You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાઢ અંધારામાં ન ફોન, ન ટિફિન અને કલાકો સુધી દુનિયાથી દૂર, કેવું છે ટનલની અંદર મજૂરોનું જીવન?
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, બીબીસી ગુજરાતી માટે, રાંચીથી
ટનલમાં ગાઢ અંધકારમાં ટૉર્ચલાઇટની મદદથી મજૂરો જિંદગી જીવી રહ્યા છે. માથે ખાસ હૅલ્મેટ છે જેના પર લાગેલી ટૉર્ચના પ્રકાશનો તેમને સહારો છે. કમર ફરતે બાંધેલા પટ્ટામાં બૅટરી લટકાવેલી છે. જો વાયરની મદદથી તે બૅટરી સાથે જોડાયેલી ટૉર્ચ બંધ થઈ જાય તો, તેઓ પોતાનો હાથ પણ જોઈ નથી શકતા એટલું અંધારું છે.
પોતાના કામના એક સ્થળેથી બીજી જગ્યાએ જવા પર પ્રતિબંધ હોય. ભૂગર્ભ કાર્યસ્થળ (ખાણ અથવા ટનલ) માં કોઈ શૌચાલય નથી. ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. ખાવા માટે ટિફિન પણ નથી. સામાન્ય રીતે બે લિટરની પાણીની બૉટલ. બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક વિના આઠ કલાકનું કામ.
પૃથ્વીની સપાટીથી ઘણા મીટર નીચે ખાણ અથવા ટનલમાં કામ કરતા મજૂરોનું જીવન આવું હોય છે.
ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટના પછી બીબીસીએ ભૂગર્ભમાં કામ કરતા આવા કેટલાક લોકો સાથે વાત કરી. જેથી કરીને, આપણે સમજી શકીએ છીએ કે ખાણ અથવા ટનલની અંદર લોકો કઈ પરિસ્થિતિમાં તેમનું કામ કરે છે. તે સમયે તેમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે?
(ઉત્તરકાશીમાં 17 દિવસ સુધી ટનલમાં ફસાયેલા મજૂરોને બહારી કાઢી લેવાયા છે.)
આ વાતચીત માટે, અમે એવા કેટલાક લોકોને પસંદ કર્યા કે જેમણે તેમના જીવનનો મોટો ભાગ (સરેરાશ 25 વર્ષ) ભૂગર્ભ ખાણોમાં કામ કરીને વિતાવ્યો છે.
જો કે, હવે તેઓએ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓપન કાસ્ટ ખાણોમાં કામ કરવાનું શરૂ કર્યું છે.
દેશની કોલસાની રાજધાની કહેવાતા ધનબાદના પ્રખ્યાત ઝરિયામાં કોલસાની ખાણમાં કામ કરતો પોખન સાવ પણ આવા જ એક વ્યક્તિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
49 વર્ષીય પોખન સાવ હવે સિનિયર ઓવરમૅન છે. માત્ર 21 વર્ષની ઉંમરે તેમણે 1995માં ખાણકામમાં ઝંપલાવ્યું હતું. હવે તેઓ બચાવ ટીમનું નેતૃત્વ પણ કરે છે.
જ્યારે હું પ્રથમ વખત ખાણમાં ગયો હતો ...
જ્યારે પોખન સાવ પહેલીવાર ખાણની અંદર ગયા ત્યારે તેમની સાથે અનુભવી સાથીદારો (ખાણકામના વડા) હોવા છતાં તેમને ડર લાગ્યો હતો. અંદર કંઈક ઇનિચ્છીય ન બને તો શું થશે એ વિચારીને તેઓ ગભરાઈ ગયા હતા.
શરૂઆતના દિવસોમાં ખાણમાં કયા રસ્તેથી પ્રવેશવું અને કેવી રીતે બહાર નીકળવું તે ખબર ન હતી. ધીમે ધીમે માર્ગથી પરિચિત થઈ શક્યા.
તેમણે બીબીસીને કહ્યું, "ખાણમાં જતા પહેલા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (વીટીસી)માં સંપૂર્ણ તાલીમ આપવામાં આવતી હતી."
"અંદર શું થાય છે તે જણાવવામાં આવ્યું હતું. કેવી રીતે કામ કરવું. કેવી રીતે વાતચીત કરવી અથવા કટોકટીમાં કેવી રીતે ટકી રહેવું."
"અમને ડમી ખાણમાં પ્રૅક્ટિસ પણ કરાવાવમાં આવી હતી. આ હોવા છતાં મને ડર લાગતો હતો."
"પહેલા દિવસે હું માત્ર 2-3 કલાક ખાણની અંદર રહ્યો હતો. પછી ધીરે ધીરે આદત પડી ગઈ. પછી ભય બંધ થઈ ગયો."
ઝારખંડના પારસનાથના વતની પોખાન સાવએ જણાવ્યું કે, "ખાણમાં જતા પહેલાં ખાણનો યુનિફૉર્મ પહેરવો પડે છે. ખાસ પ્રકારના શૂઝ, જરૂરી મશીનો અને કમરનો પટ્ટો પહેરવો પડશે."
કમરના પટ્ટા પર બૅટરી લાગેલી હોય છે. પહેલાં તેનું વજન પાંચ કિલો રહેતું હતું. હવે આ બૅટરીનું વજન 250 ગ્રામ થઈ ગયું છે. તે પાતળા વાયર દ્વારા અમારી કૅપ લાઇટ (હૅલ્મેટના આગળના ભાગ પરની ટૉર્ચ) સાથે જોડાયેલ છે.
તે સ્પૉટલાઇટના પ્રકાશમાં અમે અમારું કામ કરીએ છીએ. ખાણમાં વિવિધ સ્થળોએ લાઇટિંગની વ્યવસ્થા હોવા છતાં અમારું કામ અમારી કૅપલાઇટથી જ થાય છે.
ખોરાક અને પાણીની વ્યવસ્થા
પોખન સાવએ વધુમાં કહ્યું કે,"અમે અમારી સાથે પાણીની બૉટલ પણ રાખીએ છીએ. નિયમો (માઇન્સ રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશન્સ) અનુસાર પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા સપ્લાય થવુ જોઈએ પરંતુ ઘણીવાર આવું થતું નથી. તેથી અમે અમારી પાણીની બૉટલ અમારી સાથે લઈ જઈએ છીએ. ખાવા માટે ટિફિન લઈ જવાની કોઈ પ્રથા નથી."
"પહેલાં કેટલીક ખાણોમાં કૅન્ટીન હતી પરંતુ હવે એવું નથી. હવે તેમાંની મોટાભાગની ઑપન કાસ્ટ ખાણો છે. અંડર માઇન્સમાં પણ કૅન્ટીન નથી. આથી ખાણ કામદારો ડ્યુટી પર આવતા પહેલા ઘરે જમી લે છે."
"અમારી પાસે આઠ કલાકની શિફ્ટ છે. આ સમયગાળા દરમિયાન ભૂખ ન લાગે. શિફ્ટ થયા બાદ ખાણમાંથી બહાર આવીને સફાઈ અને કાગળની કામગીરી કરવી પડે છે. તે પછી અમે ઘરે પાછા ફર્યા પછી જ ખાઈ શકતા હોઈએ છીએ."
ઑક્સિજન પુરવઠો
તેમણે બીબીસીને ખાણની અંદર ઑક્સિજનના પુરવઠા વિશે કહ્યું કે, "ખાણમાં ઑક્સિજન સપ્લાય માટે બે માર્ગો છે. સામાન્ય હવા પંખા દ્વારા ખાણની અંદર મોકલવામાં આવે છે, જે બીજા માર્ગ દ્વારા બહાર આવે છે."
"યોગ્ય વેન્ટિલેશન છે તેથી શ્વાસ લેવા માટે ઑક્સિજનની ક્યારેય કોઈ સમસ્યા નથી થતી. ઑક્સિજનનું સ્તર ક્યારેય 90 ટકાથી ઓછું હોતું નથી."
“અમને સ્વ-બચાવ કીટ પણ આપવામાં આવે છે. તેનું વજન દોઢ કિલો હોય છે, તેથી કેટલીક વખત કામદારો એને લેતા નથી. આ મોટી બેદરકારી છે. આમ છતાં ક્યારેય ઑક્સિજનની સમસ્યા નથી થતી. મારી 28 વર્ષની સેવામાં મેં ક્યારેય ઑક્સિજનની સમસ્યા અનુભવી નથી."
ઘણી વખત લોકો ખાણની અંદર પગપાળા પગથિયાં ઉતરે છે. પરંતુ, જ્યારે ખાણ ઊંડી હોય છે, ત્યારે કામદારોને પણ લિફ્ટ દ્વારા લઈ જવામાં આવે છે. તેને ચાનક પણ કહે છે.
ખાણ અથવા ટનલની અંદર કામ કરતા લોકો માટે આ સામાન્ય વાત છે જે તેમની દિનચર્યામાં સામેલ હોય છે.
ભૂગર્ભમાં કામ કરવાના જોખમો
પૃથ્વીની સપાટીથી સોથી વધુ મીટર ઊંડે ખાણની ટનલોમાં કામ કરવાના પણ પોતાનામાં જોખમો રહેલાં છે. આ કુદરત વિરુદ્ધ કરવામાં આવતું કામકાજ છે. એટલે કે પ્રકૃત્તિની વિપરીત જઈને કામ કરવાનું હોય છે. તેથી તેના અલગ પડકારો અને જોખમો રહેલા છે.
1993માં બિહારના સુગૌલી (પૂર્વ ચંપારણ)થી ઝારખંડ વિસ્તારમાં આવેલા ચન્દેશ્વર કુમાર સિંહે પહેલા મજૂર તરીકે કામ શરૂ કર્યું હતું પણ હવે તેઓ કારકૂન છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "કોઈપણ સુરંગ કે ખાણમાં જવાનો અર્થ એ છે કે તમે બહારની દુનિયાથી કપાઈ ગયા છે. તમારો સંપર્ક કપાઈ ગયો છે."
"તમારી પાસે ફોન નથી અને ખાવાની વ્યવસ્થા નથી. તમે તમારી વ્યવસ્થા ફક્ત આઠ કલાકની શિફ્ટ પ્રમાણે રાખો. આ સૌથી મોટું જોખમ છે."
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા કામદારોનું ઉદાહરણ આપતા તેઓ કહે છે, "તે કામદારો પાસે ફક્ત તેમની શિફ્ટની વ્યવસ્થા જ હશે. આવી સ્થિતિમાં, જો તેમને ખોરાક અને પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો પછી કોઈ ક્યાં સુધી જીવી શકશે?"
ચંદ્રેશ્વર કુમાર સિંહે વધુમાં ઉમેર્યું કે, "કોલસાની ખાણમાં કામ કરવું એ તેનાથી પણ મોટું જોખમ છે. ત્યાંથી મિથેન ગૅસ નીકળે છે. જે જ્વલનશીલ છે. જોખમ પેદા કરી શકે છે."
"જો આગ લાગે તો, વિસ્ફોટ પણ થઈ શકે છે. પૃથ્વીની અંદરનું તાપમાન પણ સપાટી કરતા વધારે છે."
"તેથી ભૂગર્ભ કાર્ય એ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કરવામાં આવતું એક અત્યંત જોખમી કામ છે."
સુવિધાઓનો અભાવ
ખાણના નિયમો અનુસાર ખાણોની અંદર શૌચાલય હોવા જોઈએ જેથી કામદારો તેનો ઉપયોગ કરી શકે અને સ્વચ્છતા જળવાઈ રહે. પરંતુ ઘણીવાર એવું થતું નથી. મોટાભાગની ખાણોમાં શૌચાલય નથી. ટનલની અંદર પણ આવી જ સ્થિતિ છે.
ઉત્તરકાશીના ટનલ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા ઝારખંડના એક મજૂર અને ઝરિયા કૉલ બ્લૉકની ખાણોમાં કામ કરતા કેટલાક મજૂરોએ બીબીસીને જણાવ્યું કે, તેમના માટે શૌચાલયની કોઈ સુવિધા નથી.
એક કામદારે બીબીસીને કહ્યું, "જો તમને પેશાબ લાગે તો, ખાણમાં ક્યાંક કરી લેવી પડે. અંધારું હોય ત્યારે કોઈ જોઈ શકતું નથી. શૌચ કર્યા પછી પણ ચોક્કસ જગ્યાએ જવું પડે છે. તે જગ્યા પડદા (બ્રિટિશ કાપડ)થી ઢંકાયેલી હોય છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. યોગ્ય શૌચાલય ખાણની બહાર જ ઉપલબ્ધ હોય છે."
અકસ્માતના કિસ્સામાં શું કરવું?
ખાણ અથવા ટનલની અંદર થતા અકસ્માતો ખૂબ જ ભયાનક હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં બચાવ મુશ્કેલ હોય છે અને જાનહાનિ થાય છે. પોખન સાવ અને ચંન્દેશ્વર કુમાર સિંહે બીબીસીને જણાવ્યું કે, ભૂગર્ભ અકસ્માતોમાં ટેકનૉલૉજી, સમર્પણ, કાર્યક્ષમતા અને દુવા એકસાથે સમાંતર કામ કરે છે.
આ બંને લોકો ફેબ્રુઆરી 2001માં ઝરિયા કોલ બ્લૉક (કોલસાની ખાણ)ની બાગડીગી ખાણ દુર્ઘટનાના સાક્ષી છે. આ અકસ્માતમાં 29 ખાણ કામદારોનાં મોત થયાં હતાં. ત્યારે માત્ર એક મજૂરને જીવતો બચાવી શકાયો હતો.
પોખન સાવે બીબીસીને કહ્યું, "પછી ખાણ નંબર 12 પાણીથી ભરાઈ ગઈ હતી. પાણી એટલું ઝડપથી ભરાઈ ગયું કે કોઈ બહાર આવી શક્યું નહીં."
"મૃતક કામદારોનાં મૃતદેહને બહાર કાઢવામાં પણ 7-8 દિવસનો સમય લાગ્યો હતો. તે બચાવ કામગીરી ખૂબ જ મુશ્કેલ હતી."
પોખન સાવ 2010ના જીતપુર ખાણ અકસ્માતમાં બચાવ ટીમનો ભાગ હતા. ત્યારે ખાણની અંદર જતી લિફ્ટના ગરમ લોખંડના કારણે જોરદાર આગ ફાટી નીકળી હતી.
તેમણે કહ્યું, "ખાણમાં પાણી હોય છે. જે હાઇડ્રોજન અને ઑક્સિજનના મિશ્રણથી રાસાયણિક રીતે બને છે. અકસ્માતના કિસ્સામાં આ કમ્પાઉન્ડ તૂટી જાય છે."
"હવે હાઇડ્રોજન અને ઑક્સિજન અલગ થઈ ગયા છે. હાઇડ્રોજન જ્વલનશીલ ગૅસ છે અને ઑક્સિજન દહનમાં મદદ કરે છે. તેથી આગ વધુ ઝડપથી શરૂ થાય છે. તેથી નાની ભૂલ મોટા અકસ્માતનું કારણ બની જાય છે."
બીમાર થવાનું જોખમ
લાંબા સમય સુધી ભૂગર્ભમાં કામ કરવાથી પણ અનેક રોગોનું જોખમ વધી જાય છે.
ખાસ કરીને કોલસાની ખાણો, પથ્થરની ખાણો અને ટનલ બાંધકામમાં રોકાયેલા કામદારોને ન્યુમોકોનિઑસિસ જેવા અસાધ્ય રોગનું જોખમ રહેલું છે. આ રોગ જીવલેણ છે. આમાં ધૂળ ફેફસામાં જમા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
ખાણકામના નિયમો અનુસાર આવા કામદારોના નિયમિત આરોગ્ય તપાસ સિવાય દર પાંચ વર્ષે વિશેષ તપાસ થવી જોઈએ પરંતુ આવું મોટાભાગે થતું નથી.