દૂરદર્શને તેના ‘લોગો’નો રંગ બદલીને લાલમાંથી ‘ભગવો’ કેમ કરી નાખ્યો?

ઇમેજ સ્રોત, DD
સરકારની માલિકીના પ્રસારક પ્રસાર ભારતીએ સમાચાર ચેનલ ડીડી ન્યૂઝના લોગોનો રંગ લાલમાંથી બદલીને ‘ભગવો’ કરી નાખ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન દૂરદર્શનના લોગોનો રંગ બદલવાની વિપક્ષોએ કડક ટીકા કરી છે.
રાજ્યસભા સદસ્ય અને પ્રસાર ભારતીના પૂર્વ પ્રમુખ જવાહર સરકારે તેના વિશે કહ્યું છે કે, "આ સંસ્થા હવે પ્રસાર ભારતી નહીં, પ્રચાર ભારતી છે."
જોકે, પ્રસાર ભારતીના હાલના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ આ આરોપોને નકાર્યા છે.
તેમણે પત્રકારોને કહ્યું કે, "લોગોમાં ચળકાટભર્યા રંગોનો ઉપયોગ માત્ર પ્રોફેશનલ રણનીતિ હેઠળ કરવામાં આવ્યો છે. તેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી."
ગત વર્ષે જાન્યુઆરીમાં જ ‘દૂરદર્શન પોથિગઈ’ ટેલિવિઝન ચેનલનું નામ બદલીને ‘ડીડી તમિલ’ કરી દીધું હતું.
એ સમયે આ સમાચારને લઈને ખૂબ વિવાદ થયો હતો. જોકે, ડીડી તમિલના લોગોનો રંગ પણ ભગવો કરી દેવામાં આવ્યો હતો.
આ મહિનાની શરૂઆતમાં કેરળના મુખ્ય મંત્રી પિનરઈ વિજયને દૂરદર્શન પર ‘ધી કેરલ સ્ટોરી’ ફિલ્મના પ્રસારણનો અતિશય વિરોધ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, "દૂરદર્શને આ ફિલ્મને પ્રસારિત કરવાના પોતાના નિર્ણયને તરત જ પાછો ખેંચી લેવો જોઈએ. કારણ કે આ ફિલ્મનો ઉદ્દેશ્ય સમાજમાં નફરત ફેલાવવાનો છે. દૂરદર્શને સંઘ પરિવારના સાંપ્રદાયિક એજન્ડાને ફેલાવવાનું કામ કરવું ન જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ત્યારપછી પણ પાંચ એપ્રિલના રોજ રાત્રે આઠ વાગ્યે દૂરદર્શન પર આ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ મામલો હજુ થાળે પડ્યો ન હતો ત્યાંજ ફરી એકવાર પ્રસાર ભારતી એ ડીડી ન્યૂઝના લોગોને લઈને વિવાદોમાં સપડાયું છે.
દૂરદર્શનની જાહેરાત

ઇમેજ સ્રોત, @DDNewslive/X
દૂરદર્શન ભારત સરકારનું અધિકૃત સરકારી ટેલિવિઝન છે. આ લોગોનો રંગ બદલવાની જાહેરાત દૂરદર્શનના અધિકૃત સોશિયલ મીડિયા પર પણ એક પોસ્ટના માધ્યમથી કરવામાં આવી.
દૂરદર્શને એક પોસ્ટમાં કહ્યું, "હવે અમે એક નવા અવતારમાં આવી રહ્યા છીએ પરંતુ અમારા સિદ્ધાંતોમાં કોઈ બદલાવ થયો નથી. સમાચારોની દુનિયાની આવી યાત્રા માટે તૈયાર થઈ જાઓ અને નવા ડીડી ન્યૂઝનો અનુભવ લો."
દૂરદર્શને સાથે એમ પણ કહ્યું હતું કે, "ફટાફટ સમાચારોને બદલે સટીક સમાચારો, સનસનીખેજ સમાચારોને બદલે સત્ય, દૂરદર્શનના સમાચારો સત્યનો ભરોસો અપાવે છે."
પ્રસાર ભારતીના નિર્ણયની ટીકા

ઇમેજ સ્રોત, @MamtaOfficial/X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ ઘટનાની ટીકા કરી છે.
તેમણે લખ્યું, "હું એ જોઈને હેરાન છું કે જ્યારે દેશભરમાં ચૂંટણી થઈ રહી છે ત્યારે અચાનક દૂરદર્શનનો લોગો અચાનક ભગવા રંગમાં બદલી નાખવામાં આવ્યો. આ સંપૂર્ણપણે અનૈતિક અને ગેરકાયદેસર છે."
તેમણે આ ઘટનાને ભાજપ સાથે જોડીને ચૂંટણી પંચને સવાલો કર્યા.
મમતાએ લખ્યું, "આ પગલું સરકારી પ્રસારક દૂરદર્શનનો ભાજપને લઈને પૂર્વાગ્રહ સ્પષ્ટ દેખાડે છે. ચૂંટણીપંચે ચૂંટણી દરમિયાન આ પ્રકારના ભગવા પ્રચાકને મંજૂરી કઈ રીતે આપી? ચૂંટણીપંચે તેના પર તરત જ પ્રતિબંધ મૂકવો જોઈએ અને દૂરદર્શનનો લોગો પહેલાં જેવો જ કરી દેવો જોઈએ."
પ્રસાર ભારતીના પૂર્વ વડા જવાહર સરકાર કહે છે કે, "એવું લાગે છે કે કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે."
જવાહર સરકાર 2012થી 2014 સુધી પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી હતા. હાલમાં તેઓ તૃણમૂલ કૉંગ્રેસ તરફથી રાજ્યસભાના સભ્ય છે.
ડીડી ન્યૂઝના લોગોનો રંગ બદલીને 'ભગવો' કરવાના મુદ્દે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "ભારતના જાહેર પ્રસારણકર્તા દૂરદર્શનના ઐતિહાસિક લોગોનો રંગ ભગવો કરી દેવામાં આવ્યો છે. ભૂતપૂર્વ સીઈઓ તરીકે, હું આ ભગવાકરણ અંગે ચિંતિત છું. હવે આ પ્રસાર ભારતી નથી, પરંતુ એક વિશેષ પક્ષનું પ્રચાર ભારતી છે."
જવાહર સરકારે આવો જ એક સંદેશ વીડિયોના માધ્યમથી પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, "આ દુખની વાત છે કે જાહેર પ્રસારણકર્તાએ પોતાના બ્રાન્ડિંગ માટે આ રંગની પસંદગી કરી. તમે તેને નારંગી કે બીજો કોઈ રંગ કહી શકો છો પરંતુ આ ભગવો રંગ છે અને તેને એક ખાસ ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે."
તેમણે કહ્યું કે, "લાખો લોકો તેને જુએ છે. આ પ્લૅટફોર્મનો ઉપયોગ કોઈ ખાસ ધર્મના રંગો ફેલાવવા માટે ન થવો જોઈએ. તમે એવી દલીલ આપી શકો છો કે આ રંગ આપણા રાષ્ટ્રધ્વજમાં પણ છે. પરંતુ એ તેમાં બીજા રંગોની સાથે છે."
શું દૂરદર્શનનું ‘ભગવાકરણ’ થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
દૂરદર્શનમાં કામ કરનાર એક અધિકારીએ નામ ન છાપવાની શરતે બીબીસી સાથે આ વિવાદ અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "જ્યારે દૂરદર્શન શરૂ થયું ત્યારે તેને એક સત્તારૂઢ સરકારી ચેનલના બેનર હેઠળ લૉન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ એ સમયે અહીંના અધિકારીઓને એ વાતની સમજ ન હતી કે આ ચેનલનું ઉદ્દેશ્ય શું છે અને તેના વિકાસનું હવે પછીનો તબક્કો શું હશે."
અધિકારીએ કહ્યું, "દૂરદર્શને લોકો વચ્ચે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. તેનું એક કારણ એ પણ હતું કે એ વખતે બીજી કોઈ ચેનલ આટલી મોટી ન હતી. 2000ના દાયકા દરમિયાન પ્રાઇવેટ ચેનલો આવવાની શરૂ થઈ અને તે લોકપ્રિય થવા લાગી. પરંતુ ત્યારે પણ દૂરદર્શનને બદલવાની કોશિશ કોઈએ કરી ન હતી. એક પછી એક આવનારી સરકારો પણ તેને સમજવામાં નિષ્ફળ રહી છે."
આ અધિકારીએ કહ્યું, "જે રીતે બીએસએનએલ જેવા પીએસયુને ખતમ કરી દેવામાં આવ્યું એવું જ દૂરદર્શન સાથે કરવામાં આવી રહ્યું હતું. દૂરદર્શનમાં શું થઈ રહ્યું છે તેને જાણવા-સમજવાવાળું કોઈ બચ્યું નથી. એ જ કારણ છે કે તેનું સંપૂર્ણ નિયંત્રણ કેટલાક લોકોના હાથમાં જતું રહે છે."
એક ઉદાહરણ આપીને તેઓ સમજાવે છે, "દૂરદર્શન પર જો ચૂંટણીપ્રચારનો કોઈ વીડિયો આવે છે તેમાં પણ સૌને સમાન અધિકાર આપવો જોઈએ. પરંતુ એક રાજ્યના વીડિયોમાં મુખ્ય મંત્રી કે જેઓ વિપક્ષી દળના છે તેમને સાતમા સ્થાને રાખવામાં આવે અને ભાજપના નેતા કે જે કોઈ પદ પર નથી તેમને ત્રીજા સ્થાને રાખવામાં આવે અને વધુ સમય આપવામાં આવે છે. આ કેવી સમાનતા છે?"
અધિકારી કહે છે, "દૂરદર્શનમાં બધી નોકરીઓ એવા જ લોકોને મળે છે કે જે એક જ પક્ષના હોય. તમિલ દૂરદર્શનમાં પણ એવું જ થઈ રહ્યું છે. હાલમાં જ એક સેલિબ્રિટીને મેગા સીરિયલ કરવાની ડિલ આપવામાં આવી હતી. હવે તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે."
તેમણે કહ્યું, "કેટલાક કર્મચારીઓ પણ એકપક્ષીય પૂર્વાગ્રહનો વિરોધ કરી રહ્યા છે પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવી રહ્યો નથી. દૂરદર્શનને વધુ સારું બનાવવાના અનેક રચનાત્મક રસ્તાઓ છે. આ પ્રકારના ભગવાકરણનો કોઈ ફાયદો નથી."
‘ભગવાકરણને સામાન્ય બનાવવાની કોશિશ’

ઇમેજ સ્રોત, AADHAVANDHEETCHANYA/FACEBOOK
તામિલનાડુ પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશનના મહાસચીવ અધાવન દીત્સન્યા કહે છે, "ભારતનું મીડિયા છેલ્લાં કેટલાંક વર્ષોમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. જો તમે દૂરદર્શનના કાર્યક્રમો જોઈ રહ્યા હશો તો તમને પણ એ ખ્યાલ આવશે કે ક્યાંક ને ક્યાંક તેનું ભગવાકરણ થઈ ગયું છે."
"આઈઆરસીટીસીની મોબાઇલ ઍપ, વંદે ભારત ટ્રેન આ બધાં માત્ર ઉદાહરણો છે. દરેક જગ્યાએ ભગવો રંગ લાવીને તેઓ ભગવાકરણને સામાન્ય અને સ્વીકાર્ય બનાવવાની કોશિશ થઈ રહી છે."
"સરકારી લોકો પણ બોલે છે ત્યારે તેઓ જયશ્રીરામ બોલે છે. માત્ર દૂરદર્શન જ નહીં, આપણી ચારેકોર જુઓ તો ખ્યાલ આવશે કે છેલ્લા દસ વર્ષોમાં જાણે કે એક મહાકાવ્ય જ બની ગયું છે."
તેમણે એમ પણ કહ્યું કે, "ચૂંટણીપ્રચાર માટે જઈ રહેલા વડા પ્રધાન પણ વડા પ્રધાનપદની ગરિમા જાળવવાને બદલે કહી રહ્યા છે કે વિપક્ષીદળોએ નૉન-વેજ ખાધું અને મંદિર ઉદ્ધાટન સમારંભમાં ન આવ્યા. એવામાં આ કોઈ મોટી વાત નથી કે દૂરદર્શનના લોગોનો રંગ ભગવો કરી દેવામાં આવ્યો."
‘સરકારી ચેનલ પર ‘ધી કેરાલા સ્ટોરી’ ન દેખાડવી જોઈએ’

વરિષ્ઠ પત્રકાર પ્રિયન કહે છે, "જ્યારે ફિલ્મ ‘ધી કેરાલા સ્ટોરી’નો મામલો કોર્ટમાં પહેલાંથી જ છે ત્યારે સરકારી ચેનલ દૂરદર્શને ચૂંટણી દરમિયાન આ ફિલ્મનું પ્રસારણ કર્યું. તેને સરકારી ચેનલ પર કેમ પ્રસારિત કરવામાં આવી? "
તેઓ સવાલ ઉઠાવતા કહે છે, "એ જાણવા છતાં કે આ ખાસ વર્ગ-વિરોધી અને સમાજ-વિરોધી ફિલ્મ છે તો તેને કેમ સરકારી સમાચાર ચેનલ પર પ્રસારિત કરવામા આવી? ચૂંટણીમાં ફાયદા માટે આવું કરતા સમયે શું દૂરદર્શનને એ ખબર નહીં હોય કે તે કોઈ પક્ષનું સમર્થન કરી રહ્યું છે."
તેમણે કહ્યું કે જ્યારે સંસદનું જ ભગવાકરણ કરી દેવામાં આવ્યું છે ત્યારે ડીડીના લોગોનું ભગવા રંગે રંગાઈ જવું એ સામાન્ય વાત છે.
તેઓ કહે છે, "પહેલા તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે અને હાલમાં છ તબક્કાનું મતદાન બાકી છે. લોકો પર પ્રભાવ ઉભો કરવા માટે તેઓ એવી નીતિનો સહારો લેશે અને કહેશે કે અમે બહુમતી સમાજના સમર્થક છીએ અને લઘુમતીઓના વિરોધી છીએ. તેમને આ જ આવડે છે."
દૂરદર્શનનું મેનેજમૅન્ટ શું કહે છે?
પ્રસાર ભારતીના હાલના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ દૂરદર્શનના લોગોનો રંગ બદલવા અંગે લગાવવામાં આવી રહેલા આરોપોને નકાર્યા છે.
તેમણે કહ્યું નવા લોગોનો રંગ નારંગી છે પરંતુ આ પરિવર્તનનો સંબંધ કોઈ પક્ષ કે કોઈ ખાસ રંગ સાથે નથી.
તેમણે પત્રકારોને કહ્યું હતું કે, "આ નારંગી રંગ છે. છ-સાત મહિના પહેલાં જી20 સમિટના આયોજન પહેલાં અમે ડીડી ઇન્ડિયાના લોગોને પણ આ જ રંગમાં અપડેટ કર્યો હતો. તેના પછી જ અમે નવા લોગોનો નિર્ણય કર્યો."
"અમે વિઝ્યુઅલ્સ અને ટેકનૉલૉજીના સ્તરે ડીડી ન્યૂઝના એક નવા અવતારની શરૂઆત કરી છે. માત્ર ચેનલનો લોગો જ નહીં, નવી જગ્યાઓ, આધુનિક ઉપકરણો, પ્રેઝન્ટેશનનું નવું સ્વરૂપ, વગેરે અનેક બદલાવો કર્યા છે.ક્નો
તેમણે કહ્યું હતું કે, ક્નોઆ પહેલાં અમે દૂરદર્શનના લોગોમાં વાદળી અને પીળા રંગનો પણ ઉપયોગ કર્યો હતો. લોગોમાં ચળકતાં રંગોનો ઉપયોગ જાહેરાતની નીતિનો હિસ્સો છે. એટલા આ પરિવર્તન ચેનલ માટે છે, તેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.ક્નો












