મહારાષ્ટ્ર : મહિલા ડૉક્ટરે હથેળીમાં સ્યૂસાઇડ નોટ લખી કરી આત્મહત્યા, આ કેસમાં અત્યારસુધી શું-શું બહાર આવ્યું?

બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર મહિલા ડૉક્ટર આત્મહત્યા પોલીસ પીએસઆઈ

ઇમેજ સ્રોત, BBC/Getty Images

મહારાષ્ટ્રના સતારામાં એક મહિલા ડૉક્ટરની આત્મહત્યાના કેસમાં ફરાર આરોપી પીએસઆઈ ગોપાલ બદને આત્મસમપર્ણ કરી દીધું છે. સતારાના ફલટણની આ ઘટના પછી પીએસઆઈ ફરાર હતા અને પોલીસ શોધી રહી હતી.

શનિવારે પીએસઆઈ ગોપાલ બદન પોતે પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા. હજુ સુધી તેમણે કોઈ માહિતી નથી આપી.

ફલટણમાં એક મહિલા ડૉક્ટરે પોતાની હથેળી પર સ્યૂસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી હતી તેના કારણે ખળભળાટ મચી ગયો છે. આત્મહત્યા કરનારાં મહિલા ડૉક્ટરે પોલીસ અધિકારી ઉપરાંત અન્ય વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાં રેપના આરોપ પણ સામેલ છે.

દરમિયાન શંકાસ્પદ પીએસઆઈ પોલીસની શરણે આવ્યા છે. અગાઉ પ્રશાંત બનકર નામની એક વ્યક્તિને પોલીસે પૂણેથી પકડી છે.

(આત્મહત્યા એ ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)

મહિલા ડૉક્ટરની આત્મહત્યાનો મામલો શો છે?

બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર મહિલા ડૉક્ટર આત્મહત્યા પોલીસ પીએસઆઈ
ઇમેજ કૅપ્શન, ફરાર પીએસઆઈ ગોપાલ બદને સામેથી પોલીસ સમક્ષ હાજર થયા હતા

મહિલા ડૉક્ટરે 23 ઑક્ટોબર (ગુરુવારે) ફલટણની એક હોટલમાં જઈને આત્મહત્યા કરી હતી. તેમની હથેળી પર સ્યૂસાઇડ નોટ મળી જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

ડૉક્ટરે આરોપ લગાવ્યો છે કે એક પોલીસ અધિકારીએ તેના પર ચાર વખત રેપ કર્યો હતો તથા બીજી એક વ્યક્તિએ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.

તેમનાં ભાઈએ જણાવ્યું કે મહિલા ડૉક્ટર પર એક ખોટો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ તૈયાર કરવા માટે રાજકીય અને પોલીસનું ભારે દબાણ હતું.

મહિલા ડૉક્ટરના સગાંઓએ કહ્યું કે "એક સાંસદના પર્સનલ સહાયકનો ફોન આવતો અને બનાવટી રિપોર્ટ તૈયાર કરવા દબાણ કરવામાં આવતું હતું."

તેમનાં ભાઈએ મીડિયાને જણાવ્યું કે "છેલ્લા એક વર્ષથી રાજકારણીઓ અને પોલીસ દ્વારા બનાવટી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને બહેને વારંવાર આના વિશે વાત કરી હતી."

"પરંતુ મેં ધાર્યું ન હતું કે આટલું દબાણ હશે. અંતે કંટાળીને અને ત્રાસ સહન ન થઈ શકવાથી તેણે આત્મહત્યા કરી લીધી."

તેમણે કહ્યું કે "તેમણે (મહિલા ડૉક્ટરે) પોતાના હાથ પર એ પોલીસ અધિકારીઓનાં નામ પણ લખ્યાં છે જે તેમને પરેશાન કરતા હતા. તેમણે છેલ્લા બે વર્ષમાં ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) અને એસપીને (સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) પણ આ વિશે ફરિયાદ કરતા પત્રો લખ્યા છે."

"તેમના આવવા અને જવાનો રેકૉર્ડ પણ નોંધવામાં આવ્યો છે. પરંતુ તેમની ફરિયાદ પર હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. તેમણે કેટલીક માહિતી માટે આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફોર્મેશન) અરજી પણ કરી હતી, પરંતુ કોઈ જવાબ નથી મળ્યો."

એક આરોપીની ધરપકડ, પીએસઆઈનું આત્મસમર્પણ

બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર મહિલા ડૉક્ટર આત્મહત્યા પોલીસ પીએસઆઈ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પીડિત ડૉક્ટરે જે સ્યૂસાઇડ નોટ લખી હતી તેના આધારે પ્રશાંત બનકર નામના આરોપીને પકડી લેવાયો છે, બીજો આરોપી પોલીસ અધિકારી હતો જે રૂબરુ હાજર થઈ ગયો છે.

પ્રશાંતને પૂણેથી પકડ્યા પછી ફલટણ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. તેમને 28 ઑક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

જિલ્લાના પોલીસ વડા તુષાર દોશીએ જણાવ્યું કે મહિલા ડૉક્ટર પર ચાર વખત રેપ કરવાનો જેના પર આરોપ છે, તે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બંને આરોપીઓ સામે કેસ દાખલ કરાયો છે.

પોલીસ અધિક્ષક તુષાર દોશીએ કહ્યું કે શુક્રવારે સવારે કેસ દાખલ થયો હતો. "મહિલા ડૉક્ટરે પોતાના હાથ પર બે નામ લખ્યાં છે. તેમાં ફલટણના પીએસઆઈ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) અને એક સામાન્ય નાગરિકનો ઉલ્લેખ છે."

"બળાત્કાર અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાની બે કલમો હેઠળ કેસ કરાયો છે. આરોપીની ધરપકડ માટે એક ટીમ મોકલવામાં આવી છે. પીએસઆઈ વિરુદ્ધ કેસ દાખલ થયો હોવાથી તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે."

મહિલા ડૉક્ટર પર કોઈ ખોટો રિપોર્ટ લખવા દબાણ હતું કે કેમ તેવા સવાલના જવાબમાં પોલીસે કહ્યું કે "તેમણે તત્કાલીન એસડીપીઓ (સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર) સમક્ષ પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તેમની વિરુદ્ધ જિલ્લા સર્જન સમક્ષ ફરિયાદ કરી હતી. બંને ફરિયાદો એકબીજા વિરુદ્ધ હતી."

સ્વજનોનું કહેવું છે કે એક સાંસદના પીએ પણ મહિલા ડૉક્ટર પર દબાણ કરતા હતા.

શું આ તપાસ રાજકીય દબાણ હેઠળ થઈ રહી છે? આના વિશે પોલીસ અધિક્ષક તુષાર દોશીએ કહ્યું કે, "પ્રાથમિક રીતે આ અકુદરતી મોત લાગે છે. પ્રથમ નજરે આત્મહત્યા જણાય છે."

"પ્રથમ એ સાબિત કરવું પડશે કે આ આત્મહત્યા છે. ત્યાર પછી તેનાં કારણોની તપાસ થશે. મહિલાએ આ વિશે શું લખ્યું છે, તેમણે પહેલાં કોની સાથે વાત કરી હતી, તે બધી તપાસ થશે."

ફરિયાદો કરવા છતાં ધ્યાન ન અપાયું

મહિલા ડૉક્ટરના કાકા અને ભાઈએ મીડિયાને કહ્યું કે પીડિતે પોતાની તકલીફો વિશે વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી, પરંતુ તેના પર ધ્યાન અપાયું ન હતું.

મહિલા ડૉક્ટરે 10 જૂન, 2025ના રોજ ફલટણના ડીવાય એસપીને પત્ર લખીને ફરિયાદ કરી હતી.

તેમાં તેમણે લખ્યું છે, "મારા પર વારંવાર એવો રિપોર્ટ લખવા દબાણ કરવામાં આવે છે કે દર્દી (આરોપી) ફીટ છે, પરંતુ તે ફીટ નથી. તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. મેં પોલીસ ઇન્સ્પેક્ટરને આ વિશે ફોન પર કહ્યું તો તેમણે કહ્યું કે મારે આની સાથે કોઈ લેવાદેવા નથી."

ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં ન આવતા મહિલા ડૉક્ટરે 13 ઑગસ્ટે આરટીઆઈ હેઠળ અરજી કરી હતી.

પરંતુ તેમના ભાઈનું કહેવું છે કે આરટીઆઈ અરજીનો પણ કોઈ જવાબ નથી મળ્યો. ત્યાર પછી એક પત્રમાં મહિલાએ પોતાની ફરિયાદોને વિગતવાર વર્ણવી હતી.

મહિલાની ફરિયાદ પર કેમ ધ્યાન ન અપાયું?-સુપ્રિયા સૂળે

બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર મહિલા ડૉક્ટર આત્મહત્યા પોલીસ પીએસઆઈ

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં (શરદ પવાર) સાંસદ સુપ્રિયા સૂળેએ આ મામલે પોસ્ટ કરીને કહ્યું કે "મહિલા ડૉક્ટરની આત્મહત્યાનો કેસ બહુ ગંભીર છે."

તેમણે પોસ્ટમાં લખ્યું કે, "મહિલાએ પોતાની સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે તેમણે પોતાના ઉપરી અધિકારીઓને વારંવાર કહ્યું હતું કે કેટલાક દિવસથી તેમની શારીરિક અને માનસિક સતામણી થાય છે. છતાં તેમની ફરિયાદો પર કોઈએ ધ્યાન ન આપ્યું. અંતે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું."

આ સમસ્યાના મૂળ ક્યાં છે? મહિલાની ફરિયાદ પર ધ્યાન કેમ ન અપાયું? આ બધા સવાલોના જવાબ મળવા જોઈએ.

રાજ્યના મહિલા પંચનાં પ્રમુખ રુપાલી ચાકણકરે આ વિશે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું, "રાજ્ય મહિલા પંચે આ ઘટનાની નોંધ લીધી છે. ફલટણ સિટી પોલીસમાં ભારતીય દંડ સંહિતાની (બીએનએસ) કલમ 64 (2), 108 હેઠળ કેસ દાખલ થયો છે. ફરાર આરોપીઓની ધરપકડ માટે એક ટીમ મોકલવામાં આવી છે."

રાજ્ય મહિલા આયોગનાં વડાં રુપાલી ચાકણકરે કહ્યું, "પંચે પોલીસને નિર્દેશ આપ્યો છે કે પીડિતાએ પહેલેથી પોતાની સાથે થતા અત્યાચારની ફરિયાદ કરી હતી તો પછી તેને સહાયતા કેમ ન મળી અને સંબંધિત લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવે."

આ સમગ્ર મામલે રાજ્યના ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે આ મામલો ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચાલશે.

તેમણે વધુમાં કહ્યું, "જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી છે તે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવાશે. અમારી મહિલા ડૉક્ટર સાથે જે અન્યાય થયો છે, આ ઘટનાથી જેના પણ સંબંધ છે, તેમને છોડવામાં નહીં આવે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન