જોશીમઠ : ભાંગી પડેલા, ધસી રહેલા, આ બરબાદ શહેરનું ભવિષ્ય કેવું હશે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા,
    • દ્વારા રિપોર્ટિંગ, જોશીમઠ
  • જોશીમઠમાં લગભગ 1,800 ઇમારતો છે અને 2011ના આંકડા મુજબ, અહીં લગભગ 3,900 પરિવારો વસવાટ કરે છે
  • જોશીમઠમાં જમીન તથા દિવાલો ફાટવાની તાજેતરની ઘટનાનાં દૃશ્યો ડરામણાં છે
  • લોકો હોટેલોમાં, ગુરુદ્વારાઓમાં દિવસો પસાર કરી રહ્યા છે
  • દુકાનો, વાહનો અને ઘરની બહાર ‘એનટીપીસી પાછા જાઓ’ એવાં સુત્રો લખેલા પોસ્ટર્સ જોવા મળ્યાં હતાં

બદ્રીનાથ, ઔલી, વેલી ઓફ ફ્લાવર અને હેમકુંડ જેવાં સ્થળોનું દ્વાર ગણાતા જોશીમઠનું ભવિષ્ય શું છે?

ઘર તૂટ્યાં છે. આપદાગ્રસ્ત લોકોને સરકાર તરફથી મદદની આશા છે અને તેમના મનમાં પોતાના તથા જોશીમઠના ભાવિ બાબતે સંખ્યાબંધ સવાલ છે.

શહેરના ઘણા લોકોની માફક સુનયના સકલાનીએ પણ જણાવ્યું હતું કે બીજી જાન્યુઆરીની રાતે કશુંક ધસી પડ્યાનો અવાજ સંભળાયો હતો. જાણે ઘર હચમચી ઉઠ્યું હોય એવું લાગ્યું હતું. સવારે જોયું તો ઘર રહેવા લાયક રહ્યું ન હતું. ઘરની સામેની જમીનમાં એટલી મોટી તિરાડ પડી હતી કે તેને પૂરવા માટે આખો ટ્રક ભરીને પથ્થર ઠાલવવા પડ્યા હતા.

સકલાની પરિવારે ઓક્ટોબરમાં બીબીસીને જણાવ્યું હતું કે, "તેમણે વહીવટીતંત્ર પાસે મદદ માગી હતી, પત્રકારોને તેમની પીડા જણાવી હતી, પરંતુ તેમની વાત કોઈએ સાંભળી નહીં. હવે જોશીમઠમાં અધિકારીઓ, નેતાઓ અને પ્રધાનોની લાઈન લાગી છે."

સુનયનાના પિતા દુર્ગાપ્રસાદ સકલાનીએ બીબીસીને કહ્યું હતું કે, “દીકરીના લગ્ન કરવાનું આયોજન હતું. વિચાર્યું હતું કે એપ્રિલમાં તેના લગ્ન કરીશું, પણ મકાન ફાટી પડશે તેની ખબર ન હતી. હવે હું એમ વિચારું છું કે માથા પર છત જ નથી એટલે દીકરીના લગ્ન નહીં કરું.”

બાજુના રવિગ્રામની સુમેધા ભટ્ટના ઘરમાં પણ તિરાડો પહોળી થઈ છે. બીજી જાન્યુઆરીની રાતે બનેલી ઘટનાથી આ ઘર કેવી રીતે ખળભળ્યું હતું તે દેખાડવા તેઓ અમને ઘરમાં લઈ ગયાં હતાં. ડર એટલો છે કે તેમણે સંતાનોને દેહરાદૂન મોકલી આપ્યાં છે.

ડરામણાં દૃશ્યો

લગભગ 20,000 લોકોની વસ્તીવાળા જોશીમઠમાં તિરાડો પડવી તે જૂની વાત છે, પરંતુ જમીન તથા દિવાલો ફાટવાની તાજેતરની ઘટનાનાં દૃશ્યો ડરામણાં છે.

દેહરાદૂનસ્થિત ભૂવિજ્ઞાની ડૉ. એસ પી સતી કહે છે કે “જોશીમઠનો ઝોન નીચે જઈ રહ્યો છે. તેમાંનું એકેય મકાન, રહેણાંક વિસ્તાર કે ઇમારત બચે તેવી કોઈ શક્યતા નથી. જમીનમાં નક્કર એવું કશું રહ્યું નથી કે જેનાથી તેઓ ધસી પડતાં અટકી શકે.”

તેઓ કહે છે કે “મારી વાત બહુ આકરી લાગશે અને લોકો તેને સાંભળવા તૈયાર ન હોય એ પણ શક્ય છે, પરંતુ આ બહુ પહેલાં, ત્યાં તિરાડો પડતી હતી અને લોકો તારસ્વરે તે જણાવી હતા ત્યારે વિચારવાની જરૂર હતી.”

બેંગલુરુસ્થિત ભૂવિજ્ઞાની અને ભૂકંપ વિશેના ટૂંક સમયમાં પ્રકાશિત થનારા પુસ્તકના લેખક સી પી રાજેન્દ્રનના જણાવ્યા મુજબ, જોશીમઠમાં તિરાડો પહોળી થવાનું થોડા સમય સુધી ચાલુ રહેશે એવું લાગે છે.

તેઓ કહે છે કે “કેટલું અધોગમન થશે તે કહી શકાય તેમ નથી, પરંતુ જમીન ઘસીને નીચે જશે અને નવા નીચલા સ્તરે સ્થિર થશે તે નક્કી છે. બધી ઇમારતોને નહીં, પણ ઘણી ઇમારતોને નુકસાન થશે.”

જોશીમઠની જમીન શા માટે ધસી રહી છે?

સત્તાવાર રેકૉર્ડ્ઝ મુજબ, જોશીમઠમાં લગભગ 1,800 ઇમારતો છે અને 2011ના આંકડા મુજબ, અહીં લગભગ 3,900 પરિવારો વસવાટ કરે છે.

જાણકારોને કહેવા મુજબ, જોશીમઠ પહાડમાંથી તૂટેલી ખડકોના મોટા ટુકડા તથા માટીના અસ્થિર ઢગલા પર વસેલું છે. વ્યાપક પ્રમાણમાં નિર્માણ કાર્ય, વધતી વસ્તીનો બોજ અને ડ્રેનેજ સિસ્ટમના અભાવ વગેરે સહિતના કારણોસર વધારે જમીન ધસી રહી છે.

અધિકારીઓ જણાવે છે કે જોશીમઠના ભવિષ્ય વિશે સવાલ ઉઠાવવાથી સ્થાનિક લોકોને જ નુકસાન થશે.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીના સચિવ આર મીનાક્ષી સુંદરમ કહે છે કે “ઉત્તરાખંડ હિમાલયને અડીને આવેલું એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં વીજળીનો અભાવ છે. હિમાલયને અડીને આવેલાં બીજાં રાજ્યોને દેશના અન્ય હિસ્સાઓમાંથી વીજળી પુરવઠો મળી રહ્યો છે. આ કારણે ઉત્તરાખંડમાં સંખ્યાબંધ કર્મશીલો છે.”

તેઓ ઉમેરે છે કે, “હિમાલય પર્વત ઘણા દેશોમાં ફેલાયેલો છે. ચીન, નેપાળ, પાકિસ્તાન અને ભારત જેવા ઘણા દેશ હિમાલયની આજુબાજુ આવેલા છે. માત્ર ઉત્તરાખંડને જ નિશાન શા માટે બનાવવામાં આવે છે? હિમાલય આટલો નાજુક હોય તો દરેક દેશ તથા રાજ્યમાં વિકાસકાર્ય બંધ કરી દેવું જોઈએ.”

ચમોલીના કલેક્ટર હિમાંશુ ખુરાના કહે છે કે, “આપણે જેટલી વધારે વાત કરીશું તેટલા ઓછા પ્રવાસીઓ અહીં આવશે. આખરે તેની અસર અહીંના લોકોને થશે. જોશીમઠ ધસી રહ્યું છે કે સમગ્ર વિસ્તાર ધસી પડશે એવી કોઈ પણ વાત આપણે કરીએ ત્યારે તેનો વૈજ્ઞાનિક આધાર હોવો જોઈએ.”

અવકાશ સંશોધન સંસ્થા ઈસરોના એક અહેવાલ મુજબ, જોશીમઠ ધસી રહ્યું છે. આ રિપોર્ટ બાબતે હિમાંશુ ખુરાના કહે છે કે “અમને સત્તાવાર રીતે તે રિપોર્ટ મળ્યો નથી કે તેના આધારે અમે કાર્યવાહી કરી શકીએ. માત્ર ઈસરોના નિષ્ણાતો જ નહીં, અહીં જમીન પર જે કામ કરી રહ્યા છે તે બધા નિષ્ણાત છે.”

બીજી જાન્યુઆરીની રાત્રે શું થયું હતું?

જોશીમઠમાં અનેક લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે, "બીજી જાન્યુઆરીની રાતે ઘરતી ધસી પડી હોય એવું લાગ્યું હતું." વાસ્તવમાં એ રાતે શું થયું હતું?

શહેરથી થોડે દૂર જેપી પાવર પ્લાન્ટનો કેમ્પસ આવેલો છે. તેમાં કંપનીના કર્મચારીઓ તથા ઇજનેરો રહે છે. એક વર્ષ પહેલાં અહીં તિરાડો દેખાવી શરૂ થઈ હતી, પરંતુ બીજી જાન્યુઆરીની ઘટનામાં અહીંની ભોજનશાળા તથા બીજી ઇમારતોમાં પણ મોટી તિરાડો પડી છે.

પગથિયાં ચડીને અમે કેમ્પસના સૌથી ઉપરના હિસ્સા પર પહોંચ્યા અને જોયું તો ત્યાં બનાવવામાં આવેલા બેડમિંટન કોર્ટની વચ્ચે તિરાડ પડેલી હતી. કોર્ટની જમીનનો એક હિસ્સો નીચે અને બીજો ઉપર હતો.

ત્રીજી જાન્યુઆરીની બપોરે સાડા બારેક વાગ્યે ઉપરથી પહાડની વચ્ચે માટીવાળા પાણીનો પ્રવાહ વહેતો થયો હતો, જે હજુ પણ ચાલુ છે. તે પાણી ક્યાંથી આવી રહ્યું છે, તેની જોશીમઠ પર શું અસર થશે, તેનાથી જોશીમઠની જમીન વધુ ધસી પડશે કે કેમ એ વિશે કોઈ જાણતું નથી.

જમીનમાં પડેલી તિરાડોનું નિરિક્ષણ કરવા પહોંચેલા ઉત્તરાખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ ડો. રંજિત કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, "વધુ તિરાડો પડી રહી છે કે કેમ, તે નવા વિસ્તારોમાં પડી રહી છે કે કેમ અથવા તિરાડોમાં ચોક્કસ પેટર્ન જોવા મળે છે કે કેમ તેની ચકાસણી તેઓ કરવા ઈચ્છે છે."

ભૂવિજ્ઞાની ડો. સ્વપ્નમિતા વેદિસ્વરણ સાથે અમારી મુલાકાત, તેઓ તિરાડો જોવા નીકળ્યાં હતાં ત્યારે થઈ હતી.

તેમણે કહ્યું હતું કે, “મુશ્કેલી એ છે કે અમારી પાસે જમીનની અંદરની સ્થિતિની માહિતી નથી. ધરતીકંપની કેટલીક ઘટના તાજેતરમાં બની છે. કંપન માપવા માટે ઉપકરણોની જાળ ફેલાવવાની અમારી યોજના છે, જેથી અમે આ વિસ્તારમાંના ભૂકંપના હળવા આંચકાઓને સમજી શકીએ, અવાજ રેકૉર્ડ કરી શકીએ. તિરાડો હલે છે ત્યારે તેમાંથી કેટલીક ફ્રીકવન્સી નીકળતી હોય છે. એ શું જણાવે છે તે અમે સમજવા ઇચ્છીએ છીએ.”

જમીન પરનો ભાર ઓછો કરવાની જરૂર છે એમ પણ ડૉ. સ્વપ્નમિતા વેદિસ્વરણે જણાવ્યું હતું.

જોશીમઠની સ્થિતિ માટે એનટીપીસી જવાબદાર?

બીજી જાન્યુઆરીની રાતે બનેલી ઘટના પછી જોશીમઠમાં એનટીપીસી સામેનો રોષ વધ્યો છે. દુકાનો, વાહનો અને ઘરની બહાર ‘એનટીપીસી પાછા જાઓ’ એવાં સૂત્રો લખેલાં પોસ્ટર્સ જોવાં મળ્યાં હતાં. લોકો માને છે કે, સંવેદનશીલ પહાડની નીચે બનાવવામાં આવી રહેલી કંપનીની સુરંગ જોશીમઠની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર છે.

જોશીમઠ બચાઓ સંઘર્ષ સમિતિના સંયોજક અતુલ સતી કહે છે કે, “આ સમગ્ર ઘટના માટે, આ ઐતિહાસિક, સાંસ્કૃતિક, સીમા પરના અંતિમ નગરની બરબાદી માટે, વિનાશ માટે એનટીપીસી જવાબદાર છે. અમે કહીએ છીએ કે આ જવાબદારી એનટીપીસી પર જ નાખવી જોઈએ. તમામ લોકોને એક-એક કરોડ રૂપિયા આપવા જોઈએ.”

જોકે, એનટીપીસી આ આરોપનો ઇન્કાર કરે છે. બીબીસીને પાઠવેલા એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેની સુરંગ જોશીમઠની નીચેથી પસાર થતી નથી, પરંતુ શહેરની બહારની સીમાથી એક કિલોમીટર દૂર આવેલી છે.

ઊર્જા પ્રધાન આર કે સિંહે જણાવ્યું હતું કે, "જોશીમઠની સ્થિતિ તથા એનટીપીસી વચ્ચે કોઈ સંબંધ નથી."

ડૉ. રંજિત કુમાર સિન્હા કહે છે કે, “એનટીપીસી તથા ઊર્જા મંત્રાલયને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે તમારે જે તપાસ કરવી હોય તે કરી શકો છો અને જનતાની આશંકા દૂર કરી શકો છો. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ તે કદાચ અનુમાન છે.”

“લોકો કહે છે કે આ કારણે થઈ રહ્યું છે, તેઓ કહે છે કે આ કારણે થયું નથી, પરંતુ ખરું કારણ શું છે તેના પુરાવા કોઈ રજૂ કરતું નથી. પુરાવા તથા તપાસ અહેવાલ રજૂ કરવાનો સ્પષ્ટ આદેશ તેમને આપવામાં આવ્યો છે.”

શહેરની મધ્યમાં આવેલી એક હોટેલ એટલી અસલામત છે કે તેને તોડવામાં આવી રહી છે. તેની પાછળ આવેલાં ઘરની હાલત તો એટલી ખરાબ છે કે અમને ત્યાં જતા રોકવામાં આવ્યા હતા.

લોકો હોટેલોમાં, ગુરુદ્વારાઓમાં દિવસો પસાર કરી રહ્યા છે. તેમને ખબર નથી કે અહીં કેટલા સમય સુધી રહેવું પડશે. પોતાના ઘરમાં જે શાંતિ હોય તે અહીં ક્યાંથી મળે.

‘લોકોને પાંચ સ્થળે વસાવવાની તૈયારી’

ડૉ. રંજિત કુમાર સિન્હાએ જણાવ્યુ હતું કે, "સરકારે અસરગ્રસ્ત લોકોને વસાવવા માટે પાંચ સ્થળ પસંદ કર્યાં છે."

રવિવારે બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “ભારતીય ભૂવૈજ્ઞાનિક સંગઠને ચાર સ્થળનો સર્વે કર્યો છે અને એક જગ્યાએ સર્વેક્ષણ ચાલી રહ્યું છે. મને લાગે છે કે તે એક-બે દિવસમાં પૂર્ણ થઈ જશે. અમે લોકો માટે પ્રી-ફેબ્રિકેટેડ ટ્રાન્ઝિશન શેલ્ટર્સ બનાવી રહ્યા છીએ. તેમાં અમે એક રૂમ, બે રૂમ અને ત્રણ રૂમ એમ ત્રણ સેટ્સ બનાવ્યા છે. લોકો તે જોઈએ લે. તેમને પસંદ પડશે તો ઠીક છે, અન્યથા અમે બીજી કોઈ વ્યવસ્થા જરૂર કરીશું.”

કેટલા લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “અમારી હાલની યોજના 500થી 600 શેલ્ટર્સ બનાવવાની છે. જરૂર પડશે તો તેનું નિર્માણ એક મહિનામાં થઈ શકશે. તેનાથી વધારે શેલ્ટર્સનું નિર્માણ પણ કરી શકાશે.”

મીનાક્ષી સુંદરમ કહે છે કે, “2013માં થયેલી કેદારનાથ દુર્ઘટનાની અસર પર્યટન પર બે વર્ષ સુધી રહી હતી. ઘટના કેદારનાથમાં બની હતી, પરંતુ લોકો મસૂરી સુધી પણ જતા ન હતા. તેથી મીડિયાને હું વિનતી કરું છું કે જોશીમઠની ઘટના બાબતે શોરબકોર ન કરે.”

દૂન કૉલેજના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર તથા વડા ડૉ. રાજેન્દર પી મમગૈનના કહેવા મુજબ, “ઉત્તરાખંડના અર્થતંત્રમાં પ્રવાસનનું યોગદાન 12-16 ટકા છે. જોશીમઠની ઘટનાથી રાજ્યના અર્થતંત્ર પર બહુ અસર નહીં થાય, પરંતુ સ્થાનિક અર્થતંત્ર પર તેનો પ્રભાવ જરૂર પડશે.”

બધા સાથે મળીને બહેતર જોશીમઠ બનાવીશું એવી ખાતરી સરકાર આપી રહી છે, પરંતુ તે વચનનું કેટલી હદે પાલન થાય છે તેના પર લોકોની નજર રહેશે.