મુનવ્વર ફારૂકીનું એલાન, કોલકતામાં જાન્યુઆરીમાં યોજાશે શો - BBC Top News

હાલમાં કેટલાક વિવાદોને પગલે ચર્ચામાં રહેલા સ્ટેન્ડ-અપ કૉમેડિયન મુનવ્વર ફારૂકી 16 જાન્યુઆરીએ કોલકાતમાં પોતાનો એક શો કરશે.

મુનવ્વર ફારૂકી

ઇમેજ સ્રોત, MUNAWAR FARUQUI/FACEBOOK

મુનવ્વર ફારૂકીએ શનિવારે સાંજે આ શોના ટિકિટ-બુકિંગની લિંક પોતાના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરી છે.

તેમાં જણાવાયું છે કે 16 જાન્યુઆરીએ કોલકતામાં યોજાનારા 'ધંધા' નામનો આ શો બે કલાકનો હશે.

ઓનલાઇન ટિકિટ બૂકિંગ પ્લેટફૉર્મ 'બુક માઈ શો' અનુસાર આ કાર્યક્રમની એક ટિકિટની કિંમત રૂપિયા 799 રાખવામાં આવી છે. ટિકિટ ઝડપથી વેંચાઈ રહી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

આ પહેલાં નવેમ્બર માસમાં કેટલાંક દક્ષિણપંથી સંગઠનોના વિરોધ બાદ બેંગલુરુમાં યોજાનારો તેમનો કાર્યક્રમ રદ કરી દેવાયો હતો. એ વખતે બેંગલુરુ પોલીસે કાર્યક્રમની મંજૂરી નહોતી આપી.

line

મહારાષ્ટ્રમાં વાંદરાઓએ 250 ગલૂડિયાં મારી નાખ્યાં, વનઅધિકારીઓ હરકતમાં આવ્યા

વાંદરા

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના ઔરંગાબાદના વન અધિકારીઓએ કહ્યું છે કે બીડ જિલ્લામાં વાંદરાઓએ કૂતરાંઓના કેટલાંક ગલૂડિયાં મારી નાખ્યાં છે. (પ્રતીકાત્મક તસવીર)

મહારાષ્ટ્રમાં વાંદરાઓએ 250 ગલૂડિયાં મારી નાખ્યાં, વનઅધિકારીઓ હરકતમાં આવ્યા

મહારાષ્ટ્રના ઔરંગાબાદના વનઅધિકારીઓએ કહ્યું છે કે બીડ જિલ્લામાં વાંદરાઓએ કૂતરાંઓનાં કેટલાંક ગલૂડિયાં મારી નાખ્યાં છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર મુજબ આ ઘટના બીડ જિલ્લાના લાવૂલ ગામની છે.

મની કંટ્રોલ વેબસાઇટ મુજબ વાંદરાઓએ 250 કૂતરાં મારી નાખ્યાં છે. જોકે સ્થાનિક અધિકારીઓએ આ સંખ્યાની પુષ્ટિ નથી કરી.

લાવૂલના રહેવાસીઓનો દાવો છે કે કૂતરાંઓએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું ત્યાર બાદ વાંદરાઓએ બદલો લેવા ગલૂડિયાંને માટે મારી નાખ્યાં હતાં.

જોકે માજલગાંવના રાજસ્વવિભાગના સબ-ડિવિજનલ કાર્યાલયના અધિકારીએ કહ્યું કે વાંદરાઓએ બદલો લેવા માટે આવું કર્યું તેના કોઈ પુરાવા નથી.

બીડમાં માજલગાંવ ગ્રામીણના પોલીસ ઇન્સપેક્ટર પી.વી.મુંડેએ કહ્યું કે વાંદરાઓએ કેટલાંય ગલૂડિયાંને મારી નાખ્યાં એ વાત સાચી છે પરંતુ કેટલાં ગલૂડિયાં મરી ગયાં એની પુષ્ટિ નથી થઈ પરંતુ ઔરંગાબાદના વનઅધિકારીઓ આવ્યા હતા અને વાંદરાઓને પકડી ગયા છે.

line

સુવર્ણમંદિર બાદ કપૂરથલામાં 'બેઅદબી'નો મામલો, પંજાબમાં વધતો તણાવ

સુવર્ણમંદિર બાદ કપૂરથલામાં 'બેઅદબી'નો મામલો, પંજાબમાં વધતો તણાવ

ઇમેજ સ્રોત, Pradeep/BBC

ઇમેજ કૅપ્શન, સુવર્ણમંદિર બાદ કપૂરથલામાં 'બેઅદબી'નો મામલો, પંજાબમાં વધતો તણાવ

પંજાબના કપૂરથલાના નિઝામપુર ગામના ગુરુદ્વારામાં રવિવારે સવારે અભદ્ર વર્તન કરવાના આરોપમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી. આ અંગે કપૂરથલાના સિવિલ હૉસ્પિટલના એસએમઓ સંદીપ ધવને ખરાઈ કરી હતી.

કપૂરથલાના એસએસપી હરકવલપ્રીતસિંહનો દાવો છે કે આ ચોરીનો કેસ છે. કેટલાક અહેવાલો પ્રમામે પોલીસે આ વ્યક્તિના મૃત્યુના કેસમાં હત્યાનો ગુનો નોંધવાનું કહ્યું છે.

બીબીસીના સહયોગી પ્રદીપ પંડિત સાથે ફોન પર વાત કરતાં એસએસપીએ કહ્યું કે "આ કેસ 'બેઅદબી'નો નથી, દરબારસાહિબની ઘટના બાદ લોકો આ ઘટનાને પણ જોડી રહ્યા છે."

આ પહેલાં ગુરુદ્વારાના ગ્રંથી અમરતજિતસિંહે એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે 'બેઅદબી'ના ઇરાદાથી આવેલી એક વ્યક્તિને પકડવામાં આવી હતી.

line

ભારતના કિદામ્બી શ્રીકાંતે વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો

કિદામ્બી શ્રીકાંત

ઇમેજ સ્રોત, Robertus Pudyanto

ઇમેજ કૅપ્શન, કિદાંબી શ્રીકાંત વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા છે.

ભારતના બૅડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે ઇતિહાસ રચ્યો છે.

કિદાંબી શ્રીકાંત વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા છે.

તેમણે સ્પેનના હુએલવામાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતના જ ખેલાડી લક્ષ્ય સેનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

એક કલાક અને આઠ મિનિટ ચાલેલી સેમિફાઇનલમાં કિદામ્બીએ લક્ષ્ય સેનને 17-21, 21-14 અને 21-17થી હરાવ્યા હતા.

આ સાથે એવું પ્રથમ વખત બની રહ્યું છે કે વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં ભારતીય પુરુષ ખેલાડીઓ બે મેડલ સાથે પરત ફરશે.

પહેલી જ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને લક્ષ્ય સેને બ્રૉન્ઝ મેડલ પાક્કો કરી લીધો છે, જ્યારે કિદામ્બી શ્રીકાંત માટે ગોલ્ડ મેડલ જીતવાની તક છે.

આ પહેલાં ભારતીય ખેલાડીઓમાં પ્રકાશ પાદુકોણ અને સાંઈ પ્રણિતે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.

શ્રીકાંત અને લક્ષ્ય વચ્ચેની સેમિફાઇનલમાં પ્રથમ બે સેટ પૈકી બંનેએ એક-એક જીત્યો હતો, ત્રીજા નિર્ણાયક સેટમાં શ્રીકાંતે બાજી મારી હતી.

લક્ષ્ય સેને પોતાના પ્રદર્શનથી બતાવ્યું કે આવનારો સમય તેમનો છે. જો તેઓ તેમની ફિટનેસમાં થોડો સુધારો કરે અને તેમના ડ્રૉપ શોટ્સને થોડો વધુ શાર્પ કરે, તો તે ટૂંક સમયમાં ચૅમ્પિયન તરીકે ઉભરી શકે છે.

line

ઉત્તર ભારતમાં શીતલહેર, રાજસ્થાનના સિકર અને ચુરુમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીથી નીચે

રાજસ્થાનના ચુરુમાં તાપમાન -1.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનના ચુરુમાં તાપમાન -1.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર શનિવારે સમગ્ર ઉત્તર ભારતમાં ઘાતક શીતલહેર પ્રસરી ગઈ હતી.

હવામાન વિભાગ પ્રમાણે, સૌથી નીચું તાપમાન રાજસ્થાનના ફતેહપુરમાં શૂન્યની નીચે -3.3 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું.

જ્યારે તેના પાડોશી ચુરુમાં તાપમાન -1.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

જયપુરમાં તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મધ્ય પ્રદેશ રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગ્વાલિયરમાં 4.0 ડિગ્રી નોંધાયું હતું.

મસૂરીમાં તાપમાન રાત્રે બે ડિગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન વિભાગ પ્રમાણે શનિવારે ઉત્તરાખંડમાં લઘુતમ સરેરાશ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ હતું.

જે સામાન્ય કરતા 3 ડિગ્રી ઓછું છે. શીત લહેર કાશ્મિર પરથી આવતા પવનને કારણે ફેલાઈ હતી. હિમાચલના મનાલી, શિમલા, સોલન, કિનૌર, લાહૌલ-સ્પિતિ અને ડેલહાઉસીમાં હિમવર્ષા થતા પાઇપમાં પાણી જામી ગયાં હતાં.

line

સુવર્ણમંદિરમાં કથિત 'બેઅદબી'ના પ્રયાસમાં શંકાસ્પદ વ્યક્તિની હત્યા

સુવર્ણમંદિરની બહાર શીખ લોકો સાથે પોલીસ અધિકારીઓ

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, સુવર્ણમંદિરની બહાર શીખ લોકો સાથે પોલીસ અધિકારીઓ

શનિવારે અમૃતસરના સુવર્ણમંદિરના ગર્ભગૃહમાં કથિત રૂપે 'બેઅદબી' (ધાર્મિક લાગણીઓના આપમાન)ના પ્રયાસ બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ 'શકમંદ' વ્યક્તિની હત્યા કરી નાખી હતી. ઘટનાની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

કથિત 'અપવિત્ર' ઘટના સાંજની પ્રાર્થના- રેહરાસ પાઠ વખતે સાંજે 5.45 કલાકે બની હતી. માથાના વાળ કાપેલી એક વ્યક્તિએ અચાનક ગુરુગ્રંથ સાહિબના 'પ્રકાશ' સ્થાનની ફરતે બાંધેલી ધાતુની વાડ કૂદીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો.

તેના પ્રયાસમાં સફળ થાય તે પહેલાં તેને ફરજ પરના એસજીપીસી કર્મચારીઓ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.

અહેવાલમાં લખવામાં આવ્યું છે કે એસજીપીસીના કર્મચારીઓ તેને નજીકમાં સ્થિત એક રૂમમાં લઈ ગયા. જ્યાં એસજીપીસી ચીફ હરજિન્દરસિંહ ધામીના કહેવા પ્રમાણે, ગુસ્સે ભરાયેલા ભક્તોએ આ વ્યક્તિની હત્યા કરી હતી.

દરમિયાન, ઇશનિંદાનો કથિત પ્રયાસ લાઈવ ટીવી પર જોવા મળ્યો હતો, કારણ કે એક ચૅનલ પર 'પાઠ' ટેલિકાસ્ટ થઈ રહ્યો હતો.

આ ક્લિપ ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફેલાઈ ગઈ હતી અને નિહંગો સહિત વિવિધ શીખ સંગઠનોના સભ્યો સહિત લોકો સુવર્ણમંદિરમાં દોડી આવ્યા હતા.

પંજાબના મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીએ વાસ્તવિક કાવતરાખોરોને પકડીને સમગ્ર મામલાની સંપૂર્ણ પોલીસ તપાસના આદેશ આપ્યા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો