નેતાઓ કૉમેડી અને કાર્ટૂનને કેમ પચાવી શકતાં નથી?
- લેેખક, રાજ ગોસ્વામી
- પદ, બીબીસી ગુજરાતી માટે
2018માં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણ પર લખાયેલા પુસ્તક 'ટાઇમલેસ લક્ષ્મણ'ના વિમોચનમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "કાર્ટૂનિસ્ટો ભગવાનની નજીક હોય છે. તેઓ મનુષ્યોની વિવિધ લાક્ષણિકતાઓનું ગહન નિરીક્ષણ કરે છે. કાર્ટૂન દુઃખી નથી કરતું, દવા કરે છે."

ઇમેજ સ્રોત, FACEBOOK/MUNAWAR FARUQU
વાત તો સાચી છે. કાર્ટૂન, જોક્સ, વ્યંગ, કૉમેડી દવાનું કામ કરે છે. જીવન એટલું સંઘર્ષમય હોય છે કે હાસ્યવૃત્તિ આપણને તેમાં આરામ અને ચેન આપે છે.
ઇંગ્લિશ લેખક માર્ક ટ્વેઇને એકવાર કહ્યું હતું કે, "હાસ્ય ઉમદા ચીજ છે, તે રક્ષક છે. જે ક્ષણે એ આવી ચઢે, તે ક્ષણે તમામ કઠણાઈઓ, નારાજગીઓ અને રોષ નાબુદ થઈ જાય છે."

મોદી સરકારના રાજમાં હાસ્યને પ્રોત્સાહન મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમનો અભ્યાસ કહે છે કે 90 ટકા પુરુષો અને 81 ટકા સ્ત્રીઓએ એકરાર કર્યો છે કે જીવનસાથીમાં અને લીડરોમાં હાસ્યવૃત્તિ હોવી જોઈએ. તે વ્યક્તિની અને સમાજની તંદુરસ્તી માટે અનિવાર્ય છે.
ભારતીય પરંપરામાં એટલા માટે જ વિદૂષકની ભૂમિકા રહી છે. પૌરાણિક સાહિત્યથી લઈને લોકસંસ્કૃતિઓમાં હસવાનારાઓ રહ્યા છે.
મોદીસાહેબને આ ખબર હશે જ અને એટલે જ તેમણે 'કાર્ટૂન દુઃખી નથી કરતું, દવા કરે છે' એવું કહ્યું હશે. એ ન્યાયે તો મોદી સરકારના શાસનમાં હાસ્યને પ્રોત્સાહન મળવું જોઈતું હતું, પરંતુ થયું છે ઊંધું.
અત્યારે દેશમાં વ્યંગકારોની દશા બેઠી છે. સરકારમાં બેઠેલા લોકો, તેમના સમર્થકો અને તેમની પોલીસ વ્યંગ-વિરોધી થઈ ગઈ છે. કાર્ટૂનો અને જોક્સથી તેમની લાગણી દુભાય છે અથવા તેમાં તેમને ટીકા નજર આવે છે, પરિણામે એવા 'જોકર્સ'ને પાઠ ભણાવવાની કવાયત ચાલે છે.
દેશના જાણીતા કાર્ટૂનિસ્ટ મંજુલ તેમના કાતિલ રાજકીય વ્યંગ માટે ટ્વિટર પર લોકપ્રિય છે, પરંતુ સરકારમાં બેઠેલા લોકોને એ ન પચ્યું એટલે માહિતી અને ટેકનૉલૉજી મંત્રાલયે ગયા જૂન મહિનામાં ટ્વિટરને નોટિસ પાઠવી હતી કે મંજુલના ઍકાઉન્ટ પરની સામગ્રી ભારતના કાનૂનનો ભંગ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વિટરે 'ચેતવણી'ના સૂરમાં આ નોટિસની જાણ મંજુલને કરી, એનો અર્થ એ થાય કે મંજુલ જો કાનૂનનો ભંગ કરશે તો પગલાં ભરવામાં આવશે.
આ નોટિસના પાંચ દિવસ પછી, એક કૉર્પોરેટ મીડિયામાંથી મંજુલને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
વિડંબના એ છે કે આ જ મંત્રાલયના મંત્રી રવિશંકર પ્રસાદે 2016માં એક અંગ્રેજી સમાચારપત્રના કાર્યક્રમમાં કહ્યું હતું કે, "જે લોકો જાહેર જીવનમાં છે, તેમને હાસ્ય-વ્યંગ અને કાર્ટૂનને જીરવતાં આવડવું જોઈએ."
મંજુલના કિસ્સામાં સરકારને દુઃખ થયું છે, કારણ કે તેને એમનાં કાર્ટૂનમાં વ્યંગ ઓછો અને વ્યંગબાણ વધુ લાગ્યાં છે.

કપિલ શર્મા, મુનવ્વર ફારૂક અને વીર દાસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
કાર્ટૂનની આ મુસીબત છે. એ હસાવે તો છે, પરંતુ સાથે તે લાચાર અને ગુસ્સે પણ કરે છે. કાર્ટૂન કટાક્ષનું જ સ્વરૂપ છે.
કટાક્ષ માટે અંગ્રેજીમાં 'સાર્કૅઝમ' શબ્દ છે. સાર્કૅઝમ ગ્રીક શબ્દ 'સાર્કૅઝીન' પરથી આવે છે, જેનો મતલબ થાય છે 'માંસ ચીરવું." એટલા માટે જ કટાક્ષ અથવા વ્યંગની આગળ 'કાતિલ' શબ્દ લાગે છે.
શાબ્દિક વ્યંગમાં ખાલી શબ્દો હોય છે, પરંતુ કાર્ટૂનમાં શબ્દો અને ચિત્ર બંને ભેગાં થઈને તેને કાતિલ બનાવી દે છે.
ભારત કપિલ શર્માની કૉમેડી પર હસી શકે છે, પણ મુન્નવર ફારૂકી, વીર દાસ કે કુણાલ કામરાના વ્યંગ પર નારાજ થઈ જાય છે.
કેમ? કારણ કે કપિલની કૉમેડી ભદ્દી અને સ્ત્રીવિરોધી હોય છે, જ્યારે સ્ટેન્ડ-અપ કૉમેડિયનોના જોક્સ ભારતની રાજકીય-સામાજિક પરિસ્થિતિઓ પર હોય છે.
ભારતીયોને સસ્તી અને ફૂવડ કૉમેડી શ્રેષ્ઠ મનોરંજન લાગે છે, પરંતુ તેમના સામાજિક જીવનના દંભ અને બે મોંઢાવાળી વાતો પર કોઈ રમૂજ કરે, તો તેઓ અસહિષ્ણુ થઈ જાય છે.
એક જમાનામાં આપણે ફ્લોપ શો, યે જો હૈં ઝિંદગી, નુક્કડ અને હમ પાંચ જેવી સિરિયલો જોઈને હસતા હતા અને જસપાલ ભટ્ટી, શેખર સુમન, રાકેશ બેદી, શફી ઇનામદાર અને સતીશ શાહના વન લાઇનરો પર તાળીઓ પાડતા હતા. આજે આપણે ફારૂકી, વીર કે કુણાલને જેલમાં જોવા માંગીએ છીએ.

ભારતમાં મનોરંજનનો બદલાતો ચહેરો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં મનોરંજનનો ચહેરો કેવો બદલાયો છે તેનો એક કિસ્સો જાણવા જેવો છે. ન્યૂયૉર્ક ટાઇમ્સમાં લેખ લખતા વિકાસ બજાજે હિન્દીના હાસ્યકવિ અશોક ચક્રધરને મનોરંજનની નવી પરિભાષા વિશે પૂછ્યું હતું. અશોક ચક્રધરે જવાબમાં જોક્સ સંભળાવેલો:
"80ના દાયકામાં સ્ત્રી પુરુષને કહેતી હતી 'લવ મી, બટ ડૉન્ટ ટચ મી.' 90માં એ કહેવા લાગી, 'કિસ કર, પણ એથી આગળ કશું નહીં.' 2000માં એ બોલી, 'જે કરવું હોય એ કર પણ કોઈને કહેતો નહીં.' આ સ્ત્રી 2010માં એવું કહેતી થઈ કે 'કંઈક કર, નહીં તો હું બધાને કહી દઈશ કે તને કંઈ આવડતું નથી."
આપણે સેક્સ પર હસી શકીએ છીએ, પણ સામાજિક બાબતો પર કેમ નહીં? કારણ કે આપણા શાસકોને વ્યંગ ગમતો નથી.
જુલાઈ મહિનામાં, મુંબઈનાં સ્ટેન્ડ-અપ કૉમેડિયન અગ્રિમા જોશુઆ સામે પોલીસકાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર સરકારે સૂચના આપી હતી.
અગ્રિમાએ એક મ્યુઝિક કૅફેમાં આપેલા કાર્યક્રમમાં, અરબી સમુદ્રમાં મરાઠા રાજા શિવાજીની પ્રતિમા બાંધવાની રાજ્ય સરકારની યોજના પર કટાક્ષ કર્યો હતો અને એમાં સરકાર નારાજ થઈ ગઈ હતી.

વ્યંગ પ્રત્યે અસહિષ્ણુતા કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
2016માં લતા મંગેશકર અને સચીન તેંડુલકર વચ્ચેની કાલ્પનિક વાતચીતના એક વીડિયોને લઈને તન્મય ભટ્ટ સામે તવાઈ ઊતરી હતી.
મુંબઈ પોલીસે યૂટ્યૂબ પરથી તેનો વીડિયો હઠાવ્યો હતો અને શિવસેના, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તન્મય સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ જ તન્મય સામે નરેન્દ્ર મોદીનું મીમ બનાવવા માટે ફરિયાદ દાખલ થઈ હતી.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ એક વાર ઈમેઇલમાં ગ્રાફિક મોકલવા બદલ એક કાર્ટૂનિસ્ટની ધરપકડ કરાવી હતી.
નિલભ બેનરજી નામના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટે 2012માં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "ભારતમાં કાર્ટૂનિંગનું તાલિબાનીકરણ થઈ રહ્યું છે. ભવિષ્યમાં તમામ કાર્ટૂનિસ્ટને જેલમાં બંધ કરી દેવાશે."
પ્રશ્ન એ છે કે શાસકો વ્યંગ પ્રત્યે આટલા અસહિષ્ણુ કેમ થઈ જાય છે? એનું એક કારણ (વ્યક્તિગત અહં ઉપરાંત) મતોનું રાજકારણ છે. લોકલાગણીના નામ પર નેતાઓ કોઈ પણ હદ સુધી જાય છે.
તેમને એવું લાગે છે કે તેમના સમર્થકોને ખુશ રાખવા એ તેમની ફરજ છે, પરિણામે તેઓ અભિવ્યક્તિની આઝાદી કે ઉદારતા જેવાં બુનિયાદી મૂલ્યોને દકિયાનૂસી ગણીને ખારિજ કરી નાખે છે.
તાજેતરમાં, વોશિંગ્ટનના કૅનેડી સેન્ટરમાં 'આઈ કમ ફ્રોમ ટૂ ઇન્ડિયા' નામના કાર્યક્રમથી ભારે વિવાદમાં આવેલા સ્ટેન્ડ-અપ કૉમેડિયન વીર દાસ એક જગ્યાએ કહે છે કે, "મારા જોક્સના કારણે હું મુસીબતમાં મુકાયો છું, પરંતુ મેં એવું જોયું છે કે મેં જેમના પર જોક્સ કર્યો હોય તેમને એનો વાંધો ન હોય, પણ તેમના ભક્તોને તકલીફ થાય છે."
વીર એક દાખલો આપે છે. દિલ્હીમાં એનો એક કાર્યક્રમ હતો. તેણે સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પર જોક્સ કર્યો. થોડી વારમાં સ્ટેડિયમમાં પોલીસનો કાફલો ધસી આવ્યો.
શ્રોતાઓમાંથી કોકને જોક્સ ન પચ્યો એટલે તેમણે પોલીસને જાણ કરી હતી. વર્ષો પછી વીર કલામને મળ્યા, ત્યારે તેમને આશ્ચર્ય થયું કે તેમને એ જોક્સ સાંભળીને કશું ખરાબ લાગ્યું ન હતું.

'ડોન્ટ સ્પેર મી, શંકર!'

ઇમેજ સ્રોત, Getty Images
એક વાર દિલ્હીમાં સુધીરનાથ નામના કાર્ટૂનિસ્ટનાં કાર્ટૂનોના પ્રદર્શનમાં તત્કાલીન મુખ્ય મંત્રી શીલા દીક્ષિતને સુધીરે તેમની પરનું એક કાર્ટૂન ભેટ ધર્યું હતું, જેમાં તેમને ઊડતી ચકલી તરીકે ચીતરવામાં આવ્યાં હતાં.
તેઓ બહાર નીકળતાં હતાં, તો એક પત્રકારે તેમને પૂછ્યું કે કાર્ટૂનમાં તમારી હાંસી ઉડાવવામાં આવે તો તમને કેવું લાગે? શીલાજીએ જવાબ આપ્યો હતો, "મને જોઈને હસવું આવે. લોકો તમને કેવી રીતે જુએ છે, એ પણ ખબર પડે. મને મજા પડે છે."
તમારું મન ક્યારેય દુભાય? બીજો પ્રશ્ન પુછાયો. "કાર્ટૂનિંગ એક કળા છે. કળાથી મન કેવી રીતે દુભાય?" મુખ્ય મંત્રી હસતાં-હસતાં જવાબ આપીને નીકળી ગયાં.
નહેરુ એકવાર મોસંબી છોલતા હતા. તે જોઈને સિનિયર સાંસદ મહાવીર ત્યાગી બોલેલા કે મોસંબીની છાલમાં વિટામિન હોય છે. નહેરુ પટ દઈને બોલ્યા, 'ત્યાગીજી, તમે વિટામિનનું ધ્યાન રાખો, હું બાકીની મોસંબી ખાઉં.'
ત્યાગી ત્યારે તો ગમ મારી ગયા પણ સંસદમાં નહેરુ હાથમાં આવી ગયા. અક્સાઈ ચીન પરની ચર્ચામાં નહેરુએ એને એવો વિસ્તાર ગણાવ્યો, જ્યાં ઘાસનું તણખલુંય ઊગતું નથી.
ત્યાગીએ ઊભા થઈને નહેરુના માથાની ટાલ બતાવીને કહેલું, 'એમ તો અહીં એકેય વાળ ઊગતો નથી, એનો મતલબ મારે એને દુશ્મનના હાથે જતું કરવાનું?'
નહેરુ બ્રિટિશ રંગે રંગાયેલા લીડર હતા એટલે ત્યાગી આવી મજાક કરી શક્યા.
1939માં, ઝીણા પરના એક કાર્ટૂનને લઈને મહાત્મા ગાંધીએ શંકર પિલ્લાઈને એક કાગળ લખ્યો હતો, "તમારાં કાર્ટૂન સરસ હોય છે, પણ અપમાન કર્યા વગર જો રમૂજ નહીં કરો તો આગળ નહીં વધી શકો. વિષયનો બરાબર અભ્યાસ કરજો, અને બીભત્સ ન બનતા."
શંકર પંડિત નહેરુના સારા મિત્ર હતા, અને કાર્ટૂન માટે નહેરુ તેમનો ગમતો વિષય હતા. શંકરે પંડિતજી પર લગભગ ચાર હજાર કાર્ટૂન દોર્યાં હતાં. નહેરુ ઇન્દિરા પરના પત્રોમાં એ કાર્ટૂન મોકલતા હતા.
બંને એકબીજાનો એટલો આદર કરતા હતા કે 'શંકર્સ વીકલી'ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવચનમાં નહેરુએ શંકરને પાનો ચઢાવેલો, "ડોન્ટ સ્પેર મી, શંકર!" (શંકર, મને પણ કાર્ટૂનમાં ન છોડતા). પાછળથી એ કાર્ટૂનોનું એક પુસ્તક પ્રગટ થયું, ત્યારે તેનું શીર્ષક 'ડોન્ટ સ્પેર મી, શંકર!' રાખવામાં આવ્યું હતું.
ત્યારે નહેરુને છોડવામાં આવતા ન હતા, આજે મંજુલને છોડવામાં નથી આવ્યા.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












