અર્ણવ ગોસ્વામી : એ ન્યૂઝ ઍન્કર જેમને લોકો પ્રેમ પણ કરે છે અને નફરત પણ

અર્નબ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, યોગીતા લિમયે
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરના દિવસોમાં રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અને ન્યૂઝ ઍન્કર અર્ણવ ગોસ્વામી ખુદ એક સમાચારનો મુદ્દો બની ગયા જ્યારે આત્મહત્યાના એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી.

તેઓ આ આરોપોને ખારિજ કરતા કહે છે કે હવે તેમને જામીન મળી ગયા છે પરંતુ આ કેસને લીધે તેમની ધ્રુવીકરણવાળી શખ્સિયતને મજબૂતી મળી છે.

એપ્રિલમાં 'રિપબ્લિક ભારત' પર પોતાના પ્રાઇમ ટાઇમ શોમાં અર્ણવે કહ્યું હતું, "એક એવા દેશમાં જ્યાં 80 ટકા હિંદુઓ રહે છે, ત્યાં હિંદુ થવું ગુનો થઈ ગયો છે."

"હું આજે પૂછું છું કે જો કોઈ મૌલવી અથવા પાદરીની હત્યા થઈ જશે તો શું તેઓ ચૂપ બેસશે?"

અર્ણવ એ વાત વિશે વાત કરી રહ્યા હતા જેમાં બે હિંદુ સાધુ અને તેમના ડ્રાઇવરને ભીડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસ અનુસાર આ લોકોને બાળકચોરીની શંકાના કારણે ભીડે માર માર્યો હતો. હુમલો કરનારા અને પીડિત હિંદુ જ હતા. પરંતુ એક સપ્તાહ પછી પણ 'રિપબ્લિક નેટવર્ક' એવા કાર્યક્રમ કરતું રહ્યું જેમાં દાવો કરવામાં આવતો રહ્યો કે મૃતકોની હિંદુ ઓળખ જ મોતનું કારણ હતી.

ટીકાકારોનું કહેવું છે કે આ અર્ણવના બેબાક, શોરબકોરવાળા અને પક્ષપાતી કવરેજનું અસલી જોખમ છે.

તેઓ કહે છે સત્તારૂઢ ભાજપને ફાયદો પહોંચાડવા માટે આ ચેનલના દર્શકોને ખોટા જાણકારી, દુષ્પ્રચાર, વિભાજનકારી અને ભડકાઉ વિચાર સિંચવામાં આવે છે.

અર્ણવ અને 'રિપબ્લિક ટીવી'એ બીબીસીના ઇન્ટર્વ્યૂના અનુરોધનો કોઈ જવાબ નથી આપ્યો.

સંસ્થાએ ભડકાઉ અને ફૅક ન્યૂઝના સવાલ પર ન કોઈ જવાબ આપ્યા ન તો ભાજપ પ્રત્યે તેમના વલણ મામલે કોઈ ઉત્તર આપ્યો.

line

વિવાદાસ્પદ શૈલી

અર્નબ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

અર્ણવ પહેલી એવી વ્યક્તિ નથી જેમણે કવરેજની આવી સ્ટાઇલ અપનાવી છે પરંતુ તેમણે આ શૈલીને પહેલાં કરતા વધારે ઘોંઘાટયુક્ત અને આક્રમક બનાવી દીધી છે.

તેમની શૈલી પણ ધ્રુવીકરણવાળી હોય છે અને ભારતમાં ધાર્મિક મતભેદોનો ફાયદો ઉઠાવવાનું કામ કરે છે.

એપ્રિલમાં તેમણે એક મુસલમાન સમૂહ 'તબલિગી જમાત' પર લૉકડાઉનના આદેશોના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો અને વડા પ્રધાન મોદીને અપીલ કરી કે તેઓ આ જૂથના નેતાઓને જેલમાં બંધ કરી દે.

મહામારીના શરૂઆતી દિવસોમાં દિલ્હીમાં આ જૂથના લોકો ભેગા થયા હતા અને પછી તેમને દેશભરમાં કોવિડના સંખ્યાબંધ કેસો માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમના આયોજકે ભારપૂર્વક કહ્યું કે આ મરકઝ લૉકડાઉન પહેલાથી ચાલી રહ્યું હતું. વળી આ દાવાની પુષ્ટિ દેશની અદાલતોએ પણ કરી દીધી હતી.

પરંતુ રિપબ્લિક અને અન્ય ચેનલોના ખોટા કવરેજના કારણે સોશિયલ મીડિયા પર ઇસ્લામોફોબિયા સંબંધિત પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

અર્ણવે પોતાના કાર્યક્રમમાં કહ્યું હતું,"આ સમયે જે ખરાબ સ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે, તમને પસંદ નહીં આવે પરંતુ તે માટે દોષિત તબલિગી જમાત છે."

અર્નબ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

જુલાઈમાં ચેનલનું કવરેજ બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પર રહ્યું.

પોલીસનું કહેવું હતું કે તેમનું મૃત્યુ આત્મહત્યાથી થયું છે પરંતુ સુશાંતના પરિવારે તેમનાં મિત્ર રિયા ચક્રવર્તી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપની એફઆઈઆર દાખલ કરાવી દીધી હતી.

રિયાએ આરોપોને નકાર્યાં હતાં પરંતુ આ આરોપોને કારણે સ્ત્રીદ્વેષ અને કડવાશથી ભરેલા કવરેજ શરૂ થઈ ગયા અને ચેનલે રિયાની ધરપકડ માટે અભિયાન પણ ચલાવ્યું હતું.

'ન્યૂઝલૉન્ડ્રી'નાં એક્ઝિક્યૂટિવ એડિટર મનીષા પાંડે કહે છે, "ભારતમાં લોકો રિપબ્લિકની સરખામણી અમેરિકાના ફૉક્સ ન્યૂઝ સાથે કરે છે પરંતુ મને લાગે છે કે આ યોગ્ય નથી. "

"ફૉક્સ ન્યૂઝ પક્ષપાતી અને ટ્રમ્પ સમર્થક લાગે છે પરંતુ રિપબ્લિક ટીવી એકદમ દુષ્પ્રચાર ફેલાવે છે અને કેન્દ્ર સરકારના ફાયદા માટે ઘણી વાર ખોટા સમચાર ચલાવે છે."

"રિપબ્લિક એક રીતે લોકોને રાક્ષસની જેમ રજૂ કરે છે અને ખાસ કરીને એવા લોકોને જેમની પાસે લડવાની તાકત નથી. તે પછી ભલે એક્ટિવિસ્ટ હોય, કે યુવા છાત્ર હોય કે પછી લઘુમતી અથવા પ્રદર્શનકારી હોય."

line

પ્રશંસક પણ અને ટીકાકાર પણ

ટીવી સ્ક્રિનશૉટ

ઇમેજ સ્રોત, SCREENSHOT

'રિપબ્લિક'નો દાવો છે કે તે ભારતમાં સૌથી વધુ જોવામાં આવતી ચેનલ છે.

આ દાવા પર ઘણા લોકો વિશ્વાસ પણ કરે છે કેમ કે ટીઆરપીના આંકડા કંઈક આવું જ કહે છે. પરંતુ હવે તો આ આંકડા પર પણ વિવાદ છે.

અર્ણવ અને તેમની ચૅનલ પર હવે આ આંકડાઓમાં ધાંધલી કરવાની પણ તપાસ થઈ રહી છે. પરંતુ તેઓ આ આરોપોને ખારિજ કરે છે.

પરંતુ એ સ્પષ્ટ છે કે અર્ણવ ગોસ્વામીનો એક મોટો પ્રશંસક વર્ગ પણ છે.

ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ ગિરિધર પસુપુલેટીએ કહ્યું,"રાત્રે જ્યારે હું ઘરે જઉં તો પહેલા રિપબ્લિક ચેનલ ખોલું છે. અર્ણવ ઘણા બહાદુર છે અને સાચું બોલવાની કોશિશ કરે છે."

તેમને પૂછ્યું કે રિપબ્લિક પર લાગેલા ફૅક ન્યૂઝ ફેલાવવાના આરોપને તેમને ફરક પડે છે, તો તેમનું કહેવું હતું,"મને આ વાત પર વિશ્વાસ નથી. તેઓ બધી તપાસ કરીને જ બધું બતાવે છે."

ઍકાઉન્ટન્ટ લછમન અદનાનીનું કહેવું છે, "આ થોડું ઉશ્કેરણીજનક પત્રકારત્વ છે પરંતુ તેનું કામ યોગ્ય સંદેશ પહોંચાડવાનું છે. આ શો બિઝનેસ જેવું પણ છે. "

"ઉશ્કેરણીજનક બાબતોને અવગણીને માહિતીને જોવી જોઈએ જે અન્ય ચેનલો કરતા અહીં અલગ છે."

લેખિકા શોભા ડેનું માનવું છે કે આ પ્રકારનો પ્રભાવ ઘણો ખતરનાક છે.

તેઓ કહે છે,"આપણે વધુ નજર રાખવાની જરૂર છે. વધુ ચેક ઍન્ડ બૅલેન્સની જરૂર છે. બેશક આવી ધમકી અને અસત્યતાવાળા પત્રકારત્વ વગર પણ કામ ચાલી શકે છે જેને ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ કહેવામાં આવી રહ્યું છે."

line

સફર ક્યાંથી શરૂ થયો?

અર્નબ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

અર્ણવ ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં જન્મ્યા હતા. એક સૈન્યઅધિકારીના પુત્ર અર્ણવ દિલ્હી યુનિવર્સિટીથી સ્નાતક થયા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર કર્યું.

તેમણે પોતાની કારકીર્દિની શરૂઆત 'ટેલિગ્રાફ' અખબારથી કરી અને ત્યાર બાદ તેઓ એનડીટીવી ન્યૂઝ ચેનલ સાથે જોડાયા.

તેમના જૂના સહકર્મી તેમને એક એવા પ્રેઝન્ટર તરીકે યાદ કરે છે જેમણે ટીવી પર સાર્થક ડિબેટ કરી હતી.

પરંતુ જ્યારે વર્ષ 2006માં 'ટાઇમ્સ નાઉ' ચેનલ શરૂ થઈ અને અર્ણવને તેનો મુખ્ય ચહેરો બનાવાયા ત્યારથી તેમની ઑનસ્ક્રિન છબિ ધીમેધીમે બદલાતી ગઈ અને આજે તેઓ સૌની સામે છે.

તેમણે ભારતના મધ્યમવર્ગની નસ પકડી જે વર્ષ 2008માં મુંબઈ હુમલાના કારણે કૉંગ્રેસથી નારાજ હતો અને ભ્રષ્ટાચારના કેસોને લીધે ભડકેલો હતો. ધીમેધીમે તેઓ ઘરેઘરે જાણીતા બની ગયા.

વર્ષ 2017માં તેમણે 'રિપલ્બિક ચૅનલ'ની સ્થાપના કરી અને ત્યાર બાદ તેઓ પક્ષપાતી અને કઠોર નજરે પડ્યા.

2019માં તેમણે હિંદી ચૅનલ પણ લૉન્ચ કરી.

પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

શોભા ડે અર્ણવના કાર્યક્રમમાં ભાગ લેતાં હતાં.

તેમણે જણાવ્યું, "જ્યારે એક પત્રકાર તરીકે તેમની વિશ્વસનિયતા હતી ત્યારે તેમના શોમાં હું પેનલિસ્ટ તરીકે જતી હતી. પણ હવે તેમણે નિષ્પક્ષ પત્રકાર તરીકે કામ કરવાનું બંધ કરી દીધું છે એટલે મારા મનમાં તેમના માટેનું સન્માન ખતમ થઈ ગયું છે. "

"તેમણે ઘણી બાબતોમા હદ પાર કરી દીધી છે અને આજે તેમની ઇમાનદારી પર ગંભીર સવાલ થઈ રહ્યા છે."

અર્ણવ ગોસ્વામીની કેટલાક દિવસો પહેલાં એક આર્કિટેક્ટના મૃત્યના મામલે ધરપકડ કરાઈ હતી. તેમણે અર્ણવનો સ્ટુડિયો ડિઝાઈન કર્યો હતો.

અર્ણવ અને તેમની ચેનલ એ વાતનો ઇન્કાર કરે છે કે તેમણે આર્કિટેક્ટને કોઈ નાણાં આપવાનાં બાકી છે.

કેટલાક લોકોનું માનવું છે કે તેમને એટલા માટે નિશાન બનાવવામાં આવે છે કેમ કે તેમણે મહારાષ્ટ્ર સરકારની ઘણી ટીકા કરી છે.

ગોસ્વામીની રાજકીય તાકતનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે તેમની ધરપકડ વખતે ભાજપના કેટલાક પ્રધાનો તેમના સમર્થનમાં આવ્યા હાત અને તેમની ધરપકડને તેમણે પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ગણાવી હતી.

આ એક ચોંકાવનારો દાવો હતો કેમ કે ગત કેટલાંક વર્ષો ભાજપની સરકારવાળાં રાજ્યોમાં કેટલાક પત્રકારોની ધરપકડ થઈ હતી. કેટલાક પર તો રાજદ્રોહ અથવા આતંકવાદનો પણ આરોપ લગાવાવમાં આવ્યો છે.

પરંતુ પાર્ટીના એક પણ નેતાએ અથવા મંત્રીએ તેમના માટે અવાજ નથી ઉઠાવ્યો.

અર્નબ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ પાર્ટીના એક પણ નેતાએ અથવા મંત્રીએ તેમના માટે અવાજ નથી ઉઠાવ્યો.

રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સના પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 180 દેશોમાં ભારતનું સ્થાન 142 છે. ગત પાંચ વર્ષોમાં તે સ્થાન પણ છ ક્રમ નીચે આવ્યું છે.

વર્ષ 2018માં ગલ્ફ ન્યૂઝના એક ઇન્ટરવ્યૂમાં અર્નબને તેમના ભાજપ સાથે પક્ષપાતી હોવા મામલે સવાલ પૂછાયો.

તેના જવાબમાં તેમણે કહ્યું, "આ અપ્રણાણિત દાવો છે. વળી અમે તો મજબૂતીથી ભાજપની ટીકા કરીએ છીએ. જ્યાં ટીકાની જરૂર હોય કરીએ છીએ."

ગત સપ્તાહે અર્નબ ગોસ્વામી સાત દિવસની કસ્ટડી બાદ બહાર આવ્યા અને તેમના પરત ફરવાની ઘટનાને ન્યૂઝ રૂમમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું.

તેમની ટીમે તાળીઓ સાથે તેમનું સ્વાગત કર્યું. અર્નબે પોતાના ભાષણમાં કહ્યું,"તેઓ અમારી પત્રકારિતાના કારણે અમારી પાછળ પડ્યા છે. મારી પત્રકારિતાની મર્યાદાનો નિર્ણય હું કરીશ."

મનીષા પાંડે કહે છે,"રિપબ્લિક જે કરે છે તેને પત્રકારિતા નહીં કહી શકાય. આ એક રિયાલિટી શૉ જેવું કહી શકાય છે. પરંતુ તે લોકોના અભિપ્રાયને અસર કરવામાં સફળ રહે છે અને લોકતંત્ર માટે આ બાબત ચિંતાજનક છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો