દિવાળીમાં ફટાકડાની જેમ ફોડાઈ એ 'કૅલ્શિયમ કાર્બાઇડ' ગન શું છે, તે કેવી રીતે નુકસાન કરી શકે, ગુજરાતમાં ક્યાં વપરાય છે?

ઇમેજ સ્રોત, Ajit Gadhvi
આ વખતે દિવાળીના તહેવારો દરમિયાન દેશનાં મોટાં શહેરોમાં પ્રદૂષણમાં ભારે વધારો થયો તેની ભારે ચર્ચા થઈ છે. આ ઉપરાંત ફટાકડાની જેમ ઉપયોગમાં લેવાતું એક સાધન પણ ચર્ચાસ્પદ બન્યું છે, જે આમ તો બહુ સસ્તું છે, પરંતુ તેનાથી ગંભીર ઈજા થઈ શકે છે.
આ સાધન એટલે પીવીસી અથવા મેટલના પાઇપમાંથી બનતી 'કૅલ્શિયમ કાર્બાઇડ ગન'.
મધ્ય પ્રદેશમાં કૅલ્શિયમ કાર્બાઇડ ગનનો ઉપયોગ કરવાથી 180થી વધુ લોકોને ઈજા થવાથી ભોપાલની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં બાળકો પણ સામેલ છે જેમના નેત્રપટલને ગંભીર નુકસાન થયું હતું.
'કૅલ્શિયમ કાર્બાઇડ' ગન શું હોય છે?
કાર્બાઇડ ગનમાં પીવીસી અથવા ધાતુના પાઇપનો ઉપયોગ થાય છે જેમાં એક ચૅમ્બરમાં કૅલ્શિયમ કાર્બાઇડ ભરવામાં આવે છે. તેની સાથે પાણી ઉમેરવામાં આવે એટલે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ઍસિટાઇલિન ગૅસ પેદા થાય છે.
ગૅસ લાઇટરનો ઉપયોગ કરીને તેનો ધડાકો કરવામાં આવે ત્યારે પ્રચંડ અવાજ થાય છે જે એકદમ ફટાકડા જેવો હોય છે. કાર્બાઇડ ગનની રાસાયણિક પ્રક્રિયા નિયંત્રિત ન હોવાના કારણે તે જોખમી સાબિત થઈ શકે છે.
ભારતમાં શહેરી વિસ્તારોમાં વાંદરાને ભગાડવા માટે તેનો ઉપયોગ થાય છે, જ્યારે ખેડૂતો તેનો ઉપયોગ જંગલી પશુઓને ખેતરથી દૂર રાખવા માટે કરે છે. ઈકૉમર્સ વેબસાઇટ્સ પર પણ તેનું વેચાણ થાય છે.
ગુજરાતના કાર્બાઇડ ગનનો ઉપયોગ
ગુજરાતમાં જંગલી ઢોરથી ત્રાસેલા ખેડૂતો મોટા ભાગે આ ગનનો ઉપયોગ કરે છે.
જોકે તેનાથી થતા નુકસાનને જોતાં ગુજરાતના ભાવનગરમાં તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિવાળીથી અગાઉ 17 ઑક્ટોબરે ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડીને પીવીસીની કાર્બાઇડ ગનના ખરીદ, વેચાણ, સંગ્રહ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
જાહેરનામામાં જણાવાયું હતું કે "પીવીસીની કાર્બાઇડ ગન ફોડવામાં આવે ત્યારે તેમાંથી ઍસિટાઇલિન નામનો ગૅસ નીકળે છે જે આંખમાં બળતરા પેદા કરતો હોવાના અહેવાલ છે. તેનાથી નાનાં બાળકોની આંખોમાં કાયમી અને ગંભીર નુકસાન થતું હોવાના અહેવાલ છે. તેથી કાર્બાઇડયુક્ત ચાઇનીઝ ફટાકડા અને પીવીસી કાર્બાઇડ ગન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે."
જોકે, આ પ્રતિબંધ કાયમી નથી, પરંતુ પાંચમી નવેમ્બર 2025 (દેવદિવાળી) સુધી છે.
ભાવનગર પોલીસે ગયા અઠવાડિયે કાર્બાઇડ ગનના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
મોરબીના ટંકારા તાલુકાના એક ખેડૂતે બીબીસી ગુજરાતીને નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે "અમારે ત્યાં રોઝડા અને ભૂંડનો ભારે ત્રાસ છે. તેને ભગાડવા માટે ઘણા ખેડૂતો પીવીસીની કાર્બાઇડ ગનનો ઉપયોગ કરે છે જે 100થી 200 રૂપિયામાં મળી જાય છે."
"આ ગન હકીકતમાં પીવીસીના બે પાઇપ જ છે, જેમાં એક કાણામાં કૅલ્શિયમ કાર્બાઇડની ગોળી નાખવાની હોય છે. તેમાં થોડું પાણી ઉમેરીને હલાવવામાં આવે એટલે ગૅસ પેદા થાય છે અને ધડાકો થાય છે. આનાથી કોઈ પશુને ઈજા નથી થતી, માત્ર તે ધડાકાથી ગભરાઈને ભાગી જાય છે."
ટંકારાના ખેડૂત કહે છે કે "જામનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિત ઘણા જિલ્લામાં જંગલી પશુઓ ખેતરમાં ગમે ત્યારે ઘૂસી આવે અને પાકને નુકસાન પહોંચાડે છે. ઘણા લોકો ઝટકા સિસ્ટમ ફીટ કરાવે છે જેમાં ખેતરની ફરતે વાડ બાંધવામાં આવે છે અને તેમાં ઘૂસવા જતા રોઝડા, ભૂંડ અથવા બીજા પ્રાણીને હળવો વીજ આંચકો લાગે છે. મોટા ખેડૂતો ખેતર ફરતે વાડ અથવા ફેન્સિંગ પણ કરાવે છે. પરંતુ તેનો ખર્ચ મોટો આવે છે. આ ઉપરાંત પાંચ-છ ફૂટની વાડને રોઝડા આસાનીથી કૂદી જાય છે."
"ઘણી વખત દિવસ દરમિયાન રોઝના ટોળા આવી જાય છે. બાકી રાતના સમયે ખેડૂતોને ઉજાગરા કરીને ખેતરમાં રહેવું પડે છે અને કાર્બાઇડ ગનનો ઉપયોગ કરવો પડે છે."
મધ્ય પ્રદેશમાં અનેક બાળકોની આંખને નુકસાન

ઇમેજ સ્રોત, PTI Video Grab
આ વખતે દિવાળીમાં કાર્બાઇડ ગન એટલા માટે ચર્ચામાં આવી છે કારણ કે મધ્ય પ્રદેશમાં 180થી વધુ લોકોને કૅલ્શિયમ કાર્બાઇડ ગનનો ઉપયોગ કરવાથી ઈજા થવાથી ભોપાલની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમાં 8થી 14 વર્ષની વયનાં બાળકો પણ સામેલ છે જેમની આંખને ઈજા થઈ છે.
આ વખતે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ વાઇરલ થયો હતો જેમાં લોકોને કૅલ્શિયમ કાર્બાઇડ ગનનો ઉપયોગ ફટાકડા તરીકે કરતા દેખાડાયા હતા, પરંતુ તેના ઉપયોગમાં કાળજી ન રાખવાના કારણે લોકોની આંખને નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસનો અહેવાલ કહે છે કે "જે 186 લોકોને જિલ્લા હૉસ્પિટલમાં આંખની સારવાર અપાઈ હતી તેમાંથી 10ને કાયમી નુકસાન થયું છે. કુલ મળીને 15 લોકો પર સર્જરી કરવી પડી હતી."
અહેવાલમાં જણાવાયું છે કે "કૅલ્શિયમ કાર્બાઇડ ગનનો ફટાકડાની જેમ ઉપયોગ કરવાથી કેટલાક લોકોના ચહેરા દાઝી ગયા છે અને બાળકોની આંખો સોજી ગઈ છે અને તેમના કૉર્નિયા એટલે કે નેત્રપટલને નુકસાન થયું છે."
હૈદરાબાદ સ્થિત એલ વી પ્રસાદ આઈ ઈન્સ્ટિટ્યૂટના એક અહેવાલ પ્રમાણે ફટાકડાના કારણે થતી કુલ ઈજાઓમાં 15 ટકા ઈજાઓ આંખને લગતી હોય છે. કેલ્શિયમ કાર્બાઈડ એ કૃષિ ઉત્પાદનોની સાથે સાથે ફટાકડા બનાવવા માટે પણ વપરાય છે. પીવીસી પાઈપમાંથી બનાવાતી કેલ્શિયમ કાર્બાઈડ ગન તેનું ઉદાહરણ છે. આ એક પ્રકારનું જુગાડ સાધન છે જેનો ઉપયોગ કેરળ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ જંગલી પશુઓને ભગાડવા માટે થાય છે.
ફટાકડાથી જ્યારે આંખ દાઝી જાય ત્યારે નેત્રપટલ પોતાની જાતને રિપેર કરવાની ક્ષમતા ગુમાવે છે, દૃષ્ટિ ઝાંખી પડી જાય છે અને કેટલાક કિસ્સામાં દૃષ્ટિ ગુમાવવામાં આવે છે તેમ અહેવાલમાં જણાવાયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












