ગુજરાતમાં સતત ભૂકંપના આંચકા કેમ આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં આ વર્ષે છેલ્લા બે માસથી એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં એક વાર વલસાડમાં, એક વાર રાજકોટમાં અને છ વખત કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ ચૂક્યા છે.
ડિસેમ્બર, 2023માં ગુજરાતના કચ્છમાં રિક્ટર સ્કેલ પર 2.9થી 4.2ના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
8મી ડિસેમ્બર 2023ના રોજ રિક્ટર સ્કેલ પર કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ગુજરાતના નૅશનલ સેન્ટર ફૉર સિસ્મૉલૉજીએ 'એક્સ' પર પુષ્ટિ કરી હતી કે 8મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે નવ વાગ્યે, 3.9ની તીવ્રતાનો ધરતીકંપ રાજકોટના ઉત્તરપશ્ચિમમાં 133 કિમી દૂર, 20 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.
નોંધનીય છે કે કચ્છમાં તેના અસામાન્ય પ્રાકૃતિક સ્થાન અને ભૂગોળને કારણે, દર થોડા મહિને ધરતીકંપના આંચકા અનુભવાય છે. આ ઉપરાંત જાન્યુઆરી, 2001માં આવેલ ભૂંકપે કચ્છમાં સર્જેલી તારાજીનાં દૃશ્યો પણ ઘણાને યાદ હશે.
હવે જ્યારે રાજ્યમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે ત્યારે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ગુજરાતમાં ભૂકંપના વારંવાર આંચકા આવવા પાછળનું કારણ શું હશે?
આ અંગે બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે વાત કરીને સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સતત નાના ભૂકંપના આંચકાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty
મહેશ ઠક્કર કચ્છ યુનિવર્સિટીના અર્થ ઍન્ડ ઍન્વાયરન્મૅન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ વડા છે. તેમણે ભૂકંપ અંગે વ્યાપક સંશોધન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કચ્છના પ્રાકૃતિક સ્થાન અને ભૂગોળ તેમજ ભૂકંપના આંચકા સાથેના તેના સંબંધ અંગે કહે છે, “કચ્છનો ભૂસ્તરશાસ્ત્રીય પ્રદેશ બાકીના ગુજરાત કરતાં અલગ છે. કચ્છમાં પૂર્વથીપશ્ચિમ તરફ ઘણી સક્રિય ફોલ્ટલાઇન છે. સક્રિય ફોલ્ટલાઇન એટલે કે એવી ફોલ્ટલાઇનો જે આવનારાં 50 વર્ષમાં ભૂકંપની સંભાવના વધારે છે."
"આ ફોલ્ટલાઇન છે : કચ્છ મેઇનલૅન્ડ ફોલ્ટ, ઉત્તર વાગડ, દક્ષિણ વાગડ અને આઇલૅન્ડ પટ્ટો."
કચ્છ પ્રદેશમાં આવેલા ભૂકંપ વિશે વાત કરતાં તેઓ કહે છે, “મોટા ધરતીકંપ પછી ઘણા નાના ભૂકંપ આવે છે, જે વર્ષો ચાલે છે. તાજેતરમાં કચ્છમાં આવેલા નાના આંચકા 2001ના ભૂકંપના આફ્ટર શોક્સ છે. કચ્છમાં આવેલા આ આંચકા 2001ના ભૂકંપનો સિલસિલો છે અને આ કોઈ અસાધારણ ઘટના નથી કે તે ભવિષ્યમાં મોટા ભૂકંપનો સંકેત પણ નથી.”
અમે ડૉક્ટર દીપક મૌર્ય સાથે વાત કરી જેઓ એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતે ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રોફેસર છે.
તેઓ કહે છે, “વલસાડ અને રાજકોટમાં આંચકાનાં કારણો અલગ છે. આ પ્રદેશો દખ્ખણના ઉચ્ચ પ્રદેશનું વિસ્તરણ છે અને દખ્ખણ એક સ્થિર વિસ્તારો છે, તેથી દક્ષિણ ગુજરાત પણ એકંદરે સ્થિર પ્રદેશ છે.”
“પરંતુ અહીં ચોમાસા પછી, જમીનની તિરાડોમાં વરસાદનું પાણી નીચે ઊતરે છે અને તેથી પૃથ્વીના પેટાળમાં દબાણ વધે છે. જ્યારે ભૂગર્ભ દબાણને બહારની તરફ છોડે છે, ત્યારે તે ભૂકંપ મારફતે બહાર આવે છે.”
બંને નિષ્ણાતો એ વાતે સંમત થાય છે કે ભૂગર્ભમાંથી દબાણ મુક્ત કરવાની ઘટના એ સારી બાબત છે, કારણ કે જો આવું ન થાય પૃથ્વી પર દબાણ અને તાણ વધશે અને એ મોટા ભૂકંપનું કારણ બની શકે છે. પરંતુ જ્યારે પ્રેશર છોડવામાં આવે છે ત્યારે મોટા ભૂકંપની શક્યતાઓ ઘટી જાય છે.
આ જ કારણે ગત વર્ષે અમરેલીના મીતિયાળા ગામમાં એક વર્ષમાં ભૂકંપના 225 આંચકા અનુભવાયા હતા. આ સતત ભૂકંપના આંચકાને કારણે ગામલોકોએ ડરને કારણે બહાર જ સૂવાનું શરૂ કર્યું હતું.
ભૂકંપ શું છે, શા માટે થાય છે?

નેશનલ જિયોગ્રાફિક અનુસાર ભૂકંપ એ પૃથ્વીની સપાટી પર અચાનક અનુભવાતી ધ્રુજારી છે, જે ભૂગર્ભમાં સંગ્રહાયેલી ઊર્જા બહાર આવવાને કારણે બને છે.
જોકે, ઊર્જા બહાર નીકળવાની આ ઘટના ભૂકંપના તરંગોને કારણે બને છે. આ સ્પંદનો છે જે જમીનને હચમચાવે છે. આ ધ્રુજારી તીવ્રતામાં બદલાઈ શકે છે. નાના ગગડાટથી માંડીને વિનાશક ભૂકંપ સુધી જે વિનાશકારક સાબિત થઈ શકે છે.
પૃથ્વીની ટેકટોનિક પ્લેટમાં ધરતીકંપનાં કારણો સમજવા આપણે સૌપ્રથમ પૃથ્વીની રચનાનો અભ્યાસ કરવો જોઈએ.
ભૂગર્ભ મોટા ટુકડામાં વિભાજિત થયેલ છે, જેને ટેકટોનિક પ્લેટ કહેવાય છે.
આ પ્લેટો સતત સરકતી રહે છે. જોકે, આ પ્રક્રિયા સામાન્ય રીતે ધીમી હોય છે. આ પ્રક્રિયા દરમિયા બે પ્લેટો એકબીજા સાથે અથડાઈ શકે, અલગ થઈ શકે અથવા એકમેક સામે સરકી શકે. આ પ્લેટના છેવાડે એ મોટાભાગના ભૂકંપો થાય છે.
મહેશ ઠક્કર કહે છે, “ભૂકંપમાં જબરદસ્ત ઊર્જા હોય છે. રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાનો ભૂકંપ ત્રણની તીવ્રતા કરતાં ત્રીસ ગણો વધુ શક્તિશાળી હશે. અને પાંચની તીવ્રતાનો ભૂકંપ ચાર કરતાં 30 ગણો વધુ શક્તિશાળી હશે.”
ગુજરાતમાં કેટલી ઍક્ટિવ ફોલ્ટલાઇન છે?

ઇમેજ સ્રોત, Getty
ગુજરાતમાં વારંવાર ભૂકંપો જોવા મળે છે, જે અમુક વાર જીવલેણ અને નુકસાનકારક પણ સાબિત થયા છે. જોકે, ગુજરાત કોઈ પણ પ્લેટની સીમા પર અથવા તેની નજીક સ્થિત નથી.
ગુજરાતના તમામ ભૂકંપો પ્લેટો અથડાવાના કારણે જ થયા છે. ગુજરાતમાં અનેક ઍકટિવ ફોલ્ટલાઇન આવેલી છે.
કચ્છના રણમાં પાકિસ્તાની સરહદની નજીક અલ્લાહબંદ ફોલ્ટ આવેલો છે. તેની લગભગ સમાંતર અને દક્ષિણ દિશાએ નગર પારકર, દ્વીપ પટ્ટો અને બન્ની ફોલ્ટ આવેલા છે.
કચ્છમાં કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ પણ છે. અન્ય ફોલ્ટ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે, નર્મદા અને તાપી નદીના મુખત્રિકોણ અને ઉત્તર કાઠિયાવાડ દ્વીપકલ્પમાં સાથે સાથે ચાલે છે. આ સિવાય કેમ્બે ગ્રેબેન નામની ફોલ્ટલાઇન ખંભાતના અખાતથી રાધનપુરના ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાનની સરહદ સુધી ચાલે છે.
જોકે, એવું નથી કે ફોલ્ટલાઇન નિકટ હોવાથી જોખમ વધે છે. કારણ કે ભૂકંપથી થતા નુકસાન અસંખ્ય પરિબળો પર આધારિત છે, જેમ કે ધરતી નીચેનું ભૂસ્તરશાસ્ત્ર તેમજ બિલ્ડિંગ કોડનું પાલન.
ગુજરાતમાં ભૂકંપનું જોખમ કેટલું?

ઇમેજ સ્રોત, Government of Gujarat
ભારતમાં ભૂકંપની સંભાવના આધારે અલગ અલગ ઝોન બનાવવામાં આવ્યા છે. જે વિસ્તાર જેટલો જોખમી તેને એટલા ઊંચા જોખમવાળા ઝોનમાં મૂકવામાં આવ્યો છે. આમ સમગ્ર ભારતને ચાર ઝોનમાં વિભાજિત કરાયું છે.
જો ઝોનિંગને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ તો કુલ ચાર ઝોનમાં ઝોન -2 એ સૌથી ઓછું જોખમ દર્શાવે છે. તેમજ ઝોન-5 એ સૌથી વધુ જોખમવાળા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે.
આમ, જોખમની દૃષ્ટિએ 2, 3, 4 અને 5 ઝોન છે.
ગુજરાત આને લગતા નકશાના 'ઉચ્ચ જોખમ' ઝોન ચારમાં છે.
ગુજરાત "હિમાલયન કૉલિશન ઝોન" માં આવેલું છે. જોકે, રાજ્યને ચાર વર્ગોમાં વર્ગીકૃત કરાયું છે.
કચ્છ જિલ્લો અત્યંત જોખમી ઝોન 5માં આવેલું છે. આ સિવાય જામનગર, રાજકોટ, પાટણ અને બનાસકાંઠાના ભાગો ઉચ્ચ જોખમ ઝોન 4માં સ્થિત છે.
રાજ્યના અન્ય ભાગો પૈકીનો મોટો વિસ્તાર મધ્યમ જોખમવાળા ઝોન 3માં આવેલો છે અને ખૂબ જ નાનો ભાગ ઓછા જોખમી ઝોન 2માં છે.
ગુજરાતમાં ભૂકંપનું જોખમ ખૂબ વધુ છે. રાજ્યમાં ઈસવીસન 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને 2001 (પાછલાં 200 વર્ષમાં નવ વખત) મોટા ભૂકંપ આવ્યા છે.
2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીમાં નોંધાયેલો ભારતનો ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ભૂકંપ હતો.












