You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં આકાર લેનારું વર્ષનું પ્રથમ વાવાઝોડું, ચોમાસાને અસર કરશે? હવામાન વિભાગે શું કહ્યું?
ભારતમાં હવે ચોમાસું શરૂ થવાને માત્ર એક મહિનાના જેટલો સમય બાકી છે. દેશમાં 1 જૂનની આસપાસ ચોમાસું શરૂ થતું હોય છે. તે પહેલાં બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહિના ભારતના દરિયામાં વાવાઝોડાં સર્જાવાનો સમય છે.
ચોમાસું શરૂ થાય તે પહેલાં જ બંગાળની ખાડી કે અરબ સાગરમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. આ વખતે એપ્રિલ મહિનામાં વાવાઝોડું સર્જાયું નથી.
જોકે, હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાવા જઈ રહ્યું છે. લગભગ 8 મે બાદ આ વાવાઝોડું સર્જાશે અને તે ભારત તથા બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.
જોકે, આ મામલે ભારતના હવામાન વિભાગે કોઈ ચેતવણી જારી કરી નથી અને વાવાઝોડું સર્જાવાની વાતને પુષ્ટિ પણ કરી નથી.
બંગાળની ખાડીમાં ખરેખર વાવાઝોડું સર્જાશે?
એપ્રિલ મહિનો વાવાઝોડા વિના પસાર થયા બાદ બંગાળની ખાડીમાં મે મહિનામાં હવે હલચલ શરૂ થઈ છે. આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા છે. જે બાદ તે લૉ પ્રેશરમાં પરિવર્તિત થવાની સંભાવના છે.
વિશ્વભરમાં વિવિધ મૉડલો હવામાનની ગતિવિધીઓની આગાહી કરતાં હોય છે. તે જ પ્રમાણે ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (GFS) અને યૂરોપિયન સેન્ટર ફોર મિડિયમ રેન્જ ફોરકાસ્ટ (ECMWF) એવું દર્શાવી રહ્યાં છે કે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાશે તે વધારે મજબૂત બને તેવી શક્યતા છે.
દક્ષિણ પશ્ચિમ આંદામાન સમુદ્રમાં 8 કે 9 મેની આસપાસ લૉ પ્રેશર સર્જાય તેવી શક્યતા છે. જે બાદ આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે.
'ડાઉન ટુ અર્થ' સાથે વાત કરતાં યુનિવર્સિટી ઑફ મેરિલૅન્ડ ઍન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી, બૉમ્બેના ક્લાઇમેટ સાઇન્ટિસ્ટ રઘુ મુર્તુગુડ્ડેએ જણાવ્યું, "સમુદ્રની જળસપાટીનું તાપમાન જે સિસ્ટમ બને તેને વધારે મજબૂત બનાવા માટે અનુકૂળ છે. જેથી આપણે જોવું પડશે કે સિસ્ટમ બને તે કેટલી મજબૂત થાય છે કે નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મૉડલોનો આધાર રાખીને હાલ એવા સમાચાર શરૂ થયા છે કે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનાવાની છે તે વાવાઝોડામાં પરિવર્તિત થશે.
બીજી તરફ ઓડિશાની સરકારે પણ વાવાઝોડા પહેલાંની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તંત્રને ઍલર્ટ કરી દીધું છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ઓડિશાની સરકારે 11 વિભાગો અને કલેક્ટરને સતર્ક રહેવાના આદેશ આપી દીધા છે.
મંગળવારે ઓડિશાના સ્પેશિયલ રિલિફ કમિશનરે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું, "ઉનાળામાં સર્જાતાં વાવાઝોડાંની આગાહી અગાઉથી કરવી મુશ્કેલ હોય છે. મે મહિનામાં વાવાઝોડાં સર્જાતાં હોય છે અને તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી."
હવામાન વિભાગ વાવાઝોડા વિશે શું કહે છે?
ભારતના હવામાન વિભાગે વાવાઝોડા મામલે હજી કોઈ ચેતવણી આપી નથી કે કોઈ સૂચના જારી કરી નથી. હવામાન વિભાગે મંગળવારે કરેલી જાહેરાત પ્રમાણે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં 6 મેના રોજ સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા છે. જેના અસર હેઠળ આગામી 48 કલાકમાં એ સિસ્ટમ મજબૂત બનીને લૉ પ્રેશર બને તેવી સંભાવના છે.
જોકે, હવામાન વિભાગે વાવાઝોડું સર્જાશે એવી કોઈ આગાહી કરી નથી. ભારતના દરિયામાં થતી ગતિવિધિઓની અધિકારીક માહિતી ભારતનું હવામાન વિભાગ જ આપતું હોય છે.
ભૂતકાળમાં એવા પણ ઘણા પ્રસંગો બન્યા છે કે ગ્લોબલ મૉડલ વાવાઝોડાની આગાહી કરે પરંતુ હવામાન વિભાગ તેની જાહેરાત ના કરે અને અંતે વાવાઝોડું ના પણ સર્જાય.
જોકે, બીજી તરફ ઍક્યુવેધરના વૈજ્ઞાનિક જૅસોન નિકોલસનું કહેવું છે કે આ અઠવાડિયાના અંતે બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાશે અને આગામી અઠવાડિયામાં તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.
જોકે, આ સિસ્ટમ વાવાઝોડું બંને તો પણ તે ક્યા વિસ્તારો તરફ આગળ વધે તે અંગે હજી કોઈ માર્ગ નક્કી થઈ શક્યો નથી.
મે અને એપ્રિલમાં જ્યારે ખતરનાક વાવાઝોડાં સર્જાયાં ત્યારે તેમણે બંગાળની ખાડીમાંથી આવતા ચોમાસાના આગમનને અસર કરી છે. જ્યારે કેટલાકે તેને ઝડપી પણ બનાવ્યા છે.
આ અસર કેરળમાં આવતા ચોમાસાને અવરોધી શકે છે. તેને કારણે ભારતભરમાં તેની અસર જોવા મળી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતાઓ છે.
વાવાઝોડાંની વરસાદ પર અસર
વર્ષ 2022માં 'અસાની ' વાવાઝોડું મે મહીનાના પહેલા સપ્તાહમાં આવ્યું હતું અને મે મહીનાના બીજા સપ્તાહમાં તે શાંત પડ્યું હતું. તેને કારણે અંદમાનના દરિયામાં ચોમાસાના પવનો ખેંચાયા હતા પરંતુ તે વધારે આગળ વધી નહોતા શક્યા.
જોકે એના થોડા દિવસો બાદ તેમાં પ્રગતિ થઈ અને ચોમાસું બંગાળની ખાડીમાં ઘણા દિવસો સુધી સક્રિય રહ્યું. તેને કારણે સામાન્ય રીતે પહેલી જૂને શરૂ થતું ચોમાસું કેરળમાં 29 મેએ શરૂ થયું. જોકે હવામાન વિભાગની આગાહીના બે દિવસ બાદ ચોમાસાની શરૂઆત થઈ હતી.
દેશમાં ચોમાસાના પ્રથમ મહીનામાં બહુ વરસાદ નહોતો પડ્યો. 2021માં ચોમાસાની ઋતુ પહેલાં બે વાવાઝોડાં આવ્યાં હતાં. પહેલું વાવાઝોડું 'તૌક્તે' મે મહીનાનાં ત્રીજા સપ્તાહ દરમિયાન અરબ સાગરમાં ત્રાટક્યું હતું.
પશ્ચિમના દરિયાકિનારે આ વાવાઝોડાંને કારણે ભયંકર વરસાદ પડ્યો. તેને કારણે બંગાળની ખાડીમાંથી આવતા ચોમાસાના પવનોને પ્રભાવિત થયા.
બીજું વાવાઝોડું 'યાસ' મે મહીનાના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું. ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ આવેલા આ વાવાઝોડાંને કારણે ચોમાસાના પવનો પૂર્વ ભાગમાં ખેંચાયા.
યાસને કારણે બિહાર જેવા કેટલાક ભાગોમાં ભયાનક વરસાદ પડ્યો અને પૂર આવ્યું. 2020માં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા 'અંફન' વાવાઝોડાં અને અરબ સાગરમાં ઉદ્ભવેલા 'નિસર્ગ' વાવાઝોડાએ પણ આ જ પ્રકારે ચોમાસાને અવરોધવાનું કામ કર્યું હતું.