નેપાળમાં ‘શક્તિશાળી ભૂકંપ’નું જોખમ કેમ રહેલું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફણીન્દ્ર દહલ
- પદ, બીબીસી નેપાળી સર્વિસ
નેપાળના જાજરકોટમાં શુક્રવારે રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપ બાદ વિશ્લેષકોનું ધ્યાન ફરી એકવાર પશ્ચિમ નેપાળમાં વર્ષોથી પ્રવર્તી રહેલા શક્તિશાળી ભૂકંપના જોખમ તરફ ગયું છે.
વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર, 500 વર્ષથી પશ્ચિમ નેપાળની સપાટીની નીચે ધરતીકંપની ઊર્જાનો સંગ્રહ થઈ રહ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, આ શક્તિ એટલી વધારે છે કે તે રિક્ટર સ્કેલ પર આઠ કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ લાવી શકે છે.
નેપાળમાં શુક્રવારે રાત્રે 11:47 કલાકે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જાજરકોટના રામીદાંડામાં હતું.
નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ત્યારથી લઈને શનિવાર સવાર સુધી, 4થી વધુની તીવ્રતાના ત્રણ આંચકા અને 35થી વધુ નાના આંચકા નોંધાયા હતા.
હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનાઓમાં, પશ્ચિમ નેપાળના જિલ્લાઓમાં સતત ભૂકંપ આવી રહ્યા છે.
નિષ્ણાતોના મતે જે વિસ્તારમાં 500 વર્ષ પહેલાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો, ત્યાં 8કે તેથી વધુની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપનું જોખમ રહેલું છે.
પશ્ચિમ નેપાળમાં ભૂકંપનો ખતરો કેમ છે?

નેપાળના નેશનલ ભૂકંપ મૉનિટરિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટરના વરિષ્ઠ વિભાગીય સિસ્મોલોજિસ્ટ લોકવિજય અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં પશ્ચિમ નેપાળમાં ભૂકંપની સંખ્યામાં વધારો થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું કે, નાના અને ક્યારેક મધ્યમ ધરતીકંપની દૈનિક ઘટના દર્શાવે છે કે આ વિસ્તારમાં ધરતીકંપનો ખતરો છે.
તેમણે કહ્યું, "ત્યાં ભૂકંપીય ઊર્જા (સિસ્મિક એનર્જી) એકત્ર થઈ છે. જેટલા નાના અને મધ્યમ ભૂકંપ આવી રહ્યા છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વિસ્તારમાં મોટો ભૂકંપ આવી શકે છે. આ બતાવે છે કે આપણે ધરતીકંપના જોખમમાં છીએ."
નિષ્ણાતો કહે છે કે, "પૃથ્વીની સપાટીની નીચેની ભારતીય પ્લેટ પ્રતિ વર્ષ બે સેન્ટિમીટરના દરે યુરેશિયન પ્લેટ તરફ ઉત્તર તરફ આગળ વધી રહી છે, જેના કારણે હિમાલયના ક્ષેત્રમાં ધરતીકંપની તિરાડો પડી રહી છે."
નિષ્ણાતોના મતે પૃથ્વીની ચુંબકીય પ્લેટોની હિલચાલને કારણે નેપાળમાં દર વર્ષે સિસ્મિક એનર્જી એકઠી થઈ રહી છે.
લોકવિજય અધિકારીએ જણાવ્યું હતું કે, "જેટલો વધુ સમય પસાર થશે, તેટલી વધુ ભૂંકપીય બળ એકઠું થશે. જેટલો લાંબો સમય મોટો ધરતીકંપ નહીં આવે, તેટલી તેની થવાની શક્યતાઓ વધી જશે."
અધિકારીઓના જણાવ્યા અનુસાર નેપાળમાં દરરોજ રિક્ટર સ્કેલ પર બેથી વધુની તીવ્રતાના લગભગ 10 ભૂકંપ આવે છે. પરંતુ ભૂકંપ જે એક મોટી દુર્ઘટના છોડી ગયા છે, તેમાં 2015માં ગોરખાના બારપાકમાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપની યાદ હજુ પણ લોકોમાં ડર પેદા કરે છે. આ ભૂકંપમાં નવ હજારથી વધુ લોકોનાં મોત થયા હતા.
અત્યાર સુધીના અભ્યાસ મુજબ, આ વિસ્તારમાં ભય છે કારણ કે છેલ્લા પાંચસો વર્ષમાં ભારતીય શહેર દેહરાદૂનથી 800 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી.
શું મધ્યમ ધરતીકંપ જોખમ ઘટાડે છે?

ઇમેજ સ્રોત, AFP.EPA.GETT
ભૂસ્તરશાસ્ત્રી પ્રોફેસર ડૉ.વિશાલનાથ ઉપ્રેતીનું માનવું છે કે આ વિસ્તારમાં સંચિત થયેલી સિસ્મિક ઍનર્જીનેે કારણે વર્ષ 1505માં નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપ કરતાં વધુ શક્તિશાળી ભૂકંપ આવવાનો ભય રહેલો છે.
તેમણે કહ્યું, "અમારી પાસે 1505નો ભૂકંપ કેટલો ગંભીર હતો તે ચકાસવા માટે કોઈ સાધન નથી. ભૂકંપ પછી સર્જાયેલા ખાડાની નીચે પડેલી તિરાડોને જોતા જાણવા મળ્યું કે જમીન 20 મીટર સુધી સરકી ગઈ હતી. આનું વિશ્લેષણ કરતાં એવું માનવામાં આવે છે કે તે સમયે 8.5થી 8.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.”
ઉપ્રેતીએ કહ્યું કે, આ ભૂકંપના કારણે દિલ્હીના કુતુબ મિનારથી લ્હાસા સુધી નુકસાન થયું હતું.
વર્ષ 1505ના ભૂકંપ પછી 1934ના ભૂકંપને સૌથી ભયાનક ભૂકંપ માનવામાં આવે છે. તેનું કેન્દ્ર નેપાળના ચેનપુરમાં હતું. જેમાં કાઠમંડુથી બિહાર સુધી ભારે નુકસાન થયું હતું.
ઉપ્રેતીએ કહ્યું કે, "એવા વિસ્તારમાં જ્યાં 500 વર્ષથી ખતરનાક સિસ્મિક ફોર્સ જમા થઈ રહી છે, ત્યાં 6, 5 અને 4ની તીવ્રતાના ધરતીકંપની ઘટના એ સમુદ્રમાંથી પાણીના થોડા ટીપા બહાર કાઢવા સમાન છે."
નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના વરિષ્ઠ વિભાગીય સિસ્મોલોજિસ્ટ લોકવિજય અધિકારી પણ કહે છે કે મોટા ભૂકંપનું જોખમ મધ્યમ કે નાના ભૂકંપથી ઘટતું નથી.
તેઓ ઉમેરે છે કે, "એક રિક્ટર સ્કેલનો તફાવત એ ભૂકંપની તાકાતમાં 32 ગણો તફાવત છે. આનો અર્થ એ છે કે 6ની તીવ્રતાનો ધરતીકંપ 5ની તીવ્રતાના ધરતીકંપ કરતાં 32 ગણી વધુ શક્તિનું ઉત્સર્જન કરે છે. જ્યારે પાંચ રિક્ટર સ્કેલની સરખામણીમાં સાત રિક્ટર સ્કેલમાં 1,000 ગણી વધુ શક્તિનું ઉત્સર્જન થશે."
ભૂકંપ નિવારણની તૈયારીઓ પર ધ્યાન આપવું પડશે

ઇમેજ સ્રોત, NEPAL ARMY
પશ્ચિમ નેપાળ ઉપરાંત ઉપ્રેતીએ પૂર્વ નેપાળમાં પણ મોટા ભૂકંપનો ખતરો હોવાનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, તેના નિવારણ માટેની તૈયારીઓ પર ભાર મૂકવો જોઈએ.
તેમણે કહ્યું, "1300 વર્ષથી કોસીથી સિક્કિમ-દાર્જિલિંગ સુધી કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી. હિમાલયની એવી જગ્યા જ્યાં તે વર્ષે ધરતીકંપ ન થયો હોય તે ખૂબ જ જોખમી બની જાય છે."
એવું કહેવાય છે કે, વર્ષ 1255માં 8થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર પૂર્વ નેપાળ હતું. એવું માનવામાં આવે છે કે, આ જ ભૂકંપમાં રાજા અભય મલ્લનું મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવે છે કે, ભૂકંપથી નેપાળનો એક તૃતીયાંશ ભાગ નાશ પામ્યો હતો.
લોકવિજય અધિકારીએ જણાવ્યું હતું કે, "મોટો ભૂકંપ ક્યારે આવશે તેની આગાહી કરવી અશક્ય હોવા છતાં, અંતરાલ જેટલો લાંબો હશે, તેટલો વધુ શક્તિશાળી હશે."
નિષ્ણાતોએ કયા સુધારા પર ભાર મૂક્યો છે?

8કે તેથી વધુ તીવ્રતા ધરાવતા ભૂકંપને મોટો ભૂકંપ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આઠ કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ એપી સેન્ટરની આસપાસના વિસ્તારને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ભૂકંપમાં મોટા પ્રમાણમાં જાન-માલનું નુકસાન થાય છે અને તેમાં સુધારો કરવો જોઈએ.
લોકવિજય અધિકારીએ જણાવ્યું હતું કે, જાજરકોટમાં ભૂકંપના કારણે નબળી ઇમારતોને કારણે ઘણું નુકસાન થયું છે.
તેમણે કહ્યું, "અમારા દ્વારા બાંધવામાં આવેલી ઇમારતો ધરાશાયી થવાને કારણે 90 ટકાથી વધુ લોકો ભૂકંપમાં મૃત્યુ પામે છે. જ્યાં સુધી આપણે આપણી રચનાઓને મજબૂત નહીં કરીએ ત્યાં સુધી આપણે ક્યારેય સુરક્ષિત રહીશું નહીં."
ધરતીકંપનું ઉચ્ચ જોખમ ધરાવતા દેશો, જેમ કે ચિલી ધરતીકંપનો સામનો કરવા માટે મજબૂત ઇમારતો બનાવે છે.
તેમણે કહ્યું કે, નેપાળે પણ આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ. તેમનું માનવું છે કે, સરકારે નબળા મકાનોને મજબૂત મકાનો સાથે બદલવા માટે અભિયાન શરૂ કરવું જોઈએ અને ભારપૂર્વક જણાવ્યું કે સરકારે આ માટે સબસિડી આપવી જોઈએ.
ઉપ્રેતિ જેવા નિષ્ણાતોનો અભિપ્રાય છે કે, સરકારે ભૂકંપ સંબંધિત શોધ અને બચાવમાં રોકાયેલા સુરક્ષા કર્મચારીઓની તાલીમમાં રોકાણ વધારવું જોઈએ. તેમણે નેપાળ સરકાર પાસે વહેલી ચેતવણી પ્રણાલી માટે બજેટ ફાળવવાની માંગ કરી છે.
ભૂકંપની આગાહી કરી શકાતી નથી. પરંતુ તાજેતરનાં વર્ષોમાં ભૂકંપની પૂર્વ ચેતવણી પ્રણાલી લોકોને આપત્તિથી બચાવવામાં મદદ કરી રહી છે.
USGS મુજબ શેકએલર્ટ (ધ્રુજારી ઉત્પન કરતી પ્રણાલી) જેવી પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ જ્યારે પૃથ્વીની સપાટી નીચે ધરતીકંપના તરંગો શોધાય છે ત્યારે તાત્કાલિક ચેતવણી આપી શકે છે.
એવું કહેવાય છે કે ધરતીકંપ દરમિયાન પ્રથમ ખૂબ જ ઝડપી P તરંગ દેખાય છે, ત્યારબાદ ધીમી S તરંગ આવે છે, પછી તરંગો જમીનની સપાટી પર પહોંચે છે.
સેન્સર તરત જ P વેવને શોધી કાઢે છે અને તે ડેટાને શેકઅલર્ટની સિસ્ટમમાં ટ્રાન્સમિટ કરે છે. આનો ઉપયોગ ભૂકંપનું સ્થાન અને સંભવિત તાકાત શોધવા અને તાત્કાલિક માહિતી આપવા માટે થઈ શકે છે અને ઘણું નુકસાન ટાળી શકાય છે.














