ગુજરાતમાં ભાજપે તો કૉંગ્રેસે હિમાચલ પ્રદેશમાં મુખ્ય મંત્રી નક્કી કર્યા

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી નબળું પ્રદર્શન કરનારા કૉંગ્રેસ પક્ષ માટે હિમાચલ પ્રદેશમાં મળેલો વિજય આશ્વાસનરૂપ લાગતો હશે. જ્યારે ગુજરાત ભાજપની ચૂંટાયેલી પાંખે તેમના મુખ્ય મંત્રીપદ માટે ભૂપેન્દ્ર પટેલને ઔપચારિક રીતે પસંદ કર્યા છે, ત્યારે કૉંગ્રેસે હિમાચલ પ્રદેશમાં તેમના મુખ્ય મંત્રીપદના નેતા તરીકે સુખવિંદર સુક્ખુને પસંદ કર્યા છે.

સુખવિંદર સુક્ખુ રવિવાર સવારે 11 વાગ્યે મુખ્ય મંત્રીપદના શપથ લેશે. કૉંગ્રેસના નિરિક્ષકોની હાજરીમાં કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં સુખવિંદર સુક્ખુને ચૂંટાયેલી પાંખના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા હતા.

હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રીપદના દાવેદારમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી રહી ચૂકેલા વીરભદ્રસિંહનાં પત્ની પ્રતિભા વીરભદ્રસિંહ પણ હતાં. તેમના સમર્થકોએ શિમલામાં કૉંગ્રેસ પક્ષની બેઠક પહેલાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

જોકે, પ્રતિભા સિંહે જણાવ્યું હતું કે, તેઓ કૉંગ્રેસના હાઈ કમાન્ડનો નિર્ણય સ્વીકારે છે.

મીડિયા સાથે વાત કરતા છત્તીતગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, સુખવિંદરસિંહ સુક્ખુ મુખ્ય મંત્રી બનશે અને 'મુકેશ અગ્નિહોત્રી ઉપમુખ્ય મંત્રી પદની શપથ લેશે.'

ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્ય મંત્રીપદના શપથ લેશે, મંત્રી મંડળની શપથવિધિ ક્યારે થશે?

ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે વિજેતા બનેલા ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા ઉમેદવારોની ગાંધીનગરના પક્ષના પ્રદેશ મુખ્ય મથક 'શ્રી કમલમ'માં બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભામાં ચૂંટાયેલી પાંખના વડા અને મુખ્ય મંત્રી પદ માટે સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના પ્રસ્તાવનું અનુમોદન કરવામાં આવ્યું હતું.

આ બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના વરિષ્ઠ નેતાઓએ ગાંધીનગર ખાતે આવેલા રાજભવનમાં પહોંચી રાજ્યપાલ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો.

પક્ષે રાજ્યપાલને વિનંતી કરી છે કે ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્ય મંત્રીપદના શપથ લેશે, પરંતુ મંત્રી મંડળના અન્ય સભ્યોની શપથવિધિ માટેની તારીખ પછી નક્કી કરવામાં આવશે.

સ્થાનિક ટીવી ચૅનલ ટીવી9ના અહેવાલ અનુસાર ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે.

પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું, "જીતનો શ્રેય ગુજરાતની જનતાને અને નરેન્દ્ર મોદીને"

ગાંધીનગર ખાતે મળેલી ભાજપની ધારાસભ્ય દળની બેઠક બાદ પૂર્વમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ બીબીસી સાથે વાતચીત કરી હતી.

તેમણે કહ્યું, "વિજયનો શ્રેય સૌથી પહેલાં ગુજરાતની જનતાને અને બીજો શ્રેય નરેન્દ્ર મોદીનો. સી. આર. પાટીલની ટીમ અને દરેક કાર્યકર્તાને પણ શ્રેય જાય છે."

"આજની બેઠકમાં સર્વાનુમતે ભૂપેન્દ્રભાઈની મુખ્ય મંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી છે. તેઓ ગુજરાતની જનતાની અપેક્ષા પૂર્ણ કરશે."

આગામી સમયમાં તમે કેવી રીતે આ સરકાર અને પાર્ટીને માર્ગદર્શન પૂરુ પાડશો? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "હાલમાં હું પંજાબ અને ચંડીગઢનો પ્રભારી છું અને મારું કામ ત્યાં કેવી રીતે ભાજપ વિજયી બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે."

વિધાનસભામાં ભાજપ ધારાસભ્યોના દળના નેતા ચૂંટાયા બાદ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?

ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલય 'કમલમ્'માં ધારાસભ્યોના દળની બેઠકમાં નેતા ચૂંટાયા બાદ ભૂપેન્દ્ર પટેલે પત્રકારપરિષદ યોજી હતી.

જેમાં તેમણે કહ્યું, "આજે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યોની બેઠકમાં પક્ષના નેતાની નિયુક્તિ કરવાની બેઠકમાં ફરી વખત મારી વરણી થઈ છે."

"લોકોને નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિ પર ભરોસો રાખ્યો એ બદલ હું સૌનો આભારી છું."

તેમણે આગળ કહ્યું, "હવે આગળ અમે ગવર્નર હાઉસ જઈશું. ત્યાં સરકાર રચવા માટે દાવો કરીશું અને શપથવિધિ માટે સમય માગીશું."

નવી સરકારમાં પ્રથમ કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતા પર ચર્ચા થશે કે કેમ? આ પ્રશ્નના જવાબમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા માર્જિનથી જીતેલા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે "કમિટીની રચના કરવામાં આવી છે. તેમની ભલામણ મુજબ કામ થશે."

ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલને સમર્થન આપ્યું

ચૂંટણી પરિણામો આવ્યા બાદ આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ભૂપેન્દ્ર પટેલના નામને વિધાનસભામાં દળના નેતા તરીકે સમર્થન આપ્યું હતું.

ગાંધીનગરસ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મળેલી કોર કમિટીની અને ધારાસભ્યદળની બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિધાનસભામાં દળના નેતા તરીકે નામ પસંદગી કરાયા બાદ હવે તેઓ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરશે.

બાદમાં 12મી ડિસેમ્બરે શપથવિધિ યોજાશે.

ધારાસભ્ય દળની બેઠકમાં જતા પહેલાં હર્ષ સંઘવીએ વિપક્ષ પર શું આરોપ લગાવ્યા?

ગાંધીનગરમાં ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં જતા પહેલાં સુરતની મજુરા બેઠક પરથી જીતેલા હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "વિપક્ષે ચૂંટણી જીતવા માટે ગુજરાતની જનતાને બદનામ કરવાની એક તક ન છોડી અને જનતાએ તેમને જવાબ આપ્યો છે."

તેમણે આગળ કહ્યું, "આ ચૂંટણી સત્તા માટે નહીં પરંતુ સંબંધો અને ભરોસા માટેની હતી. જેમાં ભાજપ ફરી એક વખત જીત્યો છે."

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્ય મંત્રીનું નામ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.

અલ્પેશ ઠાકોરે જીત બદલ કોનો આભાર માન્યો?

ગાંધીનગરસ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલાય ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ રહી છે.

આ બેઠકમાં હાજરી આપવા પહોંચેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "મને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપવા બદલ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલનો આભાર માનું છું."

"સાથે જ મને ભવ્ય જીત અપાવવા બદલ જનતાનો આભાર માનું છું. લોકોને નરેન્દ્ર મોદી પર વિકાસની રાજનીતિ માટે ભરોસો છે. તમામનો ખુબ ખુબ આભાર."

'શરૂઆતથી સૈનિકની ભૂમિકા ભજવી, પાર્ટી જે આપશે એ કામ કરીશ' : હાર્દિક પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ આજે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલાય ખાતે તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.

આ બેઠકમાં જતા પહેલાં હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ હાર્દિક પટેલે કહ્યું, "મને ખબર નથી, મેં શરૂઆતથી એક નાના સૈનિક તરીકેની ભૂમિકા ભજવી છે. પાર્ટી મને જે પણ કામ આપશે એ હું કરીશ."

ઉલ્લેખનીય છે કે સોમવારે નવી સરકારની શપથવિધિ યોજાશે. આ પહેલાં ભાજપે ગાંધીનગર ખાતે કોર કમિટી અને ધારાસભ્યદળની બેઠક બોલાવી છે.

ભાજપ કાર્યલય 'કમલમ્' ખાતે આજે ધારાસભ્ય દળની બેઠક યોજાશે

12 ડિસેમ્બરે ગુજરાતમાં સતત સાતમીવાર ભાજપ સરકાર બનાવશે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના 20 કૅબિનેટ મંત્રી શપથ લેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી સરકાર બને એ પહેલા શુક્રવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સોંપ્યું હતું.

મુખ્ય મંત્રી સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ, ગુજરાતના મુખ્ય દંડક પંકજ દેસાઈ પણ શુક્રવારે રાજીનામું આપવા રાજભવન ખાતે પહોંચ્યા હતા.

ભાજપ શનિવારે સવારે 10.30 વાગ્યે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ્’ માં તેની ધારાસભ્ય દળની બેઠક યોજવાની છે. ત્યારબાદ નેતાઓ બપોરે લગભગ 2 વાગ્યે રાજ્યપાલને મળશે.

ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે સતત બીજીવાર મુખ્ય મંત્રી પદના શપથ લેશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના નેતૃત્વ હેઠળના રાજ્યના મુખ્ય મંત્રીઓ પણ સામેલ થવાની શક્યતાઓ છે.

મધ્યપ્રદેશમાં 55 ફૂટ ઊંડા બોરવેલમાં ચાર દિવસ સુધી ફસાયેલા આઠ વર્ષના બાળકનું મૃત્યુ

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના માંડવી ગામમાં 6 ડિસેમ્બરે 55 ફૂટ ઊંડા બોરવેલમાં 80 કલાકથી ફસાયેલા આઠ વર્ષના તન્મય સાહુનું મૃત્યુ થયું છે.

બેતુલ જિલ્લાના પ્રશાસને શનિવારે કહ્યું હતું કે, "6 ડિસેમ્બરે સાંજે લગભગ 5 વાગ્યે 8 વર્ષનો તન્મય સાહુ ખેતરમાં રમતા-રમતા બોરવેલમાં પડી ગયો હતો અને તેના એક કલાકમાં રેસ્ક્યૂ ઑપરેશન શરૂ થઈ ગયું હતું. છેલ્લા ચાર દિવસથી પોલીસ, ફાયર ફાઈટર્સ, હોમગાર્ડ અને રાજ્ય ડિઝાસ્ટર ફોર્સના કર્મચારીઓ તન્મયને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તન્મયના મૃતદેહને ઍમ્બ્યુલન્સથી બેતુર જિલ્લાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે. આ પહેલા તન્મયના પરિવારે સવાલ ઉઠાવ્યા અને તત્કાલ પરિણામની માગ કરી હતી."

અદનૈર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અજય કુમાર સોનીના અધિકારક્ષેત્રમાં આ ઘટના ઘટી હતી. તેઓએ તન્મયના મૃત્યુની પૃષ્ટિ કરી હતી.

બીબીસી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, “માંડવી વિસ્તારના બોરવેલમાં તન્મયના પડવા પછીથી સ્થાનિક પોલીસ, ફાયર ફાઈટર્સ, હોમગાર્ડ અને રાજ્ય ડિઝાસ્ટર ફોર્સના કર્મચારીઓ સંઘર્ષ કરી રહ્યા હતા. સવારે લગભગ 5.30 વાગ્યે ટીમ સમાંતર ખાડો ખોદીને તન્મય સુધી પહોંચવામાં સફળ રહી હતી.”

તેઓએ જણાવ્યું હતું કે, “બચાવકર્મી તન્મય સુધી પહોંચ્યા ત્યાં સુધી તે જવાબ આપી રહ્યો ન હતો.”

છેલ્લા ચાર દિવસથી બચાવ કાર્યકરોએ બોરવેલની સાથે સમાંતર સુરંગ ખોદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના પહોંચતા સુધી મોડું થઈ ગયું હતું.

હોમગાર્ડના કમાન્ડન્ટ એસ આર આઝમીએ પત્રકારોને જણાવ્યું હતું કે, સપાટીની નીચે ખડકાળ સ્તરના કારણે બચાવ કામગીરી અને સુરંગ ખોદવામાં વાર લાગી હતી.

ચક્રવાત મૈંડૂસના કારણે તમિલનાડુમાં ઍલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું હતું કે, ચક્રવાત મૈંડૂસના લૅન્ડફૉલની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તમિલનાડુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમિલનાડુના દરિયાકાંઠામાં ભારે વરસાદના કારણે શુક્રવારે સાંજે મામલ્લાપુરથી ચક્રવાત મંડૂસ શરૂ થયું હતું.

આઈએમડીએ જણાવ્યું હતું કે, “ચક્રવાત મૈંડૂસ લગભગ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 2 કલાકમાં ધીરે-ધીરે ડીપ ડિપ્રેશન અને શનિવારે બપોર સુધી ધીમું પડવાની સંભાવના છે.”

ચેન્નઈના ડીડીજીએમ એસ બાલાચંદ્રને જણાવ્યું હતું કે, “ચક્રવાત મૈંડૂસના કારણે ચેન્નઈના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવનનો સામનો કરવો પડી રહ્યો છે.”

“ચક્રવાત મૈંડૂસ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. તેથી ઉત્તર-પશ્ચિમ જિલ્લાઓમાં 55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે સાંજ સુધીમાં ઘટીને 30-40 કિમી પ્રતિ કલાક થઈ જશે.”

ગ્રેટર ચેન્નઈ કૉર્પોરેશને લોકોને વિનંતી કરી છે કે, જ્યાં સુધી ચક્રવાત મૈંડૂસ ધીમું ન થાય ત્યાં સુધી બહાર જવાનું ટાળો.

હવામાન વિભાગના ઍલર્ટ બાદ તમિલનાડુના 10 જિલ્લામાં એનડીઆરએફ અને રાજ્ય સુરક્ષા બળની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. ચક્રવાત મૈંડૂસના કારણે ચેન્નઈ, વિલ્લુપુરમ, કુડ્ડાલોર અને કાંચીપુરમ જિલ્લામાં સ્કુલ-કૉલેજો આજે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ચક્રવાત મૈંડૂસ આજે રાત સુધી આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા તટને પાર કરવાની સંભાવના છે.

તમિલનાડુના મુખ્ય મંત્રી એમ કે સ્ટાલિને શુક્રવારે કહ્યું હતું કે, “ચક્રવાત મૈંડૂસને ધ્યાનામાં રાખીને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યાં છે.”