You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 'મોકા' વાવાઝોડાથી ગુજરાતમાં કેવી અસર થશે?
એપ્રિલ મહિનો વાવાઝોડા વિના પસાર થયા બાદ બંગાળની ખાડીમાં મે મહિનામાં હવે હલચલ શરૂ થઈ છે. આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. જે બાદ તે લૉ પ્રેશરમાં પરિવર્તિત થવાની સંભાવના છે.
ભારત પર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાઈ રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા પણ આ વાવાઝોડા અંગે આગાહી કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાને 'મોકા' નામ આપવામાં આવશે.
આ વાવાઝોડું બંગાળની ખાડીમાં કઈ તારીખે સર્જાવાની શક્યતા છે? આ વાવાઝોડું કેટલું ખતરનાક હશે? અને બંગાળની ખાડીમાં સર્જાનારા આ વાવાઝોડાની ગુજરાતની શું થશે અસર?
હવામાન વિભાગની ચેતવણી
બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને આ અંગે ભારતના હવામાન વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન 6ઠ્ઠી મેના દિવસે સર્જાશે. જે 7મી મેના દિવસે લૉ પ્રેશરમાં ફેરવાય એવી શક્યતા છે.
8મી મેના દિવસે તે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. આ સિસ્ટમ મજબૂત બનીને સાયક્લોનિક સ્ટોર્મ બને એટલે કે વાવાઝોડું બને એવી શક્યતા છે. જે ઉત્તર દિશામાં આગળ વધશે એવી શક્યતા છે.
કેટલું ખતરનાક હશે વાવાઝોડું?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવમી મે સુધીમાં વાવાઝોડ઼ું સર્જાય એવી શક્યતા છે.
દરિયાનું તાપમાન અને હવામાનનાં અન્ય પરિબળો વાવાઝોડા માટે અનુકૂળ છે અને એથી વાવાઝોડું મજબૂત બની આગળ વધે એવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગનું કહેવું છે કે તેઓ આ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યા છે.
જોકે હજી સુધી હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની ગતિ કે તીવ્રતા અંગે કોઈ અધિકૃત માહિતી અપાઈ નથી.
વાવાઝોડાની ગુજરાતને થશે અસર?
હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડાના રૂટ અને તેની તીવ્રતા અંગેની માહિતી લૉ પ્રેશર સર્જાયા બાદ જ આપી શકાશે. જોકે હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધે એવી શક્યતા છે.
બંગાળ અને ઓડિશા રાજ્યોને ઍલર્ટ પર મુકાય એવી શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે માછીમારોને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.
સામાન્ય રીતે બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ રાજ્યો પર ત્રાટકતાં હોય છે, તો કેટલાંક વાવાઝોડાં બાંગ્લાદેશ તરફ ત્રાટકે છે.
જો આ વાવાઝોડું વધુ મજબૂત બને તો તેની અસર ગુજરાતને થઈ શકે છે. જોકે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ સર્જાઈ જાય એ પછી જાણી શકાશે કે વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહીં.
વાવાઝોડાની વરસાદ પર અસર
વર્ષ 2022માં ‘આસાની’ વાવાઝોડું મે મહિનાના પહેલા સપ્તાહમાં આવ્યું હતું અને મે મહિનાના બીજા સપ્તાહમાં તે શાંત પડ્યું હતું. તેને કારણે આંદામાનના દરિયામાં ચોમાસાના પવનો ખેંચાયા હતા, પરંતુ તે વધારે આગળ વધી નહોતા શક્યા.
જોકે એના થોડા દિવસો બાદ ચોમાસું બંગાળની ખાડીમાં ઘણા દિવસો સુધી સક્રિય રહ્યું. તેને કારણે સામાન્ય રીતે પહેલી જૂને શરૂ થતું ચોમાસું કેરળમાં 29મેએ શરૂ થયું. જોકે હવામાન વિભાગની આગાહીના બે દિવસ બાદ ચોમાસાની શરૂઆત થઈ હતી.
દેશમાં ચોમાસાના પ્રથમ મહિનામાં બહુ વરસાદ નહોતો પડ્યો. 2021માં ચોમાસાની ઋતુ પહેલાં બે વાવાઝોડાં આવ્યાં હતાં. પહેલું વાવાઝોડું ‘તૌકતે’ મે મહિનાનાં ત્રીજા સપ્તાહ દરમિયાન અરબ સાગરમાં ત્રાટક્યું હતું.
પશ્ચિમના દરિયાકિનારે આ વાવાઝોડાંને કારણે ભયંકર વરસાદ પડ્યો. તેને કારણે બંગાળની ખાડીમાંથી આવતા ચોમાસાના પવનોને પ્રભાવિત થયા.
બીજું વાવાઝોડું ‘યાસ’ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું. ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ આવેલા આ વાવાઝોડાને કારણે ચોમાસાના પવનો પૂર્વ ભાગમાં ખેંચાયા.
યાસને કારણે બિહાર જેવા કેટલાક ભાગોમાં ભયાનક વરસાદ પડ્યો અને પૂર આવ્યું.
2020માં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ‘અંફન’અને અરબ સાગરમાં ઉદ્ભવેલા ‘નિસર્ગ’ વાવાઝોડાંએ પણ આ જ પ્રકારે ચોમાસાને અવરોધવાનું કામ કર્યું હતું.
વાવાઝોડું કઈ રીતે સર્જાય છે?
સમુદ્રનાં ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે. હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય, ત્યારે નીચેથી પહેલાંથી ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે.
આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરમિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે. આ જ મોજાં કાંઠેનાં શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતાં હોય છે.
જમીન પર ભારે ઝડપથી ફૂંકાતા પવનો પણ નુકસાન સર્જતા હોય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રના પાણીનું તાપમાન વધી રહ્યું છે અને તેને કારણે ભવિષ્યમાં ‘હરિકૅન’નું જોખમ વધી ગયું છે.
વાવાઝોડાના સર્જન વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.