પ્લાસ્ટિકની બૉટલોમાં ચોખા ભરીને ઉત્તર કોરિયા મોકલનાર વ્યક્તિની કહાણી

ઉત્તર કોરિયા, માનવઅધિકાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પાર્ક જંગ-ઓહ બૉટલોમાં ચોખા ભરીને ઉત્તર કોરિયા તરફ વહાવી દે છે
    • લેેખક, રશેલ લી
    • પદ, બીબીસી કોરિયન, સોલ

એપ્રિલની એક સવારે સૂર્ય પ્રકાશિત થયો હતો, પરંતુ દક્ષિણ કોરિયાના સિયોકમોડો ટાપુની હવામાં ઠંડક હતી. પાર્ક જંગ-ઓહ કિનારે ઊભા રહીને ચોખા ભરેલી પ્લાસ્ટિકની બૉટલો પાણીમાં ફેંકી રહ્યા હતા. એ બૉટલોનું લક્ષ્ય સ્થળ ઉત્તર કોરિયા હતું.

પાર્ક લગભગ એક દાયકાથી બૉટલમાં ચોખા ભરીને આ રીતે મોકલી રહ્યા હતા, પરંતુ દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા વિરોધી સામગ્રી સરહદ પાર મોકલવા પર જૂન 2020માં પ્રતિબંધ મૂક્યો ત્યારથી તેઓ એવું કરી શકતા નહોતા.

“અમે બૉટલો મોકલીએ છીએ, કારણ કે એક જ દેશના લોકો ભૂખથી મરી રહ્યા છે. તેમાં ખોટું શું છે?” 56 વર્ષના પાર્કે સવાલ કર્યો હતો.

બંધારણીય અદાલતે ગયા સપ્ટેમ્બરમાં પ્રતિબંધ હઠાવી દીધો હતો. એ પછી તરત પાર્ક પોતાના તરફ લોકોનું વધુ પડતું ધ્યાન આકર્ષિત કરવા ઇચ્છતા નહોતા. તેમણે મહિનાઓ સુધી રાહ જોઈ હતી અને આખરે નવમી એપ્રિલનો દિવસ પ્લાસ્ટિકની બૉટલ્સ મોકલવા માટે પસંદ કર્યો હતો. સમુદ્રમાં મોજાં ઉછળવાની આગાહી કરવામાં આવી હતી. તેથી બૉટલ્સ ઉત્તર તરફ ઝડપથી પહોંચી શકે તેમ હતી.

તેમણે કહ્યું હતું, “તે મારી સક્રિયતાની નવી શરૂઆત દર્શાવે છે.”

બૉટલ્સ મારફત સંગીત અને નાટકોની કોપી પણ મોકલી

ઉત્તર કોરિયા, માનવઅધિકાર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બૉટલ્સ મારફત ચોખાનો પુરવઠો રોકવા માટે દરિયાકિનારે ગાર્ડ્ઝ પણ તહેનાત કરવામાં આવ્યા હતા

પાર્ક 26 વર્ષ પહેલાં ઉત્તર કોરિયાથી દક્ષિણ કોરિયા આવ્યા હતા. તેમના પિતા ઉત્તર કોરિયાના જાસૂસ હતા. પરંતુ તેમણે ભાગીને દક્ષિણ કોરિયા જવાનો નિર્ણય કર્યો હતો. તેથી તેમના પરિવારે પણ ઉત્તર કોરિયા છોડવું પડ્યું હતું.

પાર્ક ઉત્તર કોરિયામાં રહેતા હતા ત્યારે ભૂખમરાને લીધે મૃત્યુ પામેલા ઘણા લોકોના મૃતદેહો તેમણે શેરીઓમાં પડેલા જોયા હતા. જોકે, બંદુકધારી સૈનિકો લણણીની મોસમમાં કઈ રીતે વાંઘે પ્રાંતમાં ત્રાટક્યા હતા અને ખેડૂતોને ભૂખે મરતા છોડીને કઈ રીતે બધું અનાજ લઈ ગયા હતા, તેની વાત ચીનનો વારંવાર પ્રવાસ કરતા એક મિશનરીએ કરી ત્યારે પાર્ક સ્તબ્ધ થઈ ગયા હતા.

ચોખાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા વિસ્તારમાં કોઈ ભૂખને કારણે મરી ગયું હોય તેવું પાર્કે અગાઉ ક્યારેય સાંભળ્યું ન હતું.

વાંઘે પ્રાંતમાં પ્લાસ્ટિકની બૉટલ્સમાં પુરવઠો મોકલવા માટે પાર્કે 2015માં તેમનાં પત્ની સાથે મળીને કેયુન સેમની સ્થાપના કરી હતી. તેમણે સ્થાનિક નાવિકો અને કોરિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીની સમુદ્રમાં ભરતીના સમય બાબતે સલાહ લીધી હતી. ભરતીના દિવસોમાં પાણીનો પ્રવાહ ઝડપી હોય છે ત્યારે બૉટલ્સ ઉત્તર કોરિયા પહોંચવામાં માત્ર ચાર કલાક થાય છે.

બે લિટરની પ્લાસ્ટિકની બૉટલમાં એક કિલો ચોખા ઉપરાંત કોરિયન પોપ સંગીતનાં ગીતોની, 'ક્રેશ લેન્ડિંગ ઓન યુ' જેવા કોરિયન નાટકો, બે કોરિયાની સરખામણી કરતા વીડિયોની યુએસબી અને બાઇબલની ડિજિટલ કૉપી પણ હોય છે.

પાર્ક માને છે કે કમ્પ્યુટર્સ અને મોબાઇલ ફૉન જેવાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામાન્ય બની ગયાં હોવાથી ઉત્તર કોરિયાના લોકો આવી સામગ્રીનો ઉપયોગ આસાનીથી કરી શકે છે.

તેમણે કહ્યું, “ઘણા લોકો માને છે કે ઉત્તર કોરિયામાં વીજળી નથી, પરંતુ મેં સાંભળ્યું છે કે ચીનમાંથી ઘણી બધી સોલર પૅનલ્સ આવી રહી છે. તેનો ઉપયોગ ખાસ કરીને ઉનાળામાં બૅટરી ચાર્જ કરવા માટે થઈ શકે છે.”

કોરોના દરમિયાન પણ આ કામ ચાલુ રાખ્યું

ઉત્તર કોરિયા, માનવઅધિકાર, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેટલીકવાર દરેક બૉટલમાં એક અમેરિકન ડૉલરની નોટ મોકલવામાં આવે છે, જેથી તેનો પ્રાપ્તિકર્તા તેને ચીની અથવા ઉત્તર કોરિયન ચલણમાં બદલી શકે. ગયા વર્ષ સુધીમાં એક અમેરિકન ડૉલર માટેનો સત્તાવાર વિનિમય દર 160 નોર્થ કોરિયન વોનનો હતો. બ્લૅક માર્કેટમાં વિનિમય દર 50 ગણાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

કોવિડ રોગચાળા દરમિયાન પાર્ક અને તેમનાં પત્નીએ પ્લાસ્ટિકની બૉટલ્સમાં પીડાશામક દવાઓ અને માસ્ક મૂક્યાં હતાં. તે બહુ જરૂરી હતાં, કારણ કે ઉત્તર કોરિયાને બાકીની દુનિયાથી સીલ કરી દેવામાં આવ્યું હતું.

જોકે, ડિસેમ્બર 2020થી અમલમાં આવેલા પ્રતિબંધને કારણે પાર્ક દંપતીએ બૉટલ્સ ગુપ્ત રીતે મોકલવી પડી હતી. તેના મહિનાઓ પહેલાં કિમ જોંગ-ઉનના શક્તિશાળી બહેન કિમ યો-જોંગે ઉત્તર કોરિયા વિરોધી પત્રિકાઓ મોકલતા કાર્યકરોને ચેતવણી આપી હતી, તેમના પર ઇન્ટર-કોરિયન કરારના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો. તેના થોડા દિવસો પછી ઉત્તર કોરિયાએ બિનલશ્કરી પ્રદેશ નજીકના કેસોંગ ગામમાંના મહત્ત્વના સંયુક્ત સંપર્ક કાર્યાલયને ફૂંકી માર્યું હતું.

કાયદો બહુ વિવાદાસ્પદ સાબિત થયો હતો. તેને ટીકાકારોએ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૂન જે-ઈનની સરકાર ઉત્તરને ખુશ કરવા બહુ ઉત્સુક હોવાનો આક્ષેપ કરીને, “કિમ યો-જોંગ સરકારનું હુકમનામું” ગણાવ્યો હતો. સત્તાવાળાઓએ તેનો બચાવ કરતાં જણાવ્યું હતું કે કાયદાનો ઉદ્દેશ સરહદી વિસ્તારોની સલામતી અને આંતર-કોરિયન સંબંધનો સ્થિરતાનો છે.

પાર્કે કહ્યું હતું, “અમારી સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. મારે લગભગ ત્રણ વર્ષ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા હતા. હું થાકી અને ત્રાસી ગયો હતો.”

'દુનિયાથી વિખૂટા પડી ગયેલા લોકોને નાનકડી મદદ'

પ્રતિબંધ પાછો ખેંચી લેવાયો હોવા છતાં પાર્ક માટે પ્લાસ્ટિકની બૉટલ્સ મોકલવાનું મુશ્કેલ બની ગયું છે. ચર્ચ અને માનવાધિકાર સંસ્થાઓ તરફથી મળતું દાન બંધ થઈ ગયું છે. ઉત્તરમાંથી દક્ષિણમાં નાસી આવેલા કેટલાક લોકો આવી બૉટલ્સ તેમના વતન મોકલવા માંગે છે અને એ લોકો દરેક વખતે બે લાખ વોન (147 ડૉલર) આપે છે.

2020ના કાયદા પછી સ્થાનિક લોકો સાથેના તેમના સંબંધમાં પણ ખટાશ આવી છે, કારણ કે પાર્ક જે કરી રહ્યા છે, તેનાથી પોતાની સુરક્ષા જોખમાતી હોવાનું કેટલાક લોકો માને છે.

પાર્ક શું કરી રહ્યા છે તેમાં અગાઉ મોટાભાગના લોકોને ખાસ રસ નહોતો. નજીકના ગામના વડા પણ તેમને બૉટલ્સ ફેંકવા માટે ઉત્તમ સ્થળની સલાહ આપતા હતા. કેટલીકવાર તેમની સાથે પણ જોડાતા હતા.

પાર્કે આ વખતે એક ડઝન પોલીસ, મરીન કોર્પ્સ તથા સૈનિકોની સતર્ક નજર હેઠળ બૉટલ્સ પાણીમાં ફેંકવી પડી હતી. અધિકારીઓ મધ્યસ્થી તરીકે કામ કરવા તૈયાર હતા, પરંતુ બૉટલ્સમાં કશું ગોપનીય કે સંવેદનશીલ તો નથીને એવો સવાલ પાર્કને પૂછતા હતા.

જોકે, પાર્કે આ કામ પડતું મૂકવાનું ક્યારેય વિચાર્યું નથી.

પાર્કે કહ્યું હતું, “ઉત્તર કોરિયાની એક મહિલાને બૉટલની અંદરના ચોખા વિશે શંકા પડી હતી. તેથી તેણે રાંધેલા ચોખા કૂતરાને ખવડાવ્યા હોવાની વાત મેં સાંભળી હતી. કૂતરાને ચોખા ખાધા પછી કશું થયું નહોતું. તેથી ચોખા સારી ગુણવત્તાના છે, એમ વિચારીને એ મહિલાએ પણ ચોખા ખાધા હતા. એ મહિલાએ તે ચોખા ઊંચી કિંમતે વેચ્યા હતા. તેમાંથી મળેલા નાણાંમાંથી મકાઈ જેવા સસ્તા પાકની ખરીદી કરી હતી.”

ઉત્તરમાંથી ભાગીને 2023ની શરૂઆતમાં દક્ષિણ કોરિયા આવેલા નવ જણના એક પરિવારે જણાવ્યું હતું કે તેમને બૉટલ્સ મળી છે. તેમણે પાર્કને આભારદર્શક સંદેશો પણ મોકલ્યો હતો. ચાર વર્ષ પહેલાં એક અન્ય મહિલાએ પણ બૉટલ્સ દ્વારા પોતાનો જીવ બચાવવા બદલ પાર્કનો આભાર માન્યો હતો.

પાર્ક કોઈ પણ બૉટલ પ્રાપ્તકર્તાને ક્યારેય રૂબરૂ મળ્યા નથી, કારણ કે તેઓ લોકોને માત્ર મદદ કરવા ઇચ્છે છે, પ્રશંસા મેળવવા ઇચ્છતા નથી.

તેમણે કહ્યું હતું, “ઉત્તર કોરિયાના લોકો બહારની દુનિયાથી વિખૂટા પડી ગયા છે. અસંમતિના પરિણામથી ડરીને તેઓ ઉત્તર કોરિયા સરકારના દરેક આદેશનું નિઃશંકપણે પાલન કરે છે. હું તો તેમને આટલી મદદ જ કરી શકું છું.”