વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમો અને કૉંગ્રેસ પર વિવાદિત નિવેદન, ચૂંટણીપંચની ચુપકીદીનો અર્થ શું છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજસ્થાનના બાંસવાડા ખાતેના 21 એપ્રિલના ભાષણ પછી ચૂંટણીપંચની ભૂમિકા બાબતે સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. વડા પ્રધાનના દાવાઓની રાહુલ ગાંધી સહિતના કૉંગ્રેસના અનેક નેતાઓએ ઝાટકણી કાઢી હતી અને તેને ખોટા ગણાવ્યા હતા.
કૉંગ્રેસે આ મુદ્દે ચૂંટણીપંચમાં પણ ધા નાખી છે. કૉંગ્રેસે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આચારસંહિતાના ઉલ્લંઘનની 19 ફરિયાદો ચૂંટણીપંચને સોંપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના એક જૂના ભાષણનો હવાલો આપતાં મુસલમાનો વિશે ટિપ્પણી કરી હતી, જેમાં તેમને ‘ઘૂસણખોર’ અને ‘વધારે બાળકો પેદા કરતા’ ગણાવ્યા હતા.
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહના જે 18 વર્ષ જૂના ભાષણનો ઉલ્લેખ કર્યો હતો તેમાં મનમોહન સિંહે મુસલમાનોને અગ્રતા આપવાની વાત કરી ન હતી.
મનમોહન સિંહે 2006માં કહ્યું હતું, "અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને પુનર્જીવિત કરવાની જરૂર છે. આપણે નવી યોજનાઓ લાવીને એ સુનિશ્ચિત કરવું પડશે કે લઘુમતીઓ અને ખાસ કરીને મુસલમાનોનું પણ ઉત્થાન થઈ શકે, વિકાસનો લાભ મળી શકે. આ બધાનો સંસાધનો પર પહેલો દાવો હોવો જોઈએ."
મનમોહનસિંહે અંગ્રેજીમાં આપેલા ભાષણમાં ક્લેઈમ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની ટીકા એમ કહીને કરવામાં આવે છે કે તેઓ દેશના લગભગ 20 કરોડ મુસલમાનો માટે ‘ઘૂસણખોર’ શબ્દનો ઉપયોગ કેવી રીતે કરી શકે.
ભારતીય જનતા પક્ષના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક પત્રકારપરિષદમાં કહ્યું હતું, "ઇન્ડી અલાયન્સ માટે ભારતમાં જેઓ ગેરકાયદે ઘૂસે છે તેઓ, દેશની જનતા કરતા વધારે મહત્ત્વપૂર્ણ છે. કોઈ ખચકાટ વિના કશું સ્પષ્ટ કહેવા માટે હિંમત હોવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકીય ફરિયાદો ઉપરાંત દેશના 17,000થી વધારે સામાન્ય નાગરિકોએ પણ ચૂંટણીપંચ સમક્ષ માંગ કરી છે કે આ ‘હેટ સ્પીચ’ માટે વડા પ્રધાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
આ બધી ટીકાઓના કેન્દ્રમાં ફરી એકવાર ચૂંટણીપંચની ભૂમિકા વિશે સવાલ પૂછવામાં આવી રહ્યા છે.
ચૂંટણીપંચની ભૂમિકા અને ભાજપ વિરુદ્ધની ફરિયાદો

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભા ચૂંટણી, 2024 માટે દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે.
ચૂંટણીપંચ દ્વારા અમલી બનાવવામાં આવેલી આદર્શ આચારસંહિતા મુજબ, ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરી શકાતો નથી તેમજ ધર્મ, સંપ્રદાય અથવા જ્ઞાતિના આધારે મત આપવાની અપીલ પણ કરી શકાતી નથી.
આચારસંહિતા મુજબ, કોઈ ધર્મ કે જાતીય સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવતા ભાષણ કે નારાબાજી કરવા પર પણ પ્રતિબંધ છે.
આ નિયમોનો હવાલો આપીને વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
કૉંગ્રેસના નેતાઓએ સોમવારે સાંજે ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી હતી.
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે અમે લોકપ્રતિનિધિત્વ કાયદો (1951), સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનની 16 ફરિયાદો ચૂંટણીપંચને સોંપી છે.
આ ફરિયાદો બાબતે તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે, એવી કોંગ્રેસને આશા છે. આ ફરિયાદો 18થી 22 એપ્રિલ વચ્ચેની છે.
કેટલીક મુખ્ય ફરિયાદો પર એક નજર
- શિક્ષણ વિભાગ તરફથી આચારસંહિતાના અમલ દરમિયાન યુજીસીમાં નિમણૂંક.
- ભાજપના ઉમેદવાર તપનસિંહ ગોગોઈ દ્વારા મતદારોને પૈસાની વહેંચણી.
- ઉત્તર પ્રદેશમાં સરકારી યોજનાઓના પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફનો ઉપયોગ.
- ચૂંટણી પ્રચારમાં ધાર્મિક છબીઓ અને રામ મંદિરનો ઉપયોગ.
- કેરળમાં મોક ચૂંટણી દરમિયાન ઈવીએમ મશીનોમાં ગડબડ.
- ચૂંટણી પ્રચારમાં સૈન્યના ફોટોગ્રાફ્સ અને ભાજપ દ્વારા તેનો ઉપયોગ.
વિરોધ પક્ષો પર ચૂંટણીપંચની કાર્યવાહી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ફરિયાદો બાબતે ચૂંટણીપંચ તરફથી હજુ સુધી કોઈ પ્રતિભાવ આવ્યો નથી. ચૂંટણીપંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાબતે કોઈ નોટિસ આપી હોય કે કાર્યવાહી કરી હોય તેવી માહિતી પણ બહાર આવી નથી.
આ પહેલાં ગયા મહિને માર્ચમાં તૃણમૂલ કૉંગ્રેસના સંસદસભ્ય સાકેત ગોખલેએ ચૂંટણીપંચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે આચારસંહિતાના ઉલ્લંઘન બાબતે એક ફરિયાદ નોંધાવી હતી.
સાકેત ગોખલેએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભામાં ભાગ લેવા માટે વાયુસેનાના એક હેલિકૉપ્ટરનો ઉપયોગ કર્યો હતો.
આ ફરિયાદ બાબતે પણ ચૂંટણીપંચે કોઈ કાર્યવાહી કરી હોવાના સમાચાર નથી.
ભાજપના મામલામાં ચૂંટણીપંચની આ નિષ્ક્રિયતાની સરખામણી કેટલાક લોકો વિરોધ પક્ષના મામલામાં ચૂંટણીપંચની સક્રિયતા સાથે કરી રહ્યા છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારના અહેવાલ મુજબ, નવેમ્બર 2023માં રાહુલ ગાંધીએ નામ લીધા વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘પનોતી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એ વખતે ચૂંટણીપંચે રાહુલ ગાંધીને નોટિસ આપી હતી.
કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ તાજેતરમાં હેમા માલિની વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેના ફરિયાદ સંદર્ભે ચૂંટણીપંચે તેમના પર 48 કલાકનો પ્રતિબંધ લાદ્યો હતો.
જોકે, 16 એપ્રિલે આચારસંહિતાના અમલને એક મહિનો પૂર્ણ થયો ત્યારે ચૂંટણીપંચે એક નિવેદન બહાર પાડ્યું હતું.
ચૂંટણીપંચના જણાવ્યા મુજબ, પંચ પાસે લગભગ 200 ફરિયાદો આવી છે. એ પૈકીની 169 સંદર્ભે પગલાં લેવામાં આવ્યાં છે. 51 ફરિયાદો ભાજપ દ્વારા કરવામાં આવી છે. તેમાંથી 38 મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે.
કૉંગ્રેસ તરફથી 59 ફરિયાદો કરવામાં આવી હતી, જેમાંથી 51 મામલામાં કાર્યવાહી કરવામાં આવી હતી.
અન્ય રાજકીય પક્ષોએ 90 ફરિયાદો કરી હતી, જેમાંથી 80 મામલામાં કાર્યવાહી કરવામાં આવી હતી.
કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટીની ફરિયાદો બાબતે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ ચૂંટણીપંચે જણાવ્યું છે.
તેમાં ચૂંટણીની જાહેરાત પછી વૉટ્સએપ પર સરકાર તરફથી વિકસિત ભારતના મેસેજ મોકલવા પર પ્રતિબંધ લાદવાની, કૉંગ્રેસની ફરિયાદ સંબંધે હાઈ-વે, પેટ્રોલ પમ્પ્સ જેવી જગ્યાએ નિયમ અનુસાર પ્રચારના છૂટ જેવા નિર્દેશો આપવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું છે.
જ્યારે ચૂંટણીપંચે આકરું વલણ લીધું હતું

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના 1987ની છે. ભડકાઉ ચૂંટણી ભાષણ આપવા બદલ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે પર ચૂંટણી લડવા અને મત આપવા પર છ વર્ષનો પ્રતિબંધ ત્યારે લાદવામાં આવ્યો હતો.
ચૂંટણીપંચની ભલામણને આધારે તત્કાલીન રાષ્ટ્રપતિ કે આર નારાયણને 1999માં બાળ ઠાકરેના મતાધિકાર પર છ વર્ષ સુધી પ્રતિબંધ લાદ્યો હતો.
બાળ ઠાકરેએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું, "મને મુસલમાનોના મતની જરૂર નથી."
આ નિવેદનને લીધે તેમને ઉપરોક્ત સજા કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન વિશે જાણકારોનો અભિપ્રાય
ચૂંટણી પર નજર રાખતી સંસ્થા એડીઆરના પ્રોફેસર જગદીપ છોક્કરે ચૂંટણીપંચને એક પત્ર લખીને જણાવ્યું હતું કે વડા પ્રધાનનું ભાષણ આચારસંહિતા અને લોકપ્રતિનિધિત્વ કાયદા(1995)ની કલમ ક્રમાંક 123 (3), 123 (3એ) તથા 125 અને ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 153 (એ)નું ઉલ્લંઘન છે. તેમણે આ મામલે જલદી કાર્યવાહી કરવાની માગ કરી છે.
સીએસડીએસના હિલાલ અહમદના જણાવ્યા મુજબ, આ ભાષણ વડા પ્રધાનના અગાઉનાં ભાષણો જેવું ન હતું.
હિલાલ અહમદે કહ્યું હતું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી હિંદુ, મુસ્લિમ જેવા શબ્દોના ઉપયોગ બાબતે અગાઉ બહુ સતર્ક રહ્યા છે. પોતાના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ત્રણ કે ચાર વખત હિંદુત્વ કે મુસ્લિમ શબ્દનો ઉપયોગ કર્યો છે, પરંતુ પોતે શું કહેવા ઈચ્છે છે તેનો સંકેત પોતાના મતદારોને ન આપતા હોય એવું નથી."
તેમણે ઉમેર્યું હતું, "ભાજપના ત્રણ પ્રકારના મતદારો છે. પહેલા એકદમ પાક્કા મતદારો, બીજા એ છે જેઓ અગાઉ બીજા પક્ષોને મત આપતા હતા, પરંતુ હવે ભાજપને મત આપે છે. ત્રીજા મતદારો ફ્લોટિંગ પ્રકારના છે. તેઓ કોઈને પણ મત આપે છે."
"પોતાની વાત દરેક પ્રકારના મતદાર સુધી પહોંચે એ રીતે નરેન્દ્ર મોદી રજૂઆત કરે છે. વોટિંગની ટકાવારી ઘટી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ ભાષણ દર્શાવે છે કે પક્ષ તેના મૂળ રાજકારણ તરફ જઈ રહ્યો છે અને તે અત્યંત રોચક છે. આ તેને એક દૃષ્ટિએ જોવાની રીત છે."
હિલાલ અહેમદના કહેવા મુજબ, ભાજપના ચૂંટણીઢંઢેરામાં કલ્યાણ યોજનાઓ છે, વિકાસ યોજનાઓ વગેરે છે, પરંતુ હિંદુત્વનો વધારે ઉલ્લેખ નથી અને તાજેતરના ભાષણનો ઊંડો પ્રભાવ બાકીના મતદાન પર પડશે.
વિરોધ પક્ષોના નેતાઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાબતે વિરોધ પક્ષોના નેતાઓએ આકરો પ્રતિભાવ આપ્યો છે.
કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું,"મોદીજીએ જે કહ્યું તે હેટ સ્પીચ છે. ધ્યાન અન્યત્ર દોરવાની વિચારપૂર્વકની ચાલ છે...અમારો ચૂંટણીઢંઢેરો દરેક ભારતીય માટે છે. બધા માટે સમાનતાની વાત કરે છે. બધા માટે ન્યાયની વાત કરે છે. કૉંગ્રેસનો ન્યાયપત્ર સચ્ચાઈના પાયા પર આધારિત છે."
ડાબેરી નેતા સીતારામ યેચુરીએ કહ્યું હતું, "આ ભયાનક છે. ચૂંટણીપંચની ચૂપકિદી વધારે ભયાનક છે. નરેન્દ્ર મોદીનું ભડકાવનારું ભાષણ આચારસંહિતા અને સર્વોચ્ચ અદાલતના હેટ સ્પીચના ચુકાદાનું ઘોર ઉલ્લંઘન છે."
ભારતીય સામ્યવાદી પક્ષ(માલે)એ જણાવ્યું હતું કે વડા પ્રધાનનું ભાષણ અત્યંત ઝેરીલું, સાંપ્રદાયિક અને નફરતથી ભરેલું છે. તેનો હેતુ ભારતની જનતા વચ્ચે ધર્મના આધારે દુશ્મનીને વધારવાનો છે.












