકડાઉનની જેમ આ વખતે મુશ્કેલીઓ વેઠવા માગતા નથી.
પાવરલૂમમાં કામ કરતા જીતલાલ વિશ્વકર્મીએ એનડીટીવીને કહ્યું કે "અહીં ભૂખ્યો નહીં મરું."
મજૂરો કહે છે કે "અમે આ વખતે પહેલાંથી જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ."
ભિંવડી વિસ્તારમાં પાવરલૂમ મિલમાં અંદાજે સાડા છ લાખ મજૂરો કામ કરે છે. ગત વર્ષે થયેલા લૉકડાઉનમાં મોટી સંખ્યામાં મજૂરોએ પલાયન કર્યું હતું.
બ્રાઝિલમાં એક દિવસમાં કોરોનાથી ચાર હજારથી વધુ મૃત્યુ
બ્રાઝિલમાં પહેલી વાર કોરોના વાઇરસનાં મૃત્યુનો રેકૉર્ડ સર્જાયો છે, અહીં એક દિવસમાં કોરોના વાઇરસથી છેલ્લા 24 કલાકમાં 4,000થી વધુનાં મૃત્યુ થયાં છે.
તેમજ અહીં કોરોના વાઇરસના વેરિયન્ટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. લોકોનાં મૃત્યુ થતાં કેટલાંક શહેરોમાં લોકો સારવારની રાહ જોઈ રહ્યા છે.
કોરોનાના કેસ વધતાં સ્વાસ્થ્ય-વ્યવસ્થામાં પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
દેશનો કુલ મૃત્યુઆંક લગભગ 337,000 છે, જે અમેરિકા પછી બીજા ક્રમે છે.
પરંતુ રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ ફાટી નીકળેલા કોરોનાને કાબૂમાં લેવા કોઈ પણ લૉકડાઉનનાં પગલાંનો વિરોધ ચાલુ રાખ્યો છે.
તેમનું માનવું છે કે વાઇરસની અસર કરતાં અર્થવ્યસ્થાનું નુકસાન વધુ ભયંકર હશે અને સ્થાનિક તંત્ર દ્વારા લાદવામાં આવેલા કેટલાક પ્રતિબંધોને તેઓએ પાછા ખેંચવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
'આર્થિક સુધારા મામલે ભારત ચીનને પાછળ રાખી શકે છે'
આઈએમએફ એટલે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે આર્થિક વિકાસદરને લઈને જાન્યુઆરીનાં પોતાનાં અનુમાનોમાં સંશોધન કર્યું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ, ઇકૉનૉમિક ટાઇમ્સ, ધ મિન્ટ સમેત અનેક અખબારોએ આ સમાચારને પહેલા પાને સ્થાન અપાયું છે.
આઈએમએફે જાન્યુઆરીમાં 2021-22 દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરેથી આગળ વધવાનું અનુમાન લગાવ્યું હતું.
સંસ્થાએ હવે 2021-22 માટે તેમના વાર્ષિક વૈશ્વિક આર્થિક પરિદૃશ્યમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર વધારીને 12.5 ટકા પર પહોંચવાનું અનુમાન લગાવ્યું છે.
આ માત્ર જાન્યુઆરીનાં અનુમાનથી જ નહીં પણ ચીનની તુલનામાં પણ ઘણું વધારે છે.
2021-22 દરમિયાન ચીનનો અનુમાનિત આર્થિક વૃદ્ધિદર 8.6 ટકા પર રાખવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય મુદ્ર કોષ (આઈએમએફ)નાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું, "અમે અનુમાન લગાવીએ છીએ કે 2021 અને 22માં ગ્લોબલ ઇકૉનૉમીમાં સારો સુધારો થશે અને ગ્લોબલ ગ્રોથ પહેલાંના અનુમાનથી સારો થશે. ગ્લોબલ ઇકૉનૉમીનો ગ્રોથ 2021માં 6 ટકા અને 2022માં 4.4 ટકા રહેવાની ઉમેદ છે."
ઉલ્લેખનીય છે કે 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 3.3 ટકા વૃદ્ધિ રહી હતી.
ગોપીનાથે વાઇરસના કેસ વધવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેઓએ કહ્યું કે મહામારી હજુ સુધી ખતમ નથી થઈ. ઘણા દેશોમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
મુખ્તાર અંસારીની કસ્ટડી યુપી પોલીસને સોંપતા સુપ્રીમ કોર્ટમાં અરજી
પંજાબના રૂપનગર જિલ્લામાં બંધ મુખ્તાર અંસારીને મંગળવારે ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યા. યુપી પોલીસ મુખ્તાર અંસારીને બાંદા જેલ લઈ આવી છે.
બાંદા સદર થાણાના પ્રભારી સત્યપ્રકાશ શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.
તેઓએ કહ્યું કે "યુપી પોલીસની એક ટીમ મંગળવાર-બુધવારની રાતે મુખ્તાર અંસારીને અહીં (બાંદા) લાવી છે. અંસારીને એક એમ્બ્યુન્સમાં પંજાબથી ઉત્તર પ્રદેશ લવાયા છે."
ઉત્તર પ્રદેશના મઉના બસપાના ધારાસભ્ય મુખ્તાર અંસારી પર રાજ્ય અને રાજ્યની બહાર 52 કેસ છે, જેમાં 15 કેસ પર કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે.
પંજાબના અધિક પોલીસ મહાનિદેશક (જેલ) પ્રવીણકુમાર સિન્હાએ કહ્યું કે મુખ્તાર અંસારીની કસ્ટડી યુપી પોલીસને સોંપી દેવામાં આવી છે.
તો બીજી તરફ મુખ્તાર અંસારીનાં પત્ની અફશાન અંસારીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એ આશંકા વ્યક્ત કરી છે કે તેમના પતિનો જીવ જોખમમાં છે.
અફશાન અંસારીએ કોર્ટ તરફથી માગ કરી છે કે ઉત્તર પ્રદેશ પોલીસને એ નિર્દેશ આપવામાં આવે કે તેમના પતિને નકલી ઍન્કાઉન્ટરમાં ન મારવામાં આવે અને તેમને નિષ્પક્ષ સુનાવણીની તક મળવી જોઈએ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો