તાઇવાનમાં 25 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ, એક ભારતીયે શું જોયું?

તાઇવાન

ઇમેજ સ્રોત, Getty Images

તાઇવાનમાં બુધવારે 7.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યા બાદ જાપાનના ઓકિનાવા પ્રાંતમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તાઇવાનમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાટનગર તાઇપેઈમાં ભૂંકપને લીધે ધ્રુજી રહેલી ઇમારતોના વીડિયો વાઇરલ થયા છે.

તાઇપેઈના સિસ્મોલૉજી સેન્ટરના ડિરેક્ટર વુ ચેઇન ફુએ જણાવ્યું છે, "ભૂકંપની અસર સમગ્ર તાઇવાન અને બીજા ટાપુઓ ઉપર અનુભાવઈ હતી. 25 વર્ષનો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. "

સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી 50 લોકો ઘાયલ થયા હોવાનું તાઇવાનની નેશનલ ફાયર એજન્સીએ જણાવ્યું છે. કેટલાક લોકો ઇમરાતો અને ભોયરાંમાં ફસાયેલા હોવાનું પણ એજન્સીએ ઉમેર્યું છે.

સ્થાનિક મીડિયામાં ભૂકંપનાં વીડિયો ફૂટેજ પ્રકાશિત કરાયાં છે, જેમાં રહેવાસી ઇમારતોને તૂટતાં જોઈ શકાય છે. આ ઉપરાંત ઘરો અને શાળાઓમાંથી લોકોને બહાર કાઢવામાં આવતા હોય એવા વીડિયો પણ સામે આવ્યા છે. ભૂકંપના લીધે વાહનોને પણ નુકસાન થયું છે.

ભૂકંપને પગલે ટાપુ રાષ્ટ્ર પર વીજવ્યવહાર ખોરવાઈ ગયો છે અને ઇન્ટરનેટ પણ કામ નથી રહ્યું. ઇન્ટરનેટ પર દેખરેર રાખનારા 'નેટબ્લૉક્સ' ગ્રુપે આ વાતની સ્પષ્ટતા કરી છે.

ભૂકંપ આવ્યો ત્યારે શું થયું હતું?

જાપાનમાં ભૂકંપ

ભારતના પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનના શુભમ પાલ વાઇવાનમાં એક પત્રકાર તરીકે કામ કરે છે.

તેઓ છેલ્લા દોઢેક વર્ષથી પાઇપેઈ પાસે નાનજિંગ સનમીન વિસ્તારની એક બિલ્ડિંગમાં છઠા માળે રહે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "હું પથારીમાં જ હતો અને ફોન જોતો હતો હતો. ત્યાં અચાનક બધું હલવા લાગ્યું. જોકે અહીં આંચકા આવે એ કોઈ નવાઈની વાત નથી. પણ આ ભૂકંપ અત્યાર સુધીનો સૌથી ભયંકર હતો. સતત આંચકા આવતા હતા અને બધો સામાન પડતો હતો. મારું કમ્પ્યુટર પણ નીચે પડી ગયું."

શુભમનું કહેવું છે કે જોકે અહીં બધા લોકોને ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું એની ટ્રેનિંગ અપાતી હોય છે. આથી જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે લોકો એને મેનેજ કરી લેતા હોય છે. એટલે કે આંચકા આવે ત્યારે બધા લોકો તૈયાર જ હોય છે. અહીંની ઇમારતો, માળખાં એવી રીતે બનાવાયાં છે કે ભૂકંપ આવે ત્યારે એનાથી ઓછામાં ઓછું નુકસાન થાય."

તેમણે કહ્યું કે આજે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એકાદ કલાક બધું બંધ થઈ ગયું હતું. મેટ્રો પણ બંધ હતી. પણ પછી થોડી વારમાં બધું રાબેતા મુજબ શરૂ થઈ ગયું. હાલમાં પણ બધું નૉર્મલ જ છે."

તેઓ કહે છે કે આપણે પર્યાવરણને જે રીતે નુકસાન કરીએ છીએ એ જોતા આપણે આગામી દિવસોમાં કુદરતી આફતો સામે લડવા માટે તૈયાર પણ રહેવું જ પડશે.

જાપાનમાં સુનામીની ચેતવણી

તાઇવાનમાં ભૂકંપ

ઇમેજ સ્રોત, Iris Li

ભૂકંપ આવ્યા બાદ જાપાનના ઓકિનાવા પ્રાંતમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે સંભવિત સુનામીનાં મોજાં ત્રણ મિટર સુધી ઊંચાં હોઈ શકે છે. સુનામીની ચેતવણીને પગલે જાપાનમાં ઓકિનાવાના દરિયાકિનારેથી લોકોને સુરક્ષિત બહાર નીકળી જવાની સલાહ આપવામાં આવી છે.

જાપાનના સરકારી પ્રસારણ એનએચકે અનુસાર સુનામી સવારે 9:30 વાગ્યાની આસપાસ એરિઓમોટે અને ઇશિગાકી દ્વીપો પર ત્રાટકી શકે છે અને સવારે 10 વાગ્યાની આસપાસ મિયાકોજિમા અને ઓકિનાકાના મુખ્ય દ્વીપ સુધી પહોંચી શકે છે.

અહીં રહેતા લોકોને સાવધાની વર્તવાની ચેતવણી અપાઈ છે, કેમ કે માર્ચ 2011માં જ્યારે તોહોકુમાં ભૂકંપ બાદ સુનામી ત્રાટકી ત્યારે શરૂઆતમાં મોજાં અમુક સેન્ટિમિટરનાં જ હતાં પણ બાદમાં એ ભયાનક સુનામીમાં ફેરવાઈ ગયાં હતાં.

જ્યારે જાપનમાં સર્જાયું સૌથી મોટું ન્યુક્લિયર સંકટ

જાપાનમાં સુનામીની ચેતવણી

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

11 માર્ચ 2011ના રોજ જાપાનના પૂર્વોત્તર કિનારે 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે જાપાનનો સૌથી ભયાનક ભૂકંપ માનવામાં આવે છે. એ બાદ ત્યાં વિનાશક સુનામી ત્રાટકી હતી, જેના લીધે વિશ્વને વર્તમાન સમયનું સૌથી મોટું પરમાણું સંકટ જોવું પડ્યું હતું.

સુનામીના લીધે ફુકુશિમામાં ન્યુક્લિયર રિએક્ટર ઠંડું થાય એ પહેલાં જ વીજળી ચાલી ગઈ હતી અને રિએક્ટરમાંથી રેડિયોઍક્ટિવ તત્ત્વો લીક થઈ ગયાં હતાં. એના લીધે જાપાનની સરકારને આ વિસ્તારને 'નો-ફ્લાઇ ઝોન' જાહેર કરવો પડ્યો હતો. આ દુર્ઘટનાને પગલે આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવવો પડ્યો હતો.

રશિયાના ચર્નોબિલ બાદ આને વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર સંકટ માનવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે જાપાનમાં ભૂકંપ એ સામાન્ય વાત છે. જાપાન વિશ્વના સૌથી સક્રિય ભૂકંપના જોખમવાળા વિસ્તારમાં વસ્યું છે.