You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ કેમ પડી રહ્યો છે?
ગુજરાતમાં આજે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન પલટાયું છે
સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં હાલ વરસાદ પડી રહ્યો છે. સતત આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં હજી પણ વરસાદ લાવશે.
ગુજરાતમાં એકાદ બે દિવસ બાદ વરસાદ ધીમો પડે અને ત્યારબાદ ફરી વરસાદ વધે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
હાલ પડી રહેલા વરસાદને કારણે મે મહિનાના શરૂઆતના દિવસોમાં ગરમીમાંથી રાહત મળશે.
જોકે બીજી તરફ ઉનાળુ પાક લઈ રહેલા ખેડૂતોને આ વરસાદને કારણે નુકસાન જશે.
આ વર્ષે ખરીફ પાકની સીઝનમાં પણ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને એની પાછળ શું છે કારણ?
ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદની મોસમ બેઠી છે.
અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, સાથે જ પવન પણ ફૂંકાઈ રહ્યો છે.
કેટલાક જિલ્લાઓમાં એટલો વરસાદ પડ્યો હતો કે રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા અને શેરીઓમાંથી પાણી વહી રહ્યાં હતાં.
શનિવાર 29 એપ્રિલના દિવસે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.
તો બીજી તરફ રાજકોટ, મોરબી, જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે.
સાથે જ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ સાથે પવન પણ ફૂંકાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, વલસાડ, ડાંગમાં પણ વરસાદ વરસ્યો હતો.
- જામનગરમાં 1 મેના રોજ થનારી ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણીમાં વરસાદ વિઘ્ન
- ગુજરાત સ્થાપના દિનની ઉજવણીની તૈયારીઓમાં એક દિવસે સ્ટેજ તૂટ્યું તો બીજા દિવસે કમોસમી વરસાદ નડ્યો
- ગુજરાત દિનની ઉજવણી માટે તૈયાર કરાયેલ મંડપ પાસે પાણી ભરાઈ ગયાં
- શનિવારે જ્યાં શસ્ત્ર પ્રદર્શન થવાનું હતું તે જામનગર પેલેસ ગ્રાઉન્ડની દશા પણ માવઠાએ બગાડી
- ગ્રાઉન્ડ સમથળ કરવા તંત્ર કામે લાગ્યું
- વરસાદ રોકાયા બાદ મેદાનને કાર્યક્રમ કરવા યોગ્ય બનાવવાની કવાયત ચાલુ થઈ
- જામનગર શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે
ખેડૂતોને પાકની ઉપજમાં નુકસાન જશે
ગુજરાતમાં માર્ચ મહિનાથી સમયાંતરે પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.
જૂનાગઢ અને ગીર-સોમનાથ સહિતના જિલ્લામાં કેરીના તૈયાર પાકને ભારે નુકસાન થવાનો ડર ખેડૂતોને છે.
જામનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લામાં એપીએમસી અને માર્કેટ યાર્ડમાં પડેલો તૈયાર પાક પલળી ગયો હોય, તેવા પણ દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
કમોસમી વરસાદનું શું છે કારણ?
ગુજરાતમાં સામાન્ય રીતે માર્ચ મહિનાથી જ ગરમીની શરૂઆત થઈ જતી હોય છે અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે.
જોકે આ વખતે એપ્રિલ મહિનાના અંત સુધી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને મે મહિના પણ માવઠાની શક્યતા છે.
અત્યારે ભારતનાં મોટા ભાગનાં રાજ્યો પર ચોમાસા જેવાં જ વાદળો ઘેરાયેલાં છે.
માર્ચ મહિનાથી અવારનવાર પડી રહેલા કમોસમી વરસાદ પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક મુખ્ય કારણ છે. ભારત પર સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે.
અત્યારે અરબી સમુદ્ર પરથી ભેજવાળાં પવનો ગુજરાત પર આવી રહ્યા છે, ભેજ સાથે આવતી હવા ગરમ હોય છે અને તે ઉપર ઊઠે છે.
હવા ઉપર જઈને ઠંડી થાય છે અને તેનાં વાદળ બંધાય છે. જેના કારણે ગાજવીજ સાથે વરસાદ પડે છે.