કાસિમ સુલેમાનીની હત્યા ઇસ્લામિક સ્ટેટ માટે મોટી ગિફ્ટ કેમ?

ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સીરિયા

ઇમેજ સ્રોત, IS PROPAGANDA

    • લેેખક, જેરેમી બૉવેન
    • પદ, મધ્ય-પૂર્વ સંપાદક, બીબીસી

ઈરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય અનેક રીતે અસરદાર છે, પરંતુ એની ખૂબ ઊંડી અસર જેહાદીઓ સામેની અધૂરી લડાઈ પર પણ પડશે.

સુલેમાનીના માર્યા ગયા પછી તરત જ અમેરિકાના નેતૃત્ત્વવાળી ગઠબંધન સેનાએ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધનું પોતાનું અભિયાન રોકી દીધું.

અમેરિકા અને એના સહયોગી દેશોનું કહેવું છે કે હવે તેમની પ્રાથમિકતા પોતાની સુરક્ષા છે.

જો સૈન્ય દૃષ્ટિકોણથી જોઈએ તો કદાચ એમની પાસે કોઈ વિકલ્પ પણ નથી.

ઈરાન અને ઇરાકમાં એમના સમર્થનવાળા સમૂહ મિલિશિયાએ સુલેમાનીની હત્યાનો બદલો લેવાની વાત કરી છે.

ગત અઠવાડિયે બગદાદ હવાઈમથકે અમેરિકન ડ્રોને કરેલા હુમલામાં ઈરાની કુદ્સ દળના કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું.

સુલેમાનીના મોત પછી ઇરાકમાં હાજર અમેરિકન અને અન્ય પશ્ચિમી દેશોના સૈનિકો નિશાના પર આવી ગયા છે.

પરંતુ આ સ્થિતિનો ફાયદો ઇસ્લામિક સ્ટેટ(આઈએસ)ને પણ છે, કેમ કે તે પોતાના પ્રમુખ અબૂ બકર અલ બગદાદીના મોત પછી પાછું બેઠું થવાની કોશિશ કરી રહ્યું છે.

ઇરાકી સંસદે અમેરિકન સૈનિકોને પોતાના દેશ પરત ફરવા કહ્યું છે અને એ માટે ઠરાવ પસાર કર્યો છે, એ પણ ઇસ્લામિક સ્ટેટ માટે સારા સમાચાર છે.

ઇરાકમાં જ્યારે અલ કાયદાનો અસ્ત થયો તો તેના પાયા પર ઇસ્લામિક સ્ટેટે પોતાની ઇમારત ઊભી કરી.

line

હજુ પણ સક્રિય છે ઇસ્લામિક સ્ટેટ

ઇરાકના લડાકુઓ

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY

વર્ષ 2016 અને 2017માં ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટની અસરવાળા વિસ્તારોમાં મોટું સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં ઇસ્લામિક સ્ટેટના અનેક યોદ્ધાઓ માર્યા ગયા અને પકડાઈ ગયા, પરંતુ ઇસ્લામિક સ્ટેટ ખતમ ન થયું.

ઇસ્લામિક સ્ટેટ હજી પણ ઇરાક અને સીરિયામાં અનેક વિસ્તારોમાં સક્રિય છે. તેઓ છુપાઈને હુમલા કરે છે, ખંડણી ઉઘરાવે છે અને લોકોની હત્યા પણ કરે છે.

ઇરાકમાં અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પાસેથી તાલીમ પામેલા સૈનિકો અને પોલીસકર્મીઓ છે જે ઇસ્લામિક સ્ટેટ સામેના જંગમાં સામેલ છે.

સુલેમાનીના મૃત્યુ પછી અમેરિકાએ ન ફક્ત પોતાનું અભિયાન રોકી દીધું છે, પરંતુ સૈન્ય પ્રશિક્ષણ આપવાનું પણ બંધ કરી દીધું છે.

અમેરિકાની સાથે ડૅન્માર્ક અને જર્મનીએ પણ પોતાનું અભિયાન રોકી દીધું છે.

જર્મનીએ પોતાની પ્રશિક્ષકોને જૉર્ડન અને કુવૈત મોકલી દીધા છે.

ઉલ્લેખનીય છે કે ઇસ્લામિક સ્ટેટ સામેના અભિયાનમાં ઇરાકી સૈનિકો સૌથી વધારે જોખમ ઉઠાવે છે પરંતુ તાલીમ અને અન્ય સહાયતા માટે તેઓ અમેરિકન સૈનિકો પર આશ્રિત છે. હવે અમેરિકા પોતાની સૈન્ય સક્રિયતા ઓછી કરી રહ્યું છે.

line

ઇસ્લામિક સ્ટેટ માટે ગિફ્ટ

ઇસ્લામિક સ્ટેટ

ઇમેજ સ્રોત, AFP

જોકે, કથિત ઇસ્લામિક સ્ટેટના યોદ્ધાઓ પાસે જશન મનાવવા માટે અન્ય કારણો પણ છે.

ટ્રમ્પનો કાસિમ સુલેમાનીને મારવાનો નિર્ણય ઇસ્લામિક સ્ટેટ માટે એક શત્રુ દ્વારા બીજા શત્રુની હત્યાનો મામલો છે અને એ કોઈ ગિફ્ટથી કમ નથી.

વર્ષ 2014માં આ જેહાદીઓએ દેશના બીજા ક્રમના મોટા શહેર મોસુલ સમેત ઇરાકના એક મોટા હિસ્સા પર કબજો મેળવી લીધો હતો.

એ પછી ઇરાકના પ્રમુખ શિયા ધર્મગુરૂ આયતુલ્લાહ અલી અલ-સિસ્તાનીએ ઇસ્લામિક સ્ટેટના સુન્ની લડવૈયાઓ સામે હથિયાર ઉઠાવવાની અપીલ કરી હતી.

આ અપીલ પછી હજારો શિયા યુવાનો આગળ આવ્યા. સુલેમાની અને તેમના કુદ્સ દળે તેમને હથિયારસજ્જ કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી અને આ નવું જૂથ ઇસ્લામિક સ્ટેટ માટે કટ્ટર દુશ્મન પૂરવાર થયું.

હવે એ ઈરાન સમર્થિત જૂથોને ઇરાકી સેનામાં સામેલ કરી લેવામાં આવ્યાં છે. આ જૂથોના કેટલાક શક્તિશાળી નેતાઓ હવે મોભાદાર બની ગયા છે.

line

ઈરાન સાથે તણાવના કારણે બદલાઈ પરિસ્થિતિ

લશ્કરી ટૅન્કો અને સૈનિકો

ઇમેજ સ્રોત, AFP

2014 પછી અમેરિકા અને આ જૂથોનું દુશ્મન એક જ, ઇસ્લામિક સ્ટેટ રહ્યું છે, પરંતુ હવે સ્થિતિ બદલાવાની છે.

હવે શિયા સમૂહ ફરી એક વાર 2003ના હુમલા પછી અમેરિકાની સેના વિરુદ્ધ સંઘર્ષ તરફ પાછા ફરશે.

એ દિવસોમાં શિયા સમૂહોને સુલેમાનીએ તાલીમ આપી અને હથિયારો આપ્યાં. આ શિયા લડાકુઓના હાથે અનેક અમેરિકન સૈનિકોનાં મૃત્યુ થયાં છે.

ગત અઠવાડિયે કાસિમ સુલેમાનીને મારવાના ટ્રમ્પના નિર્ણયની પાછળ આ એક મોટું કારણ હતું.

વર્ષ 2018માં જ્યારે ટ્રમ્પે ઈરાન ન્યુક્લિયર સમજૂતીથી હાથ પાછા ખેંચી લીધા ત્યારે બંને દેશો યુદ્ધને રસ્તે આગળ વધતા દેખાયા.

સુલેમાનીના મૃત્યુ અગાઉ આ શિયા સમૂહો ફરી એક વાર અમેરિકન સૈનિકોને નિશાને લેવાનું શરૂ કરી રહ્યા હતા.

ડિસેમ્બરમાં ઉત્તર ઇરાકમાં એક અમેરિકન કૉન્ટ્રેક્ટરની હત્યા થઈ. આના જવાબમાં અમેરિકાએ કરેલા હવાઈ હુમલામાં કતૈબ હિઝબુલ્લાહ નામના સંગઠનના 25 લડાકુઓ માર્યા ગયા.

આ કતૈબ હિઝબુલ્લાહ સમૂહના નેતા અબુ માહદી અલ-મુહાંદિસ બગદાદ ઍરપોર્ટ પર કાસિમ સુલેમાનીને મળ્યા અને એમની કારમાં બેઠા અને એ જ કાર પર અમેરિકાએ ડ્રોન હુમલો કર્યો જેમાં બેઉ માર્યા ગયા.

ચરમપંથીઓ અસ્થિરતા, અરાજકતા અને નબળા તેમજ વહેંચાયેલા દુશ્મનોનો ફાયદો ઉઠાવવામાં માહેર હોય છે એવું જોવામાં આવ્યું છે.

આવું અગાઉ પણ અનેકવાર થઈ ચૂક્યું છે અને ભવિષ્યમાં પણ એવું જ થશે એવી પૂરી સંભાવના છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો