ખતરનાક પૂર અને વાવાઝોડા સામે પણ વર્ષો સુધી ઝીંક ઝીલી શકે છે આ તરતાં મકાનો

ફિલિપાઈન્સનાં તરતાં મકાનો

ઇમેજ સ્રોત, Gab Mejia

ઇમેજ કૅપ્શન, ફિલિપાઈન્સનાં તરતાં મકાનો
    • લેેખક, ગબ મજિઆ
    • પદ, ફીચર્સ સંવાદદાતા

ફિલિપાઇન્સના એક વિશાળ આદ્રભૂમિ પ્રદેશ પર દર વર્ષે ડઝનબંધ તોફાનો અને પૂરનો સામનો કરવા છતાં માનોબા સ્વદેશી લોકો રહે છે અને સમૃદ્ધ થાય છે. આપણે તેમની પાસેથી શું શીખી શકીએ?

દક્ષિણ ફિલિપાઇન્સના માનોબા સ્વદેશી સમુદાયના આગેવાન મેરિટસ બાબાન્ટોને 2012માં તેમના ગામમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું એ હજુ પણ યાદ છે. મેરિટસ અને તેમનો સમુદાય રહે છે તે અગુશાન માર્શલલૅન્ડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને કળણવાળી આદ્રભૂમિમાં પાણીનું સ્તર વધીને 33 ફૂટ એટલે કે ત્રણ માળની ઊંચાઈ સુધીનું થઈ ગયું હતું, પરંતુ ગામલોકોનાં ઘરો, પૂરનું પાણી ભરાઈ જવાને બદલે પાણીનાં સ્તરની સાથે ઊંચાં આવ્યાં હતાં. તે એક બુદ્ધિગમ્ય પ્રાચીન તકનીકને આભારી હતું. તેને કારણે લોકોનાં ઘર પાણી પર તરતાં રહ્યાં હતાં.

બાબાન્ટો તે ઘટનાને યાદ કરતાં કહે છે, "અમારા સમુદાયે એવા તોફાનનો અનુભવ ક્યારેય કર્યો ન હતો. જોરદાર પવન ફૂંકાતો હતો અને વરસાદ કલાકો સુધી વરસતો રહ્યો હતો. અમે બધા લોકોને તરતા આદિવાસી હૉલમાં એકઠા કર્યા હતા."

ટાયફૂન બોફા અથવા ટાયફૂન પાબ્લો તરીકે ઓળખાતા એ તોફાનમાં લગભગ 2,000 લોકો માર્યા ગયા હતા અને 2012ના તે તોફાનથી ફિલિપાઇન્સમાં વ્યાપક વિનાશ સર્જાયો હતો.

જોકે, બાબાન્ટો અને તેમના પાડોશીઓએ તેમના સમુદાય પર વાવાઝોડાની અસરનું મૂલ્યાંકન કર્યું ત્યારે તેમને ખબર પડી હતી કે તેમનાં ઘર અકબંધ હતાં. નિયમિત રીતે આવતાં પૂર અને વાવાઝોડાંનો સામનો કરવા માટે એ ઘરોને પરંપરાગત રીતે પ્લૅટફૉર્મ પર બાંધવામાં આવ્યાં છે. આ પદ્ધતિ અત્યંત શક્તિશાળી વાવાઝોડાનો સામનો કરવામાં અત્યંત અસરકારક સાબિત થઈ છે.

અન્ય શ્રેણીબદ્ધ શોધ તથા રીતરસમ સાથે જમીન અને પાણી વચ્ચેના સંક્રમણ પ્રદેશમાં ટકી રહેતા માનોબોસનાં તરતાં ઘરોએ શોધકર્તાઓની રુચિ વધુને વધુ આકર્ષી રહ્યાં છે. સંશોધકો આ ઘરોને આત્યંતિક હવામાન સામે ટકી રહેવાની તૈયારી કરતા અન્ય સમુદાયો માટેનો મહત્ત્વપૂર્ણ પદાર્થપાઠ ગણી રહ્યા છે.

તરતી દુનિયા

અગુશાન માર્શલેન્ડ્સમાં પનલાબુહાન તળાવમાં મનોબો સ્થાનિક લોકોના તરતા ઘરો

ઇમેજ સ્રોત, Gab Mejia

ઇમેજ કૅપ્શન, અગુશાન માર્શલૅન્ડ્સમાં પનલાબુહાન તળાવમાં મનોબો સ્થાનિક લોકોનાં તરતાં ઘરો

અગુશાન માર્શલૅન્ડ્સમાં મનોબો સમુદાયના લગભગ 2,90,000 સભ્યો રહે છે. ભીની જમીન અને પાણીની આસપાસ જીવન જીવે છે. અહીં કોઈ રસ્તા કે ફૂટપાથ નથી. અહીં ઘરો અને પાડોશ નદીઓ તથા તળાવો દ્વારા જોડાયેલાં છે.

બાબેન્ટો દિવસ દરમિયાન બારોટો નામે ઓળખાતી લાકડાની પરંપરાગત નાવડી ચલાવે છે. તેઓ તરતાં પારિવારિક ઘરો, આદિવાસી સામુદાયિક ભવન, શાળાઓ, ચર્ચ અને પ્રાણીઓના વાડાઓમાંથી આગળ વધે છે. તેઓ અગુશાન માર્શની મધ્યમાં આવેલા પવિત્ર તળાવમાં નાવડી ચલાવે છે અને પ્રાર્થના કરે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અગુશાન માર્શ ફિલિપાઇન્સમાંની સૌથી મોટી અને નૈસર્ગિક તાજા પાણીની આદ્રભૂમિ છે. એ પછી તેઓ તેમનાં બતક-મરઘીઓ અને ભૂંડને ચારો આપવા માટે પ્રાણીઓના વાડામાં જાય છે. તેઓ તેમના તરતા ઘરની સફાઈ કરે છે, વરંડામાં પોતાનાં કપડાં ધોવે છે અને પોતાની ભાણીઓ તથા ભત્રીજીઓને નાનકડી નાવડી પર સ્કૂલે મોકલે છે.

તરતા સમુદાયો ઋતુ અનુસાર સંકોચાતી કે વિસ્તરતી સર્પાકાર નદીઓ અને તળાવો સાથેના તેમજ ક્યારેય ન સુકાતી માર્શલૅન્ડમાં રહેવાનો વ્યવહારુ ઉકેલ છે.

માર્શ સમુદાયોમાં પૂર એક વાર્ષિક ઘટના છે, કારણ કે ડિસેમ્બરથી માર્ચ મહિના દરમિયાનના વરસાદથી પાણીના સ્તરમાં વધારો થાય છે. શુષ્ક મોસમમાં પાણી ઓછું થઈ જાય છે.

આ આત્યંતિક વધારા-ઘટાડામાં ટકી રહેવા સમુદાય પરંપરાગત રીતે વાંસ અને બાલસાના લાકડામાંથી બનાવવામાં આવેલા તરાપા જેવા પ્લૅટફૉર્મ પર એક કે બે માળનાં મકાનો બનાવે છે.

નેચરલ ઍર પૉકેટ્સને કારણે લાકડું તરતું રહે છે. પ્લૅટફૉર્મને મજબૂત દોરડા અને વેલાઓનો ઉપયોગ કરીને લાંગરવામાં આવે છે, બંગકલ વૃક્ષોની આસપાસ બાંધી દેવામાં આવે છે. બંગકલ આદ્રભૂમિનું એક વૃક્ષ છે, જે પૂરના પાણીથી ભરેલા તળાવ અને કાંપની મધ્યમાં ઊગે છે.

બાબન્ટો કહે છે, "આ વૃક્ષો રહેશે ત્યાં સુધી અમારા ઘર પૂર હોવા છતાં ટકી રહેશે." વારંવાર આવતા પૂર કરતાં વાવાઝોડાની વધતી તાકાતથી તેઓ વધારે ભયભીત છે. વાસ્તવમાં તેમને પૂરમાં સંભવિત લાભ દેખાય છેઃ "જેટલું વધુ પાણી હોય જેટલી વધારે માછલીઓ અમે પકડી શકીએ છીએ."

આબોહવા પરિવર્તનને લીધે વાવાઝોડાં અને પૂરની તીવ્રતા તથા શક્તિ વધી રહી હોવાની ચેતવણી વિજ્ઞાનીઓ આપી રહ્યા છે ત્યારે આ તરતાં ઘરો તરફ તેમને બનાવનારા સમુદાય બહારના લોકોનું ધ્યાન વધુ ખેંચાઈ રહ્યું છે.

ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા જેવા દ્વીપસમૂહના દેશોમાં ફ્લોટિંગ હાઉસને પૂર તથા વધતા જતા દરિયાઈ સ્તરના જોખમ સામે શહેરી સમુદાયો માટે સંભવિત ઉકેલ ગણવામાં આવે છે. નેધરલૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ જેવા દેશોએ પાણીના સ્તરમાં વધઘટ અને વિનાશક પવન સામે ઝીંક ઝીલવા માટે સ્ટીલ તથા કૉંક્રિટના મજબૂત આધુનિક ફ્લોટિંગ મકાનો વિકસાવ્યાં છે.

જમીન અને પાણી વચ્ચે જીવન

મનોબા સમુદાયનાં બાળકો તેમની તરતી શાળામાં અભ્યાસ પછી તેમનાં માતાપિતાની પરંપરાગત નાવડીઓમાં રમે છે

ઇમેજ સ્રોત, GAB MEJIA

ઇમેજ કૅપ્શન, મનોબા સમુદાયનાં બાળકો તેમની તરતી શાળામાં અભ્યાસ પછી તેમનાં માતાપિતાની પરંપરાગત નાવડીઓમાં રમે છે

ફ્રાન્સિકા મેજિયા નેધરલેન્ડની ડેફલ્ટ યુનિવર્સિટી ઑફ ટેકનૉલૉજી (ટીયુ ડેફલ્ટ) ખાતે ફિલિપિના આર્કિટેક્ટ અને અર્બન ડિઝાઇન રિસર્ચર છે. તેઓ દલીલ કરે છે કે આબોહવા પરિવર્તન અને તેની અસરોનો સામનો કરવા માટે દુનિયાએ હવે માનોબો જેવી સ્વદેશી સંસ્કૃતિઓ તરફ નજર કરવી જરૂરી છે.

અલબત, તેઓ ચેતવણી પણ આપે છે કે ફ્લોટિંગ હાઉસ જેવી સ્વદેશી શોધોને સ્વદેશી સમુદાયોની પ્રકૃતિ તથા જમીનની જાળવણી સાથે જોડાયેલી વ્યાપક પ્રણાલીના એક ભાગરૂપે જ સમજી શકાય.

તેઓ કહે છે, "આબોહવાની આપદામાં આજે જરૂરી કાળજી સ્વદેશી લોકોના વૈશ્વિક દૃષ્ટિકોણમાં પહેલેથી અસ્તિત્વમાં છે. આવી કાળજીને લીધે તેઓ સહસ્ત્રાબ્દી સુધી ટકી રહ્યા છે."

તેઓ ભારપૂર્વક જણાવે છે કે કોઈ ચોક્કસ સામગ્રી કે તકનીક જ તરતાં ઘરોને લવચીક બનાવતી નથી, પરંતુ પર્યાવરણ સાથે સુસંગત ઇમારતોની રચના કરવા માટેનો ફિલિપાઈન્સના મનોબો અને અન્ય સ્થાનિક લોકોનો અભિગમ પણ મહત્ત્વપૂર્ણ છે. "પૂર, વાવાઝોડા અને હવે દુષ્કાળ જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓએ પણ તેમની ભવન નિર્માણની રીતોને વિકસાવી છે. તેમાં પાયાના ડિઝાઇન સિદ્ધાંતો એ જ હોય છે."

તેમને જણાવ્યા મુજબ, તેમાં પુનઃપ્રાપ્ય સ્થાનિક સામગ્રીનો ઉપયોગ, કુદરતી તત્ત્વો સાથે અનુકૂલન સાધીને તરતું રહી શકે તેવા ગતિશીલ-લવચીક લાકડાના માળખા અને એક સમુદાય તરીકે એકસાથે ઘરોને ડિઝાઇન કરવાની તથા બનાવવાની પરંપરાનો સમાવેશ થાય છે.

અંતિમ માળખું પ્રકૃતિને પોતાનામાં કેવી રીતે સમાહિત કરી છે તે સમજાવતાં તેઓ જણાવે છે કે ઢાળવાળી છતને લીધે પાણી વહી જાય છે અને સૌથી ગરમ મહિનામાં ઘરને ઠંડું રાખે છે. જરૂરી હોય તો તેને માર્શના બીજા ભાગમાં પણ ખસેડી શકાય છે. હવામાનની સ્થિર ઋતુઓ દરમિયાન સમુદાયને સલામત રાખવા માટે તેઓ તેમનાં ઘરોને જોડી રાખે છે.

તેમના જણાવ્યા મુજબ, મુખ્ય માળખું વાંસ અથવા સ્થાનિક હાર્ડવૂડનું બનેલું હોય છે, જ્યારે છાપરાં, દીવાલો અને છત સામાન્ય રીતે નિપા, નેતર અને તાડનાં પાંદડાને ગૂંથીને બનાવવામાં આવે છે. તે ટકાઉ અને બાયોડિગ્રેડેબલ હોવાને કારણે બદલાવી શકાય છે. આ બધાં વૃક્ષો સ્થાનિક પરિસરમાં ઉગાડવામાં આવતા હોવાથી તેનાં પાંદડાં વડે ઘરનું સરળતાથી સમારકામ કરી શકાય છે.

તરતા સમુદાયો અગુસાન માર્શલેન્ડ્સ વન્યજીવન અભયારણ્યનો ભાગ છે, જે લગભગ 14,800 હેક્ટરનો સ્વૅમ્પ્સ, પિટલૅન્ડ અને 59 સરોવરો સાથેનો સંરક્ષિત વિસ્તાર છે. તે ફિલિપાઇન્સના બીજા સૌથી મોટા ટાપુ મિડાનાઓની મધ્યમાં સ્થિત છે. આ વિસ્તારમાં ફિલિપાઇન્સમાંથી મળી આવતા કુલ તાજા પાણીનો ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો ધરાવે છે. પૂરના પાણીને શોષવાની તેની ક્ષમતાનું પણ ફિલિપાઈન્સમાં વ્યાપક મહત્વ છે, કારણ કે ફિલિપાઇન્સમાં દર વર્ષે સરેરાશ 20 મોટાં તોફાનો ત્રાટકે છે અને પૂર આવે છે.

માનોબો અને માર્શલૅન્ડ્સમાંના અન્ય સ્થાનિક સમુદાયો માટે માછીમારી આજીવિકાનો મુખ્ય સ્રોત છે. તે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓ સાથે પણ જોડાયેલું છે. તે ઇકોસિસ્ટમ અને તેમાં તેમના પોતાના સ્થાનનો આદર કરે છે. તેઓ ગીતો અને પ્રાર્થનાઓ વડે તેમની આસપાસના વેટલૅન્ડ જીવોનું સન્માન કરે છે.

માર્શલૅન્ડમાં ઊંડે આવેલા લેક બેનોમીમાં માનોબોના પૂર્વજોના આદિવાસી સરદાર દાતુ દુરાંગો કહે છે, "ખારાં પાણીની મગરો, તાજાં પાણીની માછલીઓ અને સ્થળાંતરિત પક્ષીઓ આ જળ પર આધાર રાખનારા આપણા પૂર્વજો, આત્માઓ અને દેવતાઓની જેમ જ આ જળાશયના મૂળ રહેવાસીઓ છે."

પરંપરા અને પરિવર્તન

માર્શલેન્ડ્સમાં તરતાં ઘરો અને ચેપલ મૉડ્યુલર રાફ્ટ્સ પર બાંધવામાં આવે છે જે પાણીના વધતા અને ઘટતા સ્તરને અનુકૂળ હોય છે

ઇમેજ સ્રોત, Gab Mejia

ઇમેજ કૅપ્શન, માર્શલેન્ડ્સમાં તરતાં ઘરો અને ચેપલ મૉડ્યુલર રાફ્ટ્સ પર બાંધવામાં આવે છે જે પાણીના વધતા અને ઘટતા સ્તરને અનુકૂળ હોય છે

માછીમારો પરોઢ થતાં પહેલાં જાગી જાય છે અને તેમની બેરોટો અથવા ગેસથી ચાલતી બોટને માછલીઓ પકડવા તથા માછીમારીની નેટ્સને તપાસવા તળાવના ઊંડા ભાગોમાં લઈ જાય છે. પરિવારનું પેટ સારી રીતે ભરી શકાય તેટલી માછલીઓ તેઓ પાછી લાવે છે અને બાકીનો હિસ્સો પાડોશીઓને આપી દે છે અથવા ફિશ માર્કેટમાં વેંચી નાખે છે. આ સાંપ્રદાયિક પ્રથા અને માછીમારી તથા જળચર ઉછેરનું પરંપરાગત સ્વરૂપ ફિલિપાઇન્સના સેબુ સરોવરના તાંબોલી લોકો અથવા સુલુ ટાપુઓમાંના સમા લોકો જેવા અન્ય સ્વદેશી સમુદાયોમાં જોવા મળતી પદ્ધતિ જેવું જ છે.

આમાંની કેટલીક પ્રથાઓમાં ટકાઉપણું મુખ્ય છે. જોકે, સમુદાયોએ નવી અને ક્યારેક ઓછા ટકાઉ પદ્ધતિના પ્રયોગો પણ કર્યા છે. દાખલા તરીકે, માનોબો લોકો હાથથી માછલી પકડવા, માત્ર મોટી માછલીઓને લક્ષ્ય બનાવવા અને જથ્થો જળવાઈ રહે જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જોકે, ફિશિંગ નેટ્સ જેવી નવી પદ્ધતિઓ દ્વારા નાની માછલીઓ પકડવાની રીત વધુ ટકાઉ રીતોથી વિરોધાભાસી છે. એવી જ રીતે, પીવાનું પાણી એકઠું કરવા માટેનો પરંપરાગત સમય પૂરની મોસમ છે, જેથી એકંદર સ્ટોક જળવાઈ રહે.

સાંસ્કૃતિક નીતિ સંશોધક અને ફિલિપાઇન્સ યુનિવર્સિટીની એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૂરિઝમ, ડિલિમનના સહાયક પ્રોફેસર ઈવાન હેનારેસના કહેવા મુજબ, એકંદરે વેટલૅન્ડ આધારિત માછીમારી, હાઉસિંગ અને પર્યાવરણીય કારભારની જટિલ વ્યવસ્થા નોંધપાત્ર રીતે અકબંધ રહી છે.

ઈવાન હેનારેસ કહે છે, "પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ, તેમના પોતાના સ્વદેશી જ્ઞાન તથા પ્રથાઓમાંના આત્મવિશ્વાસે સુનિશ્ચિત કર્યું છે કે અગુસાન માનોબોનું અસ્તિત્વ લાંબા સમયથી સતત ટકી રહેશે." ઈવાન હેનોરેસ યુનેસ્કોના ફિલિપાઇન્સ નેશનલ કમિશનના મહામંત્રી પણ છે. તેમણે મનોબો સમુદાય સાથે એક દાયકા સુધી કામ કર્યું છે.

