વડોદરા : પાદરાની એમ્સ કંપનીમાં વિસ્ફોટ, પાંચનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, VIDEO GRABE
વડોદરામાં એમ્સ ઑક્સિજન કંપનીમાં વિસ્ફોટની ઘટના ઘટી છે. જિલ્લાના પાદરાના નજીક આવેલા ગવાસદ ગામની કંપનીમાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાં કંપનીમાં કામ કરી રહેલાં મજૂરોનાં મૃત્યુ થયાં છે.
વડોદરા ફાયર બ્રિગેડ-વિભાગના ચીફ ફાયર ઑફિસર પાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર પાદરા નજીક આવેલી એમ્સ કંપનીમાં આ વિસ્ફોટ થયો હતો, તેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે 'હાઇડ્રોજન ઍક્સપ્લોઝન'ની પુષ્ટિ કરી છે.

ઇમેજ સ્રોત, VIDEO GRABE
હાલમાં ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જે વિસ્તારમાં વિસ્ફોટની ઘટના ઘટી એ વિસ્તાર વડુ પોલીસ સ્ટેશનની હેઠળ આવે છે.
વડુ પોલીસ સ્ટેશને બીબીસીને આપેલી માહિતી અનુસાર ગવાસદમાં આવેલી એમ્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડમાં વિસ્ફોટની આ ઘટના ઘટી હતી.
પાંચનાં મૃત્યુ અને ત્રણને ઈજા પહોંચી હોવાની પુષ્ટિ પણ પોલીસ સ્ટેશને કરી છે.
જોકે, સમાચાર સંસ્થા એએનઆઈએ આ ઘટનામાં 6 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું કહ્યું છે.
ગવાસદ ગામના પૂર્વ સરપંચ મહેન્દ્ર પટેલે બીબીસીને જણાવ્યું, "કંપનીમાં ઑક્સિજન અને હાઇડ્રોજનને લઈને કામગીરી ચાલી રહી હતી. ગૅસનું જ્યારે ફિલિંગ કરાઈ રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંપનીના માલિક હજુ સુધી ઘટનાસ્થળે ન પહોંચ્યા હોવાની વાત પણ પૂર્વ સરપંચે કરી છે.

ઇમેજ સ્રોત, VIDEO GRABE
પિરામલ ગ્લાસના સેફ્ટી મૅનેજર નરેન કંજારિયાએ જણાવ્યું કે "મને જાણ થતાં હું આવ્યો અને જોયું તો અહીં ઘણા બધા સિલિન્ડર (હાઇડ્રોજન અને ઑક્સિજન)ના બ્લાસ્ટ થયેલા પડ્યા હતા. અમે બે મૃતદેહ કાઢ્યા છે અને હૉસ્પિટલ ખસેડ્યા છે."
તેમણે વધુમાં કહ્યું કે "કેટલા મૃતદેહ છે એ જાણી શકાયું નથી. હાઇડ્રોજન ગૅસ અંદર લિકેજ છે અને અમને અંદર જવા દેવાતા નથી, કેમ કે હાઇડ્રોજન ગૅસ બૉમ્બ સમાન હોય છે."
સ્થાનિકોએ જણાવ્યું કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે અંદાજે ત્રણ કિલોમિટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો. જેને કારણે લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.
કંપનીમાં વધુ માત્રામાં ઑક્સિજન અને હાઇડ્રોજન હોવાથી દુર્ઘટનાની ગંભીરતા વધી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












