નેપાળમાં ભૂકંપથી 157 લોકોનાં મોત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આંચકા

ઇમેજ સ્રોત, RSS
શુક્રવારે 3 નવેમ્બરની રાત્રે નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેની અસર દિલ્હી સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ જોવા મળી હતી.
ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાઠમંડુથી પશ્ચિમ દિશામાં 500 કિમી દૂર આવેલા જાજરકોટમાં હતું.
નેપાળમાં શુક્રવારે આવેલા ભૂકંપથી મૃતકોની સંખ્યા વધીને 157 થઈ ગઈ છે અને ઘાયલોની સંખ્યા 350 પહોંચી ગઈ છે.
નેશનલ સેન્ટર ઑફ સિસ્મોલૉજી અનુસાર ભૂકંપની તીવ્રતા 6.4 હતી અને દિલ્હી, નોઇડા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભયાનક ધ્રૂજારી અનુભવાઈ હતી.
બીબીસી નેપાળી સેવા અનુસાર, રાત્રે 11.47 વાગ્યે આવેલા 6.4 તીવ્રતાના આ ભૂકંપમાં સૌથી વધુ નુકસાન કરનાલી પ્રાંતના જાજરકોટ અને રુકુમ પશ્ચિમમાં થયું છે.
ભૂકંપ બાદ અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનના પણ સમાચાર છે જેના કારણે ઘાયલોને હૉસ્પિટલમાં પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
નેપાળમાં આવેલા ભૂંકપ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર તેમણે લખ્યું, "નેપાળના ભૂંકપમાં થયેલાં મોત અને નુકસાનથી બહુ દુખી છું. ભારત નેપાળના લોકો સાથે છે અને શક્ય તમામ મદદ માટે તૈયાર છે. અમારી સંવેદનાઓ, શોક સંતપ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલો જલદી ઠીક થઈ જાય તેવી કામના કરીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્યાં કેટલું નુકસાન?

ઇમેજ સ્રોત, RSS
ભારતમાં આ ભૂકંપથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
નેપાળ પોલીસના પ્રવક્તા કુબેર કદાયતે બીબીસીને જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપથી જાજરકોટ અને રુકુમ પશ્ચિમ જિલ્લાને સૌથી વધુ નુકસાન થયું છે અને તેમનું ધ્યાન બચાવ અભિયાન પર કેન્દ્રિત છે.
તેમણે જણાવ્યું હતું કે, ભૂકંપના કારણે જાજરકોટમાં 92 અને રૂકુમ પશ્ચિમમાં 36 લોકોનાં મોત થયાં છે.
તેમના જણાવ્યા અનુસાર બે જિલ્લામાં 140થી વધુ લોકો ઘાયલ થયા છે.
બચાવકાર્યમાં નેપાળ પોલીસ, નેપાળ આર્મી અને સશસ્ત્ર પોલીસના અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે અને હેલિકૉપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે.
એવું મનાઈ રહ્યું છે કે નેપાળમાં 2015માં આવેલા વિનાશક ભૂકંપ પછી ગઇ કાલે આવેલો ભૂકંપ સૌથી ઘાતક હતો.
ઘાયલોના ઇલાજ માટે વ્યવસ્થા

માત્ર ભેરી હૉસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલ દર્દીઓની સારવાર શક્ય ન હોવાથી લોકોની સારવાર માટે નેપાલગંજ નર્સિંગ હોમ અને મેડિકલ કૉલેજ, કોહલપુરમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાંઝામાં નેપાળી આર્મી હૉસ્પિટલ, નેપાળગંજ પોલીસ હૉસ્પિટલ અને ભેરી હૉસ્પિટલમાં ઘાયલોની સારવાર માટે 105 બેડ ખાલી કરવામાં આવ્યા છે.
નેપાળગંજ સ્થિત સંવાદદાતા બિમલા ચૌધરીએ અધિકારીઓને ટાંકતા જણાવ્યું હતું કે, સુરક્ષા કર્મચારીઓ દર્દીઓ માટે જરૂરી લોહીની વ્યવસ્થા કરવા માટે રક્તદાન કરવા માટે તૈયાર છે.
કરનાળી પ્રાંતના ડીઆઇજી ભીમ પ્રસાદ ઢકાલે જણાવ્યું હતું કે 'ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે બચાવકાર્ય મુશ્કેલ બની રહ્યું છે. હવાઈમાર્ગે પણ બચાવ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”
આ સિવાય જાજરકોટના પાડોશી જિલ્લા જુમલામાં પણ ભૂકંપથી ભારે નુકસાનના સમાચાર છે.
નેપાળના વડા પ્રધાન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

ઇમેજ સ્રોત, BISHNU KHADKA
આ દરમિયાન નેપાળના વડા પ્રધાન પ્રચંડે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહતકાર્યમાં જોડાવા માટે દરેકને અપીલ કરી હતી.
તેમના ફેસબુક એકાઉન્ટ પર તેમણે લખ્યું છે કે, ભૂકંપના કારણે થયેલા જાનમાલના નુકસાનથી તેઓ દુ:ખી છે અને ત્રણેય સુરક્ષા એજન્સીઓ ઘાયલોને તાત્કાલિક બચાવવા માટે કામે લાગી ગઈ છે.
તેમના સચિવાલયના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન સાથે ઊર્જાપ્રધાન શક્તિ બહાદુર બસનેતની ટીમ પણ બચાવ અને તબીબી સામગ્રી સાથે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં જઈ રહી છે.
નેપાળમાં 2015માં આવ્યો હતો વિનાશકારી ભૂકંપ

ઇમેજ સ્રોત, BISHNU KHADKA
25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ અનુસાર તેમાં લગભગ 9000 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 10 લાખ ઘરોને નુકસાન થયું હતું. લગભગ 28 લાખ લોકો વિસ્થાપિત થયા હતા.
વિનાશક ભૂકંપમાં નેપાળની રાજધાની કાઠમંડુમાં આવેલી ઘણી ઐતિહાસિક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને સેંકડો વિદેશી પર્યટકોને પણ અસર થઈ હતી.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ સાત કાઠમંડુ ખીણમાંથી ઓછામાં ઓછી ચાર આ ભૂકંપમાં પ્રભાવિત થઈ હતી.












