ધર્મેન્દ્ર : અમિતાભ અને રાજેશ ખન્નાના સુપરસ્ટારડમ વચ્ચે પણ હીમૅન કઈ રીતે અડીખમ ઊભા રહ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
હિન્દી ફિલ્મજગતમાં હી-મૅન તરીકે જાણીતા અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે "ધર્મેન્દ્ર જીના જવાથી ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવી ગયો છે."
કેટલાક દિવસો પહેલા જ ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી શ્વાસ સંબંધિત સમસ્યાઓને કારણે દાખલ હતા. પછી ઇલાજ બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા.
ફિલ્મી પરદા પર ઍક્શન હીરોની છાપ ધરાવતા ધર્મેન્દ્ર શાયરનો મિજાજ ધરાવતા વ્યક્તિ હતા.
પરંતુ 'ઍક્શન હીરો' અને 'હી-મૅન' જેવા શબ્દોમાં બંધાયેલા રહેલા ધર્મેન્દ્રને જો આ બંધનોથી મુક્ત કરીને જોઈએ તો તેઓ તેનાથી ઘણા ઉચ્ચ કોટિના કલાકાર હતા.
ફિલ્મ 'અનુપમા'ના એક સંવેદનશીલ લેખક, સામાજિક નિસબત ધરાવનાર 'સત્યકામ'ના આદર્શ જિદ્દી નવયુવાન, કૉમેડીથી લોટપોટ કરનાર 'ચુપકે-ચુપકે'ના પ્રોફેસર પરિમલ...
અને વાસ્તવિક જીવનમાં એક શાયર, એક પ્રેમી, એક પિતા, દુનિયાના સૌથી હૅન્ડસમ પુરુષોમાં ગણાનાર, દારૂની આદત પર કાબૂ મેળવનાર એક માણસ અને રાજકારણના વન-ટાઇમ રાજનેતા.
નવાઝ શરીફ પણ તેમના ફૅન હતા

ઇમેજ સ્રોત, Getty Images
1935માં પંજાબમાં જન્મેલા ધર્મેન્દ્રસિંહ દેઓલે પોતાના વતનના ગામ નરસાલીથી લઈને બૉમ્બે સુધીની એવી સફર કરી જેને એક સપનું જ કહી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત જ નહીં, પાકિસ્તાનમાં પણ ધર્મેન્દ્રના ઘણા બધા ફૅન છે, જેમાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પણ સામેલ છે.
ધર્મેન્દ્રએ આ કિસ્સો સંભળાવ્યો હતો, "નવાઝ શરીફ જ્યારે ભારત આવ્યા હતા, ત્યારે તેમની સાથે મુલાકાત થઈ હતી. નવાઝ શરીફે જણાવ્યું કે તેમનો પરિવાર ગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મારા ઘરની સામે કાર રોકાવી દેવાઈ. તેમને તેમનાં પત્ની અને બાળકોને જણાવ્યું હતું – જુઓ, આ ધર્મેન્દ્રનું ઘર છે."
મહેશ ભટ્ટ માટે ધર્મેન્દ્રએ ટ્રક ડ્રાઇવર પાસેથી કપડાં ઉધાર લીધાં

ઇમેજ સ્રોત, Satish Bate/Hindustan Times via Getty Images
ધર્મેન્દ્ર પોતાની ઍક્ટિંગ દ્વારા તો પ્રખ્યાત થયા જ, સાથે સાથે તેમની ઉદારતાના કિસ્સા પણ.
લેખક રાજીવ વિજયકરનું પુસ્તક 'ધર્મેન્દ્ર: નૉટ જસ્ટ એ હી-મૅન' આવી ઘટનાઓથી સભર છે.
પુસ્તકમાં મહેશ ભટ્ટ જણાવે છે, "ફિલ્મ 'દો ચોર'ના સેટ પર હું સહાયક તરીકે કામ કરતો હતો. મેં યોગ્ય રીતે સૂચના નહોતી આપી, એ કારણે ધર્મેન્દ્રનો ટ્રક ડ્રાઇવરનો ડ્રેસ લોકેશનથી દૂર હોટલમાં ભુલાઈ ગયો હતો. આ સીન કોઈ પણ સ્થિતિમાં સવારે શૂટ કરવાનો જ હતો, નહીંતર નિર્માતાને ઘણું નુકસાન થાત. મેં ધર્મેન્દ્રને મારી મુશ્કેલી જણાવી."
"ધર્મેન્દ્રએ ખૂબ ધ્યાનથી મારી વાત સાંભળી. તેઓ ઊભા થયા. નજીકમાં એક ટ્રક ડ્રાઇવર હતા. તેમની પાસે ગયા. ધરમજીએ એ ડ્રાઇવરે પહેરેલાં મેલાં કપડાં ઉધાર લીધાં. એક ડ્રેસમૅનની ભૂલને પોતાની ઉદારતા અને કલ્પનાશીલતાથી ઢાંકી દીધી."
દિલીપકુમારે ઍક્ટિંગની ઇચ્છા જગાડી

ઇમેજ સ્રોત, Vijay Bate/Hindustan Times via Getty Images
બાળપણથી શરૂઆત કરીએ તો પિતા લુધિયાણાની પાસે સાનેવાલા ગામમાં ગણિતના માસ્તર હતા અને ત્યાં ફિલ્મ જોવી કલ્પના બહારની વાત હતી.
યુવાનીમાં એક દિવસ ચોરીછૂપીથી દિલીપકુમારની ફિલ્મ 'શહીદ' જોઈ, જે 1948માં આવી હતી.
ધર્મેન્દ્ર જણાવે છે કે તે ફિલ્મ અને દિલીપકુમારે તેમના દિલ પર ગજબનો જાદુ કર્યો હતો અને તેમનું નસીબ જાણે એ જ દિવસે નક્કી થઈ ગયું હતું.
કિસ્મત પણ કદાચ ધર્મેન્દ્રને સાથ આપી રહી હતી. 1958માં ફિલ્મફેર મૅગેઝીને એક ટૅલેન્ટ હન્ટની જાહેરાત કરી, જેમાં બિમલ રૉય અને ગુરુ દત્ત જેવા દિગ્ગજ સામેલ હતા.
તે સમયે મલેરકોટલામાં નોકરી કરતા ધર્મેન્દ્ર ત્યાં જાન મોહમ્મદ ફોટો સ્ટુડિયો ગયા અને કહ્યું કે બસ કંઈક એવું કરો કે દિલીપકુમાર બનાવી દો અને સિલેક્શન થઈ જાય.
અને થયું પણ એવું જ. ગામનો છોકરો શિફ્ટ થઈને મુંબઈ પહોંચી ગયો.
અને શરૂ થઈ એવી ફિલ્મી કહાની જેમાં ઇમોશન પણ હતું, ડ્રામા પણ અને ટ્રૅજડી પણ.
બિમલ રૉયનાં ધર્મેન્દ્ર અને 'બંદિની'

ઇમેજ સ્રોત, Satish Bate/Hindustan Times via Getty Images
બિમલ રૉયે ધર્મેન્દ્રને—જેને તેઓ ધર્મેન્દુ કહેતા હતા—ફિલ્મ 'બંદિની'માં તેમનો પહેલો રોલ આપ્યો.
જોકે, 'બંદિની' બનાવવામાં સમય લાગ્યો અને એ દરમિયાન સંઘર્ષના દિવસોમાં અર્જુન હિંગોરાનીએ ધર્મેન્દ્રને ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે' માટે સાઇન કર્યા.
1966માં આવેલી 'ફૂલ ઔર પત્થર'એ ધર્મેન્દ્રને સોલો હીરો તરીકેની ઓળખ અપાવી. ફિલ્મનો એક સીન છે, જેમાં ગુંડા શરાબીના રોલમાં ધર્મેન્દ્ર એક ભિખારી અને વિધવાને પોતાનો શર્ટ ઉતારીને પહેરાવી દે છે.
એ જમાનામાં કોઈ હીરોની એવી બૉડી નહોતી. આ ફિલ્મમાં હીમૅનની પહેલી ઝલક જોવા મળી અને ધર્મેન્દ્રને ફિલ્મફેરમાં પહેલું નામાંકન.
અમિતાભ–રાજેશ ખન્ના હોવા છતાં હિટ

ઇમેજ સ્રોત, Yogen Shah/The India Today Group via Getty Images
60ના દાયકાનો અંત આવતાં સુધીમાં ધર્મેન્દ્ર સફળતાની સીડી ચડવા લાગ્યા હતા. પરંતુ તેમના માટે સ્પર્ધા આકરી હતી.
જ્યારે 60ના દાયકામાં તેઓ શરૂઆત કરી રહ્યા હતા ત્યારે શમ્મી કપૂર છવાયેલા હતા. 1970 આવતાં આવતાં રાજેશ ખન્ના નામનું તોફાન આવ્યું. અને જ્યારે તેઓ આકાશને આંબી રહ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચન નામની આંધી આવી.
પરંતુ આ બધાની વચ્ચે ધર્મેન્દ્ર કદાચ એકલા એવા ઍક્ટર હતા જેઓ 60થી લઈને 80ના દાયકા સુધી હિટ મશીનની જેમ ટકી રહ્યા.
'અનુપમા'ના કવિ અને 'સત્યકામ'

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images
ધર્મેન્દ્રના કરિયરની વાત કરીએ તો 'અનુપમા' અને 'સત્યકામ' બંને મારી પસંદગીની ફિલ્મોમાં રહી અને બંને ઋષિકેશ મુખર્જીએ બનાવી હતી.
1969માં આવેલી 'સત્યકામ'માં તાજેતરમાં જ આઝાદ થયેલા હિન્દુસ્તાનમાં સત્યને સૌથી શ્રેષ્ઠ માનનાર સત્યપ્રિય (ધર્મેન્દ્ર) પોતાનું સમગ્ર દાવ પર લગાવી દેવાની હદ સુધી આદર્શવાદી છે.
વિચારીને પણ નવાઈ લાગે છે કે કોઈ પાત્ર મનમાં એકસાથે આટલા ભાવ કઈ રીતે જન્માવી શકે છે – આટલો સંઘર્ષ, ગુસ્સો, પ્રેમ, ડર, સહાનુભૂતિ અને માન પણ. ઋષિકેશ મુખર્જી પણ આને પોતાની અને ધર્મેન્દ્રની સૌથી સારી ફિલ્મ માનતા હતા.
જ્યારે 'અનુપમા' ફિલ્મમાં ધર્મેન્દ્ર દિલને સ્પર્શી જનારા એવા લેખક હતા જે એક એવી છોકરીના દિલમાં એવી જગ્યા બનાવી લે છે, જેણે બધા માટે પોતાના દિલનો દરવાજો બંધ કરી દીધો છે.
જ્યારે એ લેખક ગાય છે કે 'યા દિલ કી સુનો દુનિયાવાલોં યા મુજકો અભી ચુપ રહેને દો…' ત્યારે તે ખરેખર તમને મનના ઊંડાણ સુધી લઈ જાય છે.
કે પછી, એ ખુમારીમાં 'છલકાયે જામ આઈએ આપકી આંખોં કે નામ' ગાય છે.
ધર્મેન્દ્ર અને હી-મૅન

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images
આ ધર્મેન્દ્ર માટે 'હકીકત', 'દિલને ફિર યાદ કિયા', 'મમતા', 'મેરે હમદમ મેરે દોસ્ત' જેવી ફિલ્મોનો યુગ હતો, જેમાં તેમને બિમલ રૉય, ઋષિકેશ મુખર્જી, ચેતન આનંદ જેવા નિર્દેશકોએ ચમકાવ્યા.
પછી આવ્યો 70નો દાયકો, જેમાં ધર્મેન્દ્રનો અલગ અંદાજ જોવા મળ્યો – તેમાં ઍક્શન, રોમાન્સ, કૉમેડી, કૉમર્શિયલ સિનેમા બધું જ હતું – 'જીવન મૃત્યુ', 'સીતા ઔર ગીતા', 'ચરસ', 'બ્લૅકમેલ', 'ચુપકે ચુપકે' – અર્થાત્ એક પછી એક હિટ.
1975માં 'શોલે' આવે ત્યાં સુધીમાં તો તેમની એટલે કે વીરુની લોકપ્રિયતા પ્રગતિમાં હતી.
ભલે ને એ ટાંકી પર ચડી જવાનો સીન હોય - "વૅન આઈ ડેડ, પુલીસ કમિંગ... પુલીસ કમિંગ, બુઢિયા ગોઇંગ જેલ... ઇન જેલ બુઢિયા ચક્કી પીસિંગ ઍન્ડ પીસિંગ ઍન્ડ પીસિંગ", કે ઘોડાગાડીવાળી બસંતીની સાથે ઘોડાગાડી પર રોમાન્સ કરતો વીરુ હોય – આ ફિલ્મે ધર્મેન્દ્રના સ્ટારડમને ચાર ચાંદ લગાડી લીધા.
સૌથી હૅન્ડસમ ઍક્ટરોમાં ધર્મેન્દ્રનો સમાવેશ થતો હતો

ઇમેજ સ્રોત, Waseem Gashroo/Hindustan Times via Getty Images
એ જમાનામાં ધર્મેન્દ્રને દુનિયાના સૌથી હૅન્ડસમ પુરુષોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ધર્મેન્દ્રના આઇડલ રહેલા દિલીપકુમારે એક ફંક્શનમાં કહેલું કે જ્યારે તેઓ ખુદાને મળશે ત્યારે પૂછશે કે તેમને ધર્મેન્દ્રની જેમ સુંદર કેમ ન બનાવ્યા?
આ અંગે ધર્મેન્દ્રએ બીબીસીને કહ્યું હતું, "વિચારું છું કે લોકો કહે છે તો કદાચ સાચું હશે. હીમૅન કહે છે, ગ્રીક ગૉડ પણ કહે છે. હું તો મારી ખૂબીઓમાં પણ ખામીઓ શોધતો રહું છું. વિચારું છું કે ક્યાંક ચાહકોના દિલમાંથી સ્થાન ન ગુમાવી દઉં."
હા, ડાન્સની બાબતમાં ધર્મેન્દ્રને ઝીરો માનવામાં આવતા હતા, જોકે 'જટ પગલા યમલા દીવાના' જેવાં તેમનાં ગીત ખૂબ જાણીતાં થયાં.
આ ગીત વિશે ધર્મેન્દ્રએ બીબીસીને જણાવ્યું હતું, "ફિલ્મમાં મેં જાહેરમાં નાચવાનો ઇન્કાર કરી દીધો હતો. તેથી મારા અને રેખા માટે ક્રેન લગાવવામાં આવી. પછી હું એવો તો તાનમાં આવી ગયો કે શરમ જતી રહી. તમારો ધરમ બેશરમ થઈ ગયો."
હેમા અને ધર્મેન્દ્રની પ્રેમ કહાની

ઇમેજ સ્રોત, SHOLAY
આ દરમિયાન હેમા માલિની સાથે પણ તેમનો પ્રેમ ઊંચાઈએ પહોંચ્યો. પ્રકાશકોર સાથે ધર્મેન્દ્રનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં.
જ્યારે ધર્મેન્દ્રએ 1980માં ડ્રીમ ગર્લ હેમા સાથે લગ્ન કર્યાં ત્યારે એનો ઘણો વિરોધ થયો.
હેમા માલિનીના જીવનચરિત્ર 'હેમા માલિની: બિઓન્ડ ધ ડ્રીમ ગર્લ'માં લેખક રામકમલ મુખર્જીએ લખ્યું છે, "1974માં જિતેન્દ્ર અને હેમા માલિનીનાં માતા-પિતાએ બંનેનાં લગ્નનો નિર્ણય કર્યો હતો. જોકે ત્યાં સુધી ધર્મેન્દ્ર હેમા માલિનીના જીવનમાં આવી ચૂક્યા હતા." ધર્મેન્દ્રને જ્યારે જાણ થઈ ત્યારે તેઓ સીધા મદ્રાસ પહોંચી ગયા જ્યાં લગ્ન થવાનાં હતાં. ધર્મેન્દ્રએ હેમા સાથે એકાંતમાં વાત કરી અને લગ્ન ન થઈ શક્યાં.
બાદમાં ધર્મેન્દ્ર પ્રોડ્યૂસર પણ બન્યા અને પોતાના પુત્રો સની અને બૉબી દેઓલને વિજેતા ફિલ્મ્સના બૅનર હેઠળ લૉન્ચ કર્યા.
જોકે તેઓ પુત્રીઓ ઈશા અને અહાના ફિલ્મોમાં આવે એની તરફેણમાં નહોતા.
કરિયરનાં વર્ષોમાં એક સમયે ધર્મેન્દ્રની જબરજસ્ત ખ્યાતિ હતી ત્યારે દારૂની આદતે તેમને નુકસાન પણ પહોંચાડ્યું, જેને તેઓ પોતે પણ સ્વીકારતા હતા.
ધર્મેન્દ્રએ બી ગ્રેડ ફિલ્મો પણ કરી

ઇમેજ સ્રોત, Getty Images
'સત્યકામ' અને 'ચુપકે ચુપકે'વાળા ધર્મેન્દ્રએ 90 પછી 'પાપી દેવતા', 'વીરુ દાદા', 'ડાકુ ભૈરવસિંહ', 'મહાશક્તિશાળી' જેવી ફિલ્મોમાં જે પ્રકારના રોલ કર્યા કે કરવા પડ્યા, તે જોવાનું તેમના ઘણા ફૅન્સ માટે ખરેખર પીડાદાયક રહ્યું.
લેખક રાજીવ વિજયકરે પોતાના પુસ્તક 'ધર્મેન્દ્ર - નૉટ જસ્ટ અ હીમૅન'માં લખ્યું છે, 1990થી લઈને 2003 - આને ધર્મેન્દ્રની કરિયરમાં રેટ્રોગ્રેડ સમય કહી શકીએ છીએ. 1990માં આવેલી કાંતિ શાહની ફિલ્મ 'મુન્નીબાઈ'થી તેઓ જાણે સંપૂર્ણપણે બી ગ્રેડ ફિલ્મોમાં સામેલ થઈ ગયા.
આ જ પુસ્તકમાં રાજકુમાર સંતોષીએ જણાવ્યું છે, "ધરમજીનો ફૅન હોવાના કારણે હું કહી શકું છું કે તેમની જે કંઈ મજબૂરીઓ રહી હોય, તેમણે પોતાના કરિશ્માને ઝાંખપ લગાડી અને સી ગ્રેડ ફિલ્મો કરીને ફૅન્સનો વિશ્વાસ તોડ્યો. 25 વર્ષમાં જે કમાયા હતા એ સ્ટેટસને ધરમજીએ ઝટકો આપ્યો. આ દુઃખદ વાત છે."
ઍક્ટિંગ મારી મહેબૂબા છે, ક્યારેક એ નારાજ થઈ જાય છે…

ઇમેજ સ્રોત, Hema Malini Instagram
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉંમરની સાથે જે રીતે ધર્મેન્દ્ર ફિલ્મોમાં વધુ નિખરી આવ્યા, એમાં ક્યારેય ઘટાડો ન થયો.
લંડનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં એક વાર ધર્મેન્દ્રએ મને કહેલું, "ઍક્ટિંગ મારા માટે મારી મહેબૂબા છે, હું તેને પ્રેમ કરું છું. જે રીતે આશિક અને માશૂકમાં ઝઘડો થઈ જાય છે... ક્યારેક એ નારાજ થઈ જાય છે, ત્યારે હું મનાવી લઉં છું, ક્યારેક હું નારાજ થઈ જાઉં છું, તો એ મનાવી લે છે. પરંતુ મેં તેને છોડી નથી."
સાચી વાત છે કે, ધર્મેન્દ્રએ ક્યારેય ઍક્ટિંગ નથી છોડી. વચ્ચે વચ્ચે પોતાની મહેબૂબાને મળવા તેઓ આવજા કરે છે અને રોલ સારો હોય તો તેમનું એ જ જૂનું રૂપ જોવા પણ મળે છે.
'જૉની ગદ્દાર' ફિલ્મમાં જ્યારે તેમની ગૅંગના મેમ્બર ઉંમરલાયક ધર્મેન્દ્રની કાબેલિયત પર શંકા કરે છે, ત્યારે તેઓ કહે છે, 'ઇટ્સ નૉટ ધ એજ, ઇટ્સ ધ માઇલેજ" – કહેવાનો અર્થ એ કે ઉંમર ન જુઓ, કાબેલિયત જુઓ.
અથવા 'લાઇફ ઇન મેટ્રો'માં જીવનના અંતિમ પડાવે પોતાની પ્રેમિકા નફિસા અલી સાથે થોડીક પળ વિતાવતા મિસ્ટર અમોલ. કે પછી 'રાની ઔર રૉકી કી પ્રેમ કહાની'ના એ પ્રેમી જેની સ્મૃતિ ભૂંસાઈ ચૂકી છે.
થોડીક વાર માટે પણ ભલે, એ જ જૂની સુંદરતા ફરી જોવા મળી.
ફિલ્મોથી અલગ, રાજકારણમાં પણ તેમણે પ્રવેશ કર્યો હતો. અટલબિહારી વાજપેયીના કહેવાથી તેઓ બીકાનેરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. જોકે, તેઓ રાજકારણમાં આવ્યાને પોતાની મોટી ભૂલ માનતા હતા.
અભિનય ઉપરાંત ધર્મેન્દ્રને ઉર્દૂ શાયરી સાથે હંમેશા પ્રેમ રહ્યો.
એક વાર જ્યારે મેં ઉર્દૂમાં મોહબ્બત વિશે પૂછ્યું, ત્યારે જવાબ કંઈક આવો મળ્યો હતો, "એહસાનમંદ હૂં જબાંને ઉર્દૂ તેરા...
તેરી જબાં મેં બયાન-એ-એહસાસ-એ-દિલ આ ગયા..."
કંઈ આવા જ હતા ધર્મેન્દ્ર – લાગણીશીલ, રોમૅન્ટિક, શાયરનું દિલ લઈને ફરતા એક ઍક્શન સ્ટાર.
ખ્યાતિ અને સ્ટારડમ પરના મારા એક સવાલનો જવાબ તેમણે કંઈક આવો આપ્યો હતો – "હોતી હૈ તારીફ અહમિયત કી, ઇન્સાનિયત કી મગર કદર હોતી હૈ.
તરઝીહ ન દે ઓહદે કો ઇન્સાનિયત પે, બંદે પર ખુદા કી તબ નજર હોતી હૈ."
તેમની ઍક્ટિંગમાં એક સાદગી, એક સુંદરતા હતી, જે ક્યારેક પરદા પર દેખાઈ, તો ક્યારેક હી-મૅનની છાયામાં છુપાયેલી દબાયેલા જેવી રહી ગઈ, પરંતુ ધર્મેન્દ્રની શોધ ક્યારેય પૂરી ન થઈ.
તેમની જ ફિલ્મનો ડાયલૉગ છે–
"કુછ પાને કી ચાહ, કુછ ઔર બહેતર કી તલાશ... ઇસી ચક્કર મેં ઇન્સાન અપના સબ કુછ ખો બૈઠતા હૈ જો ઉસકે પાસ હોતા હૈ. તલાશ કભી ખતમ નહીં હોતી. વક્ત ખત્મ હો જાતા હૈ."
આ પણ એક સંયોગ છે કે ધર્મેન્દ્રના ચાહકો તેમને છેલ્લી વાર સ્ક્રીન પર જોઈ શકશે, જ્યારે ડિસેમ્બરમાં તેમની ફિલ્મ 'ઇક્કીસ' રિલીઝ થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












