કટ્ટરપંથી ઇસ્લામને 'ઠીક કરવા' શું કરી રહ્યું છે ફ્રાન્સ?

ઇમેજ સ્રોત, LUDOVIC MARIN
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅનુઍલ મૅક્રોંએ તેમના દેશના મુસ્લિમ પ્રતિનિધિઓને કહ્યું છે કે તેઓ કટ્ટરપંથી ઇસ્લામને નષ્ટ કરવા માટે 'રિપબ્લિકન મૂલ્યોના ચાર્ટર'ને સ્વિકાર કરે.
બુધવારે મૅક્રોં ફ્રેન્ચ કાઉન્સિલ ઑફ ઝી મુસ્લિમ ફૅઇથ (સીએફસીએમ)ના આઠ નેતાઓને મળ્યા અને કહ્યું કે આ માટે તેમને 15 દિવસની મુદત આપવામાં આવે છે.
તેમના અનુસાર આ ચાર્ટરમાં બીજા મુદ્દાઓ સિવાય બે વાતો સામેલ હોવી જોઈએ. ફ્રાન્સમાં ઇસ્લામ માત્ર એક ધર્મ છે કોઈ રાજકીય આંદોકલન નથી અને આથી તેમાંથી રાજનીતિને હઠાવી લેવી જોઈએ. તથા ફ્રાન્સના મુસ્લિમ સમુદાયમાં કોઈ પણ પ્રકારના વિદેશી હસ્તક્ષેપ પર પ્રતિબંધ લગાવવો પડશે.
રાષ્ટ્રપતિનું કડક વલણ ગત મહિને દેશમાં ત્રણ સંદિગ્ધ ઇસ્લામી ચરમપંથી હુમલા બાદથી જોવા મળી રહ્યું છે.
આ હુમલામાં 16 ઑક્ટોબરે એક 47 વર્ષીય શિક્ષકની હત્યા થઈ હતી તે પણ સામેલ છે. જેમણે પોતાના ક્લાસમાં પયગંબર મોહમ્મદનાં કેટલાંક કાર્ટૂન બતાવ્યાં હતાં.
મુસ્લિમ સમુદાયે આના પર નારાજગી વ્યક્ત કરી હતી અને 18 વર્ષીય ચેચન મૂળના એક યુવકે શિક્ષકનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી.

યુરોપમાં સૌથી વધુ મુસ્લિમ વસતિ ધરાવતો દેશ

ઇમેજ સ્રોત, MARC PIASECK
ફ્રેન્ચ કાઉન્સિલ ઑફ ધ મુસ્લિમ ફૅઇથના નેતાઓએ રાષ્ટ્રપતિને આશ્વાસન આપ્યુ હતું કે તેઓ ચાર્ટર ટૂંક સમયમાં જ તૈયાર કરી લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીએફસીએમ સરકારમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ અને નેતૃત્વ કરનારી એકમાત્ર સંસ્થા છે. જેને સરકારી માન્યતા પણ પ્રાપ્ત છે અને તેની સ્થાપના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સાર્કોઝીએ વર્ષ 2003માં કરી હતી, જ્યારે તેઓ ફ્રાન્સના ગૃહમંત્રી હતા. આ સંસ્થામાં મુસ્લિમ સમુદાયની તમામ મોટી જમાતો સામેલ છે.
ફ્રાન્સની કુલ વસ્તીમાંથી 10 ટકા મુસલમાનો છે, જે યુરોપમાં મુસ્લિમ સમુદાયની સૌથી વધુ વસતિ છે.
ફ્રાન્સના મોટાભાગના મુસ્લિમ તેની પૂર્વ કૉલોની મોરક્કો, ટ્યૂનીશિયા અને અલ્જીરિયાથી આવીને વસ્યા છે. પરંતુ આ સમુદાયની બીજી અને ત્રીજી પેઢી ફ્રાન્સમાં જ જન્મી છે અને મોટી થઈ છે.

વિવાદાસ્પદ બિલનો પ્રસ્તાવ

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅનુઍલ મૅક્રોંનો કટ્ટરપંથી ઇસ્લામ વિરુદ્ધ જંગ ચાર્ટર બનાવવા પર ભાર મૂકવાથી જ સમાપ્ત નથી થઈ જતો.
તેમણે આ બેઠકના કેટલાક કલાકો પહેલા એક બિલનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કેટલાક લોકો વિવાદાસ્પદ ગણાવે છે. આ બિલના કેટલાક મહત્ત્વનાં પાસાં પણ છે.
ધાર્મિક આધારે અધિકારીઓને ડરાવનારાને કઠોર દંડ આપવામાં આવશે. બાળકોને ઘરમાં જ ભણાવવા પર રોક લાગશે.
દરેક બાળકને ઓળખ માટે એક આઇડેન્ટિટી નંબર આપવામાં આવશે જેથી એ વાત પર નજર રાખી શકાય કે તે સ્કૂલ જાય છે કે નહીં. કાનૂન તોડાનારા માતાપિતાને છ મહિનાની જેલ અને સાથે-સાથે દંડ પણ થશે.
કોઈની વ્યક્તિગત જાણકારી એ રીતે શૅર કરવા પર પ્રતિબંધ લગાવાવમાં આવશે જેમાં તેના કારણે અન્ય લોકોને નુકસાન થઈ શકે છે અથવા જે તેમને નુકસાન કરી શકે છે.
રાષ્ટ્રપતિએ 2 ઑક્ટોબરે પણ કંઈક આ જ રીતે પ્રસ્તાવ મૂક્યો હતો અને કહ્યું હતું કે ઇસ્લામમાં સંકટ છે.
ચરમપંથી હુમલા બાદ તેમણે આપેલાં નિવેદનોને ઇસ્લામ વિરોધી ગણવામાં આવ્યાં અને કેટલાક મુસ્લિમ દેશો તેમનાથી નારાજ પણ થયા. કેટલાક દેશોમાં તો ફ્રાન્સની બનાવટના સામાનનો બહિષ્કાર પણ થયો હતો.

ફ્રાન્સનો ઇસ્લામ

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સમાં કેટલાક દાયકાથી ઇસ્લામ એક મોટો મુદ્દો બની ગયો છે. ફ્રાન્સનો કોઈ સરકારી ધર્મ નથી. કેમ કે તે એક સેક્યુલર દેશ છે. તેને દેશમાં laïcité અથવા લાઈસીતે કહેવામાં આવે છે.
આ એવો ધર્મનિરપેક્ષવાદ છે જેને ડાબેરી અને જમણેરી બંનેએ અપનાવ્યો છે. સરકારના વિચારમાં આમાં ઇસ્લામ સંપૂર્ણ રીતે બંધબેસતો નજરે પડતો નથી.
ગત બે વર્ષોથી મૅક્રોં ઇસ્લામને લાઈસીતેમાં લાવવા માટે એક એવી કોશિશ કરી રહ્યા છે જેમાં પૂર્વ રાષ્ટ્રપતિઓને નિષ્ફળતા મળી હતી.
પ્રોફેસર અહમત કુરુ અમેરિકામાં સૅન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીમાં ઇસ્લામી ઇતિહાસના નિષ્ણાત છે. તેમના અનુસાર રાષ્ટ્રપતિ મૅક્રોં ફ્રેન્ચ ઇસ્લામની પોતાની કલ્પનાને થોપી રહ્યા છે અને એક તરફ બેવડી નીતિ પણ અપનાવી રહ્યા છે.
તેઓ કહે છે, "ફ્રાન્સના સૌથી મોટા મુસ્લિમ સંગઠન સીએપસીએમ પાસે મૅક્રોંની નવી માગ ધર્મનિરપેક્ષ રાજ્યના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે."
પ્રોસેર કુરુ કહે છે, "ફ્રાન્સની ધરનિરપેક્ષ શક્તિઓએ કૅથલિક ચર્ચના દબદબાને ખતમ કરવા માટે તેને વિકેન્દ્રીત કરવાની વર્ષો સુધી માગ કરી. પરંતુ હવે મૅક્રોં સીએફસીએમને જૂના ચર્ચની જેમ દરજ્જો આપીને ઇસ્લામ પર તેનો દબદબો સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે."
"તેઓ એવું માનીને આવું કરે છે કે સીએફસીએમનો નિર્ણય તમામ મસ્જિદો માટે બાધ્યકારી રહેશે. કૅથલિક ચર્ચનું વિકેન્દ્રીકરણ ફ્રાન્સનું ઐતિહાસિક લક્ષ્ય રહ્યું છે પરતું હવે ઇસ્લામ પર સીએફસીએમને બેસાડવી એક સ્પષ્ટ વિરોધાભાસી છે."

સીએફસીએમની ટીકા

ઇમેજ સ્રોત, Getty Images
'ધ બૅટલ ફૉર અ ફ્રેન્ચ ઇસ્લામ' નામના એક લેખમાં ફ્રેન્ચ લેખક કરીના પિસર લખે છે કે ફ્રાન્સમાં ઇસ્લામને ફ્રેન્ચ મિજાજમાં આકાર આપવાની કોશિશ નવી વાત નથી.
તેઓ કહે છે, "ધર્મના મૅનેજમૅન્ટ અને ધાર્મિક પ્રશ્નોના પ્રબંધનમાં રાજ્ય હસ્તક્ષેપ નથી કરી શકતું. પરંતુ સરકાર ઇસ્લામના મુદ્દાને આધાર બનાવી પાછલાં 30 વર્ષોમાં માત્ર આવું જ કરવાની કોશિશ કરી રહી છે. આ એક વિરોધાભાસ છે."
હવે સીએપસીએમની જો વાત કરીએ તો આ એક એવી સંસ્થા છે જે સરકારની મદદથી 2003માં સ્થાપિત થઈ પરંતુ સામાન્ય મુસલમાન આના વિશે વધુ જાણતા જ નથી.
કરીના પિસર 2016માં થયેલા એક સર્વેક્ષણ વિશે કહે છે, "બે તૃતિયાંશ મુસલમાનોએ આ સંસ્થાનું નામ પણ નથી સાંભળ્યું."
ફ્રાન્સના એક જાણીતા સામાજિક કાર્યકર્તા મરવાન મહમૂદ કહે છે, "સીએફસીએમની ટીકા એ વાત માટે ઓછી થાય છે કે તેના વિદેશ સાથે સંબંધ છે પરંતુ ટીકા એટલા માટે થાય છે કેમ કે તે મુસલમાનો માટે નિષ્ફળ રહી છે. તે થોપવામાં આવેલી સંસ્થા છે."

વિદેશી હસ્તક્ષેપ બંધ થાય

ઇમેજ સ્રોત, AHMAD GHARABLI
રાષ્ટ્રપતિ ચાર્ટરમાં વિદેશી હસ્તક્ષેપ પર રોક લગાવવાની વાત કરે છે.
ફ્રાન્સમાં મસ્જિદોમાં ઇમામ મોટાભાગે મોરોક્કો, ટ્યૂનિશિયા અને અલ્જિરિયાથી આવે છે. પેરિસની જામા મસ્જિદની આર્થિક મદદ અલ્જિરીયાથી આવે છે. એ પણ સામાન્યરીતે માનવામાં આવે છે કે વર્ષ 2015 બાદ થયેલા તમામ ઇસ્લામી ચરમપંથી હુમલામાં ફ્રાન્સમાં પેદા થયેલા યુવાનો સામેલ હતા.
પરંતુ સ્વિત્ઝર્લૅન્ડમાં જિનિવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિયોપૉલિટિક્સ સ્ટડીઝના પ્રોફેસર ડૉ. એલેક્ઝાન્ડર લૅંબર્ટ કહે છે કે ફ્રેન્ચ સરકાર માટે એ જાણવું જરૂરી છે કે દેશની મુસ્લિમ સંસ્થાઓમાં કઈ વિદેશી તાકતો હસ્તક્ષેપ કરી રહી છે.
તેમના મતે આ એક કઠિન અને જટિલ કામ રહેશે જેનાં પરિણામોમાં એ સ્થાપિત થઈ શકે કે હસ્તક્ષેપ કરનારી તાકત મુસ્લિમ બહુમતવાળા દેશોમાંથી નહીં પણ તે પશ્ચિમી દેશોમાં બેઠી છે.
તેઓ કહે છે, "તમે એ ન ભૂલો કે મૅક્રોં ફ્રાંસીસી ગણરાજ્ય તરફથી બોલે છે પરંતુ તેઓ એક કરિયર-રાજનીતિજ્ઞ નથી. તેઓ રોથસ્ચાઇલ્ડ બૅન્કર એટલે કે કૉર્પોરેટ વિશ્વના છે."
ફ્રેન્ચ ઇસ્લામને ફ્રાંસીસી મૂલ્યોમાં આકાર આપવાની કોશિશમાં રાષ્ટ્રપતિ એકલા નથી. ફ્રાન્સના કેટલાક મુસ્લિમો પણ આવું જ ઇચ્છે છે પરંતુ તેમની સલાહ થોડી અલગ છે.
મોરોક્કો મૂળના યુનૂસ અલ-અઝીઝ દક્ષિણ ફ્રાન્સના શહેર મારસેમાં આઈટીના વ્યવસાય સાથે જોડાયેલા છે.
તેઓ કહે છે, "અમે લિબરલ યુવાનો છીએ. અમારા મિત્રો પણ ગોરા વંશના છે. અમે તેમનાથી અલગ નથી. પરંતુ જ્યારે સરકાર અમને અમારા ધર્મ વિશે તેમની વાતો થોપવા માગે તો સમસ્યા થાય છે."
તેઓ વધુ કહે છે, "મૅક્રોં એક મીડિયા-અનુકૂળ ઇસ્લામ ઇચ્છે છે. એક એવો ઇસ્લામ જે લિવિંગ રૂમમાં ચર્ચામાં સરસ લાગે અને અધિકારીઓને પસંદ હોય તથા જે પોતાના પસંદગીના મુસલમાનોના પ્રતિનિધિત્વની પસંદગી કરી શકે."

ઇસ્લામ અને રાજનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રો અહમત કુરુ રાષ્ટ્રપતિના ઇસ્લામ વિશેના તાજેતરનાં નિવેદનો અને કાર્યવાહી પાછળ 2022માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ છે.
તેઓ કહે છે, "એવું લાગે છે કે રાષ્ટ્રપતિ મૅક્રોં એપ્રિલ 2022માં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી સુધી ઇસ્લામ પર સાર્વજનિક ચર્ચા ચાલુ રાખશે. તેઓ એ મતદારોને લુભાવવાની કોશિશ કરશે જેથી તેમના અને રાઇટ વિંગ પ્રતિદ્વંધી મરીન લ પેન વચ્ચે કોને વોટ આપવો તેનો નિર્ણય ન કરી શકે."
પ્રોફેસર અહમત અનુસાર રાષ્ટ્રપતિ આવું કરીને મોટી ભૂલ કરી રહ્યા છે.
"એક ભૂલ તેઓ ફ્રાન્સના મુસલમાનોને પોતાનાથી અલગ-થલગ કરીને કરી રહ્યા છે. આ મુસલમાનો કટ્ટરવાદી ઇસ્લામ સામે ફ્રાન્સની લડાઈમાં સહયોગી પૂરવાર થઈ શકે છે."
"બીજી ભૂલ તેઓ એ કરી રહ્યા છે કે ફ્રેન્ચ સેક્યુલર સ્ટેટના સિદ્ધાંતો વિરુદ્ધ નીતિ અપનાવી રહ્યા છે. ફ્રેન્ચ સેક્યુલર સ્ટેટનો સિદ્ધાંત છે કે તેઓ ધર્મોથી ખુદને અલગ રાખે છે. પરંતુ મૅક્રોં દાવો કરે છે કે ફ્રેન્ટ સ્ટેટ એક રોશન વિચારવાળો ઇસ્લામ લાવશે. આ ફ્રાન્સની ધર્મનિરપેક્ષતાની નીતિની વિરુદ્ધ છે."
યુનૂસ અલ-અઝીઝના વિચારમાં સરકાર અને સ્ટેટનું કોઈ પણ પગલું એવું ન હોવું જોઈએ જેને મુસ્લિમો પર થોપવામાં આવે.
"આ ક્યારેય સફળ નહીં થાય. વળી એના વિરુદ્દ નકારાત્મક પ્રતિક્રિયાઓ આવી શકે છે. હું સમજી શકું છે કે ઇસ્લામને બહારની નકારાત્મક અસરોથી બચાવવો જોઈએ પરંતુ લાઈસીતેનાં મૂલ્યોને સંપૂર્ણ રીતે અપનાવવાની પ્રક્રિયાને સ્વાભાવિક રીતે થવા દેવી જોઈએ."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












