કચ્છ કરતાં પણ વધુ વિનાશકારી ભૂકંપ કેમ જાપાનનું ઝાઝું કંઈ બગાડી ન શક્યો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જાપાનમાં વર્ષ 2024ના પ્રથમ દિવસે એટલે કે સોમવારે આવેલા ભયાનક ભૂકંપ અને અસરગ્રસ્ત વિસ્તારોનાં દૃશ્યો જોઈને ઘણા ગુજરાતીઓને વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ ગુજરાત અને ખાસ કરીને કચ્છને ધમરોળી નાખનાર ભયાનક ભૂકંપ જરૂર યાદ આવ્યું હશે. જેમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં.

લાખોને બેઘર બનાવનારા કચ્છના 6.9ની તીવ્રતાના ભૂકંપ કરતાં પણ જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા (રિક્ટર સ્કેલ પર 7.6) વધુ હતી. છતાં જાણકારોના મતે જાપાનનો આ આ ભૂકંપ દેશનું ‘ઝાઝું કંઈ’ બગાડી શક્યો નથી.

કચ્છના ભૂકંપની વાત કરીએ તો એ 110 સેકન્ડ સુધી ચાલ્યો હતો. ભૂકંપ એટલો ભયાનક હતો કે તેમાં છ લાખ લોકો બેધર બન્યા હતા. અહેવાલો પ્રમાણે આ ભૂકંપના આંચકા 700 કિલોમીટરના વિસ્તાર સુધી અનુભવાયા હતા.

જાપાનના ભૂકંપમાં દેશને થયેલા નુકસાનની વાત કરીએ તો અત્યાર સુધી તેમાં 48 લોકોનાં મૃત્યુ થયાંના અહેવાલ છે. તેમજ હજારો જાહેર-ખાનગી મિલકતને નુકસાન થયું છે.

જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

ભૂકંપ સમયના ધરતી ધ્રુજાવતાં વાઇરલ વીડિયોથી જાપાનમાં આવેલા આ ધરતીકંપની બિહામણી સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે.

જોકે, અહીં એ પણ વાત નોંધનીય છે કે ભૂકંપની ભયાનકતા માટે માત્ર રિક્ટર સ્કેલ પર દેખાતી તીવ્રતા જ ધ્યાનમાં લેવાતી નથી.

જો બંને ભૂકંપો, જાનમાલનું નુકસાન અને તેનાથી પ્રદેશને થયેલા નુકસાનની સરખામણી કરાય તો ચિત્ર સ્વયંસ્પષ્ટ બની જાય છે. દેશની જાહેર-ખાનગી સંપત્તિને ભારેખમ નુકસાન થવા છતાં મોટા ભાગની ઇમારતો હચમચાવનારા ભૂકંપનો માર વેઠીને પણ અડીખમ ઊભી હતી.

આ વાતને જાણકારો જાપાનની 'ઍન્જિનિયરિંગની સફળતાની અસાધારણ કહાણી' ગણાવી રહ્યા છે.

પરંતુ ભૂકંપ સમયના ધરતી ધ્રુજાવતાં વાઇરલ વીડિયોથી જાપાનમાં આવેલા આ ધરતીકંપની બિહામણી સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે.

તો આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે આખરે કચ્છમાં આવેલા ભૂકંપ કરતાં પણ વધુ તીવ્રતાનો ભૂકંપ કેમ જાપાનનું ‘ઝાઝું કંઈ ન બગાડી શક્યો.’

આખરે જાપાનના પક્ષે એવાં તો કયાં પરિબળો કામ કરી ગયાં જે તેને ભૂકંપના ઝાઝા નુકસાનથી બચાવવા માટે ચાવીરૂપ સાબિત થયાં?

અહીં તમને જણાવીશું જાપાન અને ભૂકંપ સાથે જીવવા માટે દેશે વિકસાવેલી આધુનિક તકનીકો, રીતભાત વિશેની બીબીસી સંવાદદાતા રુપર્ટ વિંગફિલ્ડના અનુભવો વિશે.

ફરી એક વખત ધણધણી ઊઠ્યું જાપાન

જાપાન ધરતીકંપ સુનામી 2024

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોમવારે ઇશિકાવામાં ધ્રુજારી શરૂ થતાં અને સુનામીના ઍલાર્મ વાગવાનું શરૂ થતાં જાપાનના લોકોને ફરીથી 2011ના ભૂકંપ અને સુનામીની યાદ તાજી થઈ ગઈ હતી.

પરંતુ, જાપાન માટે આ ચેતવણીઓ બિલકુલ નવી નથી.

જ્યારે હું પહેલી વાર જાપાન ગયો ત્યારે અમારા મકાનમાં જરા પણ ધ્રુજારી થતી તો હું તરત જ પથારીમાંથી કૂદી પડતો.

પરંતુ થોડા મહિનામાં જ હું ધ્રુજારીથી ટેવાઈ ગયો અને ઊંઘી જતો. જાપાનમાં ભૂકંપ ઝડપથી તમારા જીવનનો એક ભાગ બની જાય છે. તમને એક રીતે તેની આદત પડી જાય છે.

તમારા મનમાં તે ક્યાંકને ક્યાંક તો એ ડર નાખી જ દે છે કે આવનારી મોટી હોનારત ક્યારે થશે. લોકો એવું વિચારતાં રહે છે કે શું આપણું મકાન પૂરતું સક્ષમ અને મજબૂત છે ખરું?

જાપાનની આખી એક પેઢી માટે તે તમામ ડર 11 માર્ચ, 2011ના રોજ વાસ્તવિકતામાં રૂપાંતરિત થઈ ગયા.

બે મિનિટ સુધી ધરતી કંઈક એવી તો ધ્રૂજી ઊઠી કે કોઈએ કદી આવી ધ્રુજારી અનુભવી નહીં હોય. ભૂકંપના આ ઝટકા સતત ચાલુ જ રહ્યા.

જેમણે પણ આ ઘટનાનો અનુભવ કર્યો હશે તેમને આ આખી ઘટના બરાબર યાદ હશે. તેમને એ વાત ચોક્કસપણે યાદ હશે કે તેઓ એ સમયે ક્યાં હતા, તેમને શું અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ તો તે બાદ થવાની હતી.

40 મિનિટમાં જ પહેલી સુનામી કિનારે આવી ગઈ હતી. જાપાનના ઉત્તરપૂર્વ કાંઠે સેંકડો કિલોમિટર અંદર સુધી શહેરો અને ગામડાંમાં સમુદ્રનું પાણી ઘૂસી ગયું હતું. હજારો લોકોને ખસેડવામાં આવ્યા હતા. આ બધું સેન્ડાઈ શહેર પર ફરતા હૅલિકોપ્ટર દ્વારા લાઇવ ટીવી પર પ્રસારિત થઈ રહ્યું હતું.

બીજા દિવસે વધુ ભયંકર સમાચાર આવ્યા - એક પરમાણુ પાવર પ્લાન્ટ પર આપત્તિ હતી.

ફુકુશિમા દુર્ઘટના બની અને હજારો લોકોને તેમનાં ઘર છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરિસ્થિતિ એવી હતી કે ટોક્યો પણ સલામત ન હતું.

તે દિવસની ઘટના લોકો પર એક ઊંડી છાપ છોડી ગઈ.

ત્યાર બાદ થોડા સમય પછી રહેવા માટે મેં ટોક્યોમાં નવી જગ્યા શોધવાનું શરૂ કર્યું હતું.

મારી પત્નીએ જિયોલૉજિકલ મૅપનો અભ્યાસ કર્યો. અમે એ શોધી રહ્યાં હતાં કે સૌથી મજબૂત બૅડરોક ક્યાં છે? એ કઈ જગ્યા છે, જે નદીઓથી દૂર ઊંચી જમીન પર છે, તેને અમે શોધી રહ્યાં હતાં. મારી પત્ની સાથે એ પણ જોઈ રહી હતી કે ઇમારતનું આયુષ્ય કેટલું છે?

મારી પત્નીનું કહેવું હતું કે આપણે 1981 પહેલાં બનેલી ઇમારતમાં રહેવા નહીં જઈએ.

જાપાનની કામયાબીની કહાણી

નુકસાન

ઇમેજ સ્રોત, Reuters

અમે 1985ની બનેલી ઇમારતમાં રહેવા ગયાં એ બાદ ખોરાક અને પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. બાથરૂમના સિંકની નીચે અમે પાંચ વર્ષની આવરદાવાળા સાથે અગાઉથી પૅક કરેલા બોક્સ રાખી દીધા હતા.

વર્ષ 2011નો ડર અને ભયાનકતા ફરીથી 12 વર્ષ પછી સોમવારે જાપાનમાં પરત આવ્યાં છે.

તેમ છતાં આ તાજેતરનો ભૂકંપ પણ જાપાનની સફળતાની નોંધપાત્ર કહાણી છે.

જાપાન ભૂકંપને માપવા માટે તેની તીવ્રતાને ધ્યાનમાં લેતું નથી.

જાપાન હંમેશાં એવો અહેવાલ આપે છે કે જમીન કેટલી હલે છે. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા એકથી સાત સુધી જાય છે. સોમવારે ઇશિકાવામાં ધ્રુજારી મહત્તમ સાત સુધી પહોંચી ગઈ હતી.

રસ્તા અને પુલોની વાત કરીએ તો વ્યાપક વિનાશ થયો છે. મોટા પાયે ભૂસ્ખલન પણ થયું છે. પરંતુ મોટા ભાગની ઇમારતો હજુ પણ અડીખમ ઊભી છે.

ટોયામા અને કાનાઝાવાનાં મોટાં શહેરોમાં જીવન પહેલાંથી જ સામાન્ય સ્થિતિમાં પાછું આવી રહ્યું છે.

મેં કાશીવાઝાકી નજીક એક મિત્ર સાથે વાત કરી હતી.

તેણે મને કહ્યું, "ખરેખર ભયાનક ભૂકંપ હતો."

"અત્યાર સુધી મેં આટલો મોટો ભૂકંપ અનુભવ્યો નથી. અહીં મેં આ ભૂકંપનો અનુભવ કર્યો અને અમારે દરિયાકિનારેથી દૂર જવું પડ્યું. પરંતુ અમે હવે ઘરે પાછા આવી ગયા છીએ અને બધું બરાબર છે."

ઍન્જિનિયરિંગની સફળતા

જાપાન ભૂકંપ 2024

ઇમેજ સ્રોત, Reuters

આ ઍન્જિનિયરિંગની સફળતાની એક અસાધારણ કહાણી છે જેની શરૂઆત એક સદી પહેલાં 1923માં ટોક્યોમાં પ્રચંડ ભૂકંપ આવ્યો ત્યારે થઈ હતી.

'ગ્રેટ કેન્ટો ભૂકંપ' તરીકે ઓળખાતી આ પ્રસિદ્ધ ઘટના દરમિયાન આ શહેરનો એક મોટો હિસ્સો જાણે કે સમતળ થઈ ગયો હતો. યુરોપિયન શૈલીમાં બનેલી આધુનિક ઈંટોથી બનેલી ઇમારતો પણ ઢળી પડી હતી.

આ ઘટના પછી જાપાનનો પહેલો ભૂકંપપ્રતિરોધક બિલ્ડિંગ કોડ તૈયાર કરવામાં આવ્યો. આ કોડ અમલમાં આવ્યો ત્યારથી નવી ઇમારતોમાં સ્ટીલ અને કૉંક્રિટનો ઉપયોગ ફરજિયાત થઈ ગયો. લાકડાની ઇમારતોમાં જાડા બીમ ફરજિયાત કરી દેવામાં આવ્યા.

ત્યાર બાદ દર વખતે જ્યારે દેશમાં મોટો ભૂકંપ આવ્યો છે, ત્યારે નુકસાનનો અભ્યાસ કરવામાં આવે છે અને નિયમોમાં બદલાવો કરવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર 1981માં કરવામાં આવ્યો હતો. ફરીથી 1995માં કોબે ભૂકંપ પછી જાપાને નવા નિયમો ઉમેર્યા.

આ નિયમોની સફળતાનું એક પરિણામ જ્યારે 2011માં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે જોવા મળ્યું. ટોક્યોમાં ધ્રુજારીનું સ્તર તે સમયે 5 હતું. આ ધ્રુજારી 1923ના ભૂકંપ જેટલી જ હતી.

1923માં શહેર જાણે કે ધ્વસ્ત થઈ ગયું હતું. 1.4 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.

2011માં વિશાળ ગગનચુંબી ઇમારતો ડૂબી ગઈ હતી, બારીઓ તૂટી ગઈ હતી, પરંતુ કોઈ મોટી ઇમારત પડી ન હતી. તે સમયે જે મૃત્યુ થયાં હતાં એ મોટા ભાગે સુનામીને કારણે થયાં હતાં.

હાલમાં ઇશિકાવાથી ઘણી તસવીરો સામે આવી છે, જેમાં લાકડાના મકાનો ભૂકંપના કારણે ઢળી પડ્યાં છે અને એક આધુનિક ઇમારત પણ પડી ગઈ છે. જોકે, સમાચાર ચેનલોના દાવા અનુસાર આ ઇમારત 1971માં બનાવવામાં આવી હતી.

આ ભૂકંપમાં અમુક લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે, તો કેટલાક લોકો ઘાયલ થયા છે.

પરંતુ એ વિચારવું જરૂરી છે કે પૃથ્વી પર શું કોઈ બીજો દેશ એવો છે કે જે આ પ્રકારના ભૂકંપના ઝટકા સહન કરી શકે અને ત્યાં આટલા ઓછા પ્રમાણમાં નુકસાન થાય.

રેડ લાઇન
રેડ લાઇન