શોલે : 'કિતને આદમી થે', સતત પાંચ વર્ષ થિયેટરમાં ચાલેલી અમિતાભ અને ધર્મેન્દ્રની ફિલ્મની કહાણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, શોલે, બોલીવૂડ, ફિલ્મ,

ઇમેજ સ્રોત, Sippy Films

ઇમેજ કૅપ્શન, અમજદ ખાને (ડાબે) ખતરનાક ડાકુ ગબ્બરસિહની ભૂમિકા ભજવી હતી
    • લેેખક, સુધી જી. તિલક
    • પદ, દિલ્હી

કદાચ અત્યાર સુધીની સૌથી આઈકોનિક ફિલ્મ 'શોલે', ભારતીય રૂપેરી પડદે પહેલી વાર ધૂમ મચાવ્યાના પચાસ વર્ષ પછી શાનદાર વાપસી કરી રહી છે. આ ફિલ્મપ્રેમીઓ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે.

'શોલે'ના પુનરુત્થાનની લાંબા સમયથી રાહ જોવાતી હતી અને આ માહોલ તેના માટે ભવ્ય સેટિંગ ઑફર કરે છે.

લેખક જોડી સલીમ-જાવેદ લિખિત અને અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની, જયા ભાદુરી, સંજીવ કુમાર તથા અવિસ્મરણીય અમજદ ખાન અભિનીત આ ફિલ્મ પશ્ચિમી અને સમુરાઈ ક્લાસિક્સથી સિનેમેટિકલી પ્રેરિત હોવા છતાં આગવી રીતે ભારતીય બની રહી છે.

204 મિનિટની આ ફિલ્મમાં રામગઢ નામના કાલ્પનિક ગામમાં આકાર સજ્જન વિરુદ્ધ દુષ્ટની ક્લાસિક કથા કહેવામાં આવી છે, જેમાં ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત ખલનાયકો પૈકીના એક ડાકુ ગબ્બર સિંહને ખતમ કરવા માટે ભૂતપૂર્વ જેલર ઠાકુર બલદેવ સિંહ જય (અમિતાભ બચ્ચન) અને વીરુ (ધર્મેન્દ્ર) નામના નાના ગુનેગારોની મદદ લે છે.

પાંચ વર્ષ સુધી થિયેટરમાં ચાલેલી ફિલ્મ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, શોલે, બોલીવૂડ, ફિલ્મ,

ઇમેજ સ્રોત, Sippy Films

ઇમેજ કૅપ્શન, શોલેમાં અમિતાભ બચ્ચન (જમણે) અને ધર્મેન્દ્ર (ડાબે) સહિત ઘણા વિખ્યાત અભિનેતા હતા

આ ફિલ્મ પહેલી વાર રિલીઝ થઈ ત્યારે મુંબઈની 1,500 બેઠકોની ક્ષમતા ધરાવતા મિનર્વા થિયેટરમાં અવિરત પાંચ વર્ષ સુધી ચાલી હતી. બાદમાં 'શોલે' બીબીસી ઇન્ડિયાના ઑનલાઇન પોલમાં "ફિલ્મ ઑફ ધ મિલેનિયમ" તરીકે પ્રતિષ્ઠા પામી હતી અને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના પોલમાં તેને મહાન ભારતીય ફિલ્મ ગણાવવામાં આવી હતી. રાહુલ દેવ બર્મનના સંગીત અને લોકજીભે ચડી જાય તેવા સંવાદોને કારણે આ ફિલ્મની પાંચેક લાખ રેકૉર્ડ્સ અને કૅસેટ્સ વેંચાઈ હતી.

આ ફિલ્મ એક સાંસ્કૃતિક ઘટના પણ છે. તેના સંવાદો લગ્નમાં ટાંકવામાં આવે છે. રાજકીય ભાષણોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે અને જાહેરાતોમાં તેનો ઉપયોગ રમૂજી રીતે કરવામાં આવે છે.

ફિલ્મમાં નાના શહેરના ગુનેગારની ભૂમિકા ભજવી ચૂકેલા અભિનેતા ધર્મેન્દ્રએ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું, "શોલે દુનિયાની આઠમી અજાયબી છે."

અમિતાભ બચ્ચને કહ્યું હતું, ફિલ્મનું શૂટિંગ એક "અવિસ્મરણીય અનુભવ હતો, જોકે, ભારતીય સિનેમામાં આ ફિલ્મ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ બનશે તેનો મને ત્યારે ખ્યાલ ન હતો."

ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના શિવેન્દ્ર સિંહ ડુંગરપુરના મતાનુસાર, આ નવું રેસ્ટોરેશન 'શોલે'નું સૌથી વિશ્વાસુ સંસ્કરણ છે. તેમાં મૂળ અંત અને કાઢી નાખવામાં આવેલાં દૃષ્યો પણ સમાવિષ્ટ છે.

ફિલ્મના મૂળ સંસ્કરણમાં ડાકુ ગબ્બર સિંહને ઠાકુર બલદેવ સિંહ અણિયાળા જૂતાથી કચડીને મારી નાખે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, શોલે, બોલીવૂડ, ફિલ્મ,

ઇમેજ સ્રોત, Sholay

જોકે, સેન્સર બોર્ડે તે અંત સામે વાંધો લીધો હતો. એક ભૂતપૂર્વ પોલીસ અધિકારી કાયદાને પોતાના હાથમાં લે એ વિચાર સેન્સર બોર્ડને ગમ્યો ન હતો. સેન્સર બોર્ડને આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલી હિંસા પણ વધારે પડતી લાગી હતી. કટોકટી દરમિયાન શાસક કોંગ્રેસ સરકારે નાગરિક સ્વાતંત્ર્ય સસ્પેન્ડ કર્યું ત્યારે આ ફિલ્મે અસાધારણ રીતે આકરી સેન્સરશીપનો સામનો કરવો પડ્યો હતો.

સેન્સર બોર્ડ સાથે દલીલના નિષ્ફળ પ્રયાસ પછી રમેશ સિપ્પીને ફિલ્મનો અંત ફરીથી શૂટ કરવાની ફરજ પડી હતી. કળાકારો અને ક્રૂને દક્ષિણ ભારતના રામનગરમની ખડકાળ ટેકરીઓ પર પાછા લઈ જવામાં આવ્યા હતા. ત્યાં નવો એન્ડ શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં ગબ્બર સિંહને મારી નાખવાને બદલે કેદ કરતો દર્શાવવામાં આવ્યો હતો. આ ઍન્ડ સાથે ફિલ્મને સેન્સર બોર્ડે મંજૂરી આપી હતી.

શરૂઆતનો જુગાર ચમત્કારમાં પરિણમ્યું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, શોલે, બોલીવૂડ, ફિલ્મ,

ઇમેજ સ્રોત, Sippy Films

ઇમેજ કૅપ્શન, શોલે ફિલ્મ વેસ્ટર્ન અને સમુરાઈ ક્લાસિક્સથી સિનેમેટિકલી પ્રેરિત જણાવા છતાં તેનું ભારતીયપણું જળવાઈ રહ્યું

મહાકાવ્ય જેવી આ ફિલ્મના રેસ્ટોરેશનનો ત્રણ વર્ષ લાંબો માર્ગ સરળ ન હતો. તેની મૂળ 70mm પ્રિન્ટ બચી ન હતી અને કેમેરા નેગેટિવ્સ બહુ જ ખરાબ સ્થિતિમાં હતી.

રમેશ સિપ્પીના પુત્ર શહેઝાદે 2022માં ફિલ્મને રિસ્ટોર કરવાના પ્રસ્તાવ સાથે મુંબઈ સ્થિત ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે મુંબઈના એક ગોદામમાં ફિલ્મની અનેક સામગ્રી સંઘરવામાં આવી હતી. પ્રારંભે જે જુગાર જેવું લાગતું હતું તે અંતે ચમત્કારમાં પરિણમ્યું હતું. લેબલ વગરના કેનની અંદર ઓરિજિનલ 35એમએમ કૅમેરા અને સાઉન્ડ નેગેટિવ્સ મળી આવી હતી.

જોકે, ત્યાં ઉત્સુકતાનો અંત આવ્યો ન હતો.

સિપ્પી ફિલ્મ્સે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનને બ્રિટનમાં સંગ્રહિત વધારાની રીલ્સ વિશે પણ માહિતી આપી હતી. બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના સમર્થનથી તેઓ આર્કાઇવલ સામગ્રી સુધી પહોંચી શક્યા હતા. એ રીલ્સને વિશ્વની અગ્રણી ફિલ્મ રેસ્ટોરેશન ફેસેલિટીઝ પૈકીની એક લ'ઇમેજિન રિટ્રોવાટામાં કાળજીપૂર્વક મોકલવામાં આવી હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, શોલે, બોલીવૂડ, ફિલ્મ,

ઇમેજ સ્રોત, Sippy Films

ઇમેજ કૅપ્શન, હેમા માલિનીએ (જમણે) બસંતીનું પાત્ર ભજવ્યું હતું

મૂળ 70mm પ્રિન્ટ ન હતી અને નેગેટિવ્ઝ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત હતી. તેમ છતાં આર્કાઇવિસ્ટે મુંબઈ અને બ્રિટનમાંથી જરૂરી સામગ્રી મેળવી હતી. બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ અને ઇટાલીના લ'ઇમેજિન રિટ્રોવાટા સાથે સહયોગ કરીને ખૂબ મહેનતથી ફિલ્મને એકતાંતણે બાંધી હતી. આ પ્રયાસને લીધે ફિલ્મના શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલો મૂળ કૅમેરા પણ મળી આવ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે 'શોલે' પહેલીવાર રજૂ થઈ ત્યારે કંઈ ખાસ ચાલી ન હતી. શરૂઆતની સમીક્ષાઓ કઠોર હતી, બૉક્સ ઑફિસ કલેક્શન નબળું હતું અને 70mmની પ્રિન્ટ કસ્ટમ્સમાં અટવાઈ ગઈ હતી.

ઇન્ડિયા ટૂડે સામયિકે આ ફિલ્મને "મૃત અંગારા" જેવી ગણાવી હતી. ફિલ્મફેર સામયિકના બિક્રમ સિંહે લખ્યું હતું કે મુખ્ય સમસ્યા "ભારતીય પરિવેશ પર એક પશ્ચિમી ફિલ્મનું આરોપણ કરવાનો અસફળ પ્રયાસ છે."

"ફિલ્મ પશ્ચિમની નકલ છે. તે અહીંની કે ત્યાંની નથી."

કેમ આટલી લોકપ્રિય બની છે ફિલ્મ શોલે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, શોલે, બોલીવૂડ, ફિલ્મ,

ઇમેજ સ્રોત, Sippy Films

ઇમેજ કૅપ્શન, મુંબઈના મિનર્વા થિયેટરની બહાર ફિલ્મ જોવા આવેલા દર્શકોની લાંબી લાઇન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રારંભિક સ્ક્રીનિંગમાં પ્રેક્ષકો મૌન બેઠા રહ્યા હતા. હાસ્ય, આંસુ કે તાળીઓ કશું જ નહીં. "માત્ર મૌન," ફિલ્મ લેખિકા અનુપમા ચોપરાએ 'શોલેઃ ધ મેકિંગ ઑફ ક્લાસિક' પુસ્તકમાં લખ્યું છે. સપ્તાહના અંતે થિયેટરો છલકાઈ ગયાં હતાં, પરંતુ પ્રતિભાવ અનિશ્ચિત રહ્યો હતો અને ગભરાટ ફેલાઈ ગયો હતો.

એ પછીના થોડા અઠવાડિયાંમાં દર્શકોને ફિલ્મ ગમવા લાગી હતી અને મૌખિક રીતે એવી વાત ફેલાઈ હતી કે "ફિલ્મનાં વિઝ્યુઅલ્સ મહાકાવ્ય જેવાં છે અને સાઉન્ડ તો ચમત્કાર છે...ત્રીજા સપ્તાહ સુધીમાં તો દર્શકો ફિલ્મના ડાયલોગ બોલતા થઈ ગયા હતા. તેનો અર્થ એ થયો કે કેટલાક લોકો બીજી વખત ફિલ્મ જોવા આવી રહ્યા હતા," અનુપમા ચોપરાએ લખ્યું છે.

'શોલે' પ્રદર્શિત થયાના એક મહિના પછી પોલીડોર કંપનીએ 48 મિનિટની ડાયલોગની રેકૉર્ડ રીલિઝ કરી અને પરિસ્થિતિ પલટાઈ ગઈ. ફિલ્મનાં પાત્રો આઇકોનિક બની ગયાં અને ગબ્બર સિંહ "ખરેખર ડરામણો, પરંતુ વ્યાપકપણે લોકપ્રિય" ખલનાયક બની ગયો, તેઓ એક સાંસ્કૃતિક ઘટના રૂપે ઊભરી આવ્યા હતા. વિદેશી વિવેચકોએ ફિલ્મને ભારતની પ્રથમ "કરી વેસ્ટર્ન" ગણાવી હતી.

'શોલે' સતત પાંચ વર્ષ ચાલી – મુંબઈના મિનર્વા થિયેટરમાં. ત્રણ રેગ્યુલર શો અને એક મેટિની શોમાં. ફિલ્મ રજૂ થયાના 240મા અઠવાડિયામાં પણ હાઉસફૂલ જતી હતી. પાકિસ્તાનના સિનેમાઘરોમાં 'શોલે' 2015માં પ્રદર્શિત કરવામાં આવી હતી. તે 40 વર્ષ જૂની ફિલ્મ હોવા છતાં, એક દાયકાથી વધુ જૂની મોટાભાગની ભારતીય ફિલ્મો કરતાં તેનું પ્રદર્શન બહેતર રહ્યું હતું. એક દાયકાથી વધુ જૂની ફિલ્મોમાં શાહરુખ ખાન અભિનીત 2002ની હિટ ફિલ્મ 'દેવદાસ'નો પણ સમાવેશ થાય છે.

ફિલ્મ વિતરક શ્યામ શ્રોફે અનુપમા ચોપરાને કહ્યું હતું, "બ્રિટિશ સામ્રાજ્ય વિશે કહેવાતું હતું તેમ શોલેનો સૂર્ય પણ ક્યારેક આથમ્યો નથી."

અડધી સદી પછી પણ 'શોલે' દર્શકોને કેમ ગમતી રહી છે? અમિતાભ બચ્ચન એક સરળ પણ ગહન જવાબ આપે છેઃ "દુષ્ટતા પર સારપનો વિજય અને..સૌથી વધુ અગત્યનું તે ત્રણ કલાકમાં કાવ્યાત્મક ન્યાય. તમને અને મને તે જીવનભર નહીં મળે." આવું તેમણે તેમની મુલાકાત લેનાર એક વ્યક્તિને કહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન