રાયબરેલીમાં અમિત શાહની રેલી દરમિયાન પત્રકાર રાઘવ ત્રિવેદી સાથે થયેલી મારામારીનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, UGC
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના નેતા અમિત શાહની રેલીમાં એક યુટ્યૂબ ન્યૂઝ ચેનલના પત્રકાર સાથે થયેલી મારામારીના મામલામાં વિવાદ વધ્યો છે.
યુટ્યૂબ ન્યૂઝ ચેનલ ‘મૉલિટિક્સ’ના પત્રકાર રાઘવ ત્રિવેદીએ આરોપ લગાવ્યો છે કે રેલી દરમિયાન સવાલો પૂછવાને કારણે નારાજ થયેલા ભાજપના કાર્યકર્તાઓએ તેમની સાથે મારપીટ કરી હતી.
રાઘવના જણાવ્યા અનુસાર તેઓ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે દિલ્હીથી અમેઠી અને રાયબરેલી ગયા હતા.
રવિવારે તેઓ રાયબરેલીમાં અમિત શાહની રેલીને કવર કરવા માટે ગયા હતા.
તેમનો દાવો છે કે રેલી દરમિયાન જ કેટલીક મહિલાઓએ તેમને કહ્યું કે તેમને 100-100 રૂપિયા આપીને રેલીમાં બોલાવવામાં આવ્યા છે. તેમણે આ અંગે જ્યારે ભાજપના કાર્યકર્તાઓને પૂછ્યું ત્યારે તેમને માર મારવામાં આવ્યો. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાજકીય પક્ષોથી લઈને પત્રકારો અને તેમના સંગઠનોએ આ ઘટનાની કઠોર શબ્દોમાં નિંદા કરી છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને નારાજગી જોવા મળી રહી છે.
પત્રકારે જણાવ્યું કે તેમની સાથે શું થયું હતું
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રાઘવ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર એક વીડિયો રીપોસ્ટ કર્યો છે. તેમાં તેઓ સ્ટ્રેચર પર સૂઈ રહેલા દેખાય છે અને દુખાવાને કારણે કણસી રહ્યા છે.
આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, "મને બહુ મારવામાં આવ્યો છે. ભીડે મને માર્યો છે. હું રિપોર્ટિંગ કરી રહ્યો હતો. અમિત શાહની રેલી ચાલી રહી હતી અને લોકો ઉઠી ઉઠીને જઈ રહ્યા હતા. હું તેમને પૂછવા લાગ્યો કે તેઓ કેમ જઈ રહ્યા છે. તેમણે મને કહ્યું કે કૅમેરા બંધ કરી દ્યો. ત્યારબાદ 20-25 લોકોએ મને ઘેરી લીધો અને તેઓ મને પેટમાં ઘુસ્તા મારવા લાગ્યા. ઓછામાં ઓછા દોઢસોથી બસો ઘુસ્તા માર્યા હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યુ કે, "આ પહેલાં મારી રેલીની બહાર કેટલીક મહિલાઓ સાથે વાત થઈ રહી હતી. તેમણે મને કહ્યું હતું કે અમને ખબર નથી કે અમે અહીં કેમ આવ્યા છીએ. અમને પ્રધાનજી લાવ્યા છે અને સો રૂપિયા આપ્યા છે. મેં આ વિશે ત્યાંના ભાજપના લોકોને પૂછ્યું કે શું આ સાચું છે."
"તેમણે મને કહ્યું કે તું ઉભો રહે હું હમણાં આવું છું. પછી તેઓ મને મારવા લાગ્યા. મને પેટમાં માર મારવામાં આવ્યો. તેઓ બોલી રહ્યા હતા કે એવી રીતે મારો કે નિશાન ન દેખાય."
પત્રકાર સંગઠનો અને નેતાઓએ કરી કાર્યવાહીની માંગ

ઇમેજ સ્રોત, ANI
પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ ચૂંટણીપંચ અને સ્થાનિક સત્તાવાળાઓને આ મામલે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
કૉંગ્રેસે આ ઘટના પર ટ્વીટ કરીને લખ્યું છે કે, "આ ઘટનાઓ દર્શાવે છે કે ભાજપના લોકો તેમને દેખાઈ રહેલી હારથી સમસમી ગયા છે. હવે અન્યાયનો અંત આવવાનો છે."
કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, "પત્રકારને માત્ર એટલા માટે મારવામાં આવ્યો કારણ કે તેમણે કેટલીક મહિલાઓ સાથે વાત કરી હતી કે જેમણે કહ્યું હતું કે તેમને રેલીમાં આવવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા. ભાજપ કે જેણે આખા દેશની મીડિયાને ચૂપ કરી દીધી છે તેને કોઈ અવાજ ઉઠાવે એ સહન થતું નથી."

ઇમેજ સ્રોત, priyankagandhi@X
ગુજરાતના વડગામથી ધારાસભ્યા જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, "રાઘવ ત્રિવેદી અમિત શાહની રેલીમાં આવેલી મહિલાઓને સવાલો પૂછી રહ્યા હતા. મહિલાઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને રેલીમાં આવવા માટે પૈસા આપવામાં આવ્યા હતા."
"જેમનું અસ્તિત્ત્વ જ જૂઠ્ઠાણાંઓના પાયા પર ટકેલું હોય તેઓ આ સત્ય કઈ રીતે સ્વીકાર કરી શકે. એટલા માટે ભાજપના ગુંડાઓએ તેમને માર માર્યો છે જેથી કરીને સત્ય બહાર ન આવે."
કૉંગ્રેસ નેતા પપ્પુ યાદવે ટ્વીટ કરીને લખ્યું હતું કે, "રાયબરેલીમાં ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં નિર્ભિક પત્રકાર રાઘવ ત્રિવેદી પર ભાજપના લોકોએ હુમલો કરીને તેમને ખરાબ રીતે ઘાયલ કર્યા છે. હૉસ્પિટલમાં તેમની સારવાર થઈ રહી છે."
"હું તેમને મળવા માટે જઈ રહ્યો છું. ભાજપમાં હારનો ડર જબરદસ્ત રીતે ફેલાઈ ગયો છે. ભયભીત થયેલા ભાજપના લોકો પત્રકારોને માર મારીને તેમની ખીજ ઉતારી રહ્યા છે."
મામલો શું છે?

ઇમેજ સ્રોત, UGC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મીડિયા અહેવાલો અનુસાર, રાઘવે નોંધાવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે તેમણે રેલીમાં ભાગ લઈ રહેલી કેટલીક મહિલાઓના નિવેદનો અંગે ભાજપના કાર્યકરોને પ્રશ્નો પૂછ્યા હતા. આનાથી ગુસ્સે થઈને ભાજપના કથિત કાર્યકર્તાઓએ તેમને માર માર્યો હતો.
ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના સાથીદાર સાથે દિલ્હીથી અમેઠી અને રાયબરેલી બેઠકનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા આવ્યા હતા.
રવિવારે તેઓ રાયબરેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહની રેલીને કવર કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે કેટલીક મહિલાઓ સાથે વાત કરી હતી.
રાઘવ ત્રિવેદીનો દાવો છે કે આ મહિલાઓએ તેમને કહ્યું કે તેમને 100 રૂપિયા આપીને અહીં લાવવામાં આવ્યા છે.
ત્રિવેદીએ કહ્યું હતું કે અમિત શાહનું ભાષણ પૂરું થાય તે પહેલાં જ તેમણે એવા કેટલાક લોકો સાથે વાત કરી હતી જેઓ સ્થળ છોડીને જતા રહ્યા હતા.
જ્યારે તેમણે આ અંગે સ્થાનિક ભાજપના નેતાઓને પૂછપરછ શરૂ કરી તો તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે ભાષણ દરમિયાન મહિલાઓ અને અન્ય લોકોના ઉઠીને બહાર નીકળવાના રેકૉર્ડિંગને ડિલીટ કરવાની માંગ કરી હતી.
પરંતુ રાઘવે ના પાડતાં ભાજપના કાર્યકર્તાઓએ તેમને માર માર્યો હતો.
મારપીટમાં ઘાયલ થયેલા રાઘવ ત્રિવેદીને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છત્તીસગઢના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ તેમની તબિયત પૂછવા માટે ત્યાં પહોંચ્યા હતા. બઘેલે કહ્યું હતું કે આ લોકશાહી પર સીધો હુમલો છે.
રાયબરેલીના સર્કલ ઑફિસર અમિત સિંહે કહ્યું હતું કે, "આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી."
રાયબરેલીમાં કેવો છે ચૂંટણીનો માહોલ?

ઇમેજ સ્રોત, ANI
રાયબરેલી બેઠકથી કૉંગ્રેસના રાહુલ ગાંધી ઉમેદવાર છે જ્યારે ભાજપે યોગી સરકારમાં મંત્રી દિનેશપ્રતાપસિંહને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
આ બેઠક પરથી વર્ષ 2019માં સોનિયા ગાંધી જીત્યાં હતાં. એ ચૂંટણીમાં દિનેશપ્રતાપસિંહની 1.65 લાખ મતોથી હાર થઈ હતી.
એવું મનાઈ રહ્યું છે આ વખતે રાયબરેલીમાં ભાજપનું ટોચનું નેતૃત્ત્વ અહીં તમામ તાકાત લગાવી રહ્યું છે.
અમિત શાહની રેલી પણ આ જ રણનીતિનો ભાગ હતી. બીજી તરફ રાહુલ ગાંધીના ચૂંટણી લડવાને કારણે કૉંગ્રેસ પણ અહીં તેના દિગ્ગજ નેતાઓને ચૂંટણીપ્રચારમાં ઉતાર્યા છે.
પત્રકારો સામે વધી રહ્યા છે હિંસાના મામલા
ભારતમાં હાલના દિવસોમાં પત્રકારો સાથે મારપીટ તથા હુમલાઓની અનેક ઘટનાઓ બની છે.
ન્યૂયૉર્કના પોલીસ પ્રોજેક્ટ અનુસાર ભારતમાં વર્ષ 2019થી લઈને ઑગસ્ટ 2021 સુધીમાં 228 પત્રકારો સાથે હિંસા થઈ હતી.
અનેક પત્રકારોને તેમનું કામ કરતા સમયે જ માર મારવામાં આવ્યો હતો. તેમાંના અનેક સાથે તેમના અહેવાલો, લખાણ કે સવાલોને કારણે હિંસા થઈ. કેટલાક પત્રકારો સામે કેસ પણ કરવામાં આવ્યા અને કેટલાકને જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા.
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સના 2024ના અહેવાલ અનુસાર 180 દેશોમાં ભારતનું સ્થાન 159માં નંબરે છે.












