માતાની ચીસ, પિતાની કસમ... કેવી રીતે દિલ્હીમાં બનેલી એક ઘટના બાદ એબટાબાદમાં પેદા થયેલા મનોજકુમાર 'ભારતકુમાર' બની ગયા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વંદના
- પદ, બીબીસી ન્યૂઝ
ભારતીય સિનેમાના સૌથી મોટા એવૉર્ડ દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત મનોજકુમારનું 87 વર્ષની વયે નિધન થયું છે.
નિર્માતા-નિર્દેશક અને અભિનેતા મનોજકુમારે સિનેમાની દુનિયામાં લાંબી સફર કાપી છે.
9 ઑક્ટોબર, 1956ના દિવસે ફિલ્મોમાં હીરો બનવાના સપના સાથે 19 વર્ષનો એક યુવાન દિલ્હીથી મુંબઈ આવ્યો. 1957માં પોતાની પહેલી ફિલ્મ 'ફૅશન'માં 19 વર્ષના આ યુવાનને 80-90 વર્ષના ભિખારીની નાનકડી ભૂમિકા મળી.
આ યુવાનનું નામ હતું હરિકિશન ગોસ્વામી. પાછળથી તેઓ મનોજકુમારના નામે વિખ્યાત થયા.
હરિકિશને ત્યાર પછી કેટલીક બીજી ફિલ્મો કરી જેમાં તેમને મીના કુમારી જેવાં મોટાં ગજાનાં કલાકારો સાથે કેટલાક સીન કરવાની તક મળી. હરિકિશનની ધીરજની જાણે કસોટી થઈ રહી હતી.
અંતે વર્ષ 1961માં મનોજકુમારને હીરો તરીકે પહેલી ફિલ્મ મળી. ફિલ્મનું નામ હતું 'કાંચ કી ગુડિયા'.
ત્યાર પછીના જ વર્ષે વિજય ભટ્ટની ફિલ્મ 'હરિયાલી ઓર રાસ્તા' આવી અને મનોજકુમારની જિંદગીની સફર બદલાઈ ગઈ.
લગભગ 40 વર્ષની કારકિર્દીમાં મનોજકુમારે ફિલ્મોમાં અભિનય પણ કર્યો અને જાતે પણ ફિલ્મો પણ બનાવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય રેવન્યૂ સર્વિસના અધિકારી નિરુપમા કોટરુએ 'ધ સ્વિંન્ગિંગ સેવન્ટીઝ' નામના પુસ્તકમાં મનોજકુમાર પર લેખ લખ્યો છે.
નિરુપમા કોટરુ લખે છે, "મનોજકુમારે ઍક્ટિંગની સાથે ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. તમામ ફિલ્મોમાં તેમણે કૉન્ટેન્ટ અને ફૉર્મમાં પોતાની કળા દેખાડી. તેઓ વાર્તા લખવાની આવડત ધરાવતા હતા. તેમને ખબર હતી કે ભારતીયો લાગણીશીલ હોય છે, તેથી તેઓ એવી વાર્તા લખતા જેની સાથે લોકો આસાનીથી જોડાણ અનુભવી શકતા હતા."
"દરેક પ્રકારના દર્શકો માટે તેમાં કંઈ હતું. જેમ કે 'શોર' એક પરિવારની સુંદર કહાણી હતી, જેણે મનોજકુમારને એક નિર્દેશક તરીકે સ્થાપિત કર્યા."
મનોજકુમાર અને પાકિસ્તાનનો સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
1964માં ભગતસિંહના જીવન પર બનેલી ફિલ્મ 'શહીદ' આવી જે મનોજકુમારની કારકિર્દીમાં મોટો વળાંક સાબિત થઈ. આ સાથે જ દેશભક્તિની ફિલ્મો કરતા હીરોની છબી શરૂ થઈ.
પરંતુ આગળ વધતા પહેલાં મનોજકુમારના ભૂતકાળ પર નજર નાખવી જરૂરી છે, જે તેમની ફિલ્મોને લગતા ઘણા પડાવનો સંદર્ભ આપે છે.
મનોજકુમારનો જન્મ પાકિસ્તાનના એબટાબાદમાં થયો હતો. જંડિયાલા શેર ખાન અને લાહોર જેવી જગ્યાઓ સાથે તેઓ સંકળાયેલા હતા.
તે વખતે દિલ્હીમાં સુભાષચંદ્ર બોઝની આઈએનએના લોકો સામે કેસ ચાલતો હતો ત્યારે લાહોરમાં યુવાનો અને બાળકો સરઘસ કાઢતાં હતાં - "લાલ કિલ્લે સે આઈ આવાઝ- ઢિલ્લોન, સહગલ, શાહનવાઝ". મનોજ પણ આવા જુલુસમાં સામેલ થતા હતા.
આ દરમિયાન ભારત અને પાકિસ્તાન બે અલગ દેશ બન્યા. ભારત એ મનોજકુમારનું બીજું નામ બની ગયું.
રાજ્યસભા ટીવીને આપેલી મુલાકાતમાં મનોજકુમારે રડતાં-રડતાં તેમના બાળપણનો ઉલ્લેખ કર્યો હતો જે લાહોરમાં છૂટી ગયું હતું.
ભાગલાની હિંસા વખતે સ્વજનો ગુમાવ્યા

ઇમેજ સ્રોત, Manoj Kumar
મનોજકુમારે ઇન્ટરવ્યૂમાં વિભાજનના સમયને યાદ કરતા કહ્યું, "ભાગલા પછી થયેલી હિંસામાં મારા કાકા માર્યા ગયા. મારા પિતા બહુ રડ્યા હતા. પરંતુ બીજા દિવસે જ્યારે ભારત આઝાદ થયો ત્યારે મારા પિતા મને લાલ કિલ્લા લઈ ગયા અને નારા લગાવ્યા. હવે એ વિચારીને મને નવાઈ લાગે છે."
"દિલ્હીમાં અમે શરણાર્થી કૅમ્પમાં રહેતા હતા. મને એ દિવસ હજુ પણ યાદ છે જ્યારે મારી માતા મારા ભાઈને જન્મ આપવાની હતી. ચારે તરફ હિંસા અને તોફાનો હતાં. સાઇરન વાગી અને હૉસ્પિટલના લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા. મારી મા ચીસો પાડતી રહી અને મારો ભાઈ મરી ગયો. હું નાનકડો હતો. મેં હૉસ્પિટલના લોકોને મારવાનું શરૂ કર્યું. પોતાના ભાઈને જમુનાને સમર્પિત કર્યો. પરંતુ પિતાએ સમજાવ્યું કે જીવનમાં ક્યારેય હિંસા-મારપીટ ન કરતો."
ભારતની એ પરિસ્થિતિની અસર મનોજકુમારની ફિલ્મોમાં પણ જોવા મળી. ઉદાહરણ તરીકે ફિલ્મ 'શહીદ' બનવાની કહાણી.
'શહીદ' ફિલ્મ કેવી રીતે બની

ઇમેજ સ્રોત, Manoj Kumar
શરૂઆતમાં ભગતસિંહ પર ફિલ્મ બનાવવાની મનોજકુમારની કોઈ યોજના ન હતી. જોકે, ભગતસિંહ બાળપણથી તેમના હીરો હતા અને તેના વિશે વધુ જાણવામાં રસ હતો. આ કારણથી તેઓ દિલ્હી અને અમૃતસર જતા અને મદ્રાસમાં હિંદુ અખબારની લાઇબ્રેરીમાં કલાકો સુધી રિસર્ચ કરતા.
આ ફિલ્મને શ્રેષ્ઠ હિંદી ફિલ્મ અને રાષ્ટ્રીય એકતા બદલ નૅશનલ ઍવૉર્ડ મળ્યો. આ સમારોહમાં મનોજકુમારે ભગતસિંહનાં માતાને પણ બોલાવ્યા હતા.
અભિનેતા ડૅવિડે જ્યારે મંચ પરથી નૅશનલ ઍવૉર્ડની જાહેરાત કરી ત્યારે ભગતસિંહનાં માતા વિદ્યાવતીને બોલાવવામાં આવ્યા અને આખો હૉલ તાળીના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
મનોજકુમારે એક જૂના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કઈ રીતે ઇંદિરા ગાંધીએ આવીને ભગતસિંહનાં માતાનાં ચરણસ્પર્શ કર્યાં હતાં.
'શહીદ'થી 'ઉપકાર' સુધી... અને 'ભારત કુમાર'ની છબિ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિલ્મ 'શહીદ'ના સ્ક્રિનિંગ વખતે દિલ્હીમાં સ્વયં તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી આવ્યા હતા.
પોતાના ઘરે ભોજન દરમિયાન શાસ્ત્રીજીએ મનોજકુમારને કહ્યું કે, "મારો એક નારો છે - 'જય જવાન, જય કિસાન'. મારી ઇચ્છા છે કે તમે આના પર કોઈ ફિલ્મ બનાવો."
લાલબહાદુર શાસ્ત્રીના એ શબ્દો મનોજકુમારના મગજમાં ઊતરી ગયા. સવારે જ્યારે તેઓ દિલ્હીથી ટ્રેનમાં ચડ્યા, ત્યારે પોતાની સાથે એક પેન અને ડાયરી લીધી હતી. કહેવાય છે કે ટ્રેન જ્યારે બૉમ્બે સેન્ટ્રલ પહોંચી ત્યારે મનોજકુમાર પાસે 'ઉપકાર' ફિલ્મની વાર્તા તૈયાર હતી.
ઉપકાર ફિલ્મમાં મનોજકુમારે અભિનય પણ કર્યો અને પહેલી વખત નિર્દેશન પણ કર્યું.
ફિલ્મમાં મહેન્દ્ર કપૂરના અવાજમાં 7 મિનિટ 14 સેકન્ડનું ગીત આવે છે 'મેરે દેશ કી ધરતી'.
ઉગતા સૂરજ, મંદિરના ઘંટ, તળાવેથી પાણી ભરતા લોકો, ખેતરમાં કામ કરતા ખેડૂતોના શૉટથી આ ગીત શરૂ થાય છે. પછી ગાંધીજી, સુભાષ, ટાગોર, તિલકના આદર્શવાદથી લઈને નહેરુના સમાજવાદ સુધી લઈ જાય છે.
'ઉપકાર' માટે તેમને ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ નિર્દેશક, સર્વશ્રેષ્ઠ ફિલ્મ, સર્વશ્રેષ્ઠ વાર્તા અને સર્વશ્રેષ્ઠ ડાયલોગ લખવાના પુરસ્કાર મળ્યા. સાથે સાથે નૅશનલ ઍવૉર્ડ પણ જીત્યો.
દિલીપકુમારના કારણે હીરો બનવાની ઇચ્છા જાગી

ઇમેજ સ્રોત, Manoj Kumar
મનોજકુમાર અવારનવાર પોતાના ઇન્ટરવ્યૂમાં ફિલ્મોમાં તેમની રુચિ કઈ રીતે જાગી તેની વાત કહેતા હતા.
હરિકિશને બાળપણમાં દિલીપકુમારનીની ફિલ્મ 'શબનમ' (1949) જોઈ હતી. એ ફિલ્મમાં દિલીપકુમારનું નામ હતું મનોજકુમાર. બાળપણથી જ તેમને ફિલ્મોની દુનિયા અને 'મનોજકુમાર' નામ બંને પસંદ હતા.
એટલે કે 12-13 વર્ષની ઉંમરે નક્કી થઈ ગયું હતું કે તેઓ હીરો બનશે અને તેમનું ફિલ્મી નામ મનોજકુમાર હશે.
1962માં માલા સિંહા સાથે આવેલી ફિલ્મ 'હરિયાલી ઔર રાસ્તા' મનોજકુમારની કારકિર્દીની પ્રથમ સિલ્વર જ્યુબિલી હિટ હતી. ત્યાર પછી મનોજકુમારે સાયરા બાનુ, વૈજયંતિમાલા, આશા પારેખ સાથે ઘણી હિટ રોમેન્ટિક ફિલ્મો કરી.
ભારતીયતાનો માપદંડ

ઇમેજ સ્રોત, Manoj Kumar
અભિનયની સાથે સાથે 70ના દાયકામાં દિગ્દર્શન અને નિર્માણ દ્વારા મનોજકુમારની બીજી ઇનિંગ પણ ચાલુ રહી. તેમણે 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ', 'રોટી, કપડા ઔર મકાન' અને 'ક્રાંતિ' જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.
મનોજકુમારને સંગીતની પણ ઊંડી સમજ હતી.
જોકે, તેમની ફિલ્મોમાં ભારતીયતા, મહિલાઓ અને દેશભક્તિને જે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી તેના પર વર્ષોથી સવાલ ઉઠતા રહ્યા છે.
મનોજકુમારની ફિલ્મ 'પૂરબ ઔર પશ્ચિમ'માં ભારતીયતા અને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે સરખામણી કરવામાં આવે છે. તેમાં યુવતી સિગારેટ પીવે અથવા સ્કર્ટ પહેરે તેને નૈતિકતાની દૃષ્ટિએ જોવામાં આવ્યું છે.
નિરુપમા કોટરુ લખે છે, "ઘણી વખત મનોજકુમારની ફિલ્મોમાં મહિલાઓને ભ્રષ્ટ પશ્ચિમી સંસ્કૃતિના પ્રતીક તરીકે દેખાડવામાં આવી છે. આ વાંધાજનક દૃષ્ટિકોણ હતો. 'પૂરબ ઔર પશ્ચિમ'માં પશ્ચિમી કલ્ચરમાં ઉછરેલાં સાયરા બાનુ હોય કે પછી 'રોટી, કપડા ઔર મકાન'માં રૂપિયાને મહત્ત્વ આપનાર ઝીનત અમાનને ગોલ્ડ ડીગરની જેમ દેખાડવામાં આવ્યાં હોય."
"બંને ફિલ્મોમાં દર્શાવાયું કે કઈ રીતે વિદેશમાં રહેતાં સાયરાબાનું પોતાની ભૂલો સુધારે છે અને સાડી પહેરીને ભારતીય મહિલા બની જાય છે. અથવા ઝીનત અમાનને પોતાની રૂપિયાની ભૂખ બદલ પસ્તાવો થાય છે અને મનોજકુમારના ખોળામાં દમ તોડે છે. 80ના દાયકામાં મનોજકુમારની ફિલ્મોમાં મહિલાઓનું ચિત્રણ વધુ ખરાબ થયું હતું."
જોકે, એનઆરઆઈના મનમાં વતનની આકાંક્ષાનો કૉન્સેપ્ટ તેમણે શરૂ કર્યો હતો જે કરણ જોહરની 'દિલવાલે દુલ્હનિયા...' સુધી પહોંચ્યો હતો.
અમિતાભને તક અને ધર્મેન્દ્ર સાથે દોસ્તી

ઇમેજ સ્રોત, Manoj Kumar
મનોજકુમાર એવા લોકોમાં હતા જેમણે અમિતાભ બચ્ચનને શરૂઆતમાં તક આપી હતી.
બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં મનોજકુમારે કહ્યું હતું, "સતત નિષ્ફળતાથી કંટાળીને અમિતાભ બચ્ચન જ્યારે મુંબઈ છોડીને દિલ્હી પાછા જવાનું વિચારતા હતા, ત્યારે મેં અમિતાભને અટકાવ્યા અને મારી ફિલ્મ 'રોટી, કપડા ઔર મકાન'માં કામ આપ્યું. લોકો જ્યારે અમિતાભને નિષ્ફળતાના કારણે ટોણા મારતા હતા, ત્યારે મને ખાતરી હતી કે એક દિવસ તેઓ મોટા સ્ટાર બનશે."
પોતાના સમયના અભિનેતાઓ સાથે મનોજકુમારની દોસ્તી હતી.
'ધર્મેન્દ્ર - નૉટ જસ્ટ અ હી મેન' પુસ્તકના લેખક રાજીવ વિજયકર લખે છે, "ધર્મેન્દ્ર અને મનોજકુમાર સંઘર્ષના દિવસોથી જ પાક્કા મિત્ર હતા. મનોજકુમાર તેમને ધર્મુ કહીને બોલાવતા. સંઘર્ષના દિવસોમાં બંનેને સાથે રોલ મળ્યો. ધર્મેન્દ્રને 350 રૂપિયા મળ્યા અને મનોજકુમારને 450. મનોજકુમારે કામ કરવાની ના પાડી દીધી. ધર્મેન્દ્રે પણ ફિલ્મ ન કરી."
"પછી મનોજકુમારે ધર્મેન્દ્રને કહ્યું કે આપણી પાસે આમેય રૂપિયા નથી. કમસે કમ તમારે ફિલ્મ છોડવી ન હતી. તો ધર્મેન્દ્રએ જવાબ આપ્યો - હું મારા દોસ્ત વગર ફિલ્મ નહીં કરું. એક વખત નિરાશ ધર્મેન્દ્ર જ્યારે પોટલા બાંધીને મુંબઈથી પાછા જવાના હતા ત્યારે મનોજે જીદ પકડી કે માત્ર બે મહિના માટે રોકાઈ જાવ, તમારો બધો ખર્ચ હું ઉઠાવીશ."
આ પુસ્તકમાં મનોજકુમાર કહે છે, "અમારા સારા દિવસો આવ્યા તો અમને રેલવેનો ફર્સ્ટ ક્લાસનો પાસ મળ્યો. હું અને ધર્મેન્દ્ર વારંવાર ચર્ચગેટથી ગોરેગાંવ જતા અને પાછા આવતા. ત્રણ દિવસો સુધી આ ચાલતું રહ્યું."
બીબીસીના સહયોગી મધુ પાલ સાથેની વાતચીતમાં મનોજકુમારે કહ્યું હતું, "ટીવી પર જ્યારે મારા મિત્રો રાજકપૂર, દેવ આનંદ, પ્રાણ વગેરેની ફિલ્મો આવે છે, ત્યારે હું ચૅનલ બદલી નાખું છું કારણ કે આ કલાકારોની યાદ મને રડાવી દે છે."
'વો કૌન થી'થી લઈને 'બેઇમાન' સુધી

ઇમેજ સ્રોત, MANOJ KUMAR
અભિનયની વાત કરીએ તો મનોજકુમાર ન તો દેવ આનંદ જેવી સ્ટાઇલિશ ઇમેજ માટે જાણીતા હતા અને ન તો દિલીપ કુમાર જેવી અભિનય શ્રેણીમાં આવતા હતા.
પરંતુ ફિલ્મોની તેમની ઊંડી સમજ, સારા શારીરિક દેખાવ, બાંધગળાનાં કપડાં, ટ્વીડ કોટની તેમની સ્ટાઇલ વગેરેએ તેમની લોકપ્રિયતામાં મદદ કરી.
દેશભક્તિની ફિલ્મો ઉપરાંત પણ મનોજકુમારે ઘણી નામના મેળવી હતી.
1968માં આવેલી ફિલ્મ 'પત્થર કે સનમ'માં મનોજકુમારને પોતાના આદર્શ દિલીપકુમાર સાથે કામ કરવાની તક મળી.
જ્યારે 1972માં તેમને 'બેઇમાન' માટે બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ મળ્યો હતો.
દિગ્દર્શક તરીકે મનોજકુમાર ફિલ્મોમાં પોતાનાં પાત્રોને નવી શૈલીમાં બતાવવા માટે પણ જાણીતા હતા.
મોટા ભાગની ફિલ્મોમાં ભ્રષ્ટ અને અનૈતિક વિલનની ભૂમિકા ભજવનાર પ્રાણને એક પગવાળા મલંગ ચાચાનો રોલ આપવાનો નિર્ણય માત્ર એક વિઝનરી દિગ્દર્શક જ લઈ શકે છે.
ફિલ્મના અંત સુધી લોકો વિચારતા રહ્યા કે કદાચ પ્રાણ જ વિલન નીકળશે, પરંતુ એવું કંઈ થયું નહીં.
મનોજ પર હાવિ 'ભારત'ની ઇમેજ

ઇમેજ સ્રોત, Getty Images
અનેક પ્રકારના રોલ કરવા છતાં મનોજકુમાર દેશભક્તિથી ભરપૂર 'ભારતકુમાર'ની છબિમાં કેદ થઈને રહી ગયા.
મનોજકુમાર વિશે એક પ્રખ્યાત કિસ્સો છે જેનો ઉલ્લેખ તેમણે ઘણા ઇન્ટરવ્યૂમાં કર્યો છે. એકવાર તેઓ એક રેસ્ટોરાંમાં આરામથી સિગારેટ પીતા હતા. આ દરમિયાન એક છોકરીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું, "ભારતમાં રહીને તમે સિગારેટ પીઓ છો?"
1981માં તેમની છેલ્લી સફલ ફિલ્મ આવી 'ક્રાંતિ'. તેમાં તેમણે પોતાના એ જ આદર્શ દિલીપકુમારને ડાયરેક્ટ કર્યા, જેને જોઈને તેમને ફિલ્મોમાં ઍક્ટર બનવાનો વિચાર આવ્યો હતો.
તેઓ પોતે હરિકિશનમાંથી મનોજકુમાર બન્યા હતા, પરંતુ લોકોએ મનોજકુમારને 'ભારતકુમાર' બનાવી દીધા અને આખી જિંદગી તેમના પર 'ભારતકુમાર'ની છબિ હાવિ રહી.
આ તેમની સફળતા પણ ગણાય અને કલાકાર તરીકે તેમના દાયરાને મર્યાદિત કરનાર છબિ પણ કહી શકાય.
નિરુપમા કોટરુ લખે છે, "આનો શ્રેય મનોજકુમારને આપવો પડે જેઓ પોતાની છેલ્લી ફિલ્મ સુધી સિનેમા પ્રત્યે સમર્પિત રહ્યા. માસૂમ ચહેરો, લાજવાબ અદા અને દેશભક્તની છબિએ તેમને લોકોના પ્રિય બનાવ્યા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












