જમ્મુ-કાશ્મીરમાં મળેલા લિથિયમ ભંડારથી ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગને કેટલો લાભ થશે

ભારતે ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) બનાવવા માટે મહત્ત્વપૂર્ણ અને દુર્લભ ખનીજ લિથિયમનો વિશાળ ભંડાર જમ્મુ અને કાશ્મીરમાં મળ્યો હોવાની જાહેરાત કરી છે.

સરકારે ગુરુવારે કરેલી જાહેરાત અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમનો 59 લાખ ટનનો વિશાળ ભંડાર મળી આવ્યો છે.

અત્યાર સુધી ભારત ઑસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનાથી લિથિયમની આયાત પર નિર્ભર હતું.

સ્માર્ટફોન, લેપટોપ અને ઇલેક્ટ્રિક કાર સહિતના સંખ્યાબંધ ઉપકરણોને વીજળી આપતી રિચાર્જેબલ બૅટરીઓમાં લિથિયમ એક મુખ્ય ભાગ છે.

વિશેષજ્ઞોના મત અનુસાર આ વિશાળ ભંડારની ભાળ મળવાથી વર્ષ 2030 સુધી, ગ્લોબલ વૉર્મિંગને અંકુશમાં લેવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભાગરૂપે, ખાનગી ઇલેક્ટ્રિક કારની સંખ્યા 30 ટકા જેટલી વધારવાના ભારતના પ્રયત્નોને મદદ મળશે.

  • ભારતે ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) બનાવવા માટે મહત્ત્વપૂર્ણ અને દુર્લભ ખનીજ લિથિયમનો વિશાળ ભંડાર જમ્મુ અને કાશ્મીરમાં મળ્યો હોવાની જાહેરાત કરી છે
  • સ્માર્ટફોન, લેપટોપ અને ઇલેક્ટ્રિક કાર સહિતના સંખ્યાબંધ ઉપકરણોને વીજળી આપતી રિચાર્જેબલ બૅટરીઓમાં લિથિયમ એક મુખ્ય ભાગ છે
  • અત્યાર સુધી ભારત ઑસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનાથી લિથિયમની આયાત પર નિર્ભર હતું
  • ભારતમાં 5.9 મિલિયન ટનનો લિથિયમ ભંડાર મળ્યા બાદ હવે ભારત લિથિયમનો ભંડાર ધરાવતા દેશોની યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે
  • ભારતની ગણતરી પણ લિથિયમની નિકાસ કરનારા બોલિવિયા, આર્જેન્ટિના, ચિલી, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશો સાથે કરવામાં આવશે
  • જમ્મુ કાશ્મીરમાં કુશળ, અકુશળ અને અર્ધકુશળ કામદારો માટે રોજગારીની તકોનું નિર્માણ થશે અને રાજ્યનું અર્થતંત્ર સુધરશે

ભારતના ખાણ મંત્રાલયે કહ્યું હતું કે, જિયોલૉજીકલ સર્વે ઑફ ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં લિથિયમનો ભંડાર શોધી કાઢ્યો છે.

આ વિસ્તાર ચિનાબ નદી પર બનેલા 690 મેગા વૉટ ક્ષમતા ધરાવતા સલાલ પાવર સ્ટેશનથી લગભગ 8 કિલોમિટર દૂર છે. સલાલના જે વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળ્યો છે.

તેની આસપાસના વિસ્તારોમાં કોઈ પણ રહેણાંક વસાહતો નથી. આ વિસ્તારના લગભગ પાંચ વોર્ડ આ ભંડારની આસપાસ છે.

શું કહે છે જમ્મુ કાશમીરનો ખાણ અને ખનીજ વિભાગ?

જમ્મુ અને કાશ્મીરના ખાણ વિભાગના સચિવ અમિત શર્માએ રિયાસી જિલ્લામાં મળી આવેલા લિથિયમના આ ભંડાર વિશે બીબીસી સાથે વાતચીત કરી.

તેમણે કહ્યું, "ભારત જી-20 દેશોનો યજમાન બન્યો છે, એવા સમયે આ ભંડાર મળવો એ ભારત માટે એક સુખદ સંયોગ છે."

અમિત શર્મા માને છે કે, આ ઘટના એક નોંધપાત્ર બાબત એટલા માટે છે કે, તે આવનારા સમયમાં દેશના વિકાસની દિશા બદલી શકે છે.

તેમણે કહ્યું કે, "લિથિયમના ભંડાર મળવાથી આ ક્ષેત્રમાં વૈશ્વિક નક્શા પર આપણી હાજરી નોંધાઈ ચૂકી છે. હવે સમગ્ર વિશ્વમાં એ સંદેશ ગયો છે કે દેશ આ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની રહ્યો છે અને ઝડપથી જ તેની ગણતરી પણ લિથિયમની નિકાસ કરનારા બોલિવિયા, આર્જેન્ટિના, ચિલી, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશો સાથે કરવામાં આવશે."

અમિત શર્મા આ બાબતને ગ્રીન ઇન્ડિયા અને ઇકો ફ્રેન્ડલી ઇન્ડિયા બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માને છે. તેઓ કહે છે, "આ જમ્મુ અને કાશ્મીર માટે પણ પરિદૃશ્ય બદલી નાખનારું પરિબળ સાબિત થશે. આ પ્રૉડક્શન ઉદ્યોગ માટે, ઇલેક્ટ્રિક વાહનો માટે, મોબાઇલ ફોન ઉદ્યોગ માટે પણ મહત્ત્વપૂર્ણ ઘટના સાબિત થશે."

બીબીસી સાથે ફોન પર વાત કરતા સલાલકોટના સરપંચ મોહિંદર સિંહે જણાવ્યું કે ભંડાર મળવાથી સમગ્ર વિસ્તારની કાયાપલટ થઈ શકે છે અને સ્થાનિક લોકો માટે રોજગારીની તકોનું સર્જન થઈ શકે છે.

મોહિંદર સિંહ અનુસાર જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ ગત વર્ષે આ વિસ્તારમાં સૅમ્પલિંગનું કામ શરૂ કર્યું હતું.

વિશ્વમાં લિથિયમના નકશા પર ક્યાં છે ભારતનું સ્થાન?

વર્ષ 2022ના આંકડા અનુસાર દુનિયામાં લિથિયમના સૌથી મોટા ભંડાર ધરાવતા દેશો આ પ્રમાણે છે

  • ચિલિ - 9.2 મિલિયન ટન
  • ઑસ્ટ્રેલિયા - 5.7 મિલિયન ટન
  • આર્જેન્ટિના - 2.2 મિલિયન ટન
  • ચીન - 1.5 મિલિયન ટન
  • અમેરિકા - 0.9 મિલિયન ટન

ભારતમાં 5.9 મિલિયન ટનનો લિથિયમ ભંડાર મળ્યા બાદ હવે ભારત આ યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે.

વર્ષ 2021ના આંકડા અનુસાર વિશ્વમાં લિથિયમનો પુરવઠો પૂર પાડનારા દેશોમાં

  • ઑસ્ટ્રેલિયા - 52 ટકા
  • ચિલી - 25 ટકા
  • ચીન - 13 ટકા
  • આર્જેન્ટિના - 6 ટકા
  • બ્રાઝિલ - 1 ટકા

જ્યારે અમિત શર્માને પૂછવામાં આવ્યું કે હજી લિથિયમના ખનન અને ઉત્પાદનમાં કેટલો સમય લાગશે અને જમ્મુ કાશ્મીર સરકારે તેના માટે શું યોજના બનાવી છે, ત્યારે તેમણે કહ્યું, "હજી તો આ પ્રારંભિક તબક્કામાં જ છે. હજી ભારત સરકારે અમને જી3 અભ્યાસનો રિપોર્ટ આપ્યો છે. હજી જી2 ઍડ્વાન્સ અભ્યાસ અને પછી જી1 અભ્યાસ કરવાનો બાકી છે. ત્યાર પછી જ અમે ઈ-હરાજી વિશે વાત કરી શકીશું."

તેમણે વધુમાં કહ્યું, "આ માટે અમે ટૂંક સમયમાં જ એક ટાઈમટેબલ તૈયાર કરીશું અને જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની દેખરેખમાં જી2 અને જી1 અભ્યાસ કરાવીશું."

અમિત શર્માના જણાવ્યા અનુસાર જ્યારે લિથિયમનું ઉત્પાદન શરૂ થઈ જશે ત્યારે કુશળ, અકુશળ અને અર્ધકુશળ કામદારો માટે રોજગારીની તકોનું નિર્માણ થશે અને જમ્મુ કાશ્મીરના અર્થતંત્રમાં પણ સુધારો થશે.

તેમણે એમ પણ કહ્યું કે, જે રાજ્યોમાં ખનિજ પદાર્થો મળે છે તેમનું અર્થતંત્ર આત્મનિર્ભર બની જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક રહિશોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

તેમણે જણાવ્યું, "જમ્મુ કાશ્મીરની સરકાર ખનિજ ક્ષેત્રો સાથે જોડાયેલી ભારત સરકારની યોજનાઓ લાગૂ કરવામાં મોડું નહીં કરે. અમે સૌથી પહેલી પ્રાથમિકતા સ્થાનિક લોકોને આપીશું, તેમના માટે કામની તકો બનશે."

કર્ણાટકમાં પણ છે લિથિયમના ભંડાર

અગાઉ, સરકારે કહ્યું હતું કે તે નવી ટેકનૉલૉજીને ઉત્તેજન આપવા માટે જરૂરી એવી દુર્લભ ધાતુઓના પુરવઠાને વધારવા માગે છે અને તે માટે તે ભારત અને વિદેશમાં સ્રોતોની શોધી રહી છે.

ખાણ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે મિન્ટ અખબારને જણાવ્યું હતું કે ભારત તેના આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત તેના "તપાસના પરિમાણોનું પુનઃનિર્ધારણ કરી રહ્યું છે."

મોસમ પરિવર્તનની અસરોને ધીમી કરવાના ભાગરૂપે વિશ્વના દેશો પર્યાવરણને અનુકુળ આવે તેવા ઉપાયો તરફ નજર દોડાવી રહ્યા છે, જેને કારણે લિથિયમ સહિતની દુર્લભ ધાતુઓની માંગમાં વધારો થયો છે.

વર્ષ 2023માં બોલિવિયાના વિશાળ લિથિયમ ભંડારને વિકસાવવા માટે ચીને એક અબજ ડૉલરનો કરાર કર્યો હતો. 2.1 કરોડ ટનનો એ ભંડાર વિશ્વનો સૌથી મોટો ભંડાર માનવામાં આવે છે.

વર્લ્ડ બૅન્ક અનુસાર વૈશ્વિક હવામાનને સુધારવાના લક્ષ્યોને વર્ષ 2050 સુધીમાં મેળવવા માટે મહત્ત્વના ખનીજોના ખનનમાં 500 ટકાનો વધારો કરવાની જરૂર પડશે.

લિથિયમના ઉત્પાદનની આડઅસરો

જોકે, વિશેષજ્ઞોના મત અનુસાર લિથિયમની ખનન પ્રક્રિયા પર્યાવરણને અનુરૂપ નથી.

લિથિયમને કઠિન ખડકો અને ઑસ્ટ્રેલિયા, ચિલી અને આર્જેન્ટિનામાં મળેલા ખારા ક્ષારયુક્ત ભૂગર્ભ જળાશયોમાંથી મેળવવામાં આવે છે.

ખનનથી મેળવ્યા બાદ તેને અશ્મિભૂત ઇંધણનો ઉપયોગથી જમીનને ગરમ કરીને શેકવામાં આવે છે, જેનાથી જમીનને ખૂબ જ નુકસાન થાય છે.

આ સમગ્ર ખનન પ્રક્રિયામાં ખૂબ પાણીની જરૂર પડે છે અને વાતાવરણમાં અત્યંત મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે.

ભૂગર્ભમાં રહેલા ભંડારોમાંથી લિથિયમનું ખનન કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના ભૂગર્ભ ભંડારો પાણીની અછત ધરાવતા દેશ આર્જેન્ટિનામાં મળી આવ્યા છે, જેને કારણે ત્યાંના સ્થાનિક સમુદાયો ખનનનો વિરોધ કરી રહ્યા છે. આ સમુદાયોનું કહેવું છે કે, આ પ્રકારની પ્રવૃત્તિથી પ્રાકૃતિક સંસાધનો ખલાસ થઈ જશે અને પાણીની તીવ્ર અછત સર્જાશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો