240 કિમીની ઝડપે ત્રાટકેલું એ વાવાઝોડું જેમાં એક જ રાતમાં 1.40 લાખ લોકોએ જીવ ખોયા

બાંગ્લાદેશ ચક્રાવાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

29 એપ્રિલ, 1991ની રાત બાંગ્લાદેશના ચટગાંવના કોક્સ બજાર તટના લોકો માટે ભયાનક હતી.

એક શક્તિશાળી વાવાઝોડું મધરાતે લગભગ 12 વાગ્યે 240 કિલોમીટર પ્રતિ કલાક હવાની ગતિ અને લગભગ 20 ફૂટ ઊંચાં મોજાં સાથે તટ પર ત્રાટક્યું હતું.

વાસ્તવમાં બપોરથી ફૂંકાઈ રહેલો ઝડપી પવન આંધીનો સંકેત આપતો હતો.

એ વખતે 22 વર્ષની જન્નતુલ નઈમ શિઉલી સંદીપ ખાતેનાં તેમના ઘરમાં હતાં. રાતે લગભગ 12 વાગ્યે પૂરનું પાણી તેમના ઘરમાં ઘૂસવા લાગ્યું. એ સમયે જોરદાર પવન પણ ફૂંકાતો હતો. શિઉલીએ બચવાની આશા છોડી દીધી હતી.

શિઉલી કહે છે, “ઘર હચમચી રહ્યું હતું. ઘરમાં લગભગ 20-25 લોકો હતા. તેમાં મોટાભાગનાં બાળકો હતાં. અમે બધા માત્ર અલ્લાહને યાદ કરી રહ્યા હતા. એવું લાગતું હતું કે હું મારા ઘરની નીચે દટાઈને મરી જઈશ. મૃત્યુ શું હોય છે તેનો અહેસાસ મને એ દિવસે થયો હતો.”

તીવ્ર ચક્રવાત આવવાના સાત દિવસ પહેલાં તે હળવું ડિપ્રેશન હતું, જે બંગાળના ખાડીમાં સર્જાતું હોય છે.

હવે નિવૃત્ત મોસમ વિજ્ઞાની સમરેન્દ્ર કર્માકર 1991માં ઢાકાની હવામાન કચેરીમાં કાર્યરત હતા.

તેમણે જોયું કે હવાના હળવા દબાણવાળું તોફાન એક મજબૂત ચક્રવાતમાં પરિવર્તિત થઈ ગયું હતું.

23 એપ્રિલની સવારે તે હવાનું હળવું દબાણ હોવાનું જાણવા મળ્યું હતું.

તે આંદામાન સાગર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સ્થિત હતું ત્યારથી ધીમે ધીમે ઊર્જા એકઠી કરતું હતું.

25 એપ્રિલની સવારે તે લો પ્રેશર બની ગયું હતું. 27 એપ્રિલની સવારે તે ચક્રવાતી તોફાન બની ગયું હતું. એ દિવસે મધરાતે તે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થઈ ગયું હતું.

સમરેન્દ્ર કર્માકરે જણાવ્યું હતું કે 28 એપ્રિલની સવારે નવ વાગ્યાની આસપાસ એ તોફાન એક મજબૂત ચક્રવાતી તોફાન બની ગયું હતું.

શક્તિશાળી ચક્રાવાતે કેટલા લોકોનો ભોગ લીધો?

બાંગ્લાદેશ

ઇમેજ સ્રોત, AFP

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ શક્તિશાળી ચક્રવાતમાં લગભગ એક લાખ 40 હજાર લોકો માર્યા ગયા હતા. ચટગાંવ અને કોક્સ બજારના વિશાળ સમુદ્ર કિનારા પર તે વિનાશનાં નિશાન છોડી ગયું હતું.

લગભગ એક કરોડ લોકો બેઘર થઈ ગયા હતા. તટ પર અસંખ્ય લાશો વિખેરાયેલી પડી હતી.

શિઉલીના કહેવા મુજબ, ચક્રવાત પછીના દિવસે તેમણે ઘરની આસપાસ જે દૃશ્યો જોયાં હતાં તે ચોંકાવનારાં હતાં.

શિઉલી કહે છે, “મને માત્ર રડવાના અવાજો સંભળાતા હતા. હું જ્યાં જતી હતી ત્યાં કેવળ લાશો જ જોવા મળતી હતી. અમારી બાજુના ઘરમાં એક સાથે 30 લોકો માર્યા ગયા હતા.”

એ ચક્રવાતમાં માત્ર જાનહાનિ અને ઘરોનો નાશ જ થયો ન હતો, પરંતુ માળખાકીય ઢાંચા અને મશીનરીને પણ વ્યાપક નુકસાન થયું હતું.

તેમાં ચટગાંવ બંદર, વાયુ સેનાનાં લડાયક વિમાનો અને નૌકાદળનાં જહાજોનો પણ સમાવેશ થતો હતો. ચક્રવાતને લીધે વાયુ સેનાનાં મોટાભાગના લડાયક વિમાનો પટેંગામાં નષ્ટ થઈ ગયાં હતાં.

હવે નિવૃત્ત એકેએમ નુરુલ હુદા 1991ની 29 એપ્રિલે સાર્જન્ટ વિંગ કમાન્ડર હતા અને પટેંગા, ચટગાંવમાં વાયુ સેનાના ક્વાર્ટરમાં હતા.

તેમના જણાવ્યા મુજબ, નૌકા દળ અને વાયુ સેનાનાં અનેક યુદ્ધજહાજોને નુકસાન થયું હતું.

ચક્રવાતની તીવ્રતાનું વર્ણન કરતાં તેમણે કહ્યું, “રશિયાથી તાજેતરમાં જ આયાત કરવામાં આવેલા ચાર બૉક્સિંગ હેલિકૉપ્ટર પૂરનાં પાણીમાં રસ્તા પર તરતાં હતાં. હેલિકૉપ્ટર અગાઉ 500 ગજ દૂર આવેલાં હેંગરમાં રાખવામાં આવ્યાં હતાં. પાણીનાં દબાણ અને પવનને કારણે હેંગર તૂટી ગયું હતું. નૌકાદળનું યુદ્ધજહાજ ક્ષતિગ્રસ્ત થયું હતું. વાયુ સેનાનાં લગભગ 30-35 યુદ્ધ વિમાનોને નુકસાન થયું હતું.”

આ કારણે એવા સવાલ ઉઠ્યા હતા કે તટ નજીક એક શક્તિશાળી વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં વિમાનો અને નૌસેનિક ઉપકરણોને સલામત રીતે અન્યત્ર ખસેડવામાં કેમ આવ્યાં ન હતાં?

સૈન્યની બન્ને પાંખના કરોડો રૂપિયાનાં ઉપકરણનો નાશ થયો હતો.

તપાસ બાદ તત્કાલીન વચગાળાના રાષ્ટ્રપતિ જસ્ટિસ સાહબઉદ્દીન અહમદે વાયુ સેના તથા નૌકા દળના તત્કાલીન વડા સહિતના અનેક અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત્તિ આપી દીધી હતી.

આ વાવાઝોડામાં લગભગ એક લાખ 40 હજાર લોકોનાં મૃત્યુથી દુનિયા ખળભળી ઊઠી હતી. પીડિતોના સંબંધીઓનું કહેવું છે કે તેમણે ચેતવણીના સંદેશાઓને યોગ્ય રીતે સાંભળ્યા નહોતા.

અન્ય લોકોનું કહેવું છે કે ચેતવણીના સંદેશાઓ સાંભળ્યા છતાં તેમણે તેને પૂરતું મહત્ત્વ આપ્યું નહોતું.

ભયાનક સપના જેવી એ 'વ્યાલ રાત'

બાંગ્લાદેશ ચક્રાવાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

શિઉલી કહે છે, “વિવિધ એજન્સીઓના લોકો જાહેરાત કરી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે આ સંકટનો સંકેત છે. તેઓ કિનારા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા જણાવતા હતા, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહોતું. અનેક લોકો કહેતા હતા કે સિગ્નલ નંબર 10થી કશું નહીં થાય.”

એ ઘટનાને આટલાં વર્ષો વીતી ગયા પછી પણ લોકો તે ચક્રવાતને ભૂલી શકતા નથી.

રાતોરાત લાખો લોકો શરણાર્થી બની ગયા હતા. બચી ગયેલા અનેક લોકો માટે જીવંત હોવું એ ચમત્કારથી જરા પણ ઓછું નહોતું.

હુદાના કહેવા મુજબ, તેઓ એ રાતને આજે પણ ભૂલી શકતાં નથી.

“એ અવર્ણનીય છે, કર્ણફુલી નદી અને ઍરપૉર્ટ બધું પાણીમાં વિલીન થઈ ગયું હતું. ચારે બાજુ સમુદ્ર હોય એવું લાગતું હતું. ભગવાનની કૃપાથી અમે બચી ગયા હોઈએ એવું લાગતું હતું.”

વાવાઝોડાની ભયાનકતા એક હતી અને એ પછીનું પરિણામ અલગ જ હતું.

તોફાનથી પ્રભાવિત વિશાળ જિલ્લાઓમાં ભોજન અને પાણીનો પૂરવઠો અપૂરતો હતો. પીવાના સ્વચ્છ પાણીના અભાવે વિવિધ બીમારીઓ ફેલાઈ રહી હતી.

ચક્રવાત પછી અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ શરૂ થતો હોય છે.

શિઉલી કહે છે, “સ્વચ્છ પાણી નહોતું. પૂર પછી અતિસારને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. લોકો જીવતા રહેશે અને પોતાના ઘર-પરિવાર વસાવશે, એવી કોઈ આશા નહોતી.”

શિઉલીના દાદીનું ચક્રવાત પછી મૃત્યુ થયું હતું. મૃત્યુ પહેલાં દાદી એક ગ્લાસ પાણી પીવા ઇચ્છતાં હતાં, પરંતુ દાદીને પાણી મળ્યું ન હતું, કારણ કે પીવાના સ્વચ્છ પાણીની તીવ્ર અછત હતી.

શિઉલી કહે છે, “મારાં દાદીને સખત ઝાડા થયા હતા, પણ પાણી નહોતું. હું તેમને પાણી ક્યાંથી આપું? તેઓ થોડું તાજું પાણી પીવા ઇચ્છતાં હતાં. તેમણે મને કહેલું કે થોડું પાણી આપો. મેં કહ્યું, આ પાણી પીઓ. તેમણે કહ્યું હતું કે હું આ પાણી નહીં પીઉં. પછી દાદીનું મૃત્યુ થયું હતું.”

વાવાઝોડાથી પ્રભાવિત લોકોની મદદ માટે વિવિધ દેશો આગળ આવ્યા હતા. અમેરિકાના સૈન્યએ તટ વિસ્તારના લોકોને માનવીય સહાય આપવા માટે ઑપરેશન સી એંજલ શરૂ કર્યું હતું.

આફતથી પ્રભાવિત લોકોએ લાંબા સમય સુધી રાહત સહાય પર નિર્ભર રહેવું પડ્યું હતું. પ્રભાવિત લોકોની સંખ્યા એટલી બધી હતી કે રાહત સહાય પૂરતી નહોતી.

તેનું વર્ણન કરતાં શિઉલી કહે છે, “અનેક લોકો હતા. કોને બાકાત રાખવા? કોને સહાય કરવી? લાંબી લાઇનો હતી. ઘણા સભ્યો હોય તેવા અનેક પરિવારો હતા. થોડા કલાકોમાં જ ભોજન ખતમ થઈ ગયું હોવા છતાં લોકો ભોજનની આશામાં લોકો બેઠા રહ્યા હતા.”

આઝાદ બાંગ્લાદેશમા પ્રાકૃતિક આપદામાં આટલા જંગી પ્રમાણમાં જાનહાનિ અગાઉ ક્યારેય થઈ નહોતી.

1970માં દરિયાકાંઠાના જિલ્લામાં એક શક્તિશાળી ચક્રવાતમાં લગભગ પાંચ લાખ લોકો માર્યા ગયા હતા. 1991ના ચક્રવાતમાં થયેલા નુકસાનમાંથી ઊભા થવામાં ચટગાંવ-કોક્સ બજારનાં લોકોને વર્ષો થયાં હતાં.

એ ચક્રવાત પછી બાંગ્લાદેશના દરિયાકાંઠા વિસ્તારમાં અનેક આશ્રય સ્થળો બનાવવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત ચક્રવાત દરમિયાન દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે પહોંચાડવાની વ્યવસ્થાને પણ મજબૂત કરવામાં આવી છે.

દરિયાકાંઠા વિસ્તારના લોકો સુધી, અગાઉની સરખામણીએ વધારે અસરકારક રીતે પહોંચવા માટે તોફાનની ચેતવણીના સંકેત તૈયાર કરવામાં આવ્યા છે.

એ તોફાન પછી બાંગ્લાદેશમાં પ્રાકૃતિક આપદામાં આટલા લોકો ક્યારેય એકસાથે મૃત્યુ પામ્યા નથી.

જે લોકોએ તે વાવાઝોડાને જોયું હતું તેઓ એ રાતની દર્દનાક સ્મૃતિને કદાચ ક્યારેય ભૂલી નહીં શકે.

તેથી 29 એપ્રિલ, 1991ને બાંગ્લાદેશના અનેક લોકો આજે પણ ‘વ્યાલ રાત’ના નામે ઓળખે છે.