ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં શું અડચણ આવી રહી છે?

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોના બચાવ માટેની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યાનુસાર બચાવ કામગીરી ખૂબ જ મહત્ત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગઈ છે.

11 દિવસથી વધુ સમય થયો જ્યારથી આ મજૂરો ટનલમાં ફસાયેલા છે, કેટલાક પ્રયાસો કરાયા છતાં આ મજૂરોને બહાર કાઢી શકાયા નથી.

ડ્રિલિંગનું કામ શરૂ થયા પછી બુધવારે આશા વ્યક્ત કરવામાં આવી હતી કે જલદી જ કોઈ સારા સમાચાર આવી શકે છે. ગુરુવાર સુધી આ મજૂરોને બચાવીને બહાર કાઢી લેવામાં આવશે એવી અપેક્ષા રખાઈ રહી હતી પરંતુ ગુરુવારે આ કામમાં ફરી અડચણ આવતા ડ્રિલિંગનું કામ અટકાવવું પડ્યું છે.

રેસ્ક્યૂ ટીમ પાછલા 12 દિવસથી ફસાયેલા મજૂરોની ખૂબ નિકટ પહોંચી ગયાના અહેવાલ છે.

બીબીસીનાં સંવાદદાતા સમીરા હુસૈન સ્થળ પરથી પળેપળની જાણકારી પહોંચાડી રહ્યા છે.

અગાઉ કાટમાળમાં કાણાં પાડવા માટે ઉપયોગમાં લેવાયલી ‘ઓગર’ મશીનના ઑપરેટર નૌશાદ અલીએ બીબીસી સાથેની વાતચીતમાં મજૂરોને બહાર કાઢવા માટે ટનલમાં 80 ટકા કામ પૂરું થઈ ગયું હોવાની જાણકારી આપી હતી.

અલીએ કહ્યું કે તેમણે રેસ્ક્યૂમાં નડતરરૂપ થતા લોખંડના સળિયા કાપી નાખ્યા છે અને ટૂંક સમયમાં જ ડ્રિલિંગ શરૂ થશે.

“હવે માત્ર 20 ટકા ડ્રિલિંગું કામ બાકી રહ્યું છે, જે અમે જલદી જ પૂરું કરી દઈશું.”

ટનલમાં ફસાયેલા મજૂરોની વાત કરીએ તો મોટા ભાગના મજૂરો ઉત્તર અને પૂર્વ ભારતનાં રાજ્યોના છે. જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સામેલ છે.

તો પછી ડ્રિલિંગનું કામ કેમ અટકાવવામાં આવ્યું

ગુરુવારે ડ્રિલિંગનું કામ ફરીથી રોકવું પડ્યું હતું કારણ કે જે પ્લૅટફૉર્મ પર ઉપકરણ મૂકવામાં આવ્યું છે તેમાં તિરાડો આવી ગઈ હતી.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે રાહતકર્મીઓએ પ્લૅટફૉર્મને સ્થિર કરવું પડશે, તેની પર ઑગર મશીન મૂકવામાં આવ્યું છે. આ પ્લૅટફૉર્મનું સમારકામ થયા પછી ફરીથી ડ્રિલિંગ શરૂ કરી શકાશે.

11 દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે સ્ટીલના પાઇપના કટકા કાટમાળમાંથી ઉતારવામાં આવી રહ્યા છે.

ઇન્ટરનેશનલ ટનલિંગ અંડરગ્રાઉન્ડ સ્પેસના અધ્યક્ષ આર્નૉલ્ડ ડિક્સે પીટીઆઈને કહ્યું કે, અમને આશા હતી કે બુધવારે આ સમયે (સાંજે) મજૂરોને જોઈ શકીશું બહાર, પછી અમે આશા હતી કે ગુરુવાર સવારે અને પછી બપોરે આશા હતી. પરંતુ લાગે છે કે પહાડોની બીજી યોજના છે. અમારે ઑગર (મશીન)ને રોકવું પડ્યું છે અને મશીનમાં થોડું સમારકામ કરવું જરૂરી છે. અમે હવે આગળના તબક્કામાં પ્રવેશ કરીશું જ્યાં અમે અન્ય વિકલ્પો પર પણ વિચારીશું."

જોકે તેમણે આ વાતચીતમાં આશા વ્યક્ત કરી કે મજૂરોને બહાર જરૂર કાઢવામાં આવશે.

લાખો ભારતીયોની માફક આ લોકો પણ પોતાનાં ઘરોથી, પરિવારોથી સેંકડો કિલોમીટર દૂર કામ કરે છે. જેથી કમાણીની સાથોસાથ બચત ઘરે મોકલી શકાય.

ટનલના અકસ્માત બાદથી આ મજૂરોના સંબંધીઓ સારા સમાચારની આશામાં દિવસોથી બહાર રાહ જોઈ બેઠા છે.

બુધવારે સાંજે અધિકારીઓએ ફસાયેલા મજૂરોને ગુરુવાર બપોર સુધી બહાર કાઢી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ટનલમાં કામ કરતી વખતે ભૂસ્ખલનને કારણે મજૂરો ફસાઈ ગયા હતા.

આ ઘટનાના કલાકો બાદ બીજી તરફથી અધિકારીઓ મજૂરો સાથે સંપર્ક સાધવામાં સફળ રહ્યા હતા અને તેમને જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય કરાઈ હતી.

જેમાં ટનલમાં બાંધકામ માટે મુકાયેલી પાણીની પાઇપલાઇન મારફતે ફસાયેલા મજૂરો સુધી ઓક્સિજન, ડ્રાય ફૂડ અને પાણી પહોંચાડાઈ રહ્યાં હતાં.

અધિકારીઓ આ મામલે રેગ્યુલર અપડેટ આપી રહ્યા છે અને મજૂરોને બચાવવાના પ્રયાસ ઝડપથી આગળ વધી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.

જોકે, મજૂરોના પરિવારો અને મિત્રો મજૂરોને બહાર કાઢવા માટે લાગી રહેલા સમય અંગે વિચારીને પરિસ્થિતિને કારણે સતત ચિંતા અને ગુસ્સામાં છે.

સોમવારે પાઇપ વડે એન્ડોસ્કૉપિક કૅમેરા પહોંચાડી ટનલમાં ફસાયેલા મજૂરોની વીડિયો ફૂટેજ મેળવાયા બાદ ચિંતાતુર સંબંધીઓને થોડી રાહત થઈ હતી. અધિકારીઓએ મજૂરોને પોતાની ઓળખ આપવા જણાવ્યું હતું. સાથે જ તેમને ઝડપથી બચાવી લેવાનો વિશ્વાસ પણ અપાવ્યો હતો.

'ત્રણ ચતુર્થાંશ ભાગનું કામ પૂરું'

ટનલમાંથી મજૂરોને બહાર કાઢવા માટે કામે લાગેલા અધિકારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહેલું કે ત્રણ ચતુર્થાંશ ભાગનું કામ પૂરું થઈ ચૂક્યું છે.

જોકે, તેમણે હજુ મજૂરોને બહાર કાઢવા માટેનું કામ પૂરું થવામાં વધુ સમય લાગવા અંગે ચેતવ્યા હતા.

બીબીસીનાં સમીરા હુસૈન સાથેની વાતચીતમાં સ્થળ પર હાજર રહેલા વડા પ્રધાન કાર્યાલયના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબે કહ્યું હતું કે, “અમારી ગણતરી પ્રમાણે હવે માત્ર 15-18 મીટરનું અંતર બાકી રહ્યું છે, તેથી બીજા છેડે પહોંચવા માટે હજુ 12-15 કલાક લાગશે.”

જોકે, આ અંગે થોડા સમયમાં થનારી પત્રકારપરિષદમાં વધુ સ્પષ્ટતા થાય એવી આશા છે.

આ સમગ્ર ઑપરેશન આજે જ પૂરું થશે એવી પણ આશા વ્યક્ત કરાઈ રહી છે.

ઉત્તરાખંડ સરકારના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી પણ સ્થળ પર પહોંચ્યા છે. સ્થળ પર અધિકારીઓ અને ગ્રાઉન્ડ વર્કરોની એક મોટી ટીમ મોજૂદ છે.

સત્તાધિકારીઓ પ્રમાણે નવી પાઇપ વધારે પહોળી છે, જેના વડે વધુ ઓક્સિજન, ભોજન, જરૂરી દવા, મોબાઇલ ફોન અને ચાર્જર વગેરે મોકલાવી શકાશે.

પાઇપ થકી જ મંગળવારે, મજૂરોને ફસાયાના દસ દિવસ બાદ પ્રથમ વખત ગરમ ભોજન પહોંચાડાયું હતું. રેસ્ક્યૂ ટીમે મજૂરોને બૉટલમાં ખીચડી ભરીને પાઇપ દ્વારા મોકલાવી હતી.

રેસ્ક્યૂ વર્કરોએ પોતાના પ્રયાસો ફરી એક વાર રાતના બે વાગ્યે શરૂ કર્યા હતા.

બુધવાર સાંજ સુધીમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચવામાં માત્ર 12 મીટર સુધીનું અંતર જ વચ્ચે રહ્યું હતું. અધિકારીઓએ એ સમયે બીબીસીને જણાવેલું કે ગુરુવારે સવારના આઠ વાગ્યા સુધી વર્કરોને બહાર કાઢી લેવાશે.

જોકે, તે બાદ કાટમાળમાં લોખંડની પાઇપો વચ્ચે આવતાં ડ્રિલિંગ કામમાં અવરોધ સર્જાયો હતો અને તે બાદ કટરને કામે લગાડવાં પડ્યાં હતાં. જોકે, આ છતાં અધિકારીઓએ મજૂરોને ગુરુવાર બપોર સુધીમાં બહાર કાઢી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અત્યાર સુધી તેઓ કાટમાળમાં ચાર પાઇપ પહોંચાડી ચૂક્યા છે. જે તમામ 900 એમએમ પહોળી છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ હવે તેઓ 800 મીટર પાઇપ કાટમાળમાં નાખી રહ્યા છે. જેના માટે રેસ્ક્યૂ વર્કરો હાલ ટેલિસ્કોપિક ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.

60 મીટર પહોળી કાટમાળની દીવાલની આરપાર જુદી જુદી પહોળાઈવાળી સંખ્યાબંધ પાઇપો મોકલવાની યોજના છે. જેનાથી એક માઇક્રો ટનલ બનાવીને મજૂરોને બહાર કાઢી લાવી શકાય.

જોકે, આ ઑપરેશનમાં માટી, પથ્થર અને પડતા કાટમાળને કારણે ઘણી વખત અવરોધો સર્જાયા છે, જેના કારણે ઑપરેશનમાં મોડું થઈ રહ્યું છે.

આ સિવાય પણ ટનલના બીજા છેડેથી પણ મજૂરો સુધી પહોંચવાની યોજના પર કામ થઈ રહ્યું છે.

બુધવારે એક ટોચના અધિકારીએ જણાવેલું કે પર્વત ઉપરથી ડ્રિલિંગ કામ કરવા માટેનાં સાધનો પહોંચાડવા ટ્રૅક તૈયાર કરાયા છે.

બુધવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન એક અધિકારીએ કહેલું કે જલદી જ ‘સારા સમાચાર’ અપાશે. તેમણે ઉમેરેલું કે ડૉક્ટરોની ટીમ પણ સ્થળ પર હાજર છે અને ફસાયેલા મજૂરો સાથે વાતચીત કરી રહી છે.

બચાવ કામગીરી માટે શું શું તૈયારીઓ કરાઈ?

આ લખાય છે ત્યાં સુધી ચિન્યાસૌરમાં એક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મજૂરો માટે અસ્થાયી હૉસ્પિટલ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે.

ટનલમાં એનડીઆરએફની ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે હાજર છે અને બહાર કેટલીક ઍમ્બુલન્સ તૈયાર રખાઈ છે.

બુધવારની સાંજે એજન્સીઓએ એક વીડિયો આપ્યો હતો જેમાં જોઈ શકાય છે કે આપત્તિ પ્રબંધનના બચાવકર્મીઓ પોતાનાં ઉપકરણો સહિત ટનલની અંદર પ્રવેશી રહ્યા છે.

રસ્તા અને પરિવહનવિભાગમાં અતિરિક્ત તકનિકી સચિવ મહમૂદ અહમદ અને ઉત્તરાખંડ રાજ્ય સચિવ નીરજ ખૈરવાલે એક પત્રકારપરિષદમાં મજૂરોને ગુરુવાર સુધીમાં બચાઈ લેવાની વાત કરતા રેસ્ક્યૂ ઑપરેશન જલદી જ પાર પડી જવાની આશા બંધાઈ હતી.

મહમૂદ અહમદે કહ્યું, "જો કોઈ તકલીફ ના નડી તો મોડી રાત કે ગુરુવાર સવાર સુધીમાં એક મોટા સમાચાર આવી શકે છે. આ આનંદની વાત છે. કાટમાળના ઢગલા સાથે એક લોખંડનો સળિયો પણ આવ્યો હતો. સદ્ભાગ્યે આ લોખંડનો સળિયાને કારણે મશીન ડ્રિલિંગમાં કોઈ અડચણ ઊભી નહોતી થઈ. પાઇપલાઇન પાથરતી વખતે અમારા માટે કોઈ સમસ્યા ઊભી નથી થઈ."

મહમૂદ અહમદ જણાવે છે, "એક વાર ડ્રિલિંગ થઈ ગયા પછી અમે છ ફૂટના પાઇપને અંદર જવા દઈએ છીએ. એમાં વધારે સમય નથી લાગતો. પણ પહેલી પાઇપને ડ્રિલ કર્યા પછી અમારે તેને વેલ્ડિંગ કરીને તેની સાથે બીજી પાઇપને જોડવાની હોય છે."

"આ વેલ્ડિંગ ખૂબ જ મજબૂત હોવું જોઈએ. બંને પાઈપને જોડવા માટે કરાતા વેલ્ડિંગમાં ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. અમે આ સમયને ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ અમે આ સમયને ઘટાડીને સાડા ત્રણ કલાકનો કરી દીધો છે."

ઉત્તરાખંડના સચિવ નીરજ ખૈરવાલ બચાવ અભિયાનના નોડલ અધિકારી છે. તેમણે કહ્યું, "ટનલમાં કાટમાળમાં ફસાયેલા મજૂરો સુધી અમે એક માઇક્રોફોન અને સ્પીકર પહોંચાડી દીધાં છે."

"તેના માધ્યમથી ડૉક્ટરો મજૂરો સાથે સંવાદ કરી રહ્યા છે. માનસિક સ્વાસ્થ્ય મહત્ત્વપૂર્ણ છે. એટલે મનોચિકિત્સક સંવાદ કરી રહ્યા છે."

"અમે તેમના સુધી ભોજન પહોંચાડ્યું છે. અમે તેમને તાજું ભોજન મળે તેવી વ્યવસ્થા કરી છે. અમે તેમને ટુવાલ, આંતરવસ્ત્રો, ટૂથ બ્રશ જેવી જરૂરી વસ્તુઓ પહોંચાડી છે."

ટનલ દુર્ઘટનાના પીડિતોમાંથી એકના સંબંધી ઇન્દ્રજિત કુમારે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે જો ફસાયેલા મજૂરો બહાર આવશે તો તેમને ખૂબ ખુશી થશે.

તેમણે કહ્યું કે, "મારો ભાઈ અને મારા પરિચિત કાટમાળમાં ફસાયેલા છે. અધિકારી જે કંઈ પણ કહે છે તે સાચું છે. હું સવારે છ વાગ્યે પોતાના ભાઈ સાથે વાત કરવા માટે ટનલમાં ગયો હતો. તેઓ બહાર આવશે તો અમને અપાર ખુશી થશે."

ઉત્તરકાશી જિલ્લાની સિલક્યારા ટનલ એ કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી હાઈવે પ્રોજેક્ટનો ભાગ છે. જેનો હેતુ ઉત્તરાખંડમાં આવેલાં તીર્થ સ્થળોની કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો છે. પર્વતોથી ઘેરાયેલા આ રાજ્યમાં હિમાલયના ઘણાં શિખરો અને ગ્લેશિયરો આવેલાં છે, અહીં હિંદુઓ માટેનાં ઘણાં પવિત્ર સ્થળો સ્થિત છે.

આસપાસનો વિસ્તાર ટેકરીઓથી ભરાયેલો અને અતિ દુર્ગમ છે. આ વિસ્તાર પર અવારનવાર ભૂકંપ અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓ પણ જોવા મળે છે.