હીટવેવ : કાળઝાળ ગરમી સામે અમદાવાદમાં તૈયાર થયો હતો પ્રથમ ઍક્શન પ્લાન, ભારત કેટલું તૈયાર?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, ઇન્ડિયા સંવાદદાતા

વર્ષ 2020ની બેસ્ટ સેલિંગ સાયન્સ ફિક્શન નવલકથા, ધ મિનિસ્ટ્રી ફૉર ફ્યૂચરની શરૂઆત લેખક કિમ સ્ટેનલી રૉબિન્સન ભારતની ઘાતકી હિટવેવથી કરે છે, જે લાખો લોકોના જીવ લઈ લે છે.

સૂર્ય “અણુ બૉમ્બ” માફક ધગે છે, તેનામાંથી છૂટી રહેલી ગરમી “ગાલ પર તમાચા” છે, આંખોમાં એ ખૂંચી રહ્યો છે અને “તડકામાં શ્યામ અને પીળું પડી ગયું હતું, બધું ચળકતું, અસહ્ય શ્વેત થઈ ગયું છે.”

પાણી કોઈ રાહત આપી શકતું નથી કારણ કે એ “નહાવાના પાણી જેટલું ગરમ છે... તેની સામે ગરમ હવાની અસર પણ ઓછી લાગે એમ છે.” લોકો “અભૂતપૂર્વ ઝડપે” મરી રહ્યા છે.

રૉબિન્સનની આ અપશુકનિયાળ કથા વિશ્વના સતત વધતા તાપમાનની એક ગભરાવનારી કલ્પના ભલે હોય, પરંતુ આ એક તાકીદની ચેતવણી પણ છે.

આ અઠવાડિયે મહારાષ્ટ્રના નવી મુંબઈ ખાતે એક સરકારી કાર્યક્રમમાં બળબળતા તાપમાં હાજર રહેલા 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં, ઉપરાંત ઘણાને સારવાર માટે હૉસ્પિટલે લઈ જવા પડ્યા હતા.

ભારત એ ગરમીથી સૌથી વધુ અસરગ્રસ્ત અને સંવેદનશીલ દેશો પૈકી એક છે. વર્ષ દરમિયાન ગરમ રાત અને ગરમ દિવસોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે.

તેમજ આવાં દિવસ-રાત્રિની સંખ્યા વર્ષ 2020 સુધી બમણી-ચાર ગણી થવાનું અનુમાન છે.

આ સિવાય દેશમાં હીટવેવ જલદી શરૂ થવાનાં, લાંબા સમય સુધી જળવાઈ રહેવાનાં અને વારંવાર ત્રાટકવાનાં અનુમાન છે.

હિટવેવથી હજારો મૃત્યુ

ભારતના હવામાન વિભાગે મે મહિનાના અંત ભાગ સુધી દેશમાં સરેરાશ કરતાં વધુ તાપમાન અને હીટવેવની આગાહી કરી છે.

આંશિકપણે ક્લાઇમેટ ચેન્જને કારણે ભારતનું સરેરાશ તાપમાન વર્ષ 1901થી વર્ષ 2018 વચ્ચે 0.7 ટકા વધ્યું છે.

આધિકારિક આંકડા પ્રમાણે હિટવેવને કારણે વર્ષ 1992થી વર્ષ 2015 સુધી સમગ્ર દેશમાં 22 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. નિષ્ણાતો અનુસાર આવાં મોતોનો ખરો આંકડો ખૂબ મોટો હોઈ શકે.

ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર દિલીપ માવળંકર કહે છે કે, “આટલાં મૃત્યુ અને ભયસ્થાનો છતાં ભારત ગરમીનું મહત્ત્વ અને તે કઈ રીતે મૃત્યુ નિપજાવી શકે એ સમજ્યું નથી.”

“આવું આંશિકપણે એટલા માટે થાય છે કારણ કે આપણે મૃત્યુ પામનારા લોકો અંગેનો ડેટા યોગ્ય રીતે એકઠો કરતા નથી.”

પ્રોફેસર માવળંકરને આ વાત અંગે ખબર હોઈ શકે.

મે 2010માં તેમણે અમદાવાદને લગતો એક અભ્યાસ કર્યો હતો.

જેમાં તેમણે એ વર્ષે રેકૉર્ડબ્રેક તાપમાનવાળા અઠવાડિયા દરમિયાન અગાઉનાં અમુક વર્ષોના ડેટાની સરખામણીએ અપેક્ષા કરતાં કેટલા વધુ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

તેમના આ અભ્યાસના પરિણામ સ્વરૂપે તેમને અપેક્ષા મુજબના આંકડા કરતાં 800 મૃત્યુ વધુ જોવા મળ્યાં હતાં.