આ સમુદાયના ઘરોએ તોફાનો અને પૂરનો પ્રતિકાર કર્યો છે, પણ તેઓ ગ્લોબલ વૉર્મિંગના વ્યાપક પરિણામોથી સલામત નથી. પામ તેલની માંગને કારણે પીટલૅન્ડ્સનું ધોવાણ થયું છે અને તે ખેતીની જમીનમાં ફેરવાઈ ગયાં છે ત્યારે હેનોરેસ અને અન્ય સંશોધકોએ લાંબા ગાળાના દુષ્કાળ જેવા જોખમો સામે લાલબત્તી દેખાડી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, વૃક્ષોને આડેધડ કાપવામાં આવતા હોવાથી દુર્લભ સ્થાનિક વૃક્ષોના અસ્તિત્વ પર જોખમ સર્જાયું છે. માર્શલૅન્ડની સલામતી માટે લડતા લોકો સામેની હિંસા અંગે પણ તેઓ ચિંતા વ્યક્ત કરે છે અને જણાવે છે કે નવેમ્બર 2020માં ગેરકાયદે વૃક્ષછેદન કરતા લોકો દ્વારા એક પર્યાવરણ અધિકારીની હત્યા કરવામાં આવી હતી.

માઇકલ સબાકાજન તાલાકોગન મ્યુનિસિપલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન અને મેનેજમેન્ટ ઑફિસના વડા છે. તાલાકોગન મ્યુનિસિપાલટી અગુશન માર્શલૅન્ડની છ નગરપાલિકાઓ પૈકીની એક છે. તેઓ કહે છે કે મનોબો લોકો પહેલાંથી જ પૂરના જોખમોથી વાકેફ હતા, "પરંતુ પૂરના સમયગાળામાં તાજેતરમાં જ ફેરફાર થયા છે અને ઇકોલૉજિકલ કટોકટી વચ્ચે માર્શલૅન્ડ્સમાં સુપર ટાયકૂન્સનું પ્રમાણ વધતું જાય છે."

મનોબોનું સમગ્ર અસ્તિત્વ પાણી પર નિર્ભર છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં મનોબો પાણીની તંગીના વધતા જોખમનો સામનો કરી રહ્યું છે.

અતિશય ગરમીને કારણે સર્જાતો દુષ્કાળ તેમના માટે ઉપનદીઓ અને પાડોશમાંના ફ્લોટિંગ સમુદાયો તથા આંતરદેશીય પ્રદેશમાં જવાનું મુશ્કેલ બનાવી શકે છે. એ વિસ્તારોમાં મોટી ફિશ માર્કેટ્સ, ખેતીની જમીન અને ઉચ્ચ-શિક્ષણ સંસ્થાઓ આવેલી છે.

અગુસાન માર્શલૅન્ડ્સમાં પનલાબુહાન તળાવના આદિવાસી મનોબો સરદાર તરીકે 25 વર્ષથી વધુ સમય સુધી સેવા આપનાર દાતુ રેયેસે તેમના સમુદાયને બદલાતા લેન્ડસ્કેપને સ્વીકારતો સગી આંખે જોયો છે. તેમના મતાનુસાર, આ પડકારોનો સામનો અને તેના નિરાકરણમાં સમુદાયને મદદ કરવાની શરૂઆત કૌશલ્ય તથા જીવનશૈલીના સ્વીકારવાથી શરૂ થાય છે, જે તેમને લાંબા સમય સુધી ટકાવી રાખે. તેઓ બિન-મનોબો સમુદાયને તેમના પોતાના સંસાધનોનો ઉપયોગ કરવાની અને તેનાથી સ્વદેશી સમુદાયોને કેવી અસર થશે તે ધ્યાનમાં લેવાની વિનંતી કરે છે.

બોયેટ રેયેસ કહે છે, "અમારો આદર અને સ્વીકાર કરવાની જરૂર છે, કારણ કે બિન-મનોબો સમુદાયો જે મકાનોનું નિર્માણ કરી રહ્યા છો તે હજુ પણ અમે જેનું રક્ષણ કરીએ છીએ તે માટી, વૃક્ષો અને પાણી વડે થાય છે."

"આપણે આપણા પાણીને સલામત રાખવાના માર્ગો શોધી કાઢીશું તો આ પાણી જ આપણને મદદ કરશે. એ પાણીનો સ્વભાવ છે."

તેઓ ઉમેરે છે, આખરે તો માર્શલૅન્ડ્સના અગુસાન નામનો અર્થ "જ્યાં પાણી વહે છે" એવો થાય છે.