ઉત્તરાખંડમાં સુરંગ અકસ્માત : મજૂરો સુધી પહોંચવા નવા રસ્તાની શોધ ચાલુ, ક્યારે સફળ થશે ઑપરેશન?

    • લેેખક, અનંત ઝણાણે અને નિખિલા હેનરી
    • પદ, ઉત્તરકાશી અને દિલ્હીથી, બીબીસી ન્યૂઝ

ઉત્તરાખંડના ઉત્તરકાશી વિસ્તારમાં બનાવાઈ રહેલી સુરંગમાં ભૂસ્ખલનને કારણે ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવકર્મી હવે નવા ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

ગત 12 દિવસથી બચાવકર્મી ડ્રિલિંગ મશીન દ્વારા મજૂરો સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ શુક્રવારે ડ્રિલિંગ મશીન તૂટી જતાં આ કામ રોકાઈ ગયું.

મજૂરોને સુરક્ષિતપણે બહાર કાઢવાનું ઑપરેશન શરૂઆતથી જ અત્યંત પડકારજનક હતું.

સુરંગની અંદરની માટી અત્યંત પોચી છે. ત્યાં પથ્થર પણ ખસકતા રહે છે. આ સાથે જ સુરંગના નિર્માણ દરમિયાન લગાવાયેલા સળિયા કાપવાનું કામ પણ મુશ્કેલ પુરવાર થઈ રહ્યું છે.

શુક્રવારે બચાવકર્મી યોગ્ય દિશામાં આગળ વધતા દેખાઈ રહ્યા હતા. પરંતુ ત્યારે જ ડ્રિલિંગ મશીન કાટમાળ સાથેના મિશ્ર ધાતુના ટુકડામાં ફસાયા બાદ સુરંગની અંદર જ તૂટી ગયું.

તે બાદ આજે (સોમવાર) સવારે મશીનને સંપૂર્ણપણે હઠાવી દેવાઈ છે.

આ દરમિયાન, બચાવકર્મીઓએ મજૂરો સુધી પહોંચવા માટે પહાડની ઉપરથી ખોદકામ (વર્ટિકલ) કરવાનું શરૂ કરી દીધું છે.

અધિકારીઓએ પણ કહ્યું છે કે તેઓ મજૂરો સુધી ઝડપથી પહોંચવા મૅન્યુઅલ (હાથેથી) ખોદકામ સહિત અન્ય તકનીકો અંગે પણ વિચારી રહ્યા છે.

વર્ટિકલ ડ્રિલિંગ શું હોય છે?

બચાવકર્મી ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારામાં સ્થિત એ પહાડના શિખર મારફતે મજૂરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેની નીચે સુરંગનું નિર્માણ કરાઈ રહ્યું છે.

અધિકારીઓએ પહાડની ઉપર પહોંચવા માટે અસ્થાયી રસ્તો અને પ્લૅટફૉર્મ અગાઉથી જ બનાવી લીધાં છે.

બચાવકર્મીઓને શ્રમિકો સુધી પહોંચવા માટે 86 મીટર (282 ફૂટ) નીચે તરફ ડ્રિલ કરવાનું રહેશે. જે આડા ડ્રિલિંગના અંતર કરતાં બમણું છે.

સોમવાર સવાર સુધી અધિકારી સુરંગમાં 31 મીટર સુધી ખોદકામ કરવામાં સફળ રહ્યા છે.

નેશનલ હાઇવે ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારી મહમૂદ અહમદ આ બચાવ અભિયાનની આગેવાની કરી રહ્યા છે.

તેમણે કહ્યું છે કે જો કોઈ અવરોધ ન નડે તો હાલની ઝડપથી મજૂરોને સુરક્ષિતપણે બહાર કાઢવામાં હજુ 100 કલાકનો સમય લાગી શકે છે.

ધ હિંદુ અખબાર અનુસાર જો સમગ્ર પ્રક્રિયા કોઈ પણ જાતના અવરોધ વગર પાર પડે તો મજૂરોને એક વર્ટિકલ છિદ્ર દ્વારા બાલટી મારફતે ઉપર ખેંચાશે.

અધિકારીઓ જણાવે છે કે વાવાઝોડું અને બરફવર્ષાનો ખતરો આ સમગ્ર પ્રક્રિયાને જટિલ બનાવી શકે છે.

જોકે, અધિકારીઓએ એવું પણ કહ્યું છે કે તેઓ દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે.

હૉરિઝોન્ટલ ડ્રિલિંગ એટલે શું?

અત્યાર સુધી બચાવકર્મી સીધા રસ્તે એક પાતળી સુરંગ બનાવીને લગભગ 60 મીટરના કાટમાળની દીવાલ વચ્ચેથી જુદી જુદી પહોળાઈવાળી પાઇપ મોકલવાની યોજના પર કામ કરી રહ્યા હતા.

તેના માધ્યમથી શ્રમિકોને સ્ટ્રેચર પર બહાર કઢાઈ શકતા હતા.

હવે, તેઓ મજૂરો સુધી પહોંચવા માટે વૈકલ્પિક રસ્તો બનાવવા માટે ડ્રિલિંગના મુખ્ય સ્થળે 180 મીટર વર્ટિકલ ડ્રિલિંગ કરી રહ્યા છે.

ધ હિંદુ પ્રમાણે રવિવારે વર્ટિકલ ડ્રિલિંગવાળા સ્થળે એક પ્લૅટફૉર્મ બનાવી દેવાયું હતું.

પરંતુ અધિકારીઓએ હજુ સુધી વર્ટિકલ ડ્રિલિંગ વિશે કોઈ માહિતી આપી નથી.

મૅન્યુઅલ ખોદકામ કેવી રીતે થશે?

બચાવકર્મીઓએ 34 મીટર સુધી હૉરિઝોન્ટલ ખોદકામ પણ કરી લીધું હતું. તેઓ મજૂરોથી માત્ર 12 મીટર દૂર હતા. પરંતુ શુક્રવારે ડ્રિલિંગ માટેની ઑગર મશીન અટકી ગઈ.

તે બાદ ઑપરેશન રોકી દેવાયું. એક ઇમર્જન્સી દળ અંદર પહોંચ્યું અને મશીનને ઘણું ઝઝૂમ્યા બાદ સોમવારે બહાર કઢાઈ.

હવે આ સ્થળે પણ બચાવકર્મી હાથેથી બાકી રહેલું 12 મીટરનું ખોદકામ કરવાનો પ્રયાસ કરશે.

પરંતુ હાથેથી થતા ખોદકામ બાદ આ જગ્યાએથી મશીનો વડે જ પાઇપો નખાવાની છે.

હાલ શું છે પરિસ્થિતિ?

ઘટનાસ્થળે હાજર માઇક્રો ટનલિંગ ઍક્સપર્ટ ક્રિસ કૂપરે સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે, "અમે ઑગર મશીનના તૂટેલા ટુકડા કાઢી રહ્યા છીએ. ઘણી પાઇપ પણ કાપવાની છે. લગભગ ત્રણ કલાકનો સમય લાગી શકે છે, એ બાદ અમારે હાથ વડે ટનલમાં ખોદકામ કરવાનું રહેશે."

"આમાં કેટલો સમય લાગશે એ હાલ નથી ખબર. આ સપાટી પરની સ્થિતિ પર આધારિત વાત છે. આર્મી આ ઑપરેશનને સુપરવાઇઝ કરી રહી છે. 30 મીટર સુધી વર્ટિકલ ડ્રિલિંગ થઈ ચૂકી છે."

આ સિવાય ભૂતપૂર્વ એન્જિનિયર ઇન ચીફ અને નિવૃત્ત બીઆરઓ ડી. જી. લેફ્ટનન્ટ જનરલ હરપાલસિંહે જણાવ્યું છે કે, "ઑગર મશીન બહાર કઢાઈ છે, પરંતુ દોઢ મીટરની ડૅમેજ પાઇપ હજુ પણ કાઢવાની છે. તેના પર કામ ચાલી રહ્યું છે. એ થયા બાદ અમે હાથ વડે ટનલ ખોદશું. આશા છે કે આ કામ ઝડપથી પૂરું થશે."