You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના : બિહાર-ઝારખંડથી કામ કરવા આવતા મજૂરો કઈ હાલતમાં રહે છે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, ઉત્તરકાશીથી
બિહારના મોતીહારી જિલ્લાથી આવતા રાજૂકુમાર ગત બે વર્ષોમાં ઉત્તરકાશીમાં ચાલી રહેલી સિલક્યારા ટનલ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા.
લગભગ 9 દવિસ પહેલાં આ જ સુરંગમાં એક દુર્ઘટના થયા પછી અહીં કામ સ્થગિત થયેલું છે.
સુરંગના કંઈક અડધા કિલોમીટરના અંતર પર રાજકુમાર જેવા લગભગ 400 મજૂરોના રહેવાના અસ્થાયી રૂમ બનેલા છે.
અમે રાજકુમાર સાથે જઈને તેમની સાથે સાથે અન્ય મજૂરો સાથે વાત કરી અને તેમના રોજિંદા જીવન, પરિવાર અને આર્થિક ચિંતાઓ વિશે વાત કરી.
રાજૂકુમાર પોતાની રોજિંદી જિંદગી વિશે જણાવતા કહે છે, "જ્યારે અમારી શિફ્ટ ખતમ થાય છે, તો અમે લોકો રૂમમાં આવી જઈએ છીએ."
"હાથ-મોં ધોઇને પછી કપડા ધોઈએ છીએ. ત્યાર પછી ઘરે ફોન પર વાત કરીને આરામ કરીએ છીએ."
અહીં કામ કરતા તમામ મજૂરો પુરુષ છે અને મોટાભાગે યુવા છે જેમનાં લગ્ન પણ નથી થયાં. એક રૂમમાં આઠ મજૂરો રહે છે. પરિવારવાળાને અહીં રહેવાની મંજૂરી નથી.
રૂમની સામે સામૂહિક શૌચાલય છે અને તેની સાથે બાજુમાં એક જગ્યા પર નળ લગાવેલો છે જ્યાં તેઓ સ્નાન કરે છે અને દાઢી કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાવાના સમયે આ મજૂરોને મૅસમાં ગરમ ભોજન મળે છે જેમાં રોટલી, દાળ, શાક અને ભાત હોય છે.
22 વર્ષીય રાજૂકુમાર કહે છે, "બધા મજૂરો હળીમળીને રહે છે. ઘરની દૂર આ જ અમારું ઘર છે. આ અમારો પરિવાર છે, અહીં અમારી દુનિયા છે."
જ્યારે હું એમને મળવા ગયો તો તેઓ પાતના કપડા ધોઈને બેઠા હતા. તેમણે અમને અમારા રૂમ બતાવ્યા જેમાં 8-10 પથારી હતી. કેટલાક કપડા, પગરખા અને સુરંગમાં કામ કરવાના હેલ્મેટ અહીંતહીં પડ્યા હતા.
રૂમની સાઇઝ મોટી હતી પરંતુ એટલી પણ મોટી નહોતી કે તેમાં આઠ પથારીની જગ્યા હોય. રાજૂ અને તેમના સાથીઓ માટે કંઈક ખરીદવું ઘણું મુશ્કેલ રહેતું હોય છે.
તેઓ કહે છે, "બજાર અહીંથી 10 કિલોમીટર દૂર છે. ત્યાં જવા માટે કોઈ સાધન નથી આથી અમે પગપાળા જઈએ છીએ."
સુરંગ પ્રોજેક્ટ
સિલક્યારા ટનલ પ્રોજેક્ટ પર વર્ષ 2018થી કામ શરૂ થયું હતું. રાજૂની જેમ 400 મજૂરો આ નિર્માણકાર્યમાં જોડાયેલા છે.
અહીં કોઈ પોતાની શિફ્ટ ખતમ કરીને આવ્યું છે તો કોઈ શરૂ કરવા જઈ રહ્યું છે. આ મજૂરો મોટાભાગે બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના રહેવાસી છે.
રાજૂ પછી અમે રાજેશ કુમાર યાદવને મળ્યા જેઓ ઝારખંડના દેવઘર જિલ્લાથી અહીં કામ કરવા આવ્યા છે. તેઓ કહે છે કે તેમણે ઘણી મહેનત કર્યા પછી આવીને રૂમમાં શાંતિ મળે છે.
રાજેશ કુમાર યાદવ અનુસાર, "અમને દર મહિને 17 હજાર રૂપિયા પગાર મળે છે. તેમાંથી 4 હજાર રૂપિયા મૅસ અને પીએફ (પ્રોવિડન્ટ ફંડ)ના કપાય છે, કેટલાક પૈસા હાથખર્ચ માટે રાખીએ છીએ અને 10 હજાર રૂપિયા માતાપિતાને મોકલીએ છીએ."
રાજેશ અનુસાર ઝારખંડની સરખામણીમાં ઉત્તરકાશીમાં ઘણી ઠંડી હોય છે જેના કારણે તેમને મુશ્કેલી આવે છે.
તેઓ કહે છે, "ખુલ્લામાં ઠંડા પાણીમાં નાહવામાં ખૂબ ઠંડી લાગે છે."
12 નવેમ્બરના રોજ દિવાળીના દિવસે રાજૂ અને રાજેશ પોતાની શિફ્ટ ખતમ કરીને પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. તેઓ દિવાળી ઊજવવા ઘરે ન જઈ શક્યા હતા. આથી તમામ મજૂરો દિવાળી મનાવાવની તૈયારીમાં હતા કે તેમને સુરંગમાં દુર્ઘટનાની ખબર મળી.
રાજેશ કહે છે, "તે ફસાયેલા તમામ મજૂરો અમારા ભાઈ જેવા છે. અમે તેમના બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છીએ. અમને તેમની ચિંતા છે."
દુર્ઘટના સમયે રાજેશ અને રાજૂના 41 સાથી અંદર કામ કરી રહ્યા હતા. તેઓ ત્યારથી અંદર ફસાયેલા છે. તેમને બહાર કાઢવાના કામમાં વિલંબ થઈ રહ્યો છે.
ટનલ બચાવ કામગીરી
અમે બપોરે તેમના રૂમમાં ગયા. લંચનો સમય થઈ ગયો હતો. રાજેશને સાંજની શિફ્ટ હતી એટલે તે સૂઈ ગયા હતા.
રાજૂ ભોજન લેવા મૅસમાં પહોંચ્યા. ત્યાં ઓછી લાઇટિંગ હતી, ટેબલ અને ખુરશીઓ ન હતી પરંતુ બેસવા અને જમવા માટે કૉન્ક્રીટના સ્લેબ હતા. રાજૂની થાળીમાં ભાત, રોટલી, દાળ અને શાક હતું. રસોડું સામાન્ય પણ સ્વચ્છ હતું.
આ તે જ કામદારો હતા જેમણે કૅમેરામાં અમારી સાથે વાત કરી હતી. અમે બીજા ઘણા કામદારો સાથે વાત કરી પરંતુ તેઓ થોડા ડરી ગયા હતા અને કૅમેરા પર વાત કરવા તૈયાર ન હતા. આમાંથી બે કામદારોએ અમને જણાવ્યું કે, તેઓ એ ટીમમાં હતા જે સુરંગમાં પથ્થર કાપવાનું કામ કરી રહ્યાં હતાં.
તેમાંથી એકે કહ્યું, "અકસ્માતના થોડા દિવસો પહેલાં 200થી 270 મીટરની ટનલમાં થોડી સમસ્યા હતી. પથ્થરો પડી રહ્યા હતા, તેનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું અને 12 નવેમ્બરના રોજ અચાનક તે ભાગ તૂટી પડ્યો."
તેમણે કહ્યું કે, તેમણે સૌથી પહેલું કામ જમશેદપુરમાં તેમના પરિવારને ફોન કરીને જણાવવાનું કર્યું કે તેએ ઠીક છે અને અકસ્માત સમયે તેઓ કામ કરી રહ્યા ન હતા.
ત્યાં હાજર બિહારના તેમના સાથીએ જણાવ્યું કે, તેમણે તેના પરિવારને પણ કહ્યું ન હતું કે તેઓ આ સુરંગમાં કામ કરે છે.
આ ટનલ નવયુગ એન્જિનિયરિંગ નામની કન્સ્ટ્રક્શન કંપની બનાવી રહી છે. આ કામદારો આ કંપનીના કર્મચારીઓ છે.
જ્યારે અમે આ કંપનીના અધિકારીઓને કામદારોના રહેઠાણ અંગે કેટલાક પ્રશ્નો પૂછ્યા ત્યારે તેઓએ અમને કોઈ જવાબ આપ્યો ન હતો.
પરંતુ કંપનીમાં કામ કરતા બે સુપરવાઈઝરોએ જણાવ્યું કે, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી કામદારો એટલા માટે આવે છે કારણ કે તે રાજ્યોમાં રોજગારીની અછત છે. તેઓએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું છે. તેથી જ તેઓ મજબૂરીમાં કામ કરવા માટે આટલા દૂર આવે છે.
ચાર ધામ પ્રોજેક્ટ
નિર્માણાધીન ટનલ મહત્ત્વાકાંક્ષી ચારધામ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે બદ્રીનાથ, કેદારનાથ, યમુનૌત્રી અને ગંગૌત્રી સાથે કનેક્ટિવિટી વધારવા માટે રાષ્ટ્રીય માળખાગત પ્રોજેક્ટની પહેલ છે.
આ એક વિવાદાસ્પદ પ્રોજેક્ટ છે. ઘણા પર્યાવરણ નિષ્ણાતો આ પ્રોજેક્ટ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે હાલના સમયમાં આ વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનની શક્યતા વધી ગઈ છે.
હજારો કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ 2020માં અમલમાં આવવાનો હતો પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 2024ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
જોકે, 12 નવેમ્બરના અકસ્માત બાદ હજુ વધુ વિલંબ થઈ શકે છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
કેવી રીતે થયો અકસ્માત?
દુર્ઘટના બાદ અધિકારીઓએ સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે પાંચ વિકલ્પો પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને અધિકારીઓનું કહેવું છે કે તેમને ટૂંક સમયમાં બચાવી લેવામાં આવશે.
12 નવેમ્બરે, સાડા ચાર કિલોમીટર લાંબો બાંધકામ હેઠળનો ભાગ તૂટી પડ્યો, ત્યારબાદ સુરંગના 70 મીટર વિસ્તારમાં કાટમાળ ફેલાઈ ગયો, જેનાથી કામદારોનો રસ્તો બંધ થઈ ગયો.
ત્યારથી અંદર ફસાયેલા તમામ 41 કર્મચારીઓને પાઈપ દ્વારા ખોરાક, ઑક્સિજન અને પાણી મોકલવામાં આવી રહ્યું છે.