ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કેમ બદલાઈ રહ્યો છે મોસમનો મિજાજ? મેમાં પણ વરસાદ અને ઠંડી કેમ અનુભવાઈ રહી છે?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે 10 મે સુધી દેશના એકેય રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે નહીં.

સામાન્ય રીતે મે મહિનામાં દેશના અલગ-અલગ પ્રદેશમાં ભીષણ ગરમી પડતી હોય છે અને કેટલાંક રાજ્યોમાં તો ઉષ્ણતામાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસથી પણ આગળ ધસી જતો હોય છે.

જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ પાછલા ઘણા સમયથી ઘણાં સ્થળોએ વરસાદી માહોલ જામ્યો છે. સામાન્યપણે આ સમયગાળામાં ગરમી અનુભવાતી હોય છે પરંતુ ઘણાં સ્થળોએ સતત વરસાદને કારણે હજુ સુધી આવું બન્યું નથી.

ગરમી વધવાનો સિલસિલો દર વર્ષે માર્ચથી શરૂ થતો હોય છે. એપ્રિલથી મે-જૂન સુધી સૂરજ જોરદાર તપતો રહે છે, પરંતુ આ વર્ષે 11 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ગરમીની લહેર ચાલી હતી, એવું દેશના હવામાનવિભાગના આંકડા જણાવે છે.

આ સિલસિલો માત્ર ઉત્તર ભારત પૂરતો મર્યાદિત રહ્યો નથી.

દક્ષિણ, પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં પણ ઓછાવત્તા અંશે આવી જ પરિસ્થિતિ રહી છે.

પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે દક્ષિણ ભારતથી પૂર્વ, મધ્ય અને ઉત્તર ભારતમાં 29 એપ્રિલથી બીજી મે સુધી લગભગ તમામ રાજ્યોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 10 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું હતું.

તેને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં બરફવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારો અને મધ્ય તથા પૂર્વ ભારતમાં જોરદાર આંધી સાથે કરાનો વરસાદ પણ પડ્યો છે.

ગુજરાતમાં પણ અરબી સમુદ્રનું ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ભળતા વરસાદ પડી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

તેમજ આ સિલસિલો આગામી અઠવાડિયા સુધી ચાલુ રહેવાનું અનુમાન છે.

આગામી અઠવાડિયે કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ખેડા આણંદના વિસ્તારો, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલમાં વધુ વરસાદ રહેશે.

તો એ સિવાયના વિસ્તારો જેમકે દ્વારકા, જામનગર, રાજકોટ સુરેન્દ્રનગર જેવા વિસ્તારો પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

બદલતી મોસમ અનોખો વિક્રમ નોંધાવી રહી છે. આ વિશેના પોતાના અનુભવ લોકો સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે.

કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે કે આ વર્ષે ઉનાળો આવશે કે નહીં?

બદલાતી મોસમ

  • સામાન્ય રીતે આ દિવસોમાં મેદાની વિસ્તારોમાં ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે.
  • જોકે, આ વર્ષે દેશના કેટલાક વિસ્તારોમાં મેના પહેલા સપ્તાહ સુધી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
  • મોસમમાં આ ફેરફાર માટે સમુદ્રમાં થતી હિલચાલને જવાબદાર માનવામાં આવે છે.
  • આવી વધુ હલચલ થશે અને તેને કારણે મોસમમાં વ્યાપક પરિવર્તન જોવા મળશે, એવું અનુમાન છે.
  • આવી જ હાલત યુરોપની પણ છે. યુરોપમાં ઉષ્ણતામાન પાછલાં કેટલાંક વર્ષોથી તમામ રેકૉર્ડ તોડી રહ્યું છે.
  • આખી પૃથ્વીનું ઉષ્ણતામાન વધી રહ્યું છે અને આ વર્ષે વધારે તાપમાનનો અનુભવ પણ થઈ રહ્યો છે.

તાપમાનના તૂટતા રેકૉર્ડ્ઝ

મોસમ વિજ્ઞાની નવદીપ દહિયાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, "ઉનાળાને બદલે શિયાળો પાછો આવી રહ્યો છે."

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં નોંધાયેલા મહત્તમ ઉષ્ણતામાનના આંકડા શૅર કરતાં તેમણે જણાવ્યું હતું કે ધર્મશાલામાં મહત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે રાજધાની દિલ્હીમાં તો તે 26.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 13 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.

એવી જ રીતે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દસથી 17 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું છે, જે મે મહિના માટે અનોખો રેકૉર્ડ છે.

દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદને કારણે ઉષ્ણતામાનમાં મોટો ઘટાડો થયો છે. તામિલનાડુ અને કેરળમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.

ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર, "ગત અમુક દિવસોમાં તામિલનાડુના વિવિધ વિસ્તારોમાં 90 મિલિમીટર વરસાદ પડ્યો છે, જ્યારે મધ્ય ભારત, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં વરસાદ પડી રહ્યો છે."

પાકિસ્તાન તરફથી દબાણ

ભારતીય હવામાનવિભાગના વિજ્ઞાની કુલદીપ શ્રીવાસ્તવે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સમયે દેશના અલગ-અલગ વિસ્તારોમાં તોફાન સાથે વરસાદ પડી રહ્યો છે.

તેમના જણાવ્યા મુજબ, આ સિલસિલો ચાલુ રહેશે. પૂર્વોત્તર ભારતના મેઘાલય અને તેની આસપાસના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે.

મોસમની માહિતી આપતા ટ્વિટર હૅન્ડલ Cloudmetweather એ સેટેલાઇટ તસવીરોના માધ્યમથી જણાવ્યું છે કે પાકિસ્તાન તરફથી વધતા પ્રેશરનો મોટો પ્રભાવ ઉત્તર ભારત, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ તરફ આગળ વધી રહ્યો છે, જેને કારણે તોફાન સાથે જોરદાર વરસાદ તથા કરા પડવાની સંભાવના છે.

‘આવું ઘણાં વર્ષોથી થયું નથી’

લાઇવ વેધર ઑફ ઇન્ડિયાના ચિફ ઑપરેટિંગ ઑફિસર શુભમના જણાવ્યા મુજબ, આ વર્ષે મે મહિનામાં નોંધાયેલા તાપમાને ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે.

તેમણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના તાપમાનની માહિતી શૅર કરતાં જણાવ્યું હતું કે અહીં વર્ષોથી આવું થયું નથી. ઉત્તર પ્રદેશના નજીબાબાદમાં સોમવારે મહત્તમ તાપમાન 20.5 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મોસમના મિજાજમાં થતા પરિવર્તને કારણે મોસમ વિજ્ઞાનીઓ વધુ સઘન સંશોધન કરતા થયા છે, કારણ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ગરમીએ ઘણા રેકૉર્ડ તોડ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરી 1901 પછીનો સૌથી વધુ ગરમ મહિનો બની રહ્યો હતો.

દરમિયાન હવામાનવિભાગે પણ સેટેલાઇટ તસવીરો બહાર પાડી છે. તેમાંથી જાણવા મળે છે કે દેશનાં તમામ રાજ્યોમાં આ મહિને સામાન્ય કરતાં વધુ વરસાદ પડી રહ્યો છે.

9 મે સુધી ગરમીની લહેર નહીં

કેન્દ્રના પૃથ્વી મંત્રાલય હેઠળના ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના વરિષ્ઠ વિજ્ઞાની રાજેન્દ્રકુમાર જેનામનીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "આ મહિનાની નવ તારીખ સુધી દેશના એકેય વિસ્તારમાં ગરમીની લહેર જોવા મળશે નહીં, કારણ કે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહી રહીને સર્જાઈ રહ્યું છે અને તેની અસર દેશના અનેક રાજ્યોમાં થઈ રહી છે."

તેમણે કહ્યું હતું કે "2020માં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એ વખતે એપ્રિલ અને મેમાં સામાન્ય રીતે હોય છે તેવી ગરમી ન હતી."

"અત્યાર સુધીમાં પાંચ વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. તેને લીધે તાપમાન ઘટ્યું છે અને વરસાદ પડી રહ્યો છે."

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગનું અનુમાન છે કે આ મહિનાના મધ્ય સુધીમાં આ પ્રકારનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ નવ વખત સર્જાશે.

ધરતી ગરમ થઈ રહી છે

પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે ભારતમાં મોસમમાં વારંવાર ફેરફાર થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.

સમગ્ર પૃથ્વીના તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો અનુભવાઈ રહ્યો છે.

ઉત્તર એશિયા, યુરોપ અને કૅનેડામાં તાપમાનમાં અણધાર્યો વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભારતમાં મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

વિજ્ઞાનીઓ સ્વીકારી રહ્યા છે કે મોસમનો મિજાજ બદલાવાને કારણે ભારતમાં અચાનક તોફાન તથા પૂરની પરિસ્થિતિ કે કેટલાક વિસ્તારોમાં દુકાળ પડવા જેવી ભૌગોલિક ઘટના જોવા મળી રહી છે. તેમાં આજકાલ વધારો થઈ રહ્યો છે.

મોસમમાં થતા ફેરફારની અસર હિમાલયને પણ થઈ રહી છે. હિમાલય પ્રદેશમાં ઝડપથી પીગળી રહેલી હિમશીલાઓથી પણ વિજ્ઞાનીઓ ચિંતિત છે.