You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં સર્જાનારું 'મોકા' વાવાઝોડું ક્યાં ટકરાશે, ગુજરાતમાં હવામાન પલટાશે?
ચોમાસા પહેલાં સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ભારતના દરિયામાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં આવેલા વાવાઝોડાંએ વિનાશ વેર્યાના અનેક દાખલા પણ છે.
બંગાળની ખાડીમાં આ વર્ષનું સૌપ્રથમ વાવાઝોડું સર્જાશે, ચોમાસા પહેલાં જ ખાડીમાં ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાઈ ચૂક્યું છે. એટલે કે વાવાઝોડું બને એ પહેલાં દરિયામાં સિસ્ટમ બની ચૂકી છે.
ભારતીય હવામાન વિભાગે મોકા સાયક્લોનને લઈને ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે, બંગાળની ખાડી પર બની રહેલું સાયક્લોન ગંભીર વાવાઝોડામાં બદલાઈ શકે છે અને તેમાં હવાની ગતિ 150 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.
સોમવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ અંદમાન સમુદ્ર પર લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું હતું. મોકા સાયક્લોન 12 મેની આસપાસ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે.
મોકા વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ પર કેટલી થશે, એ આ વાત પર નિર્ભર કરે છે કે આ તોફાન દરિયાકાંઠાના વિસ્તારોથી બાંગ્લાદેશ તરફ આગળ વધીને કેટલું દૂર રહેશે.
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ ઍલર્ટ જાહેર કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિભાગે નાનાં દરિયાઈ જહાજો અને માછીમારોને મંગળવારથી બહાર ન નીકળવા જણાવ્યું છે.
આ સાથે 8થી 12 મેની વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક પર્યટન અને શિપિંગને મર્યાદિત કરવા અને નજીકથી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે વાવાઝોડાથી ડરવાની જરૂર નથી.
તેમણે કહ્યું કે જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે, તો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બચાવી લેવામાં આવશે.
હાલની સિસ્ટમ વાવાઝોડું ક્યારે બનશે?
બંગાળની ખાડીમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે અને હવે આ સિસ્ટમ મજબૂત બનશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે સોમવારના રોજ લૉ પ્રેશર એરિયા બન્યો હતો.
આ લૉ પ્રેશર 9મેના રોજ વધારે મજબૂત બનશે અને તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હાલ દરિયાની સ્થિતિ વાવાઝોડું બને તે માટે અનુકૂળ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ બંગાળની ખાડીનું તાપમાન 30થી 32 ડિગ્રી સેલ્સિયસ છે, જે વાવાઝોડા માટે અનુકૂળ છે. એટલે કે ડિપ્રેશન બાદ આ સિસ્ટમ 11 કે 12 મેના રોજ વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.
જે બાદ 13 મેના રોજ આ વાવાઝોડું જમીન પર ત્રાટકે તેવી શક્યતા દેખાઈ રહી છે. વાવાઝોડું બન્યા બાદ તે ખાડીમાં ઝડપથી આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
મોકા નામ કેવી રીતે રખાયું?
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, વાવાઝોડા મોકાનું નામ યમન દ્વારા સૂચવવામાં આવેલું છે. તે લાલ સમુદ્રના બંદર શહેર પરથી નામ આપવામાં આવ્યું હતું, જે 500 વર્ષનો ઇતિહાસ ધરાવતી મોકા કૉફી માટે ઓળખાય છે.
નોંધપાત્ર રીતે, સાયક્લોનને પ્રાદેશિક નિયમોના આધારે નામ આપવામાં આવે છે.
સાયક્લોનના નામકરણની પદ્ધતિ વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઇટેડ નેશન્સ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ કમિશન (ESCAP)ના સભ્યદેશો દ્વારા અપનાવવામાં આવી હતી.
ડબલ્યુએમઓ અનુસાર, એટલાન્ટિક અને દક્ષિણ ગોળાર્ધમાં (હિંદ મહાસાગર અને દક્ષિણ પેસિફિક), ઉષ્ણકટિબંધીય સાયક્લોનને મૂળાક્ષરોના ક્રમમાં નામ મળે છે અને સ્ત્રી-પુરુષોનાં નામો વૈકલ્પિક રીતે આપવામાં આવે છે, જ્યારે ઉત્તરીય હિંદ મહાસાગરમાં નામો મૂળાક્ષર પ્રમાણે સૂચિબદ્ધ થાય છે. જેમાં દેશ અને લિંગ-તટસ્થ રહે છે.
સાયક્લોનનાં નામ કોણ આપે છે?
એનડીટીવીના અહેવાલ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રની ઇકોનૉમિક એન્ડ સોશિયલ કમિશન ફૉર એશિયા એન્ડ પૅસિફિક પૅનલના 13 સભ્યદેશ તોફાનોના નામ આપે છે.
જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, માલદીવ, ઓમાન, શ્રીલંકા, થાઈલૅન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરબ સહિત અરબ અમીરાત અને યમન સામેલ છે.
આ ક્ષેત્રમાં ઉત્પન્ન સાયક્લોનના નામ આપનારા ગ્રૂપમાં સામેલ દેશ આલ્ફાબેટિકલી નામ આપે છે.
જેમ કે Bથી બાંગ્લાદેશ પહેલા આવે છે, ત્યારે તે પહેલા નામ આપશે, પછી ભારત અને પછી ઈરાન અને બાકી દેશ આવશે.
ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર થશે?
ગુજરાત અરબી સમુદ્રના કિનારે આવેલું છે અને આ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાવાનું છે. આથી માનવામાં આવે છે કે ગુજરાત પર તેની કોઈ સીધી અસર થવાની નથી.
બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાં ગુજરાત પર આવતાં નથી. અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાં ગુજરાત તરફ આવે છે અને તેની સીધી અસર થાય છે.
આ વાવાઝોડાને કારણે ગુજરાતને કોઈ અસર નહીં થાય, તેના કારણે રાજ્યમાં વરસાદ થવાની પણ શક્યતા નથી.
હાલ ગુજરાતમાં થઈ રહેલો કમોસમી વરસાદ પણ હવે બંધ થઈ જશે અને રાજ્યમાં ઉનાળાની શરૂઆત થશે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં હવે આવનારા દિવસોમાં તાપમાન વધશે અને મોટાભાગના વિસ્તારો આકરી ગરમીનો અનુભવ કરશે.
મોકા વાવાઝોડાથી કયાં રાજ્યોમાં ઍલર્ટ?
હવામાન વિભાગે ઓડિશાના 18 જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે.
ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે બંગાળની ખાડીમાં સંભવિત વાવાઝોડું આવવાની હવામાન વિભાગની આગાહી બાદ હાઈલેવલ મીટિંગ કરીને તૈયારી શરૂ કરી દીધી છે.
આ વાવાઝોડાને લઈને પશ્ચિમ બંગાળમાં પણ ઍલર્ટ આપવામાં આવ્યું છે. તમામ સંભવિત વિસ્તાર જિલ્લાને ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્ય એસડીઆરએફ, એનડીઆરએફ અને અન્ય કોઈ પણ સંભવિત આપાત સ્થિતિ માટે તૈયાર છે.
આ સાથે વાવાઝોડા મોકાને કારણે આંધ્ર પ્રદેશમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. બે-ત્રણ દિવસમાં અલગઅલગ સ્થાનો પર વીજળી પડવાની આશંકા છે.
આઈએમડીએ એ પણ કહ્યું છે કે, વાવાઝોડાની અસર પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થઈ શકે છે.
વાવાઝોડું કઈ રીતે સર્જાય છે?
સમુદ્રનાં ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે. હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય, ત્યારે નીચેથી પહેલાંથી ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે.
આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે. આ જ મોજાં કાંઠેનાં શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતાં હોય છે.
જમીન પર ઝડપથી ફૂંકાતા પવન પણ નુકસાન સર્જતા હોય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સમુદ્રના પાણીનું તાપમાન વધી રહ્યું છે અને તેને કારણે ભવિષ્યમાં હરિકૅનનું જોખમ વધી ગયું છે.
વાવાઝોડાના સર્જન વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.