તેમણે કહ્યું કે સંશોધકોએ શહેરમાં થયેલાં કુલ મૃત્યુના આંકડાને દિવસના મહત્તમ તાપમાન સાથે સરખાવ્યો.

અને આ રીત થકી તેમણે કલર કોડેડ ઍલર્ટ રજૂ કર્યા, જે પૈકી રેડ (લાલ) ઍલર્ટ 45 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાને અપાતી હતી.

આ તારણો બાદ પ્રોફેસર માવળંકરે અમદાવાદ શહેર માટે હીટ ઍક્શન પ્લાન ઘડવામાં મદદ કરી, જે ભારતનો આવો પ્રથમ પ્લાન હતો.

આ પ્લાનની શરૂઆત વર્ષ 2013માં થઈ હતી, તેમજ તેમાં ઘરમાં જ રહેવાના, બહાર નીકળતા પહેલાં પુષ્કળ પાણી પીવાના, તબિયત ખરાબ હોવાનો અનુભવ થાય ત્યારે તાત્કાલિક દવાખાને જવા જેવા સરળ ઉપાયો સૂચવાયા હતા. તેઓ કહે છે કે વર્ષ 2018 સુધી ગરમ, સૂકા તાપમાનવાળા આ શહેરમાં તમામ કારણોસર થતાં મૃત્યુની (ડેથ્સ ફ્રૉમ ઑલ કોઝિસ) સંખ્યા ઘટીને ત્રીજા ભાગનાં થઈ ગયાં હતાં.

પરંતુ માઠા સમાચાર એ છે કે ભારતનો હીટ ઍક્શન પ્લાન યોગ્ય રીતે કામ કરી રહ્યો હોય તેવું નથી લાગી રહ્યું.

(હજુ સુધી એ વાત અસ્પષ્ટ છે કે નવી મુંબઈમાં, જ્યાં અહેવાલો અનુસાર ખુલ્લા આકાશમાં દસ લાખ લોકોને ભેગા થવાની પરવાનગી અપાઈ હતી, ત્યાં તંત્રે હીટ ઍક્શન પ્લાન ગોઠવ્યો હતો ખરો કે કેમ?)

જીડીપીના 5.4 ટકા જેટલું નુકસાન

સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના આદિત્ય વલિઆથન પિલ્લઈ અને તમન્ના દલાલે શહેર, જિલ્લા અને રાજ્યકક્ષાના 37 હીટ ઍક્શન પ્લાનનો અભ્યાસ કર્યો હતો, જેમાં તેમને ઘણી મર્યાદાઓ જોવા મળી હતી.

જેમ કે, મોટા ભાગના પ્લાન “સ્થાનિક વાતાવરણ પર આધારિત નહોતા અને ગંભીર અસરો અંગે ખૂબ સરળ દૃષ્ટિકોણ ધરાવતા હતા.”

અભ્યાસ માટે ઉપયોગમાં લેવાયેલા 37 પૈકી દસ પ્લાનમાં સ્થાનિક પરિસ્થિતિ આધારે તાપમાનની સીમા નક્કી કરાઈ હતી, જોકે આ પ્લાનમાં પણ રજૂ કરાયેલી માહિતીમાં હીટવેવ જાહેર કરવા માટેના માપદંડમાં વાતાવરણમાંના ભેજની બાબત ધ્યાને લેવાઈ હતી કે કેમ?

પિલ્લઈએ મને કહ્યું કે, “અમારી સલાહ છે કે ગરમીને લગતી આપત્તિની વ્યાખ્યાને સ્થાનિક અને સૂક્ષ્મ સ્તરે ગોઠવવામાં આવે. તેમજ તેમાં વાતાવરણના અંદાજ પણ સમાવવામાં આવે.”

પ્રોફેસર માવળંકરના મતે આવું કરવા માટેની એક રીત એ છે કે ગામડાના સ્તરે સ્વચાલિત વેધર સ્ટેશન રાખવામાં આવે.

બીજી મર્યાદાની વાત કરીએ તો લગભગ તમામ પ્લાન “સૌથી વધુ અસુરક્ષિત જૂથોની ઓળખ અને તેમને લક્ષ્યમાં લેવા”ની બાબતે નબળા હતા.

ગરમીથી સૌથી વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના ધરાવતા જૂથોમાં ખેતર અને બાંધકામક્ષેત્રે ખુલ્લામાં કામ કરતા લોકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો આવે છે.

ભારતની કુલ વર્ક-ફોર્સના લગભગ ત્રણ-ચતુર્થાંશ લોકો બાંધકામ અને માઇનિંગ જેવાં ગરમીનો સીધો સામનો કરવો પડે એવાં ક્ષેત્રોમાં કામ કરે છે.

નૉર્થ કેરોલાઇનાની ડ્યૂક યુનિવર્સિટીના ક્લાઇમેટ રિસર્ચર લ્યૂક પાર્સન્સ કહે છે કે, “વૈશ્વિક તાપમાનમાં વધારાની સાથે કામદારો બહાર સલામત અને કાર્યક્ષમ રીતે કામ કરવાની ક્ષમતા ગુમાવતા જઈ રહ્યા છે. ભારે શ્રમ કરતી વખતે પેદા થતી શારીરિક ગરમાશથી રાહત મેળવવા માટે વાતાવરણ ખૂબ જ ગરમ અને ભેજવાળું બની ગયું છે.”

તેઓ ઉમેરે છે કે હીટવેવ દરમિયાન પ્રમાણમાં સલામત અને પ્રોડક્ટિવ કામના કલાકો ઘટતા પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે.

પિલ્લઈ કહે છે કે, ભારતને “કયા વિસ્તારોમાં સૌથી વધુ કામકાજ કરતા લોકો રહે છે એ, ક્યાં ક્યાં તેઓ ગરમીનો સામનો કરે એ અને શું તેમને કૂલર ખરીદવાનું કે કામે ન જવાનું પોસાય એમ છે ખરું, આ તમામ વાતો અંગે વિસ્તારપૂર્વક સમજની જરૂર છે.”

તેઓ ઉમેરે છે કે, “તમારી સામે એવી પણ સ્થિતિ હોઈ શકે કે જેમાં શહેરના ત્રણ ટકા વિસ્તારમાં કામકાજ કરનાર અને સરળતાથી અસરગ્રસ્ત થનાર લોકોની 80 ટકા વસતિ છે.”

પિલ્લઈ અને દલાલને અભ્યાસ પરથી જાણવા મળ્યું કે આ તમામ પ્લાનો લાગુ કરવા માટે સંશાધનોનો અભાવ હતો, તેમજ કાયદાકીય આધારની મર્યાદિત હાજરી, પારદર્શિતાનો અભાવ અને નામમાત્રની જવાબદારી જેવા પડકારો તો ખરા જ.

હીટવેવના ઉપાયો ખૂબ જ સરળ હોઈ શકે છે, જેમ કે ગરમીનો સામનો કરતા અને ગરમ વિસ્તારોમાં વૃક્ષોનું વધુ વાવેતર કરવું કે ઇમારતોની ડિઝાઇનમાં ફેરફાર જેથી ગરમીમાં ઘટાડો કરી શકાય.

ઘણી વખત સામાન્ય દેખરેખના ઉપાયો જેમ કે તડકામાં શેકાતી છત નીચે રહેલા દર્દીઓને ઍર-કન્ડિશન વગરનાં રૂમમાં શિફ્ટ કરવાથી ઘણાના જીવ બચાવી શકાય છે. કંઈક આવું જ અમદાવાદના અભ્યાસનાં તારણો પરથી સામે આવ્યું હતું.

પાર્સન જણાવે છે કે આવા ઉપાયોમાં કામદારો માટે સુરક્ષાનું તંત્ર ગોઠવવું જેથી ખૂબ જ વધારે તાપમાને પૂરો જોર લગાવીને કામ કરવાની જરૂરિયાત ન અનુભવે કે કામ ધીમું કરી દે, એ પણ સામેલ છે.

તાજેતરમાં લાન્સેટમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2000-2004 અને વર્ષ 2017-2021 સુધી ભારતમાં આકરી ગરમીના કારણે થયેલાં મૃત્યુમાં 55 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021માં ગરમીના કારણે કામ પર કાપ મૂકવાથી 167.2 બિલિયન કામદાર કલાકોનું નુકસાન થયું હતું. આ નુકસાન રાષ્ટ્રની જીડીપીના 5.4 ટકા જેટલું હતું.

પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ભારતમાં ગરમીની પરિસ્થિતિ પર ગંભીરતાથી વિચાર કરાતો નથી.

અહેવાલો પ્રમાણે નવી મુંબઈમાં જ્યાં આ સરકારી કાર્યક્રમ યોજાયો હતો ત્યાં રવિવારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પરંતુ આ કાર્યક્રમના ફોટોમાં જોઈ શકાય છે કે હજારો લોકો કોઈ પણ પ્રકારના છાંયડા વગર ખુલ્લા માથે તાપમાં ત્યાં બેઠા હતા.

આટલા લોકો પૈકી અમુક જ છત્રી સાથે કે માથાને ઢાંકેલી અવસ્થામાં દેખાયા હતા.

પિલ્લઈ કહે છે કે, “હું દિલ્હી ખાતે રહું છું જ્યાં તાપમાન 50 ડિગ્રી સુધી વધી જાય છે. આટલા તાપમાન છતાં ઘણા ઓછા લોકો છત્રી સાથે બહાર નીકળે છે.”