કાશ્મીર : અમરનાથ ગુફા સુધી રસ્તો બનાવવા મામલે શું વિવાદ ચાલી રહ્યો છે?

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી બીબીસી માટે

ભારત પ્રશાસિત કાશ્મીરમાં આવેલ અમરનાથ ગુફાનો રસ્તો બનાવવાનો મામલો છેલ્લા કેટલાય દિવસોથી સમાચારોમાં છે.

હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારત સરકારના સીમા સડક સંગઠને (બીઆરઓ) સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક વીડિયો શૅર કર્યો હતો.

એ વીડિયોમાં દક્ષિણ કાશ્મીર સ્થિત અમરનાથ ગુફા સુધી રસ્તાનું નિર્માણ થઈ રહ્યું હોવાનું દેખાય છે.

આ વીડિયો સામે આવ્યા પછી જમ્મુ-કાશ્મીરના રાજકીય દળોએ તેનો સખત વિરોધ કરવાનું શરૂ કર્યું.

રાજકીય દળોનું કહેવું છે કે આ વિસ્તારમાં સ્થિતિ ડામાડોળ થવાનું જોખમ વધી શકે છે અને આગામી સમયમાં રસ્તાના નિર્માણને કારણે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.

કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયાના પૂર્વ ધારાસભ્ય અને પક્ષના સ્ટેટ સેક્રેટરી મહોમ્મદ યૂસુફ તારિગામીએ કહ્યું આનાથી જાણકારો અને બધા લોકો ચિંતિત છે.

“અમારા માટે મહત્ત્વનો મુદ્દો એ છે કે જે લોકો યાત્રા કરવાના વિશ્વાસ સાથે આવે છે તેઓ સુરક્ષિત રહેવા જોઈએ. સુરક્ષાનો અર્થ ચમરપંથ નથી પણ વાતાવરણીય પરિસ્થિતિમાં તેઓ સુરક્ષિત રહે અને કોઈ દુર્ઘટના ના ઘટે. એટલે અમારું માનવું છે કે રસ્તો બનાવવાની જરૂર નથી.”

તારિગામી મુજબ અમરનાથ યાત્રા સાથે લોકોનો રોજગાર પણ જોડાયેલો છે અને રસ્તો બનાવવાથી તેમના રોજગાર પર અસર થઈ શકે છે.

વિરોધ કેમ થઈ રહ્યો છે?

શ્રીનગરથી અમરનાથ ગુફાનું અંતર 131 કિલોમીટર છે અને સમુદ્રતળથી 12,756 ફૂટની ઊંચાઈ પર છે.

અમરનાથ ગુફાનો આખો વિસ્તાર ગ્લેશિયર અને ઊંચા બરફાચ્છાદિત પર્વતોથી આખું વર્ષ ઘેરાયેલો રહે છે.

પહેલગામ અને બાલતાલમાં હજારો સ્થાનિક લોકો યાત્રા દરમિયાન ઘોડા, પાલખીઓ અને ડાંડીના સહારે રોજગાર કમાય છે. પહેલગામ અને બાલતાલના માર્ગોથી અમરનાથ ગુફા સુધી પહોંચાય છે. પહેલગામથી 20 અને બાલતાલથી આશરે 14 કિલોમીટરનું અંતર પગપાળા કાપવું પડે છે.

નેશનલ કૉન્ફરન્સના વરિષ્ઠ નેતા અને સાંસદ હસનૈન મસૂદી પૂછે છે કે રસ્તો બનાવવાનું શરૂ કરતાં પહેલાં ઍનવાયર્મેન્ટલ ઍસેસમૅન્ટ સાથે સંકળાયેલા નિયમોનું પાલન કરાયું હતું?

તેઓ કહે છે, “જો પર્યાવરણીય અસરોનું આકલન કરાયું છે તો તેને જનતા સામે મૂકવામાં આવે. લોકોને એ જણાવવામાં આવે કે એ આકલનમાં શું મત વ્યક્ત કરાયો છે. આ આજની વાત નથી. અમે તેને ઇન્ટ્રા જનરેશન ઇક્વિટી કહીએ છીએ.”

"માત્ર તે આપણી ફરજ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદો અને બંધારણ પણ જરૂરી છે કે આપણે આપણી ભાવિ પેઢીઓ માટે પર્યાવરણને એ જ સ્થિતિમાં છોડીએ.”

મસૂદી સમજાવે છે કે 5 ઓગસ્ટ, 2019ના રોજ જ્યારે જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું ત્યારે એક વિકાસ કાયદો હતો. જે મુજબ કોઈપણ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન જરૂરી હતું. જે નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું હતું.

મસૂદી એમ પણ કહે છે કે ટ્રાફિક સામે કોઈ વિરોધ કરી શકે નહીં પરંતુ હાલમાં આ જ્યાં થઈ રહ્યું છે ત્યાં તેને કોઈ અવકાશ નથી.

બીઆરઓ શું કહે છે?

જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોના વિરોધ પછી બીઆરઓ દ્વારા 10 નવેમ્બર, 2023ના રોજ એક નિવેદન બહાર પડાયું હતું કે અમરનાથ ગુફા મંદિર પર રસ્તો બનાવવાનો જે પ્રોજેક્ટ છે તે પદયાત્રીઓની અવરજવર માટે છે અને પર્યાવરણની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ટ્રૅકને પહોળો કરવામાં આવ્યો છે.

નિવેદન અનુસાર, "પવિત્ર અમરનાથ ગુફા તરફ જતા ટ્રૅકને પહોળો કરવાનું કામ ભારતની સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર કરવામાં આવ્યું છે."

"કોર્ટે વર્ષ 2012માં પર્યાવરણીય ચિંતાઓને ધ્યાનમાં રાખી રાહદારીઓની અવરજવરને સરળ બનાવવા અને ટ્રૅક પર ભીડને નિયંત્રિત કરવા હાલના ટ્રેકના જટિલ ભાગોને સુધારવા, સલામતી રેલિંગ અને દીવાલોને જાળવી રાખવા આદેશો જારી કર્યા છે.”

બોર્ડર રોડ ઑર્ગેનાઈઝેશને વાહન માર્ગથી ગુફા મંદિર સુધી પહોંચવાના સમાચારને "વાસ્તવિક રીતે ખોટા" ગણાવ્યા, બીઆરઓએ પગપાળા, પાલખી અથવા લાકડીઓ અને ટટ્ટુઓ પર મુસાફરોની અવરજવર માટે રસ્તાને પહોળા કરવાનું કામ કર્યું છે.”

રસ્તાનું સમારકામ થઈ રહ્યું છે કે નવો રસ્તો બનાવાઈ રહ્યો છે?

અગાઉ બાલતાલ માર્ગથી અમરનાથ ગુફા સુધીના ટ્રૅક અને રસ્તાના સમારકામની વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર સરકારના માર્ગ અને મકાન વિભાગ જોતો હતો. જ્યારે પહેલગામથી ગુફા સુધીના રસ્તાના સમારકામ અને જાળવણીનું કામ પહેલગાંવ ડેવલપમૅન્ટ ઑથોરિટીના હાથમાં હતું.

સપ્ટેમ્બર 2022માં, જાળવણી અને સમારકામનું કામ બીઆરઓને સોંપવામાં આવ્યું હતું.

બીઆરઓએ તેના નિવેદનમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર સરકારે સપ્ટેમ્બર 2022માં તેમને અમરનાથ ટ્રૅકની જાળવણી અને અપગ્રેડેશનનું કામ સોંપ્યું હતું.

બીઆરઓ તરફથી હાલ સંગમ બેઝથી રસ્તાને પહોળો કર્યો છે અને સંગમ ટૉપથી એક નવા રસ્તાને અપનાવાયો છે.

બીઆરઓ મુજબ સંગમ ટૉપથી નીચેની ગુફા સુધીના ભાગનો રસ્તો જ પહોળો કરાયો છે અને નીચલી ગુફાથી પવિત્ર ગુફા સુધીનો રસ્તો પણ પહોળો કરાયો છે.

બીઆરઓ અનુસાર બાલતાલ ટ્રૅકથી બરારીમાર્ગ સુધીનો રસ્તો જૂન 2023માં પહોળો કરવામાં આવ્યો હતો.

સરકારે બંને ટ્રૅક પર કામ કરવાની જવાબદારી બીઆરઓને સોંપી હતી.

જમ્મુ કાશ્મીરનું ભાજપ એકમ શું કહે છે?

જમ્મુ-કાશ્મીર ભાજપનો ખ્યાલ છે કે જો ગુફા સુધી રસ્તો બની રહ્યો છે તો તેના પર કોઈને કંઈ વાંધો ના હોવો જોઈએ.

પાર્ટીના જમ્મુ-કાશ્મીરના પ્રવક્તા અલ્તાફ ઠાકુર દાવો કરી રહ્યા છે કે જ્યારે જમ્મુ-શ્રીનગર હાઈવે પર કામ શરૂ થવાનું હતું ત્યારે પર્યાવરણ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું અને અમરનાથ ગુફા સુધી રસ્તો બનાવવા માટે સમાન નિયમોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.

ઠાકુર કહે છે કે બધા જાણે છે કે જ્યાં રસ્તો બનાવવામાં આવી રહ્યો છે ત્યાં એવાં કોઈ વૃક્ષો નથી જે કાપવામાં આવ્યાં છે. તે કહે છે, "ત્યાં માત્ર પથ્થરના પહાડો છે. જો તેને થોડા કોતરવામાં આવે તો કોઈને વાંધો કેમ છે? મને નથી લાગતું કે ત્યાં રસ્તો બનાવવાથી પર્યાવરણ પર કોઈ અસર થશે. લોકોને ત્યાં પહોંચવામાં આનાથી સરળતા રહેશે. કાશ્મીરમાં રસ્તાના નિર્માણથી ધાર્મિક પ્રવાસન વધી શકે છે."

કાશ્મીરી પંડિત અને રાજકીય કાર્યકર્તા મોહિત ભાન કહે છે, “જમ્મુ અને કાશ્મીરમાં કોઈ અમરનાથ યાત્રાની વિરુદ્ધ નથી પરંતુ અમારો અવાજ અને અફસોસ અમરનાથ ગુફા સુધી વાહનો માટે રસ્તો બનાવવા સામે છે.”

ભાન કહે છે કે જ્યાં જ્યાં પણ જંગલોની વચ્ચોવચ કૉંક્રિટનું નિર્માણ થયું છે ત્યાં ત્યાં પ્રકૃતિને નુકસાન થયેલું જોવા મળ્યું છે.

તેમણે કહ્યું કે જે રીતે ગુફા સુધી પહોંચવા માટે ભક્તોની સંખ્યા વધી છે તેનું પરિણામ એ આવ્યું કે હવે થોડા જ દિવસોમાં ગુફામાંનું શિવલિંગ પીગળી જાય છે.

આરોપ - પ્રત્યારોપનો સિલસિલો

પીડીપી ભાજપ પર રાજકારણ રમવાનો આરોપ લગાવી રહી છે અને અમરનાથ ગુફાનો રસ્તો લઈ જઈને આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહી છે.

પીડીપીના મહાસચિવ (સંગઠન) ડૉ. મહેબૂબ બેગ કહે છે, "અમરનાથ ગુફા સુધી રસ્તો બનાવવાનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે. આનું કારણ એ છે કે ભાજપ દરેક મુદ્દાને ધર્મના દૃષ્ટિકોણથી જુએ છે. હવે ચૂંટણીઓ આવવાની છે અને આવા મુદ્દાઓનો તે ચૂંટણીમાં ઉપયોગ કરવા માંગે છે, જે ખૂબ જ દુઃખદ છે. એક ધર્મનિરપેક્ષ દેશમાં સરકારને ધર્મ સાથે ભેળવવી બંધારણની વિરુદ્ધ છે."

જમ્મુ-કાશ્મીર ભાજપ પણ કાશ્મીર સ્થિત રાજકીય પક્ષો નેશનલ કૉન્ફરન્સ અને પીડીપી પર મુસ્લિમ કાર્ડ રમવાના પ્રયાસનો આરોપ લગાવી રહી છે.

પાર્ટીના પ્રવક્તા અલ્તાફ ઠાકુર કહે છે કે હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કાશ્મીરના રાજકીય પક્ષો જાણીજોઈને અમરનાથ ગુફાના રસ્તાના નિર્માણને મુદ્દો બનાવીને મુસ્લિમ મતો મેળવવા માંગે છે અને 2008નું પુનરાવર્તન કરી રહ્યા છે.

2008માં જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ જમીન વિવાદ ઘણા મહિનાઓ સુધી ચાલ્યો હતો. અમરનાથ શ્રાઈન બોર્ડને ગુફાની આસપાસની જમીન આપવા સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયાં હતાં.

બાદમાં તે સમયની રાજ્ય અને કેન્દ્ર સરકારોએ જમીન આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને તે પછી વિરોધ બંધ થયો.