You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની ચૂંટણીમાં સર્જાયેલા એ ‘અપસેટ’ જેમાં સરકારના મંત્રી હારી ગયા
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે.
ભાજપ ફરી એક વાર રાજ્યમાં ‘બમ્પર બહુમતી સાથે સત્તામાં પાછા ફરવાનો’ દાવો કરી રહ્યો છે, તો સામે પક્ષે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ અને પોતાની જાતને ‘ગુજરાતની જનતાની પસંદગીનો નવો વિકલ્પ’ ગણાવનાર આમ આદમી પાર્ટી ‘રાજકીય પરિદૃશ્યમાં મોટા અપસેટ’ સર્જી ‘રાજ્યમાં પોતાની સરકાર રચવાનો દાવો કરી રહી છે.’
હવે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે અને પક્ષો ‘અપસેટ’ સર્જવાના દાવા કરી રહ્યા છે ત્યારે ગુજરાતના રાજકારણમાં થયેલા કેટલાક મોટા ‘અપસેટ’ની યાદો ફરી તાજા થવાનું સ્વાભાવિક છે.
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કેટલાક એવા ‘અપસેટ’ સર્જાયા હતા જેમાં ગુજરાત સરકારના મંત્રીઓ અને નેતાઓએ પણ હારનું મોઢું જોવાનો વારો આવ્યો હતો. અહીં સુધી કે ગુજરાત વિધાનસભાના તત્કાલીન સ્પીકર, વર્ષોથી ચૂંટાતા આવતાં નેતાથી માંડીને રાજ્ય સરકારના મંત્રી પણ બેઠક ગુમાવી બેઠા હતા.
શું હતા આ ‘અપસેટ’નાં કારણો? કેમ ‘મોટા નેતાઓ’એ પણ હારનો સામનો કરવો પડ્યો હતો?
આ બેઠકો પર સર્જાયા હતા મોટા ‘અપસેટ’
જો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મોટા ‘અપસેટ’ની વાત કરીએ તો અમરેલીની ધારી બેઠક પર, ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ વિધાનસભા બેઠક પર, સુરેન્દ્રનગરની દસાડા બેઠક પર, કચ્છ જિલ્લાની માંડવી બેઠક પર, અમરેલીની રાજુલા બેઠક અને પોરંબદરની વિધાનસભા બેઠક પર ‘મોટા અપસેટ’ જોવા મળ્યા હતા.
અમરેલીની ધારી બેઠક પરથી ભાજપના ‘મોટા નેતા’ અને ભૂતપૂર્વ મંત્રી દિલીપ સંઘાણી કૉંગ્રેસના જે. વી. કાકડિયા સામે હારી ગયા હતા.
વર્ષ 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર જે. વી. કાકડિયાને 66,644 મતો મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણીને 51,308 મતો મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે દિલીપ સંઘાણી ભાજપના સિનિયર નેતા હોવાની સાથે ભૂતપૂર્વ કૃષિમંત્રી પણ હતા.
આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ બેઠક પર પણ ‘અપસેટ’ જોવા મળ્યો હતો.
આ બેઠક પરથી ભાજપના તત્કાલીન રાજ્ય પાણીપુરવઠામંત્રી જશા બારડે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ બેઠક પરથી કૉંગ્રેસના વિમલભાઈ ચુડાસમા મેદાન મારી ગયા હતા.
વિમલભાઈ ચુડાસમાને વર્ષ 2017ની ચૂંટણીમાં 94,914 મત મળ્યા હતા જ્યારે જશાભાઈ બારડને 74,464 મત મળ્યા હતા.
તેમજ સુરેન્દ્રનગરની દસાડા વિધાનસભાની બેઠક પરથી તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ અને ભાજપના દલિત નેતા રમણલાલ વોરા હારી ગયા હતા.
તેમની સામે કૉંગ્રેસના નૌશાદ સોલંકીની જીત થઈ હતી. નૌશાદ સોલંકીને એ ચૂંટણીમાં 74,009 મત મળ્યા હતા, જ્યારે રમણલાલ વોરાને 70,281 મતો મળ્યા હતા.
કંઈક આવું જ કૉંગ્રેસના મોટા ચહેરા સાથે પણ થયું હતું.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા બે મોટા કૉંગ્રેસી નેતાઓએ વર્ષ 2017ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કચ્છની માંડવી બેઠક પરથી કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ અને પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
માંડવી બેઠક પરથી શક્તિસિંહ ગોહિલને 70,423 મત મળ્યા હતા જ્યારે ભાજપના વીરેન્દ્રસિંહ જાડેજાને 79,469 મત સાથે જીત મળી હતી.
રાજુલા બેઠકનાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો પાછલી ઘણી ચૂંટણીઓથી ચૂંટાતાં આવતાં ભાજપના ઉમેદવાર અને કોળી સમાજના ‘કદાવર નેતા’ હીરા સોલંકીને હારનો સામનો કરવો પડ્યો હતો.
હીરા સોલંકીને 71,099 મતો મળ્યા હતા જ્યારે કૉંગ્રેસના અંબરીષ ડેરને 83,818 મત મળ્યા હતા.
તેમજ પોરબંદર બેઠક પરથી કૉંગ્રેસના અર્જુન મોઢવાડિયાને 70,575 મત સાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખિરિયા એક હજાર કરતાં વધુ મતોથી જીત્યા હતા.
બાબુભાઈ બોખિરિયાને 72,053 મત મળ્યા હતા.
શું હતાં ‘અપસેટ’નાં કારણો?
ધારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની હારનાં કારણો વિશે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતના રાજકીય પ્રવાહોના જાણકાર કૌશિક મહેતા જણાવે છે કે, “સંઘ પરિવારમાં આંતરિક સમસ્યાઓની તેમની બેઠકનાં પરિણામો પર અસર પડી હતી. આ સિવાય પાટીદાર અનામત આંદોલન કહો કે હાર્દિક પટેલ, બંનેની અસર અમરેલી જિલ્લાનાં ચૂંટણીપરિણામો પર થઈ હતી. અમરેલીમાં કૉંગ્રેસને ઘણો ફાયદો થયો હતો. તમામે તમામ બેઠકો પર કૉંગ્રેસ કબજો કરવામાં સફળ નીવડી હતી.”
આ સિવાય તેઓ સોમનાથ બેઠક પર ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યકક્ષાના મંત્રી જશાભાઈ બારડની હારનાં કારણોનું વિશ્લેષણ કરતાં કહે છે કે, “એ વખતે જશાભાઈ બારડ સામે આ બેઠક પર કૉંગ્રેસે નવા, યુવાન ઉમેદવાર વિમલ ચુડાસમાને ટિકિટ આપી હતી. તેનો લાભ થયો હતો. કારણ કે એ બેઠક પર પાટીદાર આંદોલનની અસર નહોતી. ઉપરાંત કૉંગ્રેસના ઉમેદવારનો લોકસંપર્ક પણ સારો હતો. જે તેમની જીત માટે નિર્ણાયક પરિબળ બન્યું હોઈ શકે.”
કૌશિક મહેતા સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર, દલિત નેતા અને ગુજરાત વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ રમણલાલ વોરાની હારનાં કારણો અંગે વાત કહે છે કે, “તેમને પણ ભાજપ સામેની ઍન્ટિ-ઇન્કમ્બન્સી નડી હતી.”
કૉંગ્રેસના મોટા નેતાઓની હારનાં કારણોની વાત કરવામાં આવે તો કચ્છના માંડવીથી ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા અને ગુજરાતમાં કૉંગ્રેસ તરફથી એ સમયે ‘મુખ્ય મંત્રીપદના દાવેદાર’ મનાતા શક્તિસિંહ ગોહિલે હારનો સામનો કરવો પડ્યો હતો.
તેમની હારનાં કારણોનું વિશ્લેષણ રજૂ કરતાં સ્થાનિક પત્રકાર નીતિન ખત્રી જણાવે છે કે, “સ્થાનિક સ્તરે કૉંગ્રેસમાં તે સમયે આંતિરક લડાઈ હતી જેનું તેમને નુકસાન થયું હતું. ઉપરાંત શક્તિસિંહની હાર સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક ઉદ્યોગગૃહોએ મહેનત કરી હતી. કારણ કે શક્તિસિંહ જેવી કડક છબિ ધરાવતા નેતા કેટલાક સ્થાનિક ઉદ્યોગગૃહોને પરવડે તેમ નહોતા. આ સિવાય તેમને બહારના ઉમેદવાર ગણાવીને પણ તેમની સામે વાતાવરણ ઊભું કરાયું હતું. આ બધાં પરિબળો તેમની હારમાં પરિણમ્યાં.”
અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પર વર્ષ 1998થી હીરા સોલંકી વિધાનસભાની ચૂંટણી જીતતા આવતા હતા. વર્ષ 2017માં તેમની હારનાં કારણો અંગે વાત કરતાં સ્થાનિક પત્રકારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “વર્ષો પછી હીરા સોલંકી સામે રાજુલા શહેરના સ્થાનિક અને યુવાન ઉમેદવાર તરીકે અંબરીષ ડેરને ઉતારાયા હતા. તેમજ હીરા સોલંકી વર્ષોથી ચૂંટાતાં આવતાં હોઈ તેમની સામે સત્તાવિરોધી જુવાળ પણ હતો. તેમજ કોળી સમાજ પછી સૌથી વધુ મત ધરાવતા પાંચાળી આહિર સમાજના છે, તેમણે તમામે અંબરીષભાઈને ટેકો જાહેર કરતાં આ બેઠક પર ઊલટફેર થયો હતો.”
પોરબંદરથી ગુજરાત કૉંગ્રેસના મોટા નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયાની હારનાં કારણો અંગે વાત કરતાં સ્થાનિક પત્રકાર વિપુલ ઠક્કર જણાવે છે કે, “પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાની છબિ સારી છે. પરંતુ સ્થાનિક મતદારો અને તેમના ટેકેદારો પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે અર્જુનભાઈએ કરેલા પ્રયત્નોથી ખુશ નહોતા, જેના કારણે તેમનું સમર્થન ઘટ્યું અને પરિણામ તેમની વિરુદ્ધમાં આવ્યું.”