ભારતમાં દર 25 મિનિટે એક ગૃહિણી શા માટે આત્મહત્યા કરે છે?
- લેેખક, ગીતા પાંડેય
- પદ, બીબીસી સંવાદદાતા
નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના તાજેતરના આંકડા અનુસાર ભારતમાં ગયા વર્ષે 22,372 ગૃહિણીઓએ આત્મહત્યા કરી હતી. આ રીતે જોઈએ તો, દરરોજ 61 અને દર 25 મિનિટે એક આત્મહત્યા થાય છે, એમ કહી શકાય.
દેશમાં વર્ષ 2020માં થયેલી કુલ 1,53,052 આત્મહત્યાઓમાંથી એકલી ગૃહિણીઓની આત્મહત્યાની ટકાવારી 14.6 છે અને આત્મહત્યા કરનારી મહિલાઓની સંખ્યા 50 ટકાથી વધુ છે.

ઇમેજ સ્રોત, Getty Images
જો તમને આત્મહત્યાના વિચારો આવતા હોય કે તમારી જાણમાં કોઈ વ્યક્તિને આવું થતું હોય તો, તમે ભારતમાં આસરા વેબસાઇટ કે વૈશ્વિક સ્તર પર બીફ્રેંડર્સ વર્લ્ડવાઇડના માધ્યમથી મદદ લઈ શકો છો. બ્રિટનમાં તમે 116 123 પર સમારિટન્સ હેલ્પલાઇન પર ફોન કરી શકો છો અથવા samaritans.org. પર જઈ શકો છો.
માત્ર ગયા વર્ષે જ આવી સ્થિતિ હતી એવું નથી.
1997માં જ્યારે એનસીઆરબીએ રોજગારના આધારે આત્મહત્યાના આંકડા એકત્ર કરવાનો આરંભ કર્યો ત્યારથી દર વર્ષે ગૃહિણીઓની આત્મહત્યાના આંકડા 20 હજારથી વધારે જ જોવા મળ્યા છે.
વર્ષ 2009માં આ આંકડો 25,092ની મહત્તમ સપાટીએ હતો.
રિપૉર્ટમાં, આ આત્મહત્યાઓ પાછળ "પારિવારિક સમસ્યાઓ" કે "લગ્નસંબંધી મુદ્દા" જેવાં કારણોને જવાબદાર ગણાવાયાં છે.
પરંતુ, એવાં કયાં કારણો છે જેથી હજારો ગૃહિણીઓ આત્મહત્યા કરે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઘરેલુ હિંસા સહન કરતી મહિલાઓ

ઇમેજ સ્રોત, Science Photo Library
માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે, એનું મુખ્ય અને મોટા પ્રમાણમાં જોવા મળે છે તે ઘરેલુ હિંસા છે. તાજેતરમાં થયેલા એક સરકારી સરવેમાં 30 ટકા મહિલાઓએ એમ જણાવેલું કે એમના પતિઓએ ઘરેલુ હિંસા કરી છે.
રોજ-રોજની આ તકલીફો લગ્નને દમનકારી સાબિત કરે છે અને ઘરમાં મહિલાઓના શ્વાસ રુંધાવા લાગે છે.
વારાણસીમાં ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ ઉષા વર્મા શ્રીવાસ્તવે જણાવ્યું કે, "મહિલાઓ ખૂબ જ સહનશીલ હોય છે પરંતુ સહન કરવાની પણ એક સીમા હોય છે."
"18 વર્ષની થતાં જ મોટા ભાગની છોકરીઓનાં લગ્ન થઈ જાય છે. તેઓ પત્ની અને વહુ બની જાય છે અને રાંધવાનું, સાફસફાઈ કરવી અને ઘરનાં કામોમાં આખો દિવસ પસાર કરે છે."
"એમના પર બધા પ્રકારના પ્રતિબંધો મુકાયા હોય છે, એમને ઓછામાં ઓછી આઝાદી હોય છે અને ભાગ્યે જ ક્યારેક એમને પોતાના ખર્ચ માટે પૈસા મળે છે."
તેમણે જણાવ્યું કે, "એમના શિક્ષણ અને સપનાં મહત્ત્વ નથી ધરાવતાં અને એમની મહત્ત્વાકાંક્ષા ધીરે-ધીરે ઓછી થતી જાય છે અને તેઓ નિરાશ થઈ જાય છે. એમનું હોવું એ જ જાણે ત્રાસ બની જાય છે."
ડૉક્ટર ઉષા વર્માએ જણાવ્યું કે બુજુર્ગ મહિલાઓનું આત્મહત્યા કરવાનું કારણ જુદું હોય છે.
એમણે જણાવ્યું કે, "ઘણી મહિલાઓ એકલતાનો સામનો કરે છે. એમનાં બાળકો મોટાં થઈ જાય છે અને ઘરથી જુદાં થઈ જાય છે."
"ઘણી મહિલાઓ મેનોપૉઝ પહેલાંનાં લક્ષણોનો સામનો કરે છે જેનાથી અવસાદ અને ઉદાસી અનુભવાય છે."
ડૉક્ટરે જણાવ્યા અનુસાર, "આત્મહત્યાને સરળતાથી રોકી શકાય અને "જો તમે કોઈને એક સેકન્ડ માટે પણ રોકી લો, તો તેઓ અટકી જાય છે."
મનોચિકિત્સક સૌમિત્ર પઠારેએ આ વાત સમજાવતાં કહ્યું કે, "ભારતમાં મોટા ભાગની આત્મહત્યાઓ આવેશને કારણે થાય છે. "પતિ ઘરે આવે છે, પત્નીને મારે છે અને તેણી આત્મહત્યા કરી લે છે."
ડૉક્ટર સૌમિત્રએ જણાવ્યું કે સ્વતંત્ર સંશોધન અનુસાર આત્મહત્યા કરનારી એક તૃતીયાંશ ભારતીય મહિલાઓ ઘરેલુ હિંસા સહન કરી ચૂકી હોય છે, પરંતુ એનસીઆરબીના આંકડામાં ઘરેલુ હિંસાનો ઉલ્લેખ પણ નથી કરાયો.

મહામારીના કારણે પરિસ્થિતિ બગડી

મેન્ટલ હૅલ્થ એપ વાયસા સાથે જોડાયેલાં મનોચિકિત્સક ચૈતાલી સિન્હાએ જણાવ્યું કે, "ઘરેલુ હિંસા સહન કરનારી મહિલાઓ અનૌપચારિક સહયોગના કારણે જ હિંમત રાખે છે."
ચૈતાલી સિન્હા ત્રણ વર્ષ સુધી મુંબઈમાં એક સરકારી માનસિક રોગની હૉસ્પિટલમાં કામ કરી ચૂક્યાં છે. તેઓ આત્મહત્યાનો પ્રયાસ કરનાર લોકોનું કાઉન્સેલિંગ કરતાં હતાં.
ડૉક્ટર ચૈતાલીએ જણાવ્યું કે "એમણે જોયું કે ટ્રેનમાં મુસાફરી કે પડોશીઓ સાથે શાકભાજી ખરીદવી જેવાં કામો દરમિયાન મહિલાઓ પોતાનું એક ગ્રૂપ બનાવી લે છે, જેનાથી એમને થોડોઘણો સહયોગ મળી જાય છે, જ્યાં તેઓ પોતાના મનની વાતો કરી શકે છે."
તેમણે જણાવ્યું કે, "મનનો ભાર ઠાલવવા માટે એમની પાસે કોઈ સ્થળ નથી હોતું. ક્યારેક કોઈ એક વ્યક્તિ સાથેની વાતચીત જ એમની હિંમતનો આધાર હોય છે."
"પતિ જ્યારે ઘરેથી બહાર જતા રહે છે ત્યારે જ ગૃહિણીઓ માટે ઘરમાં રહેવું સુરક્ષિત હોય છે પણ મહામારી દરમિયાન એ પણ બંધ થઈ ગયું."
"ઘરેલુ હિંસા કરનારા પતિ સાથે રહેવા મહિલાઓ મજબૂર હતી. એમનું બહાર જવા-આવવાનું પણ ઘટી ગયું અને પોતાનાં સુખદુઃખ વહેંચીને મળનારાં સુખ-શાંતિ પણ છીનવાઈ ગયાં. આ બધાં કારણે એમનામાં ગુસ્સો, દુઃખ અને ઉદાસી એકઠાં થતાં ગયાં અને આત્મહત્યા જ એમના માટેનો આખરી રસ્તો બની ગયો."
વૈશ્વિક સ્તરે ભારતમાં સૌથી વધારે આત્મહત્યા થાય છે. ભારતમાં આત્મહત્યા કરનારા પુરુષોની સંખ્યા દુનિયાની એક ચતુર્થાંશ જેટલી છે. તો, 15થી 39 વયમર્યાદાવાળા જૂથમાં આત્મહત્યાના પ્રમાણમાં મહિલાઓની આત્મહત્યાની સંખ્યા 36 ટકા છે.

આત્મહત્યાના સાચા આંકડા

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ, માનસિક વિકૃતિઓ અને આત્મહત્યાને અટકાવવી. જેવા વિષય પર સંશોધન કરનારા ડૉક્ટર પઠારેએ જણાવ્યું કે ભારતના સત્તાવાર આંકડાને ખોટી રીતે સમજવામાં આવે છે અને તેઓ આ સમસ્યાને સંપૂર્ણ રૂપે પ્રગટ નથી કરતા.
તેમણે જણાવ્યું કે, "જો તમે મિલિયન ડેથ સ્ટડી (જેણે 1998-2014 દરમિયાન 24 લાખ ઘરોમાં લગભગ 40 લાખ લોકોનો સરવે કર્યો) કે લૅન્સેટના અધ્યયનને જુઓ તો ભારતમાં આત્મહત્યાની 30 ટકાથી 100 ટકાની વચ્ચેની સંખ્યા ઓછા રિપૉર્ટમાં જોવા મળે છે."
"આત્મહત્યા જેવા વિષય પર આજે પણ ખુલ્લેઆમ વાત નથી થતી. એને કલંક રૂપે જોવાય છે અને મોટા ભાગના પરિવાર એને છુપાવવાની કોશિશ કરે છે. ગ્રામીણ ભારતમાં અટૉપ્સીની કોઈ જરૂર નથી હોતી અને પૈસાદારો સ્થાનિક પોલીસના મેળાપીપણામાં આત્મહત્યાને આકસ્મિક મૃત્યુમાં ખપાવી દેનાર તરીકે જાણીતા છે. પોલીસની નોંધણીઓ ચકાસવામાં નથી આવતી."

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર પઠારેએ જણાવ્યું કે એવા સમયે કે જ્યારે ભારત રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવતી નીતિ વિકસાવી રહ્યું છે, ત્યારે આંકડાની ગુણવત્તા સરખી કરવી એ પ્રાથમિકતા બની જવી જોઈએ.
તેમણે જણાવ્યું કે, "જો ભારતમાં થનારી આત્મહત્યાઓની સંખ્યા જોઈએ તો એ ખૂબ ઓછી છે. દુનિયાભરમાં સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યા ચારથી 20 ગણી વધારે હોય છે. આ રીતે જોઈએ તો, ભારતમાં ગયા વર્ષે આત્મહત્યાના દોઢ લાખ કેસ નોંધાયા હતા, અને એ રીતે આ આંકડો છ લાખથી 60 લાખ સુધીનો હોઈ શકે છે."
ડૉક્ટર પઠારેએ જણાવ્યા અનુસાર આ જોખમવાળી પહેલી વસ્તી છે જેને આત્મહત્યા કરતી રોકવા માટે લક્ષ્યમાં લેવી જોઈએ, પણ ખોટા આંકડાના કારણે આપણે આ કામ સરખી રીતે નથી કરી શકતા.
ડૉક્ટરે જણાવ્યું કે, "દુનિયા આખીમાં થતી આત્મહત્યાઓને 2030 સુધીમાં એક તૃતીયાંશ જેટલી ઘટાડવાનું સંયુક્ત રાષ્ટ્રનું લક્ષ્ય છે. પરંતુ, ગયા વર્ષના મુકાબલે આપણે ત્યાં આ સંખ્યા 10 ટકા વધી ગઈ છે, એ જોતાં એમાં ઘટાડો થવો એ સપના જેવું લાગે છે."
જો તમને આત્મહત્યાના વિચારો આવતા હોય કે તમારી જાણમાં કોઈ વ્યક્તિને આવું થતું હોય તો, તમે ભારતમાં આસરા વેબસાઇટ કે વૈશ્વિક સ્તર પર બીફ્રેંડર્સ વર્લ્ડવાઇડના માધ્યમથી મદદ લઈ શકો છો. બ્રિટનમાં તમે 116 123 પર સમારિટન્સ હેલ્પલાઇન પર ફોન કરી શકો છો અથવા samaritans.org. પર જઈ શકો છો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













