ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા હવે શું વિકલ્પ છે?

દરમિયાન, ઉત્તરાખંડ સુરંગમાં ફસાયેલા લગભગ 40થી વધુ મજૂરોને બહાર કાઢવાની જહેમત હજુ પણ ચાલુ જ છે. એક મુખ્ય મશીન બગડી જતાં હવે નવા મશીનની મદદ લેવાઈ રહી છે.

ઉત્તરાખંડમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે પ્લાઝ્મા મશીને કામ શરૂ કરી દીધું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, “હૈદરાબાદથી લાવવામાં આવેલા પ્લાઝ્મા મશીને રવિવાર સવારથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ સાથે ડ્રિલિંગ અને હાર્વેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હજુ 14 મીટર કાપવાનું બાકી છે. બગડી ગયેલાં ઑગર મશીનને કાપીને બહાર લાવવાની જરૂર છે.”

તેમણે કહ્યું, "એવું લાગે છે કે પ્લાઝ્મા મશીનની મદદથી આ કામ ઝડપથી પૂર્ણ થશે. આ પછી મૅન્યુઅલ ડ્રિલિંગ શરૂ થશે.”

પ્લાઝ્મા મશીન વડે કટિંગ કરવાની તૈયારી ચાલી રહી છે. કેમકે, તે ઝડપથી સ્ટીલને કાપી નાખે છે.

ઉત્તરકાશીના સિલ્ક્યારામાં બનેલી આ ટનલનો એક ભાગ દિવાળીના દિવસ 12મી નવેમ્બરે તૂટી પડ્યો હતો. અંદર કામ કરતા 41 મજૂરો ફસાયા હતા, જેની એક તરફ પહાડ છે, જેના પર ખોદકામ ચાલી રહ્યું હતું અને બીજી બાજુ કાટમાળ પડતા પરત જવાનો રસ્તો બંધ થઈ ગયો છે.

હાલમાં રાહતની વાત એ છે કે તે તમામ સુરક્ષિત છે અને તેમને પાઇપ દ્વારા ઑક્સિજન, દવાઓ અને ખાદ્યપદાર્થોનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

‘પત્નીના ઘરેણાં ગિરવે મૂકીને દીકરાને બહાર કાઢવા આવ્યો છું’, ફસાયેલા મજૂરના પિતાની વ્યથા

‘હું 13 દિવસથી અહીં છું મારા દીકરાની રાહ જોઈ રહ્યો છું. પત્નીનાં ઘરેણાં ગિરવે મૂકીને પૈસા ભેગા કરી અહીં આવ્યો છું.’

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા દીકરાના બહાર આવવાની રાહ જોઈ રહેલા પિતાની આ વેદના છે.

તેઓ મુંબઈમાં પોતાના એક દીકરાને પુલના બાંધકામ સમયે થયેલી દુર્ઘટનામાં ગત વર્ષે ગુમાવી ચૂક્યા છે.

તેઓ કહે છે કે હવે તેઓ ગમે તેમ કરીને આ દીકરાને ગુમાવવા નથી માગતા.

બીબીસી સંવાદદાતા અનંત ઝણાણે ઉત્તરકાશી ટનલના બચાવકામગીરીના સ્થળે પહોંચ્યા છે.

અંદર ફસાયેલા મજૂરના પિતાએ અનંત સાથે વાત કરી.

‘રાત દિવસ દીકરો યાદ આવે છે’

બીબીસી સંવાદદાતા અનંત ઝણાણે સાથેની વાતચીતમાં અંદર ફસાયેલા મજૂર મંજિતના પિતા ચૌધરીજી જણાવે છે, “અમને રાત દિવસ, જમતી વખતે અને દરેક ક્ષણે દીકરો યાદ આવે છે. તેની રાહ જોઈ રહ્યા છીએ. આશા છે કે બહાર આવી જાય. તેની સાથે વાત કરીએ છીએ. એકબીજાને આશ્વાસન આપીએ છીએ.”

બીજી બાજુ જો બચાવ કામની વાત કરીએ તો, ઉત્તરાખંડના ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને હજુ સુધી બહાર લાવી શકાયા નથી. ટનલની અંદર ડ્રિલિંગ માટે લગાવવામાં આવેલ ઑગર મશીન તૂટી ગયું છે. જેના કારણે ડ્રિલિંગની કામગીરીમાં અડચણ આવી રહી છે. એટલે પ્લાઝ્મા મશીનની મદદ લેવાઈ રહી છે.

દરમિયાન ડીઆરડીઓ પાસેથી મદદ માંગવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ શનિવારે દહેરાદૂનથી DRDOનાં સાધનોને ઘટના સ્થળે પહોંચાડ્યાં હતાં.

ટનલમાં જે ઑગર મશીનની મદદથી ખોદકામ ચાલી રહ્યું હતું તે ત્યાં જ ફસાઈ ગયું છે એટલે તેને સંપૂર્ણ રીતે બહાર કાઢવા માટે હૈદરાબાદથી બીજું મશીન મંગાવવામાં આવ્યું હતું.

શનિવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બપોરે સિલ્ક્યારા ટનલની બહાર પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મીડિયાને જણાવ્યું હતું કે હૈદરાબાદથી મશીન આવ્યા બાદ રવિવારે સવારે ફરી એકવાર કામ શરૂ થશે.

આ દરમિયાન તેમણે સુરંગની અંદર ફસાયેલા કામદારો સાથે વાત કરી અને એ પણ જણાવ્યું કે તેમને બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ટનલમાં ફસાયેલા કામદારોને પાઇપ દ્વારા ટેલિફોન પહોંચાડવામાં આવી રહ્યા છે, જેથી તેઓ તેમના પરિવાર સાથે વાત કરી શકે.

બીએસએનએલના ડીજીએમ રાકેશ ચૌધરીએ જણાવ્યું, "આ ટેલિફોનમાં ઇનકમિંગ અને આઉટગોઇંગ બંને કોલની સુવિધા હશે જેથી ટનલમાં ફસાયેલા કામદારો તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે. આ ઉપરાંત વહીવટીતંત્ર પણ આ ટેલિફોન દ્વારા કામદારો સાથે વાત કરી શકશે."

ટનલમાં ક્યાં સુધી પહોંચ્યું છે બચાવદળ?

ટનલમાં બચાવકર્મીઓ કેટલે સુધી પહોંચી શક્યા છે, આ વિશે જાણકારી આપતા તેમણે કહ્યું, "અમે ટનલમાં 48 મીટર સુધી આગળ પહોંચી ગયા છીએ, પરંતુ પાઇપ વળી જવાને કારણે તેનો 1.2 મીટર ભાગ કાપવો પડ્યો. અત્યારે અમે ટનલમાં 46.8 મીટર સુધી પહોંચી ગયા છીએ."

તેમણે કહ્યું, "અમને આશા છે કે બે પાઇપ લગાવવાની સાથે અમે ટનલમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચી જઈશું, જોકે જરૂર પડે તો અમારી પાસે વધુ પાઇપો પણ છે."

ત્યારે શુક્રવાર સવારથી ટનલની બહાર ડૉક્ટરોની ટીમ અને ડઝન ઍમ્બ્યુલન્સના (લાઇફ સપોર્ટ સિસ્ટમની સાથે) તૈયાર રાખવામાં આવ્યાં છે.

મંગળવારે ટનલની અંદર ફસાયેલા મજૂરોના એક વીડિયો સામે આવ્યા હતા જેમાં બધા મજૂરો સુરક્ષિત દેખાઈ રાખી રહ્યા હતા.

લાઇફ સપોર્ટ પાઇપ વડે તેમના સુધી ભોજનની સાથે-સાથે કૅમેરા અંદર પહોંચાડવામાં આવ્યો હતો જેથી તેમના વિશે માહિતી મેળવી શકાય.

ક્યારે અને કેવી રીતે થઈ દુર્ઘટના

12 નવેમ્બરના ઉત્તરકાશીના સિલ્ક્યારા-બારકોટ ટનલનો એક ભાગ ધસી પડવાથી તેમાં કામ કરી રહેલા 41 મજૂર ટનલની અંદર ફસાઈ ગયા હતા.

ચારધામ મહામાર્ગ પરિયોજના હેઠળ 4.5 કિલોમીટર લાંબી અને 13 મીટર પહોળી આ ટનલનું નિર્માણ રાષ્ટ્રીય રાજમાર્ગ પર યમુનોત્રી પાસે થઈ રહ્યું હતું. આ ટનલ એક પહાડની અંદરથી થઈને બનાવવામાં આવી રહી હતી.

જ્યારે ટનલ ધસી ત્યારે તેનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. ટનલની ઍન્ટ્રી તરફથી લગભગ 200 મીટર અંદર સુરંગનો ભાગ ધસી ગયો જેનાથી 41 મજૂરો ફસાઈ ગયા.