અરબ સાગરમાં વાવાઝોડાં કેમ વધારે સર્જાઈ રહ્યાં છે?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે.

આ બે વાવાઝોડાં પૈકી એક ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે એવી શક્યતાઓ પ્રબળ છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020નું આ પ્રથમ વાવાઝોડું છે કે જે ગુજરાતની નજીક છે.

આ અગાઉ વર્ષ 2019માં ઉપરાછાપરી વાવાઝોડાં આવ્યાં હતાં. હવામાન વિભાગના અધિકારીઓ કહે છે કે સામાન્ય રીતે અરબ સાગરમાં બહુ ઓછાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.

ત્યારે સવાલ એ થાય છે કે અરબ સાગરમાં એક બાદ એક સર્જાઈ રહેલાં વાવાઝોડાં પાછળનું કારણ શું છે?

'મહા' વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે

મહા વાવાઝોડું આવ્યું એ વખતે એટલે કે વર્ષ 2019માં બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં 'સ્કાયમૅટ વેધર સર્વિસ'ના ઉપાધ્યક્ષ અને હવામાનશાસ્ત્રી મહેશ પાલાવતે કહ્યું હતું કે આ વર્ષે અરબ સાગરમાં ચાર વાવાઝોડાં સક્રિય થયાં.

"પશ્ચિમ બંગાળમાં બે વાવાઝોડાં આવ્યાં છે. પણ અરબ સાગરમાં આ (મહા) ચોથું વાવાઝોડું છે."

"અરબ સાગરમાં સામાન્ય રીતે બહુ ઓછાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. હવાનું દબાણ સર્જાતા અરબ સાગરમાં સર્જાયેલાં આ વાવાઝોડાં પ્રચંડ છે.

ભૂતકાળમાં આવેલાં વાવાઝોડાં અંગે વાત કરતાં મહેશ પાલાવત કહે છે કે અગાઉ 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' અને હવે 'મહા' વાવાઝોડું સક્રિય થયાં છે. આ વાવાઝોડાં સામાન્ય રીતે ઉત્તરમાં ઓમાન તરફ ફંટાતાં હોય છે.

શું ક્લાઇમેટ ચેન્જને કારણે વાવાઝોડાં આવે છે?

ક્લાઇમેટ ચેન્જ પણ આ વાવાઝોડાનું એક કારણ હોવાનું જણાવતાં તેઓ કહે છે કે સામાન્ય રીતે એક જ વર્ષમાં ચાર વાવાઝોડાં આવે એવું ભૂતકાળમાં બન્યું નથી.

આથી આ વાવાઝોડું એક કારણે ગ્લોબલ વૉર્મિંગ પણ હોઈ શકે છે.

તો અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર જયંતા સરકાર પણ ક્લાઇમેટ ચેન્જની વાતને સમર્થન આપી રહ્યા છે.

તેમનું કહેવું છે કે સામાન્ય રીતે અરબ સાગરમાં બહુ ઓછાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. પણ આ વર્ષે આવેલાં વાવાઝોડાંનું એક કારણ ક્લાઇમેન્ટ ચેન્જ પણ ગણી શકાય છે.

'ડાઉન ટુ અર્થ' માં જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણની સમસ્યા પર લખતાં નેહા યાદવ એક લેખમાં લખે છે, "બંગાળની ખાડી કરતાં અરબ સાગરમાં વધારે વાવાઝોડાં સર્જાતાં નથી. અરબ સાગરના ઠંડા પ્રવાહમાં 50 ટકા વાવાઝોડાં ટકી શકતાં નથી. દરિયાની ઠંડી જળસપાટી વાવાઝોડાની સર્જન માટે અનુકૂળ નથી હોતી."

"જોકે, વાવાઝોડાની સર્જનપક્રિયામાં ફેરફાર નોંધાયા છે અને ગત વર્ષોના જળવાયુ સંબંધિત ડેટા જણાવે છે કે અરબ સાગરમાં છાશવારે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સર્જાવાં લાગ્યાં છે. છેલ્લાં 15 વર્ષ (વર્ષ 1998થી વર્ષ 2013)માં અરબ સાગરમાં પાંચ ભયાનક વાવાઝોડાં સર્જાયાં હતાં."

"હિંદમહાસાગરના તાપમાન અંગેનો અભ્યાસ જણાવે છે કે મહાસાગર ગરમ થઈ રહ્યો છે, ખાસ કરીને અરબ સાગરનું તાપમાન ખૂબ ઝડપથી વધી રહ્યું છે."

"અરબ સાગર ક્લાઇમેટ ચેન્જને ઝડપથી પ્રતિભાવ આપી રહ્યો છે અને વધુને વધુ વાવાઝોડાં ઉત્પન્ન કરી રહ્યો છે. તેને લીધે વરસાદમાં પણ ભારે વધારો થઈ ગયો છે."

ધરતીનું વધી રહેલું તાપમાન

ન્યૂયૉર્કમાં જળવાયુ પરિવર્તન પરના સંયુક્ત રાષ્ટ્રના શિખર સંમેલન અગાઉ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે ધરતીનું તાપમાન ઘટવાની જગ્યાએ ઝડપથી વધી રહ્યું છે.

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (ડબલ્યુએમઓ)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગત પાંચ વર્ષમાં 2014થી 2019 વચ્ચે રેકૉર્ડ ગરમી રહી છે.

આ સમયમાં કાર્બનડાઇ ઑક્સાઇડના ઉત્સર્જનમાં ઘણો વધારો થવાને કારણે દરિયાના જળસ્તરમાં વધારો થયો છે.

વાવાઝોડાં અને તબાહી

2019માં અરબ સાગરમાં 'મહા', 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' જેવાં વાવાઝોડાં સર્જાઈ ચૂક્યાં છે. આ બાદ હવે 2020માં પણ વાવાઝોડું સર્જાઈ રહ્યું છે, જે ગુજરાત તરફ આગળ વધશે.

અગાઉનાં વર્ષોની વાત કરીએ તો વર્ષ 2013માં 'ફેલિન' નામના વાવાઝોડાએ ઓડિશામાં તારાજી સર્જી હતી અને તે 1999 બાદ આવેલું સૌથી ભયાનક તોફાન હતું.

વર્ષ 2017માં 'ઓખી' વાવાઝોડાને લીધે 200 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજારો લોકો બેઘર બન્યા હતા.

ઑક્ટોબર 2018માં 'તિતલી' નામના વાવાઝોડાના કારણે ઓડિશામાં હજારો લોકોએ સ્થળાંતર કરવુ પડ્યું હતું.

'ડાઉન ટુ અર્થ'ના અહેવાલ પ્રમાણે છેલ્લી સદીમાં ભારતીય ઉપમહાદ્વીપમાં 1,035 જેટલાં વાવાઝોડાં આવ્યાં છે. જેમાં અડધાથી વધારે પૂર્વ તટ તરફ ટકરાયાં છે.

આ વાવાઝોડાંમાંથી 263 નાનાં-મોટાં વાવાઝોડાં ઓડિશાના દરિયાકિનારે ટકરાયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો