You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
AAPને ગુજરાતે કઈ રીતે રાજકીય પાર્ટીમાંથી રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ચૂક્યાં છે અને ભાજપનો 156 બેઠકો પર વિજય થયો છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 17 બેઠકો પર જીતી શકી છે.
આ વખતે ગુજરાતમાં ચૂંટણી લડવા ઊતરેલી આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો પર વિજય મેળવ્યો છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી સહિતના એકેય ચર્ચિત ચહેરાઓ ચૂંટણી જીત્યા નથી.
જોકે, ચૂંટણીમાં હાર્યા બાદ આમ આદમી પાર્ટીનું એક ટ્વીટ ચર્ચામાં છે.
આમ આદમી પાર્ટીએ ટ્વીટ કર્યું કે "એક નાનકડી આમ આદમી પાર્ટી"ને રાષ્ટ્રીય પાર્ટી બનાવવા માટે ગુજરાતની જનતાનો આભાર અને તમામ દેશવાસીઓને શુભેચ્છા. અમે ભારતને નંબર. 1 રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર અડગ છે."
દિલ્હીના નાયબમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પણ આવું જ કંઈક ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, "ગુજરાતની જનતાના વોટથી આમ આદમી પાર્ટી આજે રાષ્ટ્રૂીય પાર્ટી બની ગઈ છે. શિક્ષણ અને સ્વાસ્થ્યની રાજનીતિ પ્રથમ વખત રાજનીતિમાં ઓળખ બનાવી રહી છે. આ માટે દેશને અભિનંદન."
આ બે ટ્વીટ પરથી પ્રશ્નો ઉભા થાય છે કે કોઈ રાજકીય પાર્ટી કેવી રીતે રાષ્ટ્રીય પાર્ટી બની શકે અને ગુજરાતમાં 182માંથી પાંચ બેઠકો જીતીને આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી કેવી રીતે બની ગઈ?
રાષ્ટ્રીય પાર્ટી માટે શું છે ધારાધોરણો?
ભારતીય ચૂંટણીપંચની 'પૉલિટિકલ પાર્ટીઝ ઍન્ડ સિમ્બૉલ્સ, 2019 હૅન્ડબુક' અનુસાર કોઈ પણ રાજકીય પાર્ટી ત્યારે નેશનલ પાર્ટી ગણાશે જ્યારે :
- તેની ચાર કે તેથી વધુ રાજ્યોમાં 'ઓળખ' હોય અથવા
- જો પાર્ટીએ ચાર કે તેથી વધુ રાજ્યોમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં છ ટકાથી વધુ વોટશૅર મેળવ્યો હોય અથવા તો લોકસભાની ચૂંટણીમાં તેમના ચાર સાંસદો ચૂંટાયા હોય અથવા
- તેમણે ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ બેઠકોમાંથી 2 ટકા સીટો મેળવી હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે આ ધારાધોરણો મુજબ ચૂંટણીપંચ સમયાંતરે પાર્ટીઓનું મૂલ્યાંકન કરે છે અને તેમાં બંધબેસતી ન હોય તેવી પાર્ટીઓની કક્ષામાં ફેરફાર પણ કરે છે.
આમ આદમી પાર્ટી આ ધારાધોરણોમાં કેવી રીતે ફીટ બેસે?
આમ આદમી પાર્ટી મસમોટા વોટશૅર સાથે દિલ્હી અને પંજાબમાં સત્તામાં છે.
ગત માર્ચમાં યોજાયેલી ગોવા વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 6.77 ટકા વોટશૅર મેળવ્યો હતો.
પાર્ટીએ દિલ્હી, પંજાબ અને ગોવામાં પોતાની 'ઓળખ' તો ઊભી કરી લીધી હતી. જેથી ચૂંટણીપંચના ધારાધોરણો મુજબ પાર્ટીએ ગુજરાત અથવા તો હિમાચલ પ્રદેશમાં છ ટકા વોટશૅર મેળવવો અને પોતાની 'ઓળખ' પ્રસ્થાપિત કરવી જરૂરી હતી.
ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીને 1.10 ટકા વોટશૅર મળ્યો છે. જ્યારે ગુજરાતમાં પાર્ટીનો વોટશૅર 12.9 ટકા છે. જે ધારધોરણો કરતાં બમણો છે.
આ સાથે જ આમ આદમી પાર્ટી ચૂંટણીપંચના રાષ્ટ્રીય પાર્ટીના ધારાધોરણોમાં બંધબેસતી થઈ ગઈ છે.
ચૂંટણીપંચના પૂર્વ અધિકારીને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈ જણાવે છે કે કોઈ પાર્ટી જ્યારે ચાર રાજ્યોમાં 'રાજ્યકક્ષાની પાર્ટી' તરીકે પોતાનું સ્થાન ઊભું કરે ત્યારે તે આપોઆપ રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા મેળવવા માટે લાયક ઠરે છે.
પૂર્વ અધિકારી આગળ જણાવે છે, "માન્યતા મેળવવા માટે આ સિવાય પણ અન્ય રસ્તા છે. આમ આદમી પાર્ટી પહેલાંથી દિલ્હી અને પંજાબમાં સત્તામાં હોવાથી તેની પાસે રાજ્યકક્ષાની પાર્ટીનો દરજ્જો હતો. જેથી તેણે માત્ર બે રાજ્યોની સામાન્ય ચૂંટણીમાં છ ટકા શૅર મેળવવાનો હતો."
આમ આદમી પાર્ટીએ માર્ચ મહિનામાં યોજાયેલી ગોવા વિધાનસભાની ચૂંટણીમાં છ ટકાથી વધુ વોટશૅર મેળવ્યો હતો અને આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે 12.91 ટકા વોટશૅર મેળવ્યો હતો. જેથી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકેનાં તમામ ધારાધોરણોમાં બંધબેસતી થઈ ગઈ છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કેન્દ્રીય ચૂંટણીપંચ તરફથી રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા પ્રાપ્ત થયા બાદ પાર્ટીને દિલ્હીમાં ઑફિસ માટે જગ્યા ફાળવવામાં આવશે અને પાર્ટીના વડાને સરકારી આવાસની પણ ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીનું ચૂંટણીચિહ્ન 'ઝાડું' દેશભરમાં તેની માટે અનામત રહેશે.
આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી વિજ્ઞપ્તિ અનુસાર, પાર્ટી હવે 20ની જગ્યાએ 40 સ્ટાર પ્રચારકો રાખી શકશે અને એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે ટેલિવિઝન અને રેડિયો પર દેશવાસીઓને સંબોધવા માટે તેમને સમય પણ ફાળવવામાં આવશે.
અન્ય રાષ્ટ્રીય પાર્ટીઓ
અત્યાર સુધીમાં ભારતીય ચૂંટણીપંચે આઠ પાર્ટીઓને 'રાષ્ટ્રીય પાર્ટી' તરીકે માન્યતા આપી છે. આ પાર્ટીઓ છે :
- ભાજપ
- કૉંગ્રેસ
- તૃણમૂલ કૉંગ્રેસ
- સીપીઆઈ (એમ)
- સીપીઆઈ
- એનસીપી
- બીએસપી
- એનપીપી