You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હીટ વેવની ભયંકર ગરમીમાં લૂ ના લાગે તે માટે શું કરવું અને શું ન કરવું?
- લેેખક, સ્નેહા
- પદ, બીબીસી સંવાદદાતા
રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ આકરી ગરમી પડી રહી છે અને હવામાનવિભાગે હીટ વેવની આગાહી કરી છે.
ભયાનક ગરમીમાં ભરબપોરે ઘર બહાર નીકળવાનું કોઈને મન ન થાય, પણ નોકરી-ધંધા અર્થે અને અન્ય કારણોસર લોકોને બહાર નીકળવાની ફરજ પડે છે.
તો ભરઉનાળામાં આરોગ્યનું ધ્યાન રાખવા માટે શું કરશો? લૂ ન લાગે એ માટે શું કરવું જોઈએ?
દેશભરમાં તાપમાન ઝડપથી ઊંચું જઈ રહ્યું છે, જેનાથી લોકો હેરાન છે. ઘણાં શહેરોમાં એપ્રિલમાં જ તાપમાન 40 ડિગ્રી પાર કરી ચૂક્યું હતું.
વધતી ગરમી અને લૂના કારણે લોકો બીમાર થઈ રહ્યા હોવાના અહેવાલ પણ આવી રહ્યા છે.
ભારતમાં ક્યાં સૌથી વધારે ગરમી અનુભવાય છે?
સરળ શબ્દોમાં સમજીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં આપણે જેને લૂ પડવી કહીએ તે હીટ વેવ છે. જે વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધી જાય ત્યારે હીટ વેવ જાહેર કરવામાં આવે છે.
ભારતના હવામાન વિભાગના કહેવા પ્રમાણે મેદાની પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય, ત્યારે તેને હીટ વેવ કહેવામાં આવે છે.
હીટ વેવની ઍલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે સામાન્ય તાપમાનમાં એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 4.5થી 6.4 ડિગ્રી સુધીનો વધારો જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિવિયરર હિટ વેવની ચેતવણી ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે સામાન્ય તાપમાનમાં 6.4 ડિગ્રી કરતાં વધારો જોવા મળે છે.
માર્ચથી જૂન મહિના દરમિયાન ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવાં રાજ્યોમાં વધારે ગરમી અનુભવાય છે.ક્યારેક તામિલનાડુ અને કેરળમાં પણ તેની અસર વર્તાય છે. જોકે હવે હિમાલયનાં કેટલાંક રાજ્યોમાં પણ લૂની અસર જોવા મળી રહી છે.
ડૉક્ટરોની સલાહ
ડૉક્ટરોનું કહેવું છે કે ‘હીટ વેવ’ દરમિયાન ‘હીટ સ્ટ્રોક’ની ચપેટમાં આવવાથી બચી શકાય છે.
મૅક્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલના ઍન્ડોક્રાઇનૉલૉજી અને ઇન્ટર્નલ મેડિસીનના ડૉક્ટર વિનીત અરોડાએ જણાવ્યું છે કે, “ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. પરસેવો થવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની કમી થાય છે. તેના માટે બજારમાં ઘણા પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ સૉલ્યુશન મળે છે, લોકો તે લઈ શકે છે.”
આ ઉપરાંત ડૉક્ટર તળબૂચ જેવાં ફળો લેવાની પણ સલાહ આપે છે. આ સિવાય ડૉક્ટર ઓઆરએસ સાથે રાખવાનું પણ કહે છે.
ડૉક્ટરનું કહેવું છે કે જે લોકોના બજેટમાં જ્યૂસ કે ઓઆરએસ ન હોય, એ લોકો માટે મીઠું અને ખાંડનું મિશ્રણ ઉપયોગી થઈ જાય છે.
ગરમીમાં છાસને પણ સારો વિકલ્પ માનવામાં આવે છે, તેમાંથી પૉટેશિયમ મળી રહે છે. શરીરમાં સોડિયમ અને પૉટેશિયમ સૉલ્ટની માત્રાનું સંતુલન રહેવું જરૂરી હોય છે.
જે લોકો કિડની અથવા હૃદયરોગથી ગ્રસ્ત હોય તેમણે ડૉક્ટરની સલાહ લઈને જ ઉપાય અપનાવવો જોઈએ.
ગરમીથી બચવા માટે આછા રંગનાં સુતરાઉ કપડાં પહેરીને બહાર જવું જોઈએ, જેથી ઓછી ગરમી લાગે.
દરેક ઋતુની અસર આપણી ત્વચા પર થાય છે, પરંતુ ઉનાળામાં તેની અસર થોડી વધુ અનુભવાય છે. તડકામાં બહાર નીકળતાની સાથે જ સૌથી પહેલી અસર ત્વચાને થાય છે.
આવી સ્થિતિમાં ચહેરાના રંગમાં તફાવત આવી શકે છે અને સાથે શુષ્કતા કે બળતરા અનુભવાય છે, વળી ક્યારેક સનબર્ન પણ થાય છે.
આ સમયે દેશના ઘણા વિસ્તારો ‘હીટ વેવ’ એટલે કે લૂની ચપેટમાં છે.
દિલ્હીના એલએનજેપી હૉસ્પિટલનાં સીએમઓ ડૉ ઋતુ સક્સેના કહે છે કે “ગરમ હવાને લૂ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં બહાર જવાથી શરીરમાં ભેજની માત્રા ઓછી થવા લાગે છે.”
તેઓ કહે છે કે “લૂ વખતે બહાર જવાનું ટાળવું જોઈએ અને કામ અથવા સમયમાં ફેરફાર કરવો.”
તેઓ જણાવે છે કે, “શક્ય હોય તો બપોરે 12 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી બહાર જવાનું ટાળવું જોઈએ.”
માથું દુખવું, વધુ પડતો પરસેવો થવો, ચક્કર આવવા, સ્નાયુઓ ખેંચાવા, ઊબકા આવવા, આવાં લક્ષણો દેખાય તો સમજવું કે તમને લૂ લાગી છે.
જો આવાં લક્ષણો દેખાય તો તરત જ છાંયડા કે ઠંડી જગ્યાએ જતા રહેવું. પંખા કે એસીવાળી જગ્યાએ જઈ શકો તો વધારે સારું. આવી સ્થિતિમાં પાણી કે ઓઆરએસ પી શકો છો.
જો કોઈને લાગે કે તેમના શરીરમાંથી પરસેવો થવાનું બંધ થઈ ગયું છે અને તાવ આવે છે, ચક્કર આવે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ શું ધ્યાન રાખવું?
ડૉક્ટર ઋતુ કહે છે કે, “ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ અને જવું હોય તો પાણીની બૉટલ સાથે રાખવી જોઈએ.”
ડૉક્ટર અરોડા કહે છે કે “તડકામાં વધુ રહેવાથી બ્લડપ્રેશર પર અસર થઈ શકે છે.”
ડૉક્ટર અરોડા કહે છે કે, “હવામાન વિભાગ હિટ વેવની જાહેરાત કરે ત્યારે બાળકોનું સ્કૂલ જવું બંધ કરવું એ જ સારો વિકલ્પ છે.”
“જો બાળકો શાળાએ કે બહાર જતાં હોય તો માતાપિતાએ ખાસ કાળજી લેવી જોઈએ, કારણ કે બાળકો હીટ સ્ટ્રોકનાં લક્ષણો જાણી શકતાં નથી.”
ઉનાળામાં ચહેરાની સંભાળ કેવી રીતે રાખવી?
ડર્મેટોલૉજિસ્ટ ડૉ.દીપ્તિ રાણા કહે છે કે “ઉનાળામાં ચહેરો ડ્રાય થઈ જાય છે. તેનાથી બચવા માટે સવારે ચહેરો ધોયા પછી મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. લોકો માને છે કે ઉનાળામાં મોઇશ્ચરાઇઝરની જરૂર નથી, પણ એવું નથી.”
જો કોઈ વ્યક્તિ ઘરમાં એસીમાં હોય અને પછી તડકામાં બહાર જતી હોય તો ઑફિસમાં બેસીને કામ કરે છે, તો તેના માટે ચહેરા પર મોઇશ્ચરાઇઝરનો બેઝ લગાવવો જરૂરી છે. તેની મદદથી તમે એસી અને સૂર્યપ્રકાશ બંનેની શુષ્કતાથી બચી શકો છો.
મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રિન લગાવવા વચ્ચે થોડું અંતર રાખો. જો આપણે તડકામાં બહાર જવાનું હોય તો ઓછામાં ઓછી 20 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવવું જોઈએ.
જે લોકોની ત્વચા તૈલી છે તેઓએ વૉટર બેઇઝ્ડ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ અને જેમની ત્વચા શુષ્ક છે તેમણે ક્રીમ આધારિત સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે.
સનસ્ક્રીન ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેમાં SPF (સન પ્રોટેક્શન ફૅક્ટર)નું લેવલ શું છે? તમારે ધ્યાન રાખવાનું છે કે તેનું લેવલ 40થી વધુ હોવું જોઈએ. તે ઓછામાં ઓછા 30થી વધુ હોવું જોઈએ. તે જેલ આધારિત અથવા મૅટ ફિનિશ પણ હોવું જોઈએ.
જો સનસ્ક્રીન તમારા બજેટને અનુરૂપ ન હોય, તો તમે લૅક્ટો-કૅલામાઈન લોશનનો ઉપયોગ કરી શકો છો. તે થોડું સસ્તું છે, પરંતુ ઘણા લોકો તે પણ ખરીદી શકતા નથી. તેથી તેઓ પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે અને તે કારગર પણ રહે છે.
સુતરાઉ કપડાંથી ચહેરો ઢાંકવો. રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. છત્રી વગર બહાર ન નીકળો, ટોપી પહેરો. ફુલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ અને ચહેરો ચોખ્ખા પાણીથી ધોવો જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન