‘યુદ્ધનું રિપોર્ટિંગ સહેલું હતું, સત્યનો અવાજ બનવું અઘરું’- મહિલા પત્રકારે વાણી સ્વતંત્રતા માટે શું શું વેઠવું પડ્યું?

મારિયા રેસા
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે નિમિત્તે આંતરરાષ્ટ્રીય સંગઠન ‘રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સે’ વર્ષ 2023 માટે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જાહેર કર્યો છે. જેમાં કુલ 180 દેશો પૈકી ભારત 150મા ક્રમેથી ગબડીને 161મા ક્રમે પહોંચી ગયું છે.

ભારતને મીડિયા સ્વાતંત્ર્ય માટે અતિ ગંભીર અને જોખમી દેશોની કૅટગરીમાં મૂકવામાં આવ્યો છે.

ભારતની પાછળ માત્ર બાંગ્લાદેશ, તુર્કી, સાઉદી અરેબિયા, ઈરાન અને ઉત્તર કોરિયા જેવા દેશો છે.

આ ઇન્ડેક્સમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પ્રેસ સ્વાતંત્ર્ય મામલે ભારત કરતાં આગળ છે.

ખાસ કરીને એશિયા, મિડલ ઈસ્ટ અને ઉત્તરી આફ્રિકાના દેશોમાં પ્રેસ સ્વતંત્રતાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે.

આ પરિસ્થિતિમાં પણ ગણ્યાગાંઠયાં મીડિયા સંસ્થાનો અને પત્રકારો પોતપોતાના દેશોમાં આપખુદશાહી સરકારો, ફેક ન્યૂઝ, સોશિયલ મીડિયા પર ફેલાવાતી નફરતની સ્થિતિ સામે લડી રહ્યા છે.

આવાં જ એક પત્રકાર છે ફિલિપાઇન્સનાં મારિયા રેસા.

જેઓ વાણી સ્વાતંત્ર્યના બુલંદ અવાજ તરીકેની ખ્યાતિ ધરાવે છે.

તેમની કહાણી નીડર પત્રકાર અને સત્ય માટે તેમણે ચૂકવવી પડેલી કિંમતની છે.

ગ્રે લાઇન

કોણ છે મારિયા રેસા?

મારિયા રેસા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2021માં જ તેમને રશિયાના દમિત્રી મુરાતોવ સાથે વાણી સ્વતંત્રતાનું રક્ષણ કરવા બદલ શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

હાલમાં તેમનું નામ વૈશ્વિક સ્તરે વાણી સ્વતંત્રતા- ખાસ કરીને મીડિયા સ્વતંત્રતા માટે લડનાર વ્યક્તિઓમાં સન્માનપૂર્વક લેવાય છે. પરંતુ તેમની પત્રકારત્વની કારકિર્દીની શરૂઆતમાં તેમની ભૂમિકા અલગ રહી હતી.

લગભગ 20 વર્ષ સુધી તેમણે સીએનએન ટીવી ચેનલમાં જકાર્તા બ્યૂરો ચીફ અને લીડ ઇન્વેસ્ટિગેટીવ રિપોર્ટર તરીકે કામ કર્યું હતું.

યુદ્ધનાં મેદાનમાં તેમણે ઘણા સમય સુધી સાહસિક રિપોર્ટિંગ કર્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓના નેટવર્કને પોતાના ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ થકી ખુલ્લા પાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

સોશિયલ મીડિયાની તાકાત પારખીને 2012માં તેમણે પોતાના પત્રકારમિત્રો અને ટેકનૉસૅવી લોકો સાથે મળીને ડિજિટલ મીડિયા પ્લૅટફૉર્મ ‘રેપલર’ની શરૂઆત કરી. આજે ફિલિપાઇન્સનાં ટૉપ 5 ડિજિટલ મીડિયા સંસ્થાનોમાં તેની ગણના થાય છે.

પરંતુ આ મુકામ સુધી પહોંચવાનો રસ્તો ખૂબ અઘરો હતો. મારિયા રેસાએ તેમના સત્ય આધારિત પત્રકારત્વની ઘણી મોટી કિંમત ચૂકવવી પડી છે.

ગ્રે લાઇન

મારિયા રેસા સાથે કેવી ઘટનાઓ બની?

મારિયા રેસા

વર્ષ 2016માં ફિલિપાઇન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ.

ચૂંટણીમાં ફિલિપાઇન્સની ક્રાઇમ કૅપિટલ ગણાતી દાવાઓ મ્યુનિસિપાલિટીના મેયર તરીકે લાંબો સમય સુધી કામ કરનાર રોડ્રિગો દૂતેર્તો રાષ્ટ્રપતિપદના મુખ્ય દાવેદાર હતા.

એમના ચૂંટણીપ્રચારમાં જ એમણે સોશિયલ મીડિયાનો ભયંકર ઉપયોગ અને દુરુપયોગ કર્યો હતો. ચૂંટણી પછી તેઓ જંગી બહુમતીથી સત્તાસ્થાને બિરાજ્યા અને એ સમયથી જાણે કે ફિલિપાઇન્સનાં મીડિયા સંસ્થાનો માટે ખરાબ સમયની શરૂઆત થઈ ગઈ.

એમણે ચૂંટણી પહેલાં એવો વાયદો કર્યો હતો કે તેઓ દેશમાં ડ્રગ ડીલરો અને સપ્લાયરોના નેટવર્કને તોડશે અને ડ્રગ્સના આતંકમાંથી સામાન્ય નાગરિકોને મુક્ત કરશે.

સીબીએસ ન્યૂઝે મારિયા રેસા ઉપર બનાવેલ ડૉક્યુમૅન્ટરી માટે આપેલી એક મુલાકાતમાં તેઓ જણાવે છે કે, “પરંતુ પરિસ્થિતિ એમના નિયંત્રણમાં આવી રહી ન હતી, જેથી તેમણે ડ્રગ ડીલરો સામે નવું અભિયાન શરૂ કર્યું અને તેમણે શંકાસ્પદ લોકોને સ્થળ પર જ ઠાર કરવાના આદેશ આપ્યા. થોડા જ દિવસોમાં ભારે ઊહાપોહ મચી ગયો કારણ કે હવે દરરોજ રસ્તા પર લાશો જોવા મળી રહી હતી.”

“પરંતુ સરકારી નિયંત્રણમાં કે ડરમાં સમગ્ર મીડિયા શાંત હતું અને મારિયા રેસાની સંસ્થા રેપલરે તેનું વિશેષ કવરેજ કર્યું.”

તેઓ આ મુલાકાતમાં આગળ જણાવે છે કે, “રેસાની ટીમે દરરોજ આંકડાઓ પર નજર રાખી અને એવા રિપોર્ટ્સ બહાર પાડ્યા કે જેનાથી સાબિત થતું હતું કે હજારો લોકોની શંકાના દાયરામાં હત્યાઓ થઈ રહી છે.”

ફિલિપાઇન્સના ઍક્ટિવિસ્ટ્સ અનુસાર અંદાજે 27,000થી વધુ લોકોની આ મામલામાં હત્યા થઈ છે અને તેમણે યુનાઇટેડ નેશન્સને આ મામલાની તપાસ કરવા માંગણી કરી હતી. યુનાઇટેડ નેશન્સે આ મામલે તપાસ કરવાનું શરૂ પણ કર્યું હતું.

રેપલરે આ મામલે કરેલા કવરેજ બાદ આ મુદ્દાની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ. તેમજ મારિયા રેસા જણાવે છે કે, “આ બાદ તેમની સામે સંખ્યાબંધ મામલામાં કાર્યવાહી કરવાનું શરૂ થયું.”

ડૉક્યુમૅન્ટરી માટે આપેલી મુલાકાતમાં તેમણે આ કાર્યવાહી અંગે વાત કરતાં કહ્યું હતું કે આ બાદ તેમના અને તેમના મીડિયા સંસ્થાન રેપલર પર કરચોરીના આરોપો હેઠળ કેસ કરવામાં આવ્યા.

રેસા પર અલગથી પણ એક કરચોરીનો કેસ કરવામાં આવ્યો.

વિદેશી માલિકીના કેસમાં રેપલર પર ફિલિપાઇન્સની સરકાર દ્વારા પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.

આ સિવાય 2020માં રેસાને એક માનહાનિના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યાં હતાં જેમાં પછીથી તેમનો જામીન પર છૂટકારો થયો હતો.

હજુ પણ તેમના પર ત્રણ કેસ ચાલી રહ્યા છે.

બીબીસી ગુજરાતી
  • બુધવારે રિપોર્ટર્સ વિથાઉટ બૉર્ડર્સ નામના પત્રકારોના વૈશ્વિક સંગઠને 'પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ' જાહેર કરી હતી
  • જેમાં 180 દેશોની યાદીમાં ભારત 161મા ક્રમે પહોંચી ગયું છે
  • ગત વર્ષે ભારત આ ઇન્ડેક્સમાં 150મા ક્રમે હતું
  • પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પ્રેસ સ્વાતંત્ર્યની સ્થિતિ ભારત કરતાં સારી હોવાનું જાહેર કરાયું હતું
  • હવે જ્યારે ઇન્ડેક્સમાં ભારતની સ્થિતિ ચિંતા જન્માવે તેવી હોવાનું સામે આવ્યું છે ત્યારે વાંચો એ સાહસિક મહિલાની કહાણી જેમણે અનેક પડકારો છતાં પોતાના દેશની સરકાર સામે પડીને સત્યનો અવાજ બુલંદ કર્યો
બીબીસી ગુજરાતી

જ્યારે ઓનલાઇન ટ્રોલિંગે હદ પાર કરી

પરંતુ આ કાયદાકીય હેરાનગતિની સાથે સાથે મારિયા રેસાએ અત્યંત ગંભીર પરિસ્થિતિઓનો પણ સામનો કર્યો.

ઓનલાઇન ટ્રોલિંગ સિવાય તેમને જાહેરમાં પણ સતત હેરાન કરવામાં આવ્યાં હતાં.

એક અમેરિકન ટીવી ચેનલને આપેલા સાક્ષાત્કારમાં તેઓ કહે છે કે, ‘ડ્રગ્સના મામલામાં રિપોર્ટિંગ દરમિયાન મને દર કલાકે 90 નફરતભર્યા મૅસેજ આવતા હતા. જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી, બળાત્કારની ધમકીઓ મળતી હતી. ટ્વિટર પર મારું ચરિત્રહનન થાય એવી પોસ્ટસ મૂકાતી હતી.’

ટ્વિટર પર #ArrestMariaRessa નામે કૅમ્પેન ચલાવવામાં આવ્યું હતું અને અનેક ‘ફેક ઍકાઉન્ટ’ દ્વારા તેમના વિશે ‘ભાતભાતની અફવાઓ અને ખોટી વાતો ફેલાવવામાં આવી હતી.’

એસ્ટ્રોટર્ફિંગ હતું, જેમાં ખૂબ વ્યૂહાત્મક રીતે ફેક અકાઉન્ટ્સ દ્વારા ખૂબ સાવધાનીથી અને ઇરાદાપૂર્વક રેસાની બદનામી થાય એવા નકલી મૅસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવતા હતા.

એક વ્યૂહરચના અનુસાર, પહેલા ફેક અકાઉન્ટ્સ આવા મૅસેજ ફેલાવે, સરકાર સમર્થિત મીડિયા હાઉસ તે વાતને લોકો સમક્ષ મૂકે જેનાથી લોકોને શંકા ઉદ્ધવે અને પછી સરકારી અધિકારીઓ પણ તેની ચર્ચા કરે.

જેનો હેતુ તેમના વિરુદ્ધ ફેલાવાયેલા ખોટા મૅસેજ પણ લોકોને સાચા લાગવા માંડે એ હતો.

રેસા કહે છે, “જો તમે લોકોને એ વાતનો ભરોસો અપાવી દો કે જૂઠ્ઠાણાં જ હકીકત છે, તો તમે તેને આસાનીથી કંટ્રોલ કરી શકો છો.”

રેસાનું માનવું છે કે ફેસબુકને કારણે વિશ્વની લોકશાહીઓ પર ખતરો તોળાવા લાગ્યો છે. કારણ કે તેના પર પ્રચુર માત્રામાં ફેલાવાતી ખોટી માહિતીઓ અને નફરતભર્યા મૅસેજ હોય છે.

2022માં યુનેસ્કોએ ‘ધ ચિલિંગ: વોટ મોર કેન ન્યૂઝ ઑર્ગેનાઇઝેશન્સ ડૂ ટુ કોમ્બેટ જેંડર્ડ ઓનલાઇન વાયોલન્સ’ નામે પ્રકાશિત કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે, “મારિયા રેસા વિરુદ્ધ થયેલી ઓનલાઇન હિંસાએ એવું વાતાવરણ ઊભું કર્યું કે તેમના પર અત્યાચાર પણ થઈ શકે, તેમના પર કાનૂની કેસ પણ થઈ શકે અને કદાચ એમના પર કોઈ ગુનો સાબિત પણ થઈ શકે. આ ટ્રોલિંગરૂપી હિંસા એટલી ઘાતક હતી.”

બીબીસી ગુજરાતી

રેસાએ લખેલું પુસ્તક પણ ચર્ચામાં

તાજેતરમાં જ રેસાએ ‘હાઉ ટુ સ્ટેન્ડ અપ ટુ અ ડિક્ટેટર: ધી ફાઇટ ફૉર અવર ફ્યુચર’ નામે એક પુસ્તક લખ્યું છે, જે તેમની બાયોગ્રાફી પણ છે. આ પુસ્તકમાં સમગ્ર વિશ્વમાં સામે આવી રહેલી આપખુદશાહી સરકારો સામે કેવી રીતે લડવું એ અંગે પણ વાત કરવામાં આવી છે.

ઉપરાંત પુસ્તકમાં તેમણે સોશિયલ મીડિયા કઈ રીતે ખોટી માહિતીઓ, નફરતભર્યા સંદેશા ફેલાવવામાં મદદરૂપ નીવડે છે અને તે કઈ રીતે લોકો પર અસર કરે છે તેની વિસ્તૃત ચર્ચા કરી છે.

પુસ્તકના એક પ્રકરણ ‘મિશન ઑફ જર્નલિઝમ’ માં તેઓ ઑબ્જેક્ટિવ રિપોર્ટિંગનું મહેણું ભાંગતાં લખે છે કે, “જ્યારે કોઈ નેતા યુદ્ધ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે કે યુદ્ધમાં દેશને ધકેલે છે, હળાહળ ખોટું બોલે, કલાઇમેટ ચેન્જ કે ગ્લોબલ વૉર્મિંગ જેવી પરિસ્થિતિઓને નકારે છે ત્યારે આપણા રિપોર્ટિંગમાં કોઈ પ્રકારનું બૅલેન્સ રાખવાની જરૂર નથી.”

પોતાના પુસ્તક વિશે તેઓ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહે છે કે, “એક સમય એવો હતો જ્યારે હું પહેલી વાર અમેરિકા ભણવા ગઈ હતી, ત્યારે મને અંગ્રેજી નહોતું આવડતું. મારા વર્ગમાં હું એકમાત્ર વ્યક્તિ હતી જે શ્વેત નહોતી. આ કારણે મને ઘણી વાર હેરાન કરવામાં આવતી હતી. ત્યાં હું એવું વિચારતી કે કેવી રીતે આ હેરાનગતિ સામે લડવું અને આજે હું એવું વિચારું છું કે કેવી રીતે એક આપખુદ સામે લડવું - બસ, આટલો જ ફરક છે. મને તો એ તાલીમ ખૂબ નાની ઉંમરથી જ મળી ગઈ છે. મેં યુદ્ધ ક્ષેત્રોમાં રિપોર્ટિંગ કર્યું છે, ગોળીઓનો વરસાદ જોયો છે તો કોઈ રાષ્ટ્રપતિનો ડર કેવી રીતે લાગે?”

સમગ્ર વિશ્વમાં જ્યારે લોકશાહી દેશોમાં આપખુદશાહી સત્તાનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે રેસાની એક વાત યાદ રાખવા જેવી છે.

“લોકશાહી બહુ નાજુક છે. તમારે એક-એક વસ્તુઓ માટે લડવું પડશે, દરેક કાયદા માટે લડવું પડશે, દરેક સંસ્થાઓ માટે લડવું પડશે, દરેક સ્ટોરી માટે લડવું પડશે. આપણે એ વાતને સમજવી પડશે કે શરીર પર પડેલો નાનામાં નાનો કાપો પણ કેટલો દર્દનાક હોય છે. એટલે જ હું કહું છું કે, આપણે ટકી રહેવું પડશે, ડગી જવાનો આ સમય નથી.”

રેડ લાઇન
રેડ લાઇન