You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડ: સુરંગમાં હજુ ફસાયેલા છે 40 મજૂરો, બચાવવા માટે શું થઈ રહ્યું છે?
- લેેખક, આસિફ અલી
- પદ, ઉત્તરકાશીથી બીબીસી માટે
ઉત્તરાખંડમાં યમુનોત્રી નેશનલ હાઇવે પર બની રહેલી એક સુરંગના ધસી પડવાથી તેમાં કામ કરનારા 40 મજૂરો ફસાઈ ગયા છે. મજૂરોને બચાવવાનું કામ શરૂ છે.
આ ઘટના બન્યાને 48 કલાક વીતી ગયા પછી પણ હજુ સુરંગની અંદર 40 મજૂરો ફસાયેલા છે. ઘટનાસ્થળે બચાવ અને રાહતકાર્ય ચલાવવા માટે એસડીઆરએફ, એનડીઆરએફ અને આઇટીબીપી સહિત ફાયર-બ્રિગેડની તમામ ટીમો ખડેપગે છે.
આ ટનલની જવાબદારી કેન્દ્ર સરકાર દ્વારા 'એનએચઆઈડીસીએલ' નામની કંપનીને આપવામાં આવી હતી. તેના નિર્માણકાર્યની જવાબદારી 'નવયુગ' નામની કંપની પાસે હતી.
બીબીસીને સોમવારે રાત્રે 8 વાગ્યે પ્રાપ્ત છેલ્લી માહિતી અનુસાર, 'એનએચઆઈડીસીએલ'ના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર કર્નલ (નિવૃત્ત) સંદીપ સુધરાએ જણાવ્યું હતું કે, “સુરંગની અંદરથી 21 મીટરનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો છે. હજુ પણ 19 મીટર કાટમાળ બાકી છે."
તેમણે કહ્યું હતું કે, “સિલ્ક્યારા પોટલની (પોટલ એટલે કે ટનલનું મુખ) અંદર લગભગ 205 મીટરથી 245 મીટર સુધી ભૂસ્ખલન થયું છે.
" 245 મીટરથી આગળ સુરંગ સુરક્ષિત અને ખાલી છે, જેમાં ફસાયેલા તમામ લોકો સુરક્ષિત છે."
સંદીપ સુધરાએ કહ્યું હતું , “જ્યારે મશીનો ટનલમાં જાય છે અને કાટમાળને બહાર કાઢે છે, ત્યારે તે તરત જ દિવાલો પર સ્પ્રે કરે છે. આમ કરવાથી, કાટમાળમાં થોડી સ્થિરતા આવે છે અને કેટલાક સમય માટે ભૂસ્ખલન ઓછું થાય છે."
ઉત્તરાખંડમાં ઉત્તરકાશી-યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર સિલક્યારાથી ડડાલગાંવ સુધી બની રહેલી સુરંગમાં સિલક્યારા બાજુએથી રવિવારે સવારે 5 વાગ્યા આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ સુરંગ ઉત્તરકાશી જિલ્લામાં સિલ્કયારા અને ડાંડલગાંવને જોડવા માટે બનાવવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાતચીત કરીને બચાવકામગીરીની જાણકારી લીધી હતી.
અધિકારીઓનું કહેવું છે કે સુરંગમાં ફસાયેલા મજૂરો સુરક્ષિત છે. તેમને બહારથી ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. જોકે, હજુ મજૂરો સાથે કોઈ વાતચીત થઈ શકી નથી. ફસાયેલા મજૂરોમાં એક વ્યક્તિ ઉત્તરાખંડની છે જ્યારે બાકીના લોકો બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને હિમાચલ પ્રદેશના છે.
સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સના સહાયકર્મીઓ સ્થાનિક પોલીસ અને પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યા છે. સુરંગ પાસેથી કાટમાળ હઠાવવા માટે જેસીબી અને બીજાં મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે.
સુરંગમાં ફસાયેલા તમામ લોકો સુરક્ષિત
ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક અર્પણ યદુવંશીએ ન્યૂઝ ઍજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે ટનલના મુખ પાસેનો એક ભાગ 200 મીટર સુધી તૂટી ગયો હતો. તેને બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન તે ધસી પડી. તેમણે કહ્યું કે અત્યાર સુધી સુરંગમાં ફસાયેલા તમામ લોકો સુરક્ષિત છે.
તેમણે કહ્યું, "રવિવારે સવારે લગભગ 5 વાગ્યે, હાઇવે પર નિર્માણાધીન ટનલના સિલ્ક્યારા મુખ તરફથી 230 મીટર અંદર કાટમાળ પડ્યો હતો."
થોડી જ વારમાં 30થી 35 મીટરના અંતરેથી પહેલા થોડો કાટમાળ પડ્યો અને પછી અચાનક ભારે કાટમાળ અને પથ્થરો પડવા લાગ્યા. આના કારણે ટનલની અંદર કામ કરી રહેલા કામદારો અંદર ફસાઈ ગયા હતા, જ્યારે કાટમાળનો ઢગલો થઈ જવાને કારણે ટનલનો ઓક્સિજન સપ્લાય બંધ થઈ ગયો હતો.
પોલીસ અધિક્ષકે કહ્યું છે કે સુરંગમાં ફસાયેલા લોકોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવાની તેમની પ્રાથમિકતા છે.
આ માટે પોલીસદળની ટીમો તથા રાહત અને બચાવ ટીમ 24 કલાક સ્થળ પર બચાવકાર્યમાં વ્યસ્ત રહેશે. ઉત્તરકાશી પોલીસે બચાવ અપડેટ અને સહાય માટે હેલ્પલાઇન નંબર +917455991223 પણ જાહેર કર્યો છે.
અકસ્માત કઈ રીતે થયો?
એડીજી લૉ ઍન્ડ ઑર્ડર એપી અંશુમાને જણાવ્યું કે આ ધટના સવારે પાંચ વાગે ઘટી હતી. આ ભૂસ્ખલન ટનલના સિલ્ક્યારા મુખ તરફથી 200 મીટરના અંતરે થયું હતું, જ્યારે કામ કરી રહેલા કામદારો આ ગેટથી 2800 મીટર અંદર હતા.
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે કહ્યું કે ફસાયેલા લોકોની સામે 400 મીટર સુધી ખાલી જગ્યા છે. તેથી તેઓ તેમાં હરીફરી શકે છે. તેમની પાસે દસ કલાક માટે પૂરતો ઓક્સિજન છે.
સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે 13 મીટર પહોળા માર્ગમાં જેસીબી અને પોકલેન મશીન ચલાવવામાં આવી રહ્યાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 'ઑલ વેધર રોડ પરિયોજ'ના અંતર્ગત ઉત્તરકાશીમાં નવયુગ એન્જિનિયરિંગ કંપની સુરંગ બનાવી રહી છે.
સુરંગ 'નેશનલ હાઈવે ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ'ની દેખરેખમાં બની રહી છે. સુરંગ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં બનીને તૈયાર થઈ જવાની આશા છે